2 રાજઓ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25


પ્રકરણ 1

1 આહાબના મૃત્યુ પછી મોઆબે ઇસ્રાએલ સામે બળવો કર્યો.
2 જયારે અહાઝયા સમરૂનમાં તેના મહેલના ઉપરના ખંડમાં હતો અને ઝરૂખામાંથી પડી ગયો હતો, અને પથારીવશ હતો. ત્યારે ઇજા પામ્યા પછી તેણે પોતાના માંણસોને, એક્રોનના દેવ બઆલ-ઝબૂબ પાસે એમ કહીને મોકલ્યા કે, “જાણી આવો કે હું આ માંદગીમાંથી સાજો થઈશ?”
3 પરંતુ યહોવાના દૂતે તિશ્બેના એલિયાને જણાવ્યું, “અહાઝયાના સંદેશવાહકો પાસે જા, તેઓને પૂછી જો, ‘શું ઇસ્રાએલમાં કોઇ દેવ નથી? તો શા માંટે તમે બઆલઝબૂબ પાસે એવું પૂછવા એક્રોન જાઓ છો કે, રાજાને સારું થશે કે નહિ?
4 તમે આવું બધુ કર્યુ છે તેથી યહોવા એ કહ્યું છે, તું જે પથારીમાં પડયો છે એમાંથી ઊઠવાનો નથી. તું જરૂર મરી જશે.” ત્યાર પછી એલિયા ચાલ્યો ગયો.
5 સંદેશવાહકો રાજા પાસે પાછા ગયા એટલે રાજાએ તેઓને પૂછયું, “તમે શા માંટે આટલા જલદી પાછા આવ્યા?”
6 તેમણે કહ્યું, “એક માંણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જાઓ અને તેને કહો કે, ‘આ યહોવાના વચન છે; ઇસ્રાએલમાં કોઈ દેવ નથી કે, તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂબને જઈને પ્રશ્ર્ન કરો છો? આને કારણે તું જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું જરૂર મરી જશે.”‘
7 રાજાએ પૂછયું, “તમને જે માંણસ મળ્યો હતો અને જેણે તમને આ બધું કહ્યું તે કેવો હતો?”
8 તેમણે કહ્યું, “તે વાળની રુંવાટી વાળો માંણસ હતો અને તેણે તેની કમર ફરતે ચામડાનો પટ્ટો પહેર્યો હતો.”રાજા બોલ્યો, “તે તો તિશ્બેનો એલિયા છે!”
9 ત્યાર પછી રાજાએ પચાસ સૈનિકોના એક નાયકને તેની ટુકડી સાથે એલિયા પાસે મોકલ્યો. તે જયારે ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે તેને એક ટેકરીની ટોચે બેઠેલો જોયો. પેલા નાયકે તેને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ તને નીચે આવવાની આજ્ઞા કરી છે.”
10 એલિયાએ જવાબ આપ્યો, “જો હું દેવનો માંણસ હોઉં તો સ્વર્ગમાંથી નીચે અગ્નિ વરસો અને તું અને તારા સૈનિકો અહીં મરી જશો!”તેથી આકાશમાંથી અગ્નિ નીચે વરસ્યો અને બધા સૈનિકોના મૃત્યુ થયા.
11 રાજાએ પચાસ સૈનિકોના બીજા નાયકને પચાસ સૈનિકો સાથે ફરી મોકલ્યો અને તેણે જઈને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ કહેવડાવ્યું છે કે, ‘તારે અત્યારે જ આવવું પડશે.”‘
12 એલિયાએ કહ્યું, “જો હું દેવનો માંણસ હોઉં, તો આકાશમાંથી અગ્નિ વરસશે અને તું તથા તારા પચાસ સૈનિકો અહીં મરી જશે.” ફરીથી સ્વર્ગમાંથી અગ્નિ વરસ્યો અને બધા સૈનિકોને માંરી નાંખ્યા.
13 ફરી પાછા રાજાએ બીજા પચાસ સૈનિકોને દેવના માંણસ પાસે મોકલ્યા, પચાસ સૈનિકોના ત્રીજા નાયકે એલિયા પાસે આવી તેની આગળ ઘૂંટણિયે પડી વિનંતી કરી કે, “હે દેવના માંણસ, કૃપા કરીને માંરું જીવન તથા આ માંરા પચાસ સૈનિકોના જીવન બચાવશો.
14 છેક સ્વર્ગમાંથી વરસેલા અગ્નિએ અમાંરી પહેલા આવેલા બન્ને નાયકોનો સંહાર કર્યો હતો. તું ચોક્કસ જાણ પણ હવે અમાંરા પર દયા કર.”
15 યહોવાના દૂતે એલિયાને કહ્યું કે, “એની સાથે જા, ગભરાઈશ નહિ.” તે તેની સાથે રાજા પાસે ગયો.
16 અને બોલ્યો, “આ યહોવાનાં વચન છે: કારણ કે ‘તેં એક્રોનના દેવ બઆલઝબૂબને પ્રશ્ર્ન કરવા સંદેશવાહકો મોકલ્યા હતા, તેથી તું હમણા જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું ચોક્કસપણે મરી જશે.”
17 અને જેમ એલિયાએ કહ્યું હતું તેમ યહોવાના શબ્દો સાચા પડ્યાં અને રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહતો એટલે તેનો ભાઈ યહોરામ ઇસ્રાએલીઓનો રાજા બન્યો. યહૂદાના રાજા યહોરામ જે યહોશાફાટનો પુત્ર હતો-તેના શાસનના બીજા વર્ષમાં આ બન્યું
18 અહાઝયાના શાસન દરમ્યાન બનેલા બાકીના બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ વિષેના પુસ્તકમાં આલેખવામાં આવ્યાં છે.
પ્રકરણ 2

1 જય ારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.
2 એલિયાએ એલિશાને કહ્યું કે, “તું અહીં રહે, કારણ કે યહોવાએ મને બેથેલમાં જવાનું કહ્યું છે.”પણ એલિશાએ કહ્યું કે, “યહોવાના અને તમાંરા સમ કે, હું તમને છોડીને જવાનો નથી.”
3 આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
4 પછી એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રોકાઈ જા, યહોવા મને યરીખો મોકલે છે.”એલિશાએ ફરીથી જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ યરીખો ગયા.
5 યરીખોમાં રહેતા પ્રબોધકોના સંઘે એલિશા પાસે જઈ તેને કહ્યું, “તને ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે?”તેણે કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
6 એલિયાએ કહ્યું, “એલિશા, તું અહીં રહી જા, યહોવા તો મને યર્દન મોકલે છે.”પણ તેણે જવાબ આપ્યો, “યહોવાના અને તમાંરા સમ કે હું તમને છોડીને જવાનો નથી.” અને તેઓ આગળ ચાલ્યા.
7 પચાસ પ્રબોધકો તેમની પાછળ પાછળ ગયા. જ્યારે તેઓ યર્દન નદી પાસે ઊભા રહ્યા, ત્યારે પ્રબોધકો તેમનાથી અંતર રાખીને દૂર ઉભા રહ્યાં.
8 એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા.
9 જ્યારે તેઓ નદીની સામે પાર પહોંચી ગયા, ત્યારે એલિયાએ એલિશાને કહ્યું, “દેવ મને તારી પાસેથી લઈ લે તે પહેલાં હું તારે માંટે શું કરું? તારી શી ઇચ્છા છે?”એલિશાએ કહ્યું, “તમાંરી પાસે છે તેનાથી બમણી દૈવી શકિત મને આપો”
10 એલિયાએ કહ્યું, “તારી માંગણી મુશ્કેલ છે, મને તારી પાસેથી લઈ લેવાતો જો તું જોઈ શકીશ, તો તારી ઇચ્છા પૂરી થશે; પણ જો તું જોવા ન પામે તો એ પૂરી નહિ થાય.”
11 આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.
12 એલિશાએ તે જોયું, અને તે બોલી ઊઠયો, “ઓ માંરા બાપ! બાપ રે બાપ! તમે તો ઇસ્રાએલનો રથ અને તેના ઘોડેસવાર છો!”પછી એલિયા તેને દેખાતો બંધ થઈ ગયો ત્યારે એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા.
13 પછી એલિયાનો ઝભ્ભો પડી ગયો હતો, તે તેણે ઉપાડી લીધો, અને પછી તે યર્દનને કિનારે જઈને ઊભો રહ્યો.
14 એલિયાના ઝભ્ભા વડે તેણે નદીના પાણી પર પ્રહાર કર્યો, તે મોટેથી બોલ્યો, “એલિયાના દેવ યહોવા કયાં છે?” અને પાણી બે ભાગમાં વહેચાઇ ગયું, એલિશા નદી પાર કરી ગયો.
15 યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.
16 તેઓએ એલિશાને કહ્યું, “ધણી, તમે અમને માંત્ર આજ્ઞા કરો એટલે શકિતશાળી એવા અમાંરા પચાસ માંણસો જશે અને તમાંરા ધણીની શોધ કરશે, કદાચ યહોવાએ તેને લઇને કોઇ પર્વત પર અથવા ખીણમાં ફેંકી દીધો હોય.”પણ એલિશાએ તેઓને ના પાડી.
17 પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી. આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો.
18 તેઓ પાછા આવ્યા, ત્યાં સુધી એલિશા યરીખોમાં જ રહ્યો હતો, તેણે તેઓને કહ્યું, “તમે જશો નહિ એવું મેં તમને નહોતું કહ્યું?”
19 હવે યરીખો નગરના કેટલાક આગેવાનો એલિશાને મળવા આવ્યા, તેઓએ તેમને કહ્યું, “ધણી, આપ જોઈ શકો છો કે અમાંરું શહેર કેવું રમણીય છે! પણ અહીંનું પાણી સારું નથી અને દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.”
20 તે બોલ્યો, “એક નવો વાટકો લાવો અને તેમાં થોડું મીઠું મૂકો.”લોકો લઈ આવ્યા.
21 એટલે તેણે ઝરણા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “આ યહોવાના વચન છે: ‘હું આ પાણીને નિરોગી કરું છું. હવે પછી એનાથી કોઈને મોત કે કસુવાવડ નહિ આવે.”‘
22 પાણી શુદ્વ થઈ ગયું અને એલિશાએ કહ્યા પ્રમાંણે આજ સુધી એ પાણી શુદ્વ રહ્યું છે.
23 ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.”
24 એલિશાએ પાછળ ફરી તેમને જોયાં, અને યહોવાના નામે તેમને શ્રાપ આપ્યો, તે જ વખતે જંગલમાંથી બે રીંછડીઓ આવી અને બેંતાળીસ બાળકોને રહેંસી નાખ્યા.
25 ત્યાંથી પછી એલિશા કામેર્લ પર્વત પર ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો.
પ્રકરણ 3

