2 કાળવ્રત્તાંત

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36


પ્રકરણ 1

1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો. કારણકે તેના દેવ યહોવા તેની મદદમાં હતા. દેવે તેનો મહિમા ખૂબ વધાર્યો.
2 તેણે લશ્કરના સર્વ અધિકારીઓને, ન્યાયાધીશોને તેમજ આગેવાનો અને ઇસ્રાએલના કુટુંબના વડીલોને ગિબયોનમાં એકત્ર કર્યા.
3 ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો.
4 દેવનો કરારકોશ ત્યાં ન હતો કારણકે દાઉદ દેવનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવ્યો હતો જ્યાં તેણે તેના માટે એક નવો મંડપ તૈયાર કર્યો હતો.
5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી.
6 સુલેમાને યહોવાની સામે મુલાકાતમંડપ પાસે જે પિત્તળની વેદી હતી. તેના પર 1,000 દહનાર્પણો ચઢાવ્યા.
7 તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”
8 સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે.
9 હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે.
10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”
11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે.
12 ઉપરાંત, હું તને એવાં તો ધન, સંપત્તિ અને જાહોજલાલી આપીશ કે જેવાં તારી પહેલાંના કોઇએ પણ ન ભોગવ્યાં હોય કે તારી પછી કોઇ ભોગવશે નહિ.”
13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું
14 સુલેમાને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી. તેની પાસે 1,400 રથો અને12,00 ઘોડા હતા, તેમાંના કેટલાક તેણે રથ રાખવાના નગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.
15 એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું.
16 સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી.
17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા.
પ્રકરણ 2

1 સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો.
2 તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા.
3 ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું.
4 અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે.
5 “હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે.
6 પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે.
7 “તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણંાત કારીગરોને મોકલી આપો.
8 વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે.
9 તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે.
10 તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.”
11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો, “યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.”
12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે.
13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે.
14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.
15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો.
16 અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માગેર્ યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”
17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ.
18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.
પ્રકરણ 3

1 સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી.
2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.
3 હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો.
4 મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
5 મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી.
6 તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું.
7 તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.
8 મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું.
9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં.
10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા.
11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ,5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી.
12 એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી
13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.
14 તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.
15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા,
16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં.
17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.
પ્રકરણ 4

1 ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી.
2 તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો.
3 એ હોજની ફરતે બહારની બાજુએ બળદના પૂતાળાની બે હારમાળા હતી, દરેક તેના પરિઘમાં દસ હાથ ગોળ હતી. જે હોજની સાથે જ ઢાળેલી હતી.
4 એ હોજ બાર બળદની પ્રતિમા ઉપર ગોઠવેલો હતો. ત્રણના મોંઢા ઉત્તર તરફ અને ત્રણના મોંઢા પૂર્વ અને ત્રણના મોંઢા પશ્ચિમ અને ત્રણના મોંઢા દક્ષિણ તરફ હતા. તેમની પૂછડીઓ અંદરના ભાગમાં હતી. હોજ એ બળદો પર બેસાડેલો હતો.
5 એની જાડાઇ ત્રણ ઇંચ હતી. અને તેનો આકાર ખીલેલાં કમળ જેવો હતો. તેમાં 17,500 ગેલન પાણી સમાતું હતું.
6 એ કુંડ યાજકોને હાથપગ ધોવા માટે કરાવ્યો હતો. તેણે દહનાર્પણના પશુને ધોવા માટે દસ કૂંડીઓ કરાવી અને પાંચ ડાબી બાજુએ અને પાંચ જમણી બાજુએ મૂકાવી.
7 સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ.
8 સુલેમાને 10 મેજ બનાવીને મંદિરમાં મૂકાવ્યાં. એણે મંદિરમાં 5 મેજ જમણી બાજુએ અને 5 મેજ ડાબી બાજુએ મૂક્યા. વળી તેણે સોનાના 100 કટોરા બનાવ્યાં.
9 તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં.
10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો.
11 હૂરામે કૂંડા, પાવડા અને ડોયા પણ બનાવ્યાં. આ રીતે તેણે દેવના મંદિરમાં રાજા સુલેમાન તરફથી માથે લીધેલું મંદિરનું બધું કામ પૂરું કર્યું.
12 એટલે બે સ્તંભો, વાટકા તથા સ્તંભોની ટોચો ઉપર બે કળશ, તથા સ્તંભોની ટોચો ઉપરના કળશોને ઢાંકવા સારુ બે જાળીઓ,
13 અને એ બે જાળીને માટે 400 દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.
14 તેણે ઘોડીઓ બનાવી અને તેના ઉપર કટોરાઓ મૂક્યાં.
15 એક કુંડ અને એને જેના પર મૂક્યો હતો એ બાર બળદો.
16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા.
17 આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું.
18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો.
19 તદુપરાંત સુલેમાને દેવના મંદિર માટે બીજા સાધનો પણ બનાવડાવ્યાં; સોનાની વેદી, અને રોટલી ધરાવવાનો સોનાનો બાજઠ.
20 યજ્ઞવેદી આગળ મૂકવા માટેનું દીપવૃક્ષ જેનાં શુદ્ધ સોનામાંથી બનાવેલી દીવીઓમાં અખંડ જ્યોત બળતી હોય.
21 શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા,
22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ- આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા.
પ્રકરણ 5