1 યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વષેર્ આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ.
2 તેણે યહોવાને નારાજ કરે તેવો કામો કાર્યા હતા, જો કે તેના કાર્યો એ છેક એના માંતા પિતાના કાર્યો જેવા નહોતા, કારણ, એણે એના પિતાએ ઊભુ કરેલુ બઆલનું પૂતળું પૂજાસ્થળેથી કાઢી નાખ્યુ હતું.
3 તેમ છતાં તે નબાટના પુત્ર યરોબઆમ જેણે ઇસ્રાએલી લોકોને પાપ કરવા માંટે પ્રોત્સાહન આપ્યું હતું -તેના પાપને વળગી રહ્યો.
4 મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.
5 જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,
6 એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
7 પછી તેણે યહૂદાના રાજાને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ માંરી સામે બળવો કર્યો છે. મોઆબ પર હુમલો કરવામાં તમે મને સાથ આપશો?”તેણે જવાબ આપ્યો, “જરૂર, આપણે બે કંઈ જુદા નથી; માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે, માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.
8 તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?”યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.”
9 આમ, ઇસ્રાએલનો રાજા યહોરામ યહૂદાના રાજા અને અદોમના રાજાને સાથે લઈ યુદ્ધે ચડયો. સાત દિવસ સુધી ચકરાવાવાળે રસ્તે કૂચ કર્યા પછી લશ્કર માંટે કે સરસામાંન ઉપાડતાં જાનવરો માંટે પાણી ખૂટી ગયું.
10 ત્યારે ઇસ્રાએલનો રાજા બોલી ઊઠયો કે, “અફસોસ! યહોવાએ આપણને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ ભેગાં કર્યા છે!”
11 પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”
12 યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા.
13 પણ એલિશાએ ઇસ્રાએલના રાજાને કહ્યું કે, “માંરી પાસે તમાંરું શું છે? તમે તમાંરા માંતા પિતાના જૂઠા પ્રબોધકો પાસે જાઓ.”ઇસ્રાએલના રાજાએ તેને કહ્યું કે, “ના! યહોવાએ અમને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ બોલાવ્યા છે!”
14 એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત.
15 હવે કોઈ વીણા વગાડનારને માંરી પાસે લઈ આવો.”અને બન્યું એવું કે જ્યારે વીણા વગાડનારે વીણા વગાડવા માંડી એટલે યહોવાની શકિત એલિશામાં આવી.
16 અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો.
17 તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે.
18 પણ આ યહોવાની દ્રષ્ટિએ જાણે ઓછું હોય તેમ તે મોઆબને જ તમાંરા હાથમાં સોંપી દેશે.
19 તમે તેમનાં બધાં જ સારા સારા અને કિલ્લેબંદીવાળા નગરોને ભોંયભેગા કરી નાખશો, બધાં જ સારા વૃક્ષોને કાપી નાખશો, બધાં જ ઝરણાંને પૂરી દેશો, અને પ્રત્યેક ખેતરને તેમાં પથ્થર નાખીને નકામાં બનાવી દેશો.”
20 પછી ખરેખર એમ જ થયું. બીજે દિવસે સવારમાં યજ્ઞ કરવાને વખતે અદોમની દિશામાંથી પાણી વહેવા લાગ્યું અને આખો દેશ જળબંબાકાર થઈ ગયો.
21 જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.
22 બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!
23 તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”
24 પરંતુ જયારે મોઆબીઓ ઇસ્રાએલીની છાવણીએ આવ્યા ત્યારે ઇસ્રાએલીઓએ ઉભા થઇને મોઆબીઓની સામે હુમલો કર્યો અને પછી મોઆબીઓ ત્યાથી ભાગવા લાગ્યા. ઇસ્રાએલીઓએ મોઆબીઓને પૂર્ણ રીતે હરાવ્યા.
25 તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.
26 જયારે મોઆબના રાજાએ જોયું કે, યુદ્ધનું પરિણામ પોતાની વિરૂદ્ધ જાય છે, ત્યારે તેણે સાતસો તરવારધારી સૈનિકોને ભેગા કર્યા, અને અદોમના રાજાના સૈનિકોને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. જો કે તેના પ્રયત્નોમાં તે સફળ ન થયો.
27 મોઆબના રાજાએ તેના પછી તેનો જયે પુત્ર જે રાજા થવાનો હતો તેને લઇને નગરના કોટ પર તેનું બલિદાન ચઢાવ્યું, આથી ઇસ્રાએલીઓ એટલા તો બેબાકળા બની ગયા કે, તેઓએ પીછે હઠ કરીને પોતાને દેશ પાછા ચાલ્યા ગયા.
પ્રકરણ 4

1 હવે પ્રબોધકોના સંઘના એક પ્રબોધકની પત્નીએ એલિશાને કહ્યું, “આપનો સેવક માંરો પતિ મરી ગયો છે, આપ જાણો છો કે, તે યહોવાથી ડરીને ચાલતો હતો, હવે એક લેણદાર આવ્યો છે અને તે માંરા બે પુત્રોને લઈ જઈ ગુલામ બનાવવા માંગે છે.”
2 એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?”તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.”
3 એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ.
4 પછી પાછી આવીને તું તારાં બાળકો સાથે અંદર જઈને બારણાં વાસી દેજે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં અને બરણીમાં રેડવા માંડજે અને જેમ જેમ ભરાઈ જાય તેમ તેમ બરણીઓ બાજુએ મૂકતી જજે.”
5 પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ.
6 જયારે બધી બરણીઓ ભરાઈ ગઈ ત્યારે તેણે બાળકોને કહ્યું, “મને બીજી બરણી આપ.”ત્યારે તેણે કહ્યું, “હવે બરણી રહી નથી.” એટલે તેલ વહેતું બંધ થઈ ગયું!
7 પછી સ્રીએ જઈને દેવના માંણસને આ વાત જણાવી એટલે દેવના માંણસે તેને કહ્યું, “તું જઈને એ તેલ વેચીને તારું દેવું ભરપાઈ કરી દેજે, અને જે નાણાં બાકી રહે તે તારા બાળકો માંટે રાખી લેજે.”
8 એક દિવસ એવું બન્યું કે એલિશા શૂનેમ ગયો હતો. ત્યાં એક ધનવાન સ્રીએ તેને રહેવા અને જમવા માંટે આમંત્રિત કર્યો; આથી તે જયારે જયારે એ બાજુ આવતો, ત્યારે ત્યારે ત્યાં રોકાતો અને જમતો.
9 એ સ્રીએ એક વાર પોતાના પતિને કહ્યું, “મને ખાતરી છે કે જે માંણસ હંમેશા આપણે ત્યાં આવે છે તે દેવનો માંણસ હોવો જોઈએ.
10 તો આપણે એને માંટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પથારી, એક મેજ, એક ખુરસી અને એક દીવાની વ્યવસ્થા કરીએ, તેથી એ જયારે અહીં આવે ત્યારે અહીં આ ઓરડીમાં રહી શકે.”
11 એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો,
12 તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.”નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી.
13 દેવના માંણસે નોકરને કહ્યું, “તું એને એમ કહે કે, ‘તેં અમાંરા માંટે આટલી બધી તકલીફ ઉઠાવી છે તો અમે તારા માંટે શું કરીએ?” રાજા કે લશ્કરના સેનાપતિ તારું ધ્યાન રાખે કે તને બીજી કોઇ મદદ જોઇએ છે?”‘પણ તે સ્રીએ જવાબ આપ્યો, “હું માંરા પોતાના માંણસો વચ્ચે રહું છું અને હું સુખી છું.”
14 થોડીવાર પછી દેવના માંણસે નોકર ગેહઝીનને પૂછયું, “આપણે તેને માંટે શું કરી શકીએ?”ગેહઝીએ જવાબા આપ્યો, “એક વાત છે કે તેની પાસે પુત્ર નથી અને એનો પતિ ઘરડો છે.”
15 એલિશાએ કહ્યું, “એને પાછી બોલાવ.”નોકરે તેને બૂમ પાડી અને તે બારણામાં આવીને ઊભી રહી.
16 એટલે દેવના માંણસે કહ્યું, “આવતે વષેર્ આ વખતે તારા ખોળામાં બાળક હશે.”પણ તેણે કહ્યું, “ના, દેવભકત! આપ દેવના ભકત છો! આ દાસીને છેતરશો નહિ.”
17 પણ એ સ્ત્રીને ગર્ભ રહ્યો જ, અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાંણે, તે વખતે પુત્ર અવતર્યો.
18 પછી તે બાળક મોટો થયો, એક દિવસ એના પિતા ખેતરમાં લણનારાઓ સાથે કામ કરતા હતા, ત્યાં તેમની મુલાકાતે ગયો.
19 એકાએક માંથું દુ:ખતા તેણે તેના પિતાને ફરિયાદ કરી,તેથી તેના પિતાએ પોતાના એક નોકરને કહ્યું, “તું છોકરાને તેની માંતા પાસે ઘેર લઈ જા.”
20 તેથી તે છોકરાને ઘેર લઈ ગયો, તે (છોકરો) તેની માંતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મૃત્યુ પામ્યો.
21 પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ.
22 પછી તેણે પોતાના પતિને કહ્યું, “મને એક ગધેડો અને એક નોકર મોકલી આપો, કારણ કે હું જલ્દીથી દેવના માંણસ પાસે જઇ શકું અને પાછી આવી શકું.”
23 તેના પતિએ પૂછયું, “આજે કેમ? આજે નથી અમાંવાસ્યા કે નથી વિશ્રામવાર.”પણ સ્રીએ જવાબ આપ્યો, “બધું સારું થશે, સૌ સારા વાનાં થશે.”
24 ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”
25 આમ, તે નીકળી પડી અને કામેર્લ પર્વત પર આવી ત્યારે એલિશાએ તેને દૂરથી જોઈને ગેહઝીનને કહ્યું, “જો શૂનેમથી પેલી સ્ત્રીઆવી રહી છે.
26 દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?” તે સ્રીએ જવાબ આપ્યો, “હા”
27 તે ટેકરી પર દેવભકત એલિશાના પગમાં પડી, તેને દૂર કરવા ગેહઝીન આગળ આવ્યો પણ એલિશાએ કહ્યું, “એ છો રહેતી, એના માંથે ભારે દુ:ખ છે, અને યહોવાએ એ વાત માંરાથી છુપાવી છે, મને કહ્યું નથી.”
28 તે સ્ત્રી બોલી, “માંરા મુરબ્બી! મેં આપની પાસે પુત્ર માંગ્યો હતો? મેં એમ નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”
29 એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.”
30 પણ છોકરાની માંતાએ કહ્યું, “યહોવાના સમ, તમાંરા સમ; હું આપને છોડવાની નથી. આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
31 ગેહઝીને તે લોકો કરતાં વહેલાં પહોંચી જઈને લાકડી છોકરાના મોં પર મૂકી, પણ જીવનાં કોઈ લક્ષણ જણાયાં નહિ, આથી તેણે પાછા જઈ એલિશાને જણાવ્યું કે, “છોકરો, હજુ જાગ્યો નથી.”
32 એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો.
33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી.
34 ત્યાર પછી તે પલંગ પર ચઢીને છોકરાની પર લાંબો થયો તેણે પોતાનું મોઢું છોકરાના મોઢાં પર, આંખ છોકરાની આંખ પર અને હાથ છોકરાના હાથની પર એટલે છોકરાના શરીરમાં ગરમાંવો આવ્યો.
35 પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.
36 પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.” એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.”
37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ.
38 એલિશા ગિલ્ગાલ પાછો ફર્યો. તે સમયે ત્યાં મોંધવારી હતી. એક દિવસ જ્યારે પ્રબોધકોનો સમૂહ તેની પાસે બેઠા હતા; ત્યારે તેણે પોતાના નોકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના સમૂહ માંટે માંસની વાનગી રાંધવા માંટે મૂકો.”
39 એક જણ ખેતરમાં શાકપાંદડું ભેગા કરવા ગયો ત્યાં તેણે એક જંગલી વેલામાંથી તેના ગોળ નાના ફળ તોડીને માંસની વાનગી રંધાતી હતી તેમાં નાખ્યાં. પણ તેઓ આને ઓળખતા નહોતા.
40 પછી તેમણે માંણસોને આવીને ખાવા માંટે બોલાવ્યા જેવી તેમણે માંસની વાનગી ચાખી, તેઓ બોલી ઊઠયાં, “દેવના માંણસ, આ તપેલામાં તો મોંત ભર્યું છે!” અને તેઓ તે ખાઈ શકયાં નહિ.
41 ત્યારે એલિશાએ કહ્યું, “તો થોડોલોટ લાવો.” એ લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે માંણસોને પીરસી દો.” અને આ વખતે તપેલામાં કંઈ વાંધો નહોતો.
42 બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”
43 પણ તેના નોકરે કહ્યું, “સો માંણસોને હું આ શી રીતે પીરસું?”છતાં એલિશાએ કહ્યું, “તું તારે લોકોને પીરસી દે. આ યહોવાનાં વચન છે; ‘એ લોકો ખાઈ રહેશે અને વધશે પણ ખરું.”
44 તેણે લોકોને પીરસી દીધું અને તેઓ ખાઈ રહ્યા અને યહોવાના કહેવા મુજબ વધ્યું પણ ખરું.
પ્રકરણ 5

1 અરામના રાજાનો સેનાપતિ નામાંન તેના રાજાનો માંનીતો અને કૃપાપાત્ર માંણસ ગણાતો હતો, કારણ, યહોવાએ એની માંરફતે અરામીઓને વિજય અપાવ્યો હતો. તે વીર યોદ્ધો હતો, પણ તે કોઢથી પીડાતો હતો.
2 અરામના દળો ઇસ્રાએલમાં થઈને પાછાં ફરતાં હતા ત્યારે કેટલાંક બંદીવાનો સાથે એક નાની છોકરીને પણ તેઓ ગુલામ તરીકે પકડી ગયા હતા. તેને નામાંનની પત્નીની દાસી તરીકે રાખવામાં આવી હતી.
3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, “હું ઇચ્છું છું કે, ઇશ્વર કરે ને માંરા શેઠ પ્રબોધક પાસે સમરૂનમાં જાય, તેઓ તેના ચામડીના રોગનો ઇલાજ કરશે!”
4 નામાંને જઈને પોતાના રાજાને કહ્યું કે, ઇસ્રાએલ દેશની છોકરી આમ કહે છે.
5 અરામના રાજાએ કહ્યું, “સારું, તું જરૂર જા, હું ઇસ્રાએલના રાજા પર તને પત્ર લખી આપીશ.”આથી નામાંન 10 મણ ચાંદી, 6,000 સોનામહોર અને 10 જોડ પોશાક લઈને સમરૂન જવા ઉપડયો.
6 તેણે ઇસ્રાએલના રાજાને પત્ર આપ્યો, જે નીચે મુજબ હતો, “હું માંરા સેવક નામાંનને તમાંરી પાસે મોકલું છું, તમે એનો ચામડીનો રોગ કોઢ મટાડશો.”
7 જેવો ઇસ્રાએલના રાજાએ પત્ર વાંચ્યો, તે ગભરાઈ ગયો અને પોતાનાં કપડાં એમ કહેતા ફાડી નાખ્યાં, “કે હું તે કંઈ દેવ નથી કે જે મરેલા માંણસને જીવતો કરે? એણેે મને આ માંણસને એનો રોગ મટાડવા માંટે મોકલી આપ્યો છે! જરૂર એ માંરી સાથે યુદ્ધ કરવા માંગે છે!”
8 પણ જ્યારે દેવના માંણસ એલિશાના જાણવામાં આવ્યુ કે ઇસ્રાએલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે તેને સંદેશો મોકલ્યો: “તું શા માંટે ગભરાઈ ગયો છે? તું નામાંનને માંરી પાસે મોકલ, એટલે એ જાણશે કે અહીં ઇસ્રાએલમાં યહોવાનો એક સાચો પ્રબોધક છે.”
9 તેથી પોતાના રથો અને માંણસો સાથે નામાંન એલિશા પ્રબોધકના ઘરે ગયો અને તેના બારણા સામે આવીને ઊભો રહ્યો.
10 એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, ‘તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.’
11 પણ નામાંન તો ગુસ્સે થઈને બબડતો બબડતો ચાલ્યો ગયો કે, “હું તો એમ ધારતો હતો કે, તે બહાર આવી માંરી પાસે ઊભો રહી, પોતાના દેવ યહોવાનું નામ લઈ, રોગવાળા ભાગ પર હાથ ફેરવી કોઢ મટાડી દેશે.
12 દમસ્કની નદીઓ અબાનાહ અને ફાર્પાર ઇસ્રાએલની બીજી નદીઓ કરતાં વધારે સારી નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુકત ન થઈ શકું? આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો.
13 પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!”
14 આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.
15 ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”
16 પણ એલિશાએ કહ્યું, “જે યહોવાનો હું સેવક છું તેના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ સ્વીકારીશ નહિ.”નામાંને તેને કંઈક સ્વીકારવા માંટે આગ્રહ કર્યો, પણ તેણે માંન્યું નહિ,
17 ત્યારે નામાંન બોલ્યો, “આપ ના જ પાડો છો તો આ સેવકને બે ખચ્ચર માંટી આપો, કારણ, હું હવે યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર્પણ કે યજ્ઞો ચડાવવાનો નથી.
18 માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.”
19 એલિશાએ કહ્યું, “સારું, શાંતિથી જા,”પછી નામાંન સ્વદેશ જવા રવાના થયો.
20 ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.”
21 એમ વિચારીને ગેહઝીએ નામાંનની પાછળ દોડતો નીકળી પડયો. જયારે નામાંને તેને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે રથમાંથી તેને મળવા કૂદી પડયો અને બોલ્યો, “બધું કુશળ તો છે ને?”
22 તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.”
23 નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા.
24 જયારે ગેહઝીએ એલિશા રહેતો હતો તે ટેકરી પર પહોંચ્યો, ત્યારે તેણે પેલા બે માંણસો પાસેથી વસ્તુઓ લઈને ઘરમાં મૂકી દઈ તેમને મોકલી દીધા, પછી તેઓ વિદાય થયા.
25 જયારે તે અંદર જઈને પોતાના શેઠની આગળ ઊભો રહ્યો ત્યારે અલિશાએ કહ્યું, “ગેહઝીએ, તું કયાં ગયો હતો?”ગેહઝીએ કહ્યું, “કયાંય નહિ.”
26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે?
27 એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.”તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.
પ્રકરણ 6

1 એક દિવસે પ્રબોધકોના પુત્રો એલિશાની પાસે ગયા અને તેને કહ્યું, “તું જાણે છે કે, અમાંરી રહેવાની જગ્યા ઘણી સાંકડી છે,
2 માંટે અમે યર્દન જઈએ અને દરેક જણ એક એક મોટું લાકડું લઈ આવીએ અને રહેવા માંટે નિવાસ બાંધીએ.”એલિશાએ કહ્યું, “જાઓ.”
3 ત્યારે એક જણ બોલ્યો, “આપ પણ આ સેવકો સાથે આવવાની કૃપા કરો.”એલિશાએ કહ્યું, “સારું, હું આવીશ.”
4 અને તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેમણે લાકડાં કાપવા માંડયાં.
5 પણ થયું એવું કે એક જણ લાકડા કાપતો હતો, એવામાં તેની કુહાડી જળમાં પડી ગઇ; તે બોલી ઊઠયો, “ગુરુજી, એ કુહાડી તો કોઈની માંગી લાવેલી હતી!”
6 દેવના માંણસ એલિશાએ પૂછયું, “કયાં પડી?”એટલે પેલાએ જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડી કાપીને તે જગાએ નાખી અને લોખંડની કુહાડીને તરતી કરી.
7 પછી તેણે કહ્યું, “ઉપાડી લે.” અને પેલા માંણસે હાથ લંબાવીને તે ઉપાડી લીધી.
8 અરામનો રાજા ઇસ્રાએલ સામે યુદ્ધે ચડયો હતો, એ દરમ્યાન તેણે પોતાના અમલદારોને ચર્ચા કરવા ભેગા કરી કહ્યું, “આપણે અમુક અમુક જગ્યાએ હુમલો કરવા માંગીએ છીએ.”
9 પણ દેવભકત એલિશાએ ઇસ્રાએલના રાજાને સંદેશો મોકલી ચેતવ્યો કે, “અમુક જગ્યાએ સાવધ રહેજો, કારણ, અરામીઓ ત્યાં હુમલો કરનાર છે.”
10 આથી ઇસ્રાએલના રાજાએ દેવના માંણસ એલિશાએ કહેલી જગાએ માંણસો મોકલી આપ્યા. એલિશા દરેક વખતે ચેતવણી આપતો રહ્યો અને રાજા સાવધ થઈ જતો. આવું એક બે વાર નહિ અનેક વાર બન્યું.
11 આથી અરામનો રાજા ખૂબ વ્યથિત થઇ ગયો અને તેણે પોતાના અમલદારોને ભેગા કરી કહ્યું, “તમાંરામાંથી કોણ ફૂટી ગયો છે અને આપણી વાત ઇસ્રાએલના રાજાને જણાવી દે છે? કોણ છે તે?”
12 ત્યારે એક અમલદાર બોલ્યો, “મુરબ્બી રાજા, કોઈ નહિ, પણ ઇસ્રાએલમાં રહેતા પ્રબોધક એલિશા તમે તમાંરા શયનખંડમાં પણ જે શબ્દો ઉચ્ચારો છો, તે ઇસ્રાએલના રાજાને કહી દે છે.”
13 રાજાએ કહ્યું, જાઓ, અને શોધી કાઢો કે, તે કયાં છે, “જેથી હું તેને માંણસો મોકલીને પકડાવી લઉં.”તેને પછી જણાવવામાં આવ્યું કે, “પ્રબોધક અત્યારે દોથાનમાં છે.”
14 એટલે તેણે એક મોટી ટુકડી રથો અને ઘોડાઓ સાથે ત્યાં મોકલી અને તેમણે રાતે પહોંચી જઈ શહેરને ઘેરી લીધું.
15 બીજે દિવસે વહેલી સવારે એલિશાનો ચાકર વહેલો ઊઠયો અને બહાર ગયો, તો તેણે એક સૈન્યની ટુકડીને રથો અને ઘોડાઓ સહિત શહેરને ઘેરો ઘાલીને પડેલી જોઈ, તે બોલી ઊઠયો, “હે શેઠ, હવે તમે શું કરશો?”
16 તેણે કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેઓનાં કરતાં વિશેષ છે.”
17 પછી એલિશાએ યહોવાને પ્રાર્થના કરી કે, “હે યહોવા, તેની આંખો ખોલી નાખો અને તેને જોવા દો.”યહોવાએ તેના ચાકરની આંખ ખોલી નાખી પછી ચાકરને એ જોઇને આશ્ચર્ય થયું કે નગરની આજુબાજુના પર્વતો અગ્નિ રથો અને ઘોડાઓથી ભરાઇ ગયા હતાં.
18 અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.”અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા.
19 પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો.
20 તેઓ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તરત જ એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, હવે તેઓની આંખો ઉઘાડો અને તેઓને જોવા દો.”પછી યહોવાએ તેઓની આંખો ઉઘાડી. તેઓએ જોયું કે તેઓ બરાબર ઇસ્રાએલના પાટનગર સમરૂનની વચ્ચોવચ છે.
21 ઇસ્રાએલના રાજાએ તેમને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “ધણી, હું એમનો વધ કરું?”
22 તેણે જવાબ આપ્યો, “વધ ન કરીશ, જયારે તું તારી તરવાર અને ધનુષને જોરે માંણસોને કેદ પકડે છે ત્યારે પણ તેમનો વધ કરે છે ખરો? એમને ખાવાપીવાનું આપ અને પાછા પોતાના રાજા પાસે જવા દે.”
23 આથી રાજાએ તેમને સારું ખાવાનું આપ્યું, તેમનું ધ્યાન રાખ્યું અને તેઓને તેઓના રાજા પાસે પાછા સ્વદેશ મોકલી દીધા. ત્યારબાદ અરામી ધાડપાડુ ટૂકડીઓએ ઇસ્રાએલ પર કદી હુમલો કર્યા નહિ.
24 આ પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું લશ્કર ભેગું કર્યુ અને સમરૂનને ઘેરો ઘાંલ્યો.
25 શહેરમાં લોકો ભારે ભૂખમરો વેઠતા હતા. દુકાળ એટલો લાંબો ચાલ્યો હતો કે ગધેડાનું 1 માંથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. પા કિલો “કબૂતરની અઘારના”5 ચાંદીના સિક્કા વચાંવી હતી.
26 એક દિવસ ઇસ્રાએલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીતેની સામે આવી અને તેને અરજ કરી, “હે રાજા, અમને મદદ કરો!”
27 રાજાએ કહ્યું, “જો યહોવા તને મદદ ન કરતા હોય, તો હું તને કયાંથી મદદ કરવાનો હતો? તને આપવા માંટે માંરી પાસે નથી અનાજ કે નથી દ્રાક્ષારસ.”
28 પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?”પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’
29 તેથી અમે માંરા પુ્ત્રનું માંસ રાંધીને ખાધું, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, ‘હવે તારા પુત્રને માંરી નાખ કે, આપણે તેનું માંસ ખાઈએ.’ ત્યારે તેણે તેને સંતાડી દીધો.”
30 જેવું રાજાએ આ સાંભળ્યું કે તેણે દુ:ખના માંર્યા પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. જ્યારે રાજા નગરના કોટ પરથી જતો હતો ત્યારે લોકોએ જોયું કે રાજાએ તેના કપડાંની નીચે શણના કપડાં પહેર્યા હતાં.
31 તે બોલ્યો, “જો આજે હું શાફાટના પુત્ર એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવા મારી આવી અને આથી ય ખરાબ હાલત કરો!”
32 એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ અગાઉથી એક સંદેશવાહક મોકલ્યો હતો, પણ તે પહોંચે તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જોયું? એ જન્મજાત ખૂનીએ મારું માથું ઉડાવી દેવાને માણસ મોકલ્યો છે. સાવધ રહેજો. સંદેશવાહક આવે ત્યારે બારણાં વાસી દેજો અને તેને અંદર પ્રવેશવા દેશો નહિ, એની પાછળ જ આવતા એના રાજાનાં પગલાં નથી સંભળાતાં?”
33 હજી તો એલિશા આ વાત કરતો હતો, ત્યાં જ રાજા આવી પહોંચ્યો, અને બોલ્યો, “આ આફત જરૂર યહોવા તરફથી આવેલી છે! મારે યહોવા પાસેથી વધારે મદદની અપેક્ષા શા માટે રાખવી જોઈએ?”
પ્રકરણ 7