1 યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમપિર્ત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી.
2 ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા.
3 ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.
4 ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો.
5 લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા.
6 રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી.
7 ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે.
8 કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી.
9 કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે.
10 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
11 બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં.
12 તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા.
13 વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા: “દેવ ઉત્તમ છે! તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”
14 તે જ સમયે તેજસ્વી વાદળરૂપે યહોવાનું ગૌરવ ઉતરી આવ્યું. અને મંદિર તેનાથી ભરાઇ ગયું, તેથી યાજકો સેવા કરવા માટે મંદિરમાં ઊભા રહી શક્યાં નહિ.
પ્રકરણ 6

1 તે પ્રસંગે સુલેમાને પ્રાર્થના કરી: “યહોવા તમે કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ.
2 પરંતુ મેં તમારા માટે મંદિર બંધાવ્યું છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરી શકો.”
3 ત્યારબાદ રાજાએ સમગ્ર ઇસ્રાએલી સમાજ જ્યાં ઊભો હતો તેના તરફ ફરીને આશીર્વાદ આપતાં કહ્યું,
4 “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પોતાના સાર્મથ્યથી પાળ્યું છે. તેમણે મારા પિતા દાઉદને કહ્યું હતું કે,
5 ‘તે દિવસથી મારા નિવાસ માટે મંદિર બાંધવા ઇસ્રાએલના કોઇ કુળસમૂહના પ્રદેશમાંથી કોઇ શહેર પસંદ કર્યુ નહોતું, તેમ મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર શાસન કરવા માટે મેં કોઇ માણસની પસંદગી કરી નહોતી, જ્યારથી મેં ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર કાઢયા ત્યારથી.
6 પણ હવે એ નગર તરીકે મેં યરૂશાલેમને અને ઇસ્રાએલી રાજા તરીકે દાઉદને પસંદ કર્યો છે.’
7 “મારા પિતા દાઉદે યહોવા, ઇસ્રાએલના દેવના નામનું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો પણ યહોવાએ કહ્યું,
8 ‘તે મારા નામનું મંદિર બાંધવાનો વિચાર કર્યો છે, અને એ વિચાર સારો છે,
9 તેમ છતાં તારે એ મંદિર બાંધવાનું નથી, તારો સગો પુત્ર મારા નામનું મંદિર બાંધશે.’
10 હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે, યહોવાએ વચન આપ્યા પ્રમાણે હું મારા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદીએ આવ્યો છું.
11 અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના નામનું મંદિર બાંધ્યું છે. અને તેમાં કરારકોશ મૂક્યો છે. આ કરારકોશમાં યહોવા અને ઇસ્રાએલના લોકો વચ્ચે થયેલો કરાર છે.
12 યહોવાની વેદીની સમક્ષ, સમગ્ર ઇસ્રાએલી સમાજની સન્મુખ ઊભા રહીને સૌના દેખતા પ્રાર્થના કરવા માટે પોતાના હાથ પ્રસાર્યા.
13 સુલેમાને એક મોટો મંચ બનાવ્યો હતો, આ મંચ કાંસાનો બનાવેલો હતો અને તે
5 હાથ લાંબો,
5 હાથ પહોળો અને
3 હાથ ઊંચો હતો; અને તેને ચોકની વચ્ચે મૂક્યો હતો, સુલેમાન તેના ઉપર ઊભો રહ્યો. સર્વ લોકોની હાજરીમાં સુલેમાને ઘૂંટણ ટેકવી આકાશ તરફ હાથ પ્રસારીને પ્રાર્થના કરી.
14 “હે યહોવા, ઇસ્રાએલના દેવ, આકાશમાં કે પૃથ્વી પર તારા જેવો બીજો કોઇ દેવ નથી. તારા સર્વ કરારો તેઁ પૂર્ણ કર્યા છે. અને જેઓ તારી શરણે આવવા ઇચ્છે છે અને તારી ઇચ્છા પૂર્ણ કરવા આતુર છે, તેના પ્રત્યે તું કૃપાળુ છે.