1 એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.
2 ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?”અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”
3 હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ?
4 જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”
5 આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું.
6 કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”
7 તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.
8 રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું.
9 પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”
10 આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”
11 પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી.
12 હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.”‘
13 રાજાના અમલદારોમાંના એકે કહ્યું, “તમે કોઇને સત્ય જાણવા ત્યાં મોકલશો તો સારું થશે. ભલે થોડા માણસો નગરમાં બાકી બચેલા ઘોડામાંથી પાંચ ઘોડાને લઇને જાય,આ ઘોડાઓ જો મરી જશે તો તેમનું નશીબ ઇસ્રાએલના નશીબથી જુદું નહિ હોય આખરે તો આપણે બધાં પણ મરી જવાના છીએ.”
14 આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.”
15 તેઓ યર્દન સુધી પાછળ પાછળ ગયા, તો આખો રસ્તો અરામીઓએ ગભરાટમાં ને ગભરાટમાં ફેંકી દીધેલાં વસ્ત્રો અને સરસામાનથી છવાઈ ગયેલો હતો. સંદેશવાહકોએ પાછા આવીને રાજાને ખબર આપી.
16 પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં
17 રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી.
18 એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું.
19 ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.”
20 અને એમ જ બન્યું; લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો.
પ્રકરણ 8

1 જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”
2 તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.
3 સાત વર્ષ પૂરાં થતાં તેણે પાછાં આવીને પોતાનું ઘર અને જમીન પાછાં મેળવવા માટે રાજાને જઈને ફરિયાદ કરી.
4 હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”
5 ગેહઝી રાજાને એલિશાએ સજીવન કરેલા છોકરાની વાત કરતો હતો, ત્યાં જ તે સ્ત્રીએ રાજાને પોતાનું ઘર અને જમીન પાછાં અપાવવા વિનંતી કરી, એટલે ગેહઝી બોલ્યો, “મારા મુરબ્બી અને રાજા, આ જ તે સ્ત્રીછે અને આ જ તેનો છોકરો છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”
6 રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?”સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે.
7 પછી એલિશા અરામના પાટનગર દમસ્કમાં ગયો , ત્યાં બેન-હદાદ, રાજા માંદગીમાં પથારીવશ હતો, અને તેને ખબર મળી કે, “દેવના માણસ છેક આપણે આંગણે આવ્યા છે.”
8 જ્યારે રાજાએ એ જાણ્યું, ત્યારે તેણે હઝાએલને કહ્યું, “કંઈ ભેટ લઈને એલિશા ને મળવા જા. તેમની મારફતે યહોવાને પ્રશ્ર્ન કરીને જાણી લાવ કે, હું આ માંદગીમાંથી સાજો થઈશ કે કેમ.”
9 આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, ‘હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?”
10 એલિશાએ જવાબ આપ્યો, “જા અને તેને એમ કહે કે, ‘તું ચોક્કસ સાજો થશે પરંતુ યહોવાએ મને જણાવ્યું કે, તું જરૂર મરણ પામશે.”
11 પછી એલિશા તેની સામે જ્યાં સુધી તે ક્ષોભ પામ્યો ત્યાં સુધી અનિમેષ ષ્ટિથી જોતો રહ્યો પછી દેવનો માણસ રડી પડયો.
12 હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?”એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”
13 હઝાએલ બોલ્યો, “પણ આ સેવક તે શી વિસાતમાં? હું તો એક કૂતરો માત્ર છું, એવું મોટુ કામ શી રીતે કરી શકું?”એલિશાએ કહ્યું, “તું અરામનો રાજા થવાનો છે તે યહોવાએ મને બતાવ્યું છે.”
14 હઝાએલ એલિશા પાસેથી નીકળીને પાછો પોતાના રાજા પાસે આવ્યો. તેણે તેને પૂછયું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તમારા સાજા થવાની જાણ એલિશાએ મને કરી છે.”
15 બીજે દિવસે હઝાએલે એક ધાબળો લીધો. તેને પાણીમાં પલાળ્યો, પછી તેને રાજાના મોં પર વીંટાળી દીધો. રાજા ગૂંગળાઈને મરણ પામ્યો, તેની જગાએ હઝાએલ રાજા થયો.
16 તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.
17 યહોરામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 32 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ્ય કર્યું.
18 તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું.
19 પરંતુ યહોવા યહૂદાનો વિનાશ કરવા માગતાં નહોતા, કારણ કે તેમનો પોતાનો સેવક દાઉદ જેને તેમણે વચન આપ્યું હતું કે, હું તારા વંશનો દીવો હંમેશા ઝળહળતો રાખીશ.
20 યહોરામના શાસનકાળ દરમ્યાન, અદોમીઓ યહૂદાના શાસનમાંથી છૂટા પડી ગયા અને પોતાના માટે એક રાજા પસંદ કર્યો.
21 યહોરામ પોતાના બધા રથો લઇને યર્દન નદીને સામે કાંઠે અને તેના રથના સેનાપતિઓ સાથે સાઈર ચાલ્યો ગયો. પછી રાત્રે ઊઠીને અદોમીઓ પર હુમલો કર્યો જેણે તેને ઘેરી લીધા હતા.પણ તેની લશ્કરી ટૂકડીઓ પોતાના ઘરે નાસી ગઇ.
22 આ રીતે અદોમે બળવો કર્યો હતો અને યહૂદાના શાસન માંથી મુકિત મેળવી હતી. જે આજ દિવસ સુધી આ પ્રમાણે જ છે. લિબ્નાહે પણ યહૂદા સામે આજ રીતે બળવો કર્યો હતો.
23 યહોરામના શાસન દરમ્યાનનાં બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો “યહૂદાના રાજાઓના ઈતિહાસ નામક પુસ્તકમાં લખાયેલા છે.”
24 ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.
25 જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું.
26 અહાઝયા રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો, પણ તેણે યરૂશાલેમમાં માત્ર એક વર્ષ સુધી રાજ્ય કર્યું, તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇસ્રાએલના રાજા ઓમ્રીની પુત્રી હતી.
27 તે આહાબના કુટુંબને પગલે ચાલ્યો અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. કારણ, તે એ કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડાયેલો હતો.
28 અહાઝયા આહાબના પુત્ર યોરામ જોડે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલયાદ મુકામે યુદ્ધે ચડયો, પણ અરામીઓએ યોરામને ઘાયલ કર્યો.
29 રાજા યોરામ જે અરામના રાજા હઝાએલ સાથે લડતાં ઘાયલ થયો હતો, તે તેમાંથી સાજો થવા પાછો યિઝએલ ચાલ્યો ગયો, તે માંદો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝએલ ગયો.
પ્રકરણ 9

1 આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા.
2 તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે.
3 પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”
4 તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો.
5 તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા. તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”
6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું.
7 તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે.
8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.
9 નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ.
10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.”‘ પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.
11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”
12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, ‘તેના કેહવાનો સાર આ હતો: તેણે કહ્યું; આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.”‘
13 વાત સાંભળીને તે લોકોેએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”
14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ -ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.
15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”
16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.
17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમંા એક ટૂકડી આવતી દેખાય છે.”ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”
18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?”‘યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”
19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”
20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”
21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.
22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”
23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”
24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે;
26 “ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમંા ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”
27 યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધંુ જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો.
28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમંા દફનાવ્યો.
29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.
30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.
31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”
32 યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું.
33 એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી.
34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”
35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું.
36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે;
37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.”‘
પ્રકરણ 10

1 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું;
2 “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે.
3 એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.”
4 પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”
5 આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો
6 ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.” રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં.
7 જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં.
8 સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”
9 બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા?
10 તમે એ જરૂર સમજી લો કે, યહોવાએ આહાબના કુટુંબ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને તેણે જે કહ્યું છે એ બધું જ બનશે. યહોવાએ પોતાના સેવક એલિયા મારફતે સંદેશો મોકલ્યો હતો અને તેણે જે કહ્યું હતું તે સાચું કરી બતાવ્યું છે.”
11 ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.
12 પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો.
13 રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”
14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.”તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.યહોનાદાબને મળતો યેહૂ
15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી.પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”યહોનાદાબે કહ્યું, “હા છું.”પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.
16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.
18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે.
19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું.
20 યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.’ અને મેળો બોલાવવામાં આવ્યો.
21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.
22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.”એટલે તે લઈ આવ્યો.
23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!”
24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો.યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”
25 દહનાર્પણ પછી તેણે નાયકો અને ચોકીદારોને કહ્યું, “અંદર જાઓ અને બધાંને મારી નાખો, એકનેય જવા દેશો નહિ.”ચોકીદાર અને નાયકોએ અંદર જઈને એકેએકની હત્યા કરતાં કરતાં છેક બઆલના મંદિરના ગર્ભગૃહ સુધી પ્રયાણ કર્યું.
26 બઆલના મંદિરમાં જે સ્તંભ હતો તેને તેઓ બહાર લઇ આવ્યા અને તેને બાળી મૂકયો.
27 આ રીતે તેઓએ બઆલના સ્તંભનો વિનાશ કરી નાખ્યો. તેઓએ બઆલના દેવનું મંદિર તોડી પાડ્યું અને તે જગ્યાને જાહેર શૌચાલય બનાવી દીધું જે આજે પણ છે.
28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું.
29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.
30 પછી યહોવાએ યેહૂને કહ્યું, “આહાબના પરિવારનો નાશ કરવા માટેની મારી આજ્ઞાનું પાલન તેઁ કર્યું છે તેથી હું તારા પુત્રને, પૌત્રને અને પ્રપૌત્રીને એમ ચોથી પેઢી સુધી તારા વંશજોને ઇસ્રાએલની ગાદી પર બેસાડીશ.”
31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.
32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી.
33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો.
34 યેહૂના રાજયનાં બીજાં બનાવો અને કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ કાળ વૃત્તાંતમાં નોંધેલા છે.
35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો.
36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું.
પ્રકરણ 11

1 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.
2 પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,
3 તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.
4 સાતમે વષેર્ મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.
5 “તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે.
6 બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો.
7 જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે.
8 રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”
9 તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.
10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં.
11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા.
12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”
13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ.
14 જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”
15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”
16 તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.
17 યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાનેે વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.
18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા.
19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું.
20 અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.
21 યોઆશ જ્યારે રાજ કરવા આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતીં.
પ્રકરણ 12

1 યેહૂના ઇસ્રાએલના રાજા તરીકેના શાસનના સાતમે વષેર્ યોઆશ રાજા બન્યો હતો, અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ હતું. તેની માનું નામ સિબ્યા હતું અને તે બેરશેબાની હતી.
2 યહોયાદા યાજકના ઉપદેશાનુસાર તેણે જીવન પર્યત યહોવાની નજરમાં સાચાં ગણાય એવાં કાર્યો કર્યા હતાં.
3 તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.
4 યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ.
5 અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.
6 પરંતુ યાજકોએ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી મંદિરમાં જરૂરી કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવ્યું નહોતું.
7 તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”
8 યાજકો લોકો પાસેથી કોઇ પૈસા ન લેવા તેમજ મંદિરનું સમારકામ બંધ કરાવવા માટે કબૂલ થયાં.
9 પછી યહોયાદા યાજકે એક મોટી પેટી બનાવડાવી, તેના ઢાંકણામાં કાણું પડાવ્યું અને તેણે એ પેટીને મંદિરના પ્રવેશદ્વાર પાસે બલિદાનની વેદીની જમણી બાજુએ મૂકાવી. મંદિરના દરવાજે કામ કરતા યાજકો લોકો મંદિરમાં જે કોઈ પૈસા લાવતા તે બધાં તે પેટીમાં નાખતા.
10 તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં.
11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા,
12 લાકડાના વેપારીઓ, પથ્થર અને ઇટના વેપારીઓ, અને જેઓએ યહોવાના મંદિરના બાંધકામ માટે સામગ્રી આપી હોય તેમને અને યહોવાના મંદિરના સમારકામ માટેની સામગ્રી લેવા માટે આપતા હતા.
13 આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં.
14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા.
15 જે દેખરેખ રાખનારા મુકાદૃમોને એ નાણાં કારીગરોને ચૂકવવા માટે આપવામાં આવતાં હતાં તેમની પાસે કશો હિસાબ માગવામાં આવતો નહોતો, કારણ કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસુ હતા.
16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.
17 આ અરસામાં અરામનો રાજા હઝાએલ ગાથની સામે યુદ્ધે ચડયો અને તેને કબજે કરી યરૂશાલેમ પર હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો.
18 તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યાં; એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો.
19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.
20 તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો.
21 તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા.તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.
પ્રકરણ 13

1 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું.
2 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપકમોર્ કર્યા હતા તે ચાલુ રાખ્યાં, તેણે તે છોડ્યા નહિ.
3 તેથી યહોવા ઇસ્રાએલીઓ પર ગુસ્સે થયા. અને તેણે તેમને વષોર્ સુધી અરામના રાજા હઝાએલને અને તેના પુત્ર બેન-હદાદને ગુલામ તરીકે સોંપી દીધાં.
4 પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયંુ હતું.
5 યહોવાએ ઇસ્રાએલને એક છોડાવનાર આપ્યો અને તેણે ઇસ્રાએલીઓને અરામના પંજામાંથી મુકત કર્યા અને તેઓ ફરી પોતાનાં ઘરમાં પહેલાંની જેમ સુખશાંતિમાં રહેવા લાગ્યા.
6 છતાં યરોબઆમે તેમની પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ. સમરૂનમાં અશેરા દેવીની એક પ્રતિમા પણ હતી.
7 યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.
8 યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
9 પછી યહોઆહાઝ મરી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, પછી તેનો પુત્ર યોઆશ ગાદી પર બેઠો.
10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું,
11 તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપ કમોર્ કર્યા હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.
12 રાજાનું શાસન, તેમાં બનેલા અને તેણે કરેલાં મહાન કાર્યો તેણે યહૂદાના અમાસ્યા સામે લડેલી લડાઇ સહિત, બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલું છે.
13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો.
14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”
15 એલિશાએ કહ્યું, “ધનુષબાણ લઈ આવ.”અને તેણે ધનુષબાણ મંગાવ્યાં.
16 પછી એલિશાએ રાજાને કહ્યું, “ધનુષ્ય પર બાણ ચડાવ.” અને તેણે ચડાવ્યું, એલિશાએ પોતાના હાથ તેના હાથ પર મૂકયા અને કહ્યું,
17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું,”બાણ છોડ.” અને તેણે છોડયું,એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”
18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.” રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો.
19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”
20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો. વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી.
21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો.
22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો.
23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.”
24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો.
25 ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.
પ્રકરણ 14

1 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વષેર્ યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો.
2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી.
3 અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો.
4 પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા,
6 પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”
7 અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ યોકતએલ પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.”
8 પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”
9 રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.
10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”
11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા.
12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા.
13 ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી.
14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.
15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.
17 ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો.
18 અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો.
20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો.
22 અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15 મા વષેર્ યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું.
24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકમોર્ કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ,
25 ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી,
26 કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું.
27 પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.
28 યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે.
29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.
પ્રકરણ 15

1 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27 માઁ વષેર્ અમાસ્યાનો પુત્ર ‘અઝાર્યા’ યહૂદાનો રાજા થયો.
2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. તેણે 52 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યખોલ્યા હતું, અને તેનું વતન યરૂશાલેમ હતું.
3 તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો.
4 મહત્વના ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહિ, લોકોએ ત્યાં બલિદાનો આપવાનું અને ધૂપસળી પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
6 હવે અઝાર્યાનાં શાસનના બીજા બનાવો, યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
7 તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.
8 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38 માં વષેર્ યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું.
9 તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે પાપકમોર્ છોડયાં નહિ.
10 યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો.
11 ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
12 આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું.
13 ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.
14 ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો.
15 રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
16 એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.
17 યહૂદાના રાજા અઝાર્યાએ 39 વષોર્ સુધી શાસન કર્યુ અને તે વષેર્ ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું.
18 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકમોર્ કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ.
19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલોચાંદી આપી.
20 આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો.
21 મનાહેમના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
22 આમ, મનાહેમ મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. તેના પછી, તેનો પુત્ર પકાહ્યા સિંહાસન પર બેઠો.
23 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50 મે વષેર્ મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે2 વર્ષ રાજ કર્યુ.
24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકમોર્ શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.
25 રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો.
26 પકાહ્યાનાઁ શાસનના બીજ બનાવો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
27 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વષેર્ પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું.
28 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકમોર્ કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ.
29 ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.
30 યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વષેર્ એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.
31 પેકાહનાઁ શાસનનાં બાકીનાઁ બનાવો અને બીજાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
32 ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો.
33 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી.
34 તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.
35 પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)
36 યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
37 એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.
38 પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.
પ્રકરણ 16