15 તે તારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન પાળ્યું છે, તઁ તારા મોઢેથી જે કહ્યું તે આજે, તેઁ તારા હાથથી કરી બતાવ્યું છે.
16 અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’
17 માટે ઇસ્રાએલના હે દેવ યહોવા, હવે તું તારા સેવક મારા પિતા દાઉદને આપેલું એ વચન કૃપા કરીને પૂર્ણ કર.
18 “પરંતુ હે દેવ, તું કદી માણસો ભેગા પૃથ્વી પર વસે ખરો? અરે, ઊંચામાં ઊંચુ સ્વર્ગ સુદ્ધાં તને ધારણ ન કરી શકે, અને ન તો મેં બંધાવેલ મંદિર તને સમાવી શકે.
19 હે યહોવા, મારા દેવ, મારી પ્રાર્થનાઓ ધ્યાનમાં લેવા તથા દયા કરવા હું તને વિનંતી કરું છું. હાલ હું જે પ્રાર્થના કરું છું તે તું સાંભળ.
20 રાત દિવસ તારી ષ્ટિ આ મંદિર ઉપર ઠરેલી રહો. આ સ્થાન ઉપર રહો, જેને વિષે તં કહ્યું હતું કે, ‘મારું નામ એમાં વાસો કરશે.’
21 તારા સેવકો અને તારા લોકો આ મંદિર તરફ જોઇને જે પ્રાર્થના કરે તે સાંભળજે; તમારા પરમ ધામ સ્વર્ગમાંથી તું એ સાંભળજે અને સાંભળીને એમના ગુના માફ કરજે.
22 “જ્યારે કોઇ વ્યકિત પાપ માટે દોષિત ઠરે, ગુનો કરે, અને તે અહીં પોતાની નિદોર્ષતા પૂરવાર કરવાના સમ લે,
23 ત્યારે આકાશમાંથી તેનું સાંભળીને તેનો ન્યાય કરજો. જો તે જૂઠું બોલતો હોય તો તેને શિક્ષા કરજો અને સાચું બોલતો હોય તો તેને ક્ષમા કરજો.
24 “જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે,
25 તો તું આકાશમાંથી સાંભળજે, તારા લોકો ઇસ્રાએલીઓના પાપ માફ કરજે અને તું તેમને અને એમના પિતૃઓને જે ભૂમિ આપી હતી તેમાં તેમને પાછા લાવજે.
26 “તારા ઇસ્રાએલી લોકો, તારી વિરૂદ્ધ પાપ કરવાને કારણે અને આકાશમાંથી વરસાદ ન વરસે અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તારું નામ લે, અને તારી સજા પામીને પશ્ચાતાપ કરે,
27 તો તું આકાશમાંથી સાંભળજે, અને તારા સેવકોનો ગુનો માફ કરજે, અને શું સારું છે તે તેમને શીખવજે. અને તારા લોકોને વતન તરીકે આપેલા તેઓના દેશમાં વરસાદ મોકલજે.
28 “જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે,
29 ત્યારે તારા લોકો ઇસ્રાએલીઓમાંનો જે કોઇ આ મંદિર તરફ હાથ પ્રસારીને પોતાની મુશ્કેલી અને દુ:ખને જાણીને પ્રાર્થના અને આજીજી કરે;
30 તો તારા આકાશના નિવાસ સ્થાનમાંથી તે સાંભાળીને માફી આપજે. અને પ્રત્યેકને યોગ્ય બદલો આપજે, કારણ, તું અંતર્યામી છે તું જ બધા માણસોના અંતરને જાણે છે.
31 એ રીતે તેઓ તારાથી ડરીને ચાલશે અને અમારા પિતૃઓને તેઁ જે ભૂમિ આપી હતી, તેમાં જીવનભર તેઓ તારી આજ્ઞાનું પાલન કરશે.
32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીતિર્ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે,
33 તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે.
34 “જો તારા લોકોને તું જે કોઇ માગેર્ મોકલે તે માગેર્ તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે;
35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.
36 “જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,
37 અને એ વિદેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરી તને વિનવે કે, અમે પાપ કર્યુ છે, અને દુષ્ટ વર્તન કર્યુ છે’એમ કહીને પાછા ફરે,’
38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.
39 તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે.
40 હવે, હે મારા દેવ, આ મંદિરમાં થતી પ્રાર્થના માટે તારી આંખ ઉઘાડી રાખજે, અને જાગૃત રહીને ધ્યાન આપજે.
41 “હે દેવ યહોવા, ઊઠો, તું અને તારું સાર્મથ્ય દર્શાવતો કરારકોશ તારા વિશ્રામસ્થાને ઊઠી આવ. હે દેવ યહોવા, તારા યાજકો વિજયી વસ્ત્રથી શુશોભિત થાય, અને ભલે તારા ભકતો સમૃદ્ધિ પામે અને આનંદોત્સવ મનાવે.
42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ. તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.”
પ્રકરણ 7