1 રમાલ્યાના પુત્ર પેકાહના શાસનનું
17 મું વર્ષ ચાલતું હતું, યહૂદાના રાજા યોથામનો પુત્ર આહાઝ રાજા બન્યો.
2 જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર
20 વર્ષની હતી, તેણે યરૂશાલેમ પર
16 વર્ષ શાસન કર્યુ, તેણે દાઉદની જેમ પોતાના દેવ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય એવું કંઇ કર્યું નહિ.
3 તે ઇસ્રાએલી રાજાઓને પગલે ચાલ્યો; તેણે પોતાના પુત્રને પણ અગ્નિની આરપાર ચલાવ્યો હતો. આ એ લોકો દ્ધારા અનુસરાતી ઘૃણાજનક પ્રણાલી હતી, જેમને યહોવાએ ઇસ્રાએલમાંથી હાંકી કાઢયા હતાં જ્યારે તેમણે ઇસ્રાએલ પર હુમલો કર્યો હતો
4 ત્યારે ડુંગરોને ટેકરીઓ પરનાં થાનકોએ, અને દરેક ઘટાદાર વૃક્ષો નીચે તે યજ્ઞો અને ધૂપ ચડાવતો.
5 આ સમય દરમ્યાન અરામના રાજા રસીન અને ઇસ્રાએલના રાજા પેકાહ બિન રમાલ્યાએ યરૂશાલેમ પર ચડાઈ કરી આહાઝને ઘેરી લીધો, પણ તેને નમાવી ન શકયા.
6 તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું કબજે કરી લીધું, ને તેણે એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢયાં. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે.
7 પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “હું તથા આપના પુત્ર બરાબર છીએ. અને આપનો સેવક છું, આવો, અને ઇસ્રાએલના રાજાઓ અને અરામીઓ સામે લડવામાં મારી મદદ કરો.”
8 આહાઝે મંદિરમાંના અને રાજમહેલના ભંડારમાંના સોનું તથા ચાંદી લઈને આશ્શૂરના રાજાને ભેટ મોકલી આપ્યાં.
9 આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.
10 રાજા આહાઝ જયારે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને મળવા દમસ્ક ગયો ત્યારે તેણે દમસ્કની વેદી જોઈ, પછી તેણે એ વેદીનાં બધાં માપ સાથેની આકૃતિ યાજક ઊરિયાને મોકલી.
11 પછી દમસ્કથી આહાઝે મોકલેલી રૂપરેખા પ્રમાણે યાજક ઊરિયાએ યરૂશાલેમમાં એક વેદી બંધાવી. આહાઝ દમસ્કથી પાછો ફરે તે પહેલાં તેણે વેદી તૈયાર કરાવી દીધી.
12 રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી,
13 અને પોતાના તરફથી દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ચડાવ્યાં અને પોતે ચડાવેલાં શાંત્યર્પણનાં પશુઓનું લોહી વેદી પર છાંટયું.
14 મંદિરની આગળ ઉભી કરેલી કાંસાની વેદીને તેણે ખસેડીને નવી વેદીની ઉત્તર તરફ મૂકાવી દીધી. એટલે કે મંદિર અને નવી વેદીની વચ્ચે.
15 પછી રાજા આહાઝે યાજક ઊરિયાને આજ્ઞા કરી કે, “હવેથી તમારે સવારની આહુતિ અને સાંજનું અર્પણ અને રાજાના અર્પણો બધા લોકોની આહુતિ અને પેયાર્પણો બધુ આ મોટી વેદી પર જ ચડાવવું. દરેક બલિદાનોનું લોહી અને બધાં અર્પણોનું લોહી તેની પર જ છાંટવું. કાંસાની વેદી ફકત મારી એકલાની જ રહેશે.”
16 યાજક ઊરિયાએ રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું.
17 રાજા આહાઝે ખસતી ઘોડીઓની આડી પાટડીઓ કાઢી નાખી, અને તેમાથી કૂંડીઓ હટાવી દીધી, અને કાંસાના બળદો પર જ્યાં તેમને રાખી હતી ત્યાંથી ઉપાડીને પથ્થરની ઘોડી પર મૂકી દીધી.
18 આશ્શૂરના રાજાને પ્રસન્ન કરવા માટે તેણે મંદિરમાંથી પડદાવાળી બેસવાની જગ્યા અને બહારનો દરવાજો પણ દૂર કરી નાખ્યો.
19 આહાઝના શાસનનાં બીજાં બધાં કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
20 અને એ પછી રાજા આહાઝ મૃત્યુ પામ્યો અને તે પિતૃઓ ભેગો પોઢી ગયો, અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદીએ આવ્યો.
પ્રકરણ 17

1 યહૂદાના રાજા આહાઝના શાસનનું
12 મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે
9 વર્ષ શાસન કર્યુ,
2 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે ઇસ્રાએલના આગળના રાજાઓ જેવું નહિ.
3 આ આશ્શૂરના રાજા શાલ્માનેસેરે હોશિયાને હરાવ્યો અને હોશિયા તેનો ગુલામ બની ગયો અને તેને ખંડણી આપતો હતો.
4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા ‘સો’ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.
5 પછી આશ્શૂરનો રાજા સમગ્ર દેશ પર ચઢી આવ્યો, ને સમરૂન સુધી આવીને
3 વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો.
6 હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇસ્રાએલીઓએ તેમને મિસરના રાજા ફારુનની ચુંગાલમાંથી છોડાવી, મિસરની બહાર લાવનાર પોતાના દેવ યહોવાનો ગુનો કર્યો હતો, તેમણે બીજા દેવોની પૂજા કરવા માંડી હતી,
8 તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા.
9 યહોવા દેવની દ્રષ્ટિએ અયોગ્ય હતું તેવું આચરણ ઇસ્રાએલીઓએ ગુપ્ત રીતે કર્યુ. તેઓએ તેમના બધાં શહેરોમાં, નિરીક્ષણ બુરજથી માંડીને કિલ્લેબંધ નગરોમાં ઉચ્ચસ્થાનકો બાંધ્યાં.
10 તેમણે દરેક ઉચ્ચસ્થાન પર અને ઘટાદાર વૃક્ષ નીચે સ્તંભો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભાં કર્યા,
11 અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો.
12 યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.
13 ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.
14 પણ ઇસ્રાએલીઓએ તેમના આદેશોનું પાલન ન કર્યું અને પોતે જે કરતા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું. તેઓ તેમના વડવાઓની જેમ જીદી હતા અને તેમને જે ગમ્યું તે જ કર્યું. તેમને યહોવા તેમના દેવ પર વિશ્વાસ નહોતો.
15 તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.
16 તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં.
17 તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા.
18 આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.
19 યહૂદાના લોકોએ પણ પોતાના યહોવા દેવની આજ્ઞાઓની અવજ્ઞા કરી અને ઇસ્રાએલીઓના દુષ્ટ માગોર્નું તેઓએ અનુકરણ કર્યુ.
20 તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.
21 જયારેે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા.
22 તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો; યરોબઆમે જે પાપ કર્યા હતા તે ઇસ્રાએલીઓએ કરવાનું ચાલુ રાખ્યું.
23 આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
24 આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ,આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો.
25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
26 આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશેે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”
27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”
28 તેથી એક યાજક બેથેલમાં આવ્યો અને તેણે બાબિલમાંથી આવેલા લોકોને યહોવાની ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ શીખવી.
29 છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ.
30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને,
31 અને આવ્વીના લોકો નિબ્હાઝ અને તાંર્તાકને પૂજતા હતા, તો સફાવીર્મના લોકો આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખને પોતાનાં બાળકોની અગ્નિમાં આહુતિ આપતાં હતાં.
32 આ લોકો યહોવાની પણ પૂજા કરતા હતા, અને તેમણે પોતાનામાંથી કોઇ એકને યાજક નિયુકત કર્યો જે તેઓના મુખ્યસ્થાનોની મૂર્તિઓની સેવાપૂજા કરતો હતો.
33 તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
34 આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી.
35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ.
36 જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે.તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે.
37 નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી.
38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ.
39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”
40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું.
41 આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.
પ્રકરણ 18

1 ઇસ્રાએલના રાજા એલાહના પુત્ર હોશિયાના શાસનના ત્રીજા વષેર્ આહાજનો પુત્ર હિઝિક્યા યહૂદાનો રાજા થયો.
2 તે રાજા થયો ત્યારે તેની ઉંમર
25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં
29 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની પુત્રી હતી.
3 તેણે પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય એવું આચરણ કર્યુ.
4 તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું; આ તો ફકત કાંસાનો ટૂકડો છે.
5 તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો.
6 તે યહોવાને સંપૂર્ણ નિવાન હતો અને નિવાનીમાં તે કદી ચલિત થયો નહોતો, અને યહોવાએ મૂસાને જણાવેલી આજ્ઞાઓનું તે પાલન કરતો હતો.
7 આથી યહોવા તેની મદદમાં રહ્યાં અને તે જે કોઈ જવાબદારી સ્વીકારતો, તેમાં સફળ થતો, તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી સ્વીકારવાની ના પાડી.
8 તેણે દૂર ગાઝા સુધીના પલિસ્તીઓને હરાવ્યા અને નાના ગામોથી માંડીને મોટા કિલ્લેબંધીવાળાં શહેરો તેણે જીતી લીધા.
9 યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વષેર્, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ.
10 તેણે તે 3વર્ષ પછી કબજે કર્યું. ઇસ્રાએલમાં, રાજા હોશિયા તેના શાસનના 9માં વર્ષમાં હતો અને તે વષેર્ રાજા હિઝિક્યા તેના યહૂદા પરના શાસનના છઠ્ઠા વર્ષમાં હતો. તે સમય દરમ્યાન, સમરૂન નગરનું પતન થયું.
11 તે વખતે આશ્શૂરનો રાજા ઇસ્રાએલી લોકોને પકડીને લઈ ગયો. તેણે તેઓને આશ્શૂરના નગર હલાહમાં, ગોઝાન પ્રદેશમાં, હાબોર નદીના કિનારા પર અને માદીઓનાં નગરોમાં વસાવ્યા.
12 આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.
13 હિઝિક્યાના અમલના 4માં વષેર્ આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં.
14 ત્યારે યહૂદાના રાજા હિઝિક્યાએ લાખીશ સુધી પહોંચેલા આશ્શૂરના રાજાને સંદેશો મોકલ્યો કે, “મારી ભૂલ થઈ છે, તું મારી પાસેથી પાછો જા, તું જે શરતો મારી આગળ રજૂ કરીશ તેનો હું સ્વીકાર કરીશ.”આથી આશ્શૂરના રાજાએ
11 ટન ચાંદીની અને એક ટન સોનાની વસુલી માગી લીધી.
15 હિઝિક્યાએ તેને યહોવાના મંદિરમાંની અને રાજમહેલના ભંડારમાંથી બધી ચાંદી આપી દીધી;
16 તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું.
17 લાખીશથી આશ્શૂરના રાજાએ સેનાપતિઓને, અને તેના મહત્વના અમલદારોને વિશાળ લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને ઘોરી માર્ગ પર આવેલા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો,
18 અને રાજાને તેડાવ્યો; એટલે રાજાના મહત્વના અમલદારો હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો મુખ્ય કારભારી હતો, રાજયમંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર યોઆહ જે નોંધણીકાર હતો એ સૌને તેમણે મળવા મોકલ્યા.
19 સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, આશ્શૂરનો રાજા કહે છે કે,“તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે?
20 શું તું એમ સમજે છે કે, ખાલી મોઢાની વાતો, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળનું સ્થાન લઈ શકે છે? તું કોનો આધાર રાખીને મારી સામે બંડ પોકારે છે?
21 મિસરીઓ ઉપર? મિસર તો ભાગેલા બરુ જેવું છે; જે કોઈ એનો આધાર લે છે તેમના હાથ કપાઈ જાય છે. મિસરના રાજા ફારુનનો વિશ્વાસ કે આધાર રાખી શકાય નહિ.”
22 અને કદાચ તમે એવું કહો, ‘અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,’ તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ?”
23 તેથી હવે હું તમને કહું છું, “મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું.
24 તમે મારા ઘણીના સેવકોનાં એક પણ કપ્તાનને કેવી રીતે હરાવી શકો? જો તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો તો?
25 તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”
26 એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!”
27 પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”
28 પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો:
29 રાજા કહે છે, “હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’
30 હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, “યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.”
31 તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે, “મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો.”
32 ત્યાં સુધી અહીં તમારા દેશમાં તમે શાંતિથી રહી શકો છો. ત્યાર પછી હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં લઇ જઇશ, અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતુન અને મધનો દેશ-તમે આમ કરો જેથી તમે મરશો નહિ પણ જીવી જશો પણ જ્યાંરે હિઝિક્યા રાજા તમને કહે કે, યહોવા તમને ઉગારશે તો તેને સાંભળશો નહિ.
33 કોઈ પણ પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો?
34 હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા?
35 આ બધા દેશોના દેવોમાંથી કયા દેશના દેવો પોતાના દેશને મારા હાથમાંથી છોડાવી શક્યા? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”
36 બધા લોકો મૂંગા રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ. કારણ, રાજાએ હુકમ કર્યો હતો કે, “કોઈ એને જવાબ ન આપશો.”
37 મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.
પ્રકરણ 19

1 હિઝિક્યા રાજાએ તેઓની પાસેથી સંદેશો સાંભળ્યો ત્યારે તરત જ તેણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. ત્યાર પછી તેણે શણનાં વસ્ત્રો પહેર્યાં પછી તે યહોવાના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો.
2 તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા.
3 તેમણે જઈને કહ્યું, હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: “આજે અમારા માટે દુ:ખનો દિવસ છે, સજાનો અને નામોશીનો દિવસ છે; કેમ કે બાળક જન્મવા તૈયાર છે, પણ તેને જન્મ આપવાની શકિત માતા પાસે નથી, એવી અમારી દશા છે.
4 આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”
5 રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો.
6 યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો,” યહોવા કહે છે કે, આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ.”
7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ,ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.”
8 આશ્શૂરનો વડો અમલદાર પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા લાખીશ તેને છોડી જઈ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઈને મળ્યો.
9 આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે, કૂશનો રાજા તિર્હાકાહ તેના પર ચઢાઈ કરવા આવે છે, એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝિક્યાને પત્ર મોકલી કહેવડાવ્યું કે,
10 “તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે, તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે, “યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.”
11 તું તો સારી રીતે જાણે છે કે આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા ત્યાં તેઓએ શું કર્યુ છે. તેઓએ સર્વનાશ કર્યો છે, તો પછી એ તને કયાંથી છોડવાનો છે?
12 પ્રજાઓના દેવો, જેનો મારા પૂર્વજોએ વિનાશ કર્યો હતો તેમને બચાવી શક્યા? તેમાં ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો સમાવેશ થાય છે?”
13 હમાથના રાજાની, આર્પાદના રાજાની, સફાર્વાઇમના રાજાની તથા હેનાના અને ઇવ્વાહના રાજાની કેવી દશા થઈ?
14 હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.
15 પછી હિઝિક્યાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે, હે ઇસ્રાએલના દેવ યહોવા, “જેમનું આસન કરૂબના દેવદૂતો પર છે, પૃથ્વી પરનાં સર્વ લોકોના દેવ તમે એકલા જ છો, તમે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છો.
16 હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે.
17 હવે યહોવા, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે.
18 અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો.
19 પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”
20 પછી આમોસના પુત્ર યશાયાએ હિઝિક્યાને સંદેશો પહોંચાડયો કે, “ઇસ્રાએલના દેવ યહોવા આમ કહે છે કે, “તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરૂદ્ધ મને પ્રાર્થના કરી હતી. મેં તારી પ્રાર્થના સંભળી છે.”
21 તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:“સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે; યરૂશાલેમની પુત્રીએ તારા તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તમે કોની મજાક કરી છે? કોની ટીકા કરી છે? તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે,ને ઉદ્વતાઈભરી નજર કરી છે? તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!
23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે. તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું, તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા; હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો.
24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે, અને મારા પગનાં તળિયાથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.
25 “તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા, અને વગડાના છોડ જેવા, કુમળાં ઘાસ જેવા, ધાબા પર ઊગી નીકળેલાં, ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું.
28 મારા પર ક્રોધ કરવાને લીધે હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું અને તારા મોંમા લગામ નાખવાનો છું અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું તને પાછો વાળી દેવાનો છું.”
29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, ‘આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો.
30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે;
31 કારણ કે યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે, યહોવાની આસ્થાના પ્રતાપે આ બધું સિદ્ધ થશે.
32 “એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે, “તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે, ઢાલ લઈને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે. આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે. આ હું યહોવા બોલું છું.
34 મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઈશ.”
35 એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો.
37 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના પુત્રો આદામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી ‘અરારાટ’ દેશમાં ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદોન તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કર્યું.
પ્રકરણ 20

1 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, ‘આ યહોવાનાં વચન છે, “તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.
2 ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી;
3 “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું અને તે ચોધાર આંસુએ રડી પડયો.
4 યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે,
5 “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ.
6 હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.”
7 યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”
8 પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”
9 યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો
10 ડગલા આગળ જાય કે
10 ડગલા પાછો જાય.”
10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, છાંયડોને
10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ
10 ડગલા પાછળ જાય એમ કરો.”
11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને
10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.
12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા.
13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.
14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?” હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”
16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે;
17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ.
18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”
19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”
20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું “યહૂદાના રાજાઓનાં ઇતિહાસ” નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.
પ્રકરણ 21

1 યહૂદાનો નવો રાજા મનાશ્શા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં 55 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ હેફસીબાહ હતું.
2 યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું જેવી કે પ્રજાઓ દ્વારા કરાતી તિરસ્કૃત વસ્તુઓ જેને યહોવાએ હાંકી કાઢી હતી જ્યારે યહોવાએ તેમની જમીન ઇસ્રાએલીઓને આપી દીધી હતી.
3 તેના પિતા હિઝિક્યાએ તોડી પાડેલા ઉચ્ચસ્થાનો પરનાં થાનકો તેણે ફરી બંધાવ્યાં, તેણે બઆલને માટે યજ્ઞ વેદીઓ ચણાવી અને ઇસ્રાએલના રાજાની જેમ અશેરાદેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, અને આકાશમાંનાં બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરૂ કર્યું.
4 જે મંદિર વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારા નામની સ્થાપના કરીશ.” તે મંદિરમાં તેણે વેદીઓ ઊભી કરી.
5 યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી.
6 તેણે પોતાના પુત્રને હોમયજ્ઞમાં હોમી દીધો. તે લાભમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો; તેણે યહોવાને ન ગમે તેવાં બીજા અનેક કાર્યો કરી યહોવાનો રોષ વહોરી લીધો.
7 તેણે અશેરાદેવીની કંડારેલી મૂર્તિ બનાવડાવી અને તેને યહોવાના મંદિરમાં સ્થાપી, જે યહોવાએ દાઉદને અને તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે, ઇસ્રાએલના બધા વંશોના પ્રદેશમાંથી યરૂશાલેમ નગરીનો આ પ્રદેશ પસંદ કર્યો હતો. જ્યાં મારું મંદિર છે અને મારું નામ જ્યાં હંમેશા સ્થપાયેલું રહેશે.
8 જો ઇસ્રાએલીઓ મારા સેવક મૂસાએ તેમને સોંપેલી મારી બધી આજ્ઞાઓ અને મારા ઉપદેશોનું પાલન કરશે તો હું તેમને, તેમના પૂર્વજોની ભૂમિમાંથી જવા નહિ દઉ.
9 પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.
10 ત્યારે યહોવાએ પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું કે,
11 “યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે.
12 તેથી હું આ વચનો ઉચ્ચારું છું: “હું યહોવા, યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત ઉતારીશ કે જે કોઈ એ સાંભળશે તેના કાનમાં તે ગુંજયાં કરશે.
13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ.
14 મારા પોતાના લોકોમાંના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેમને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ; તેઓ લૂંટનો અને દુશ્મનોનો ભોગ થઈ પડશે.
15 કારણ તેમના પિતૃઓએ મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી આજ સુધી મારી દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી તેમણે મારો રોષ વહોરી લીધો છે.
16 વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિદોર્ષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.”
17 મનાશ્શાનાઁ શાસનનાં બીજા બનાવો અને કાર્યો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
18 મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.
19 જ્યારે આમોન રાજા બન્યો ત્યાંરે તેની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાહના હારુસની પુત્રી હતી.
20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું.
21 તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી.
22 તેણે પોતાના પિતૃઓના યહોવા દેવનો ત્યાગ કર્યો અને દેવની સલાહ સાંભળવાની ના પાડી.
23 આખરે તેના નોકરોએ તેની વિરૂદ્ધ કાવતરું ઘડીને, અને તેને રાજમહેલમાં મારી નાખ્યો.
24 પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો.
25 રાજા આમોનનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાયેરા યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
26 તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો.
પ્રકરણ 22

1 જ્યારે યહૂદાનો નવો રાજા યોશિયા ગાદીએ આવ્યો ત્યારે આઠ વર્ષનો હતો, તેણે યરૂશાલેમ પર એકત્તીસ વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની પુત્રી હતી.
2 તેનું શાસન સારું હતું. તે તેના પિતૃ દાઉદને પગલે ચાલ્યો અને સંપૂર્ણ રીતે યહોવાને આધીન રહ્યો.
3 પોતાના રાજયના
18 મેં વષેર્ તેણે મશુલ્લામના પુત્ર અસાલ્યાના પુત્ર શાફાનને બોલાવ્યો અને તેમને યહોવાના મંદિરમાં આ સંદેશો આપીને મોકલ્યો:
4 “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, તે પૈસા સાથે તૈયાર રહે જે પૈસા લોકોએ યહોવાને અર્પણ કર્યા હતા અને દરવાનોએ એકઠા કર્યા હતાં.
5 અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા.
6 તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.
7 તેમને સોંપેલાં નાણાંનો તેઓ હિસાબ માગવાના નથી. કારણ, તેઓ પ્રામાણિક છે.”
8 મુખ્યયાજક હિલ્કિયાએ સચિવ શાફાનને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પોથી શાફાનને આપી અને તેણે તે વાંચી જોઈ.
9 પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.”
10 પછી તેણે ખબર આપી કે, “યાજક હિલ્કિયાએ મને એક પોથી આપી છે.” અને તેણે રાજાને તે પોથી મોટેથી વાંચી સંભળાવી.
11 એ જે ક્ષણે રાજાએ ટીપણાંમાં શું લખેલું છે સાભળ્યું, રાજા ખૂબ વ્યથિત બની ગયો અને તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
12 તેણે હિલ્કિયા યાજકને, શાફાનને, પોતાના મદદનીશ અસાયાને, શાફાનના પુત્ર અહીકામને તથા મીખામાહના પુત્ર આખ્બોરને આજ્ઞા કરી.
13 જાઓ અને મારા અને લોકોના વતી આ જે પોથી મળી આવી છે તેમાંનાં વચનો વિષે યહોવાને પ્રશ્ર્ન કરો. આપણા પર યહોવા ખૂબ રોષે ભરાયા છે અને તેઓ આપણને સજા કરશે, કારણકે આપણા પૂર્વજોએ આ પોથીમાં જે કંઈ કરવાનું લખવામાં આવ્યું છે તેનું પાલન કર્યુ નહોતું. તેમાં જે આપણે કરવું જોઇએ તેમ કહ્યું છે, તે આપણે નહોતું કર્યું.”
14 યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
15 આ પ્રબોધિકાએ ઇસ્રાએલના યહોવા દેવ તરફથી તેઓને સંદેશો આપ્યો, “તમને મારી પાસે મોકલનાર માણસને કહેજો,
16 “યહોવા આમ કહે છે, “જુઓ હું આ નગર અને તેના લોકો પર મુશ્કેલીઓ લાવવાનો છું. હા, યહૂદાના રાજાએ પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે.”
17 કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકમોર્થી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.”
18 અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે.
19 જ્યારે તમે ખૂબ દિલગીર થયા અને મારા પગે પડ્યા, જ્યારે તમે જાણ્યું કે આ નગર અને તેના લોકો શ્રાપિત થશે અને નિર્જન થઇ જશે, ત્યારે તમે તમારા વસ્રો ફાડી નાખ્યાં અને પશ્ચાતાપથી મારી પાસે રડ્યાં, તેથી હું પણ તમને સાંભળીશ.” અને એટલે હું આ જગ્યા પર જે આફતો ઉતારનાર છું તે તારે નજરે જોવી નહિ પડે.
20 તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.” તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.
પ્રકરણ 23