1 સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું.
2 જેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી શક્યાં નહિ. વળી યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું.
3 તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું, “તે ભલાઇનો ભંડાર છે, તેની કરૂણા શાશ્વત છે.”
4 ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં.
5 રાજા સુલેમાને
22 ,000 બળદ અને 1,
20 ,000 ઘેટાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ મંદિરનું સમર્પણ કર્યુ.
6 યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા.
7 ત્યારબાદ સુલેમાને યહોવાના મંદિરની આગળ આવેલા ચોકનો વચલો ભાગ પણ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનાર્પણો, ખાદ્યાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો ધરાવ્યાં. કારણ સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તેમાં આ બધી બલિઓ સમાઇ શકે એમ ન હતી.
8 આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો.
9 અને આઠમે દિવસે ખાસ મુલાકાત રાખી કરી. કારણ કે સાત દિવસ સુધી વેદીના સમર્પણની ઉજવણી કરી હતી અને સાત દિવસ સુધી તે લોકોએ ઉજવણી કરી.
10 સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને પોતપોતાને ઘેર મોકલી દીધા. યહોવાએ દાઉદનું, સુલેમાનનું, અને પોતાની ઇસ્રાએલી પ્રજાનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકતાં હૈયે સૌ છૂટા પડ્યા.
11 આમ સુલેમાને દેવનાં મંદિરનું અને પોતાના મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. જે કાંઇ તેણે વિચાર્યુ હતું તે બધું જ તેણે પૂર્ણ કર્યુ.
12 તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું, “મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે.
13 હું આકાશના દ્વાર બંધ કરી દઉં અને વરસાદ ન વરસે, અથવા હું તીડોને પાક ખાઇ જવાની આજ્ઞા કરું, અથવા લોકોમાં રોગચાળો મોકલું,
14 તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.
15 આ સ્થળે કરેલી પ્રત્યેક પ્રાર્થના સંબંધી હું જાગ્રત રહીશ અને