1 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા.
2 યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.
3 ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.
4 એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.
5 તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધમીર્ર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય,ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.
6 યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
7 તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.
8 યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો.
9 પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.
10 હવે પછી કોઈ પણ વ્યકિત પોતાના પુત્ર કે પુત્રીને મારી નાખીને તેનું બલિદાન તરીકે અર્પણ ન કરી શકે, કારણકે રાજાએ બેન-હિન્નોમની ખીણમાં આવેલી તોફેથની વેદીને પણ તોડી પાડી હતી.
11 તેણે નાથાન મેલેખના નિવાસસ્થાન પાસે મંદરિના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી ઘોડાઓની પ્રતિમાઓને તોડી પાડી. તેણે સૂર્ય દેવને સમર્પિત થયેલા રથોને બાળી મૂક્યા.
12 આહાઝના ઉપરના ઓરડા પર યહૂદાના રાજાઓએ બંધાવેલી વેદીઓ હતી, તેને તોડી પાડી. ત્યાર પછી મંદિરના બંને આંગણામાં મનાશ્શાએ બાંધેલી બે વેદીઓ હતી, તે પણ તેણે તોડી નાખી, એ સર્વને ભાંગીને ભૂકો કર્યો અને એ ભૂકો કિદ્રોનની ખીણમાં ફેંકી દીધો.
13 વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં.
14 તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.
15 એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી.
16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.
17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”
18 તેણે કહ્યું, “એ ભલે રહી.” કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.
19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.
20 એ ટેકરી ઉપરનાં થાનકોના બધા યાજકોનો તેણે વેદીઓ પર વધ કર્યો, અને તે વેદીઓ પર તેણે માણસનાં હાડકાં બાળ્યાં, પછી તે યરૂશાલેમ પાછો ગયો.
21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”
22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ.
23 પણ યોશિયાના અમલના 18 મે વષેર્ જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.
24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.
25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.”
26 તેમ છતાં મનાશ્શાના ખરાબ કૃત્યોને કારણે યહૂદા વિરૂદ્ધ યહોવાને ચઢેલો ભારે રોષ હજુ શમ્યો ન હતો.
27 યહોવાએ જાહેર કર્યુ કે, “હું યહૂદીઓને પણ ઇસ્રાએલીઓની જેમ મારા સાન્નિધ્યથી દૂર હડસેલી મુકીશ. મેં પસંદ કરેલા આ નગર યરૂશાલેમને તેમજ યહોવાના જે મંદિરને વિષે મેં એમ કહ્યું હતું કે, “ત્યાં મારું નામ કાયમ રહેશે.” તેને પણ હું દૂર કરીશ.”
28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.યોશિયાનું મૃત્યુ
29 એના અમલ દરમ્યાન મિસરના રાજા ફારુન નકોહ આશ્શૂરના રાજાને મદદ કરવા ફ્રાત નદી આગળ જવા નીકળ્યો હતો અને રાજા યોશિયાએ તેને માર્ગમાં અટકાવ્યો હતો; નકોહ રાજાએ તેને જોયો ત્યારે તેણે એને મગિદ્દોમાં મારી નાખ્યો.
30 તેના અધિકારીઓ તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લાવ્યા અને તેના મૃત્યુ અગાઉથી તેણે પસંદ કરી રાખેલી કબરમાં તેને દફનાવ્યો. પછી તેના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે પસંદ કરીને અભિષ્કિત કર્યો.
31 યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.
32 યહોઆહાઝે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું.
33 ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.
34 ફારુને યોશિયાના પુત્ર એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆહાઝને તે મિસર લઈ ગયો અને ત્યાં તેનું અવસાન થયું.
35 યહોયાકીમે ફારુનને સોનું અને ચાંદી આપ્યાં.પરંતુ લોકો પર, તેમના દરજ્જા પ્રમાણે કર નાખ્યો, તેણે તેમ કર્યું જેથી તે ફારુનની માંગોને પહોંચી વળે.
36 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબીદાહ હતું અને તે રૂમાહના પેદાયાની પુત્રી હતી.
37 યહોયાકીમે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.
પ્રકરણ 24

1 યહોયાકીમે રાજાના અમલ દરમ્યાન બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ પર ચઢી આવ્યો. યહોયાકીમ તેને તાબે થઈ ગયો. પરિણામે ત્રણ વર્ષ પર્યંત તેને વસૂલી ભરવી પડી, પણ પછી તેણે બંડ કર્યું.
2 આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.
3 યહૂદાની આવી સ્થિતી એક જ કારણથી થઈ હતી.
4 તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે આ હુકમ કર્યો હતો. આ એટલા માટે થયું, કારણકે તેણે નિદોર્ષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા આ પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.
5 યહૂદાના રાજા યહોયાકીમનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાર્યો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
6 તે મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો.
7 મિસરનો રાજા ત્યાર પછી ફરી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહોતો, કારણ બાબિલના રાજાએ મિસરના વહેળાથી ફ્રાત નદી સુધીનો તેના કબજા હેઠળનો પ્રદેશ પડાવી લીધો હતો.
8 યહોયાખીન ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 3 મહિના રાજ કર્યુ, તેની માતાનું નામ નહુશ્તા હતું અને તે યરૂશાલેમના એલ્નાથાનની પુત્રી હતી.
9 યહોયાખીને તેના પિતાની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
10 તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરો ઘાલ્યો.
11 તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો.
12 અને યહૂદાનો રાજા યહોયાખીન, તેની મા, તેના અમલદારો, તેના આગેવાનો અને દરબારીઓ સૌ બાબિલના રાજા પાસે ગયાં અને બાબિલના રાજાએ તેમને પકડીને કેદ કર્યા. નબૂખાદનેસ્સાર રાજા હતો ત્યારે તેના શાસનના 8મેં વષેર્ આ બન્યું.
13 નબૂખાદનેસ્સાર, યહોવાએ અગમવાણી જણાવ્યા મુજબ, યહોવાના મંદિરના તેમજ રાજમહેલના બધા ખજાના ઉપાડી ગયો, અને તેણે ઇસ્રાએલના રાજા સુલેમાને બનાવડાવેલા બધાં સોનાના વાસણો પણ દૂર કર્યા, તેણે જેમ યહોવાએ કીધું હતું તેમજ કર્યું .
14 તેણે યરૂશાલેમના બધા વતનીઓને-બધા ઉમરાવોને અને અગ્રગણ્ય માણસોને અને ધનવાનો તથા લુહારો અને બીજા કારીગરો સુદ્ધાં સૌનો દેશનિકાલ કર્યો; તે બધા મળીને કુલ 10,000 હતા, ફકત વસ્તીનો ગરીબમાં ગરીબ વર્ગ જ બાકી રહ્યો.
15 યહોયાખીનને તેની માને તેના દરબારીઓને અને દેશના બધા આગળ પડતા માણસોને તે યરૂશાલેમથી બાબિલ લઈ ગયો.
16 વળી તે દેશના 7,000 બળવાન માણસોને, 1,000 લુહારો અને કારીગરોને, જે બધા જ બળવાન અને યુદ્ધે ચડી શકે એવા હતા તેમને બાબિલ દેશવટે લઈ ગયો.રાજા સિદકિયા
17 બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.
18 સિદકિયા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું, અને લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.
19 સિદકિયાએ યહોયા ખીનની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
20 યરૂશાલેમે અને યહૂદાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે છેલ્લે તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા; પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરૂદ્ધ બળવો કર્યો.
પ્રકરણ 25

1 તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં.
2 એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો.
3 રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.
4 આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માગેર્ શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા.
5 બાબિલના રાજાના સૈન્યે તેનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો, અને તેની સાથેના લોકો વિખેરાઈ ગયા અને તેને છોડી ગયા.
6 બાબિલના સૈનિકોએ સિદકિયાને પકડીને તેમના રાજા નબૂખાદનેસ્સારની પાસે રિબ્લાહ લઈ ગયા. અને ત્યાં તેને સજા કરવામાં આવી.
7 તેની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, સાંકળે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો.
8 બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમાં વર્ષમાં, પાંચમા મહિનાના સાતમા દિવસે, રાજાના અંગરક્ષકો, તેમનો સરદાર, નબૂઝારઅદાન અને તેના મંત્રીઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા,
9 યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.
10 તેના લશ્કરે નગરની દીવાલો તોડી નાખી.
11 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો.
12 અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.
13 બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા.
14 વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા.
15 સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા.
16 કાંસાના બે સ્તંભો, સમૂદ્ર અને પૈડાવાળી ઘોડીઓનું વજન કરવું અશકય હતું કેમ કે તે ઘણા વજનદાર હતા. આ સર્વ વસ્તુઓ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવડાવી હતી.
17 એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો.
18 રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.
19 ત્યાર પછી તેણે નગરમાંથી લશ્કરના વડા અમલદારને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને, સેનાપતિના લશ્કરની ભરતી અને તાલીમનું કામ સંભાળનાર મંત્રીને, તેમજ પ્રદેશના 60 સામાન્ય લોકોને, જેઓ નગર માંથી મળ્યા હતાં તેમને સાથે લીધા.
20 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયા.
21 અને ત્યાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યા. આમ યહૂદાવાસીઓને બંદીવાન બનાવીને, તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.
22 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદાના પ્રદેશમાં રહેવા દીધા હતા, તેમના પર રાજય કરવાને તેણે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદામાં શાસન કર્તા તરીકે નીમ્યો.
23 જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા.
24 તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”
25 સાતમા મહિનામાં રાજવંશના એલીશામાનો અને નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે ગદાલ્યા પાસે આવીને તેમજ મિસ્પાહમાં તેની સાથે રહેતા યહૂદાવાસીઓને અને બાબિલવાસીઓને મારી નાખ્યા.
26 ત્યારબાદ નાનાંમોટાં બધાંજ લોકો ઇસ્રાએલીઓ તથા લશ્કરના અમલદારો બાબિલવાસીઓની બીકથી મિસર ભાગી ગયા.
27 યહૂદાના રાજા યહોયાખીનને પણ બંદીવાસમાંથી મુકત કરવામાં આવ્યો. આમ આ દેશનિકાલના સાડત્રીસમા વર્ષમાં બન્યું. છેલ્લા માસના સત્તાવીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મરોદાખે, પોતે ગાદીએ બેઠો અને તે જ વરસે યહૂદાના રાજા યહોયાખીનને માફી અપાઇ અને તેને કારાવાસમાંથી મુકત કરવામાં આવ્યો.
28 તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો.
29 આથી યહોયાખીને કારાવાસનાં કપડાં ઉતારી સામાન્ય નાગરિકનો પોષાક પહેરી, બાકીનું જીવન રાજાના આશ્રિત તરીકે વિતાવ્યું. એક જ મેજ પર બેસી તેણે તેમની સાથે ભોજન લીધું
30 અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેને ભાણું અને આધાર આપ્યો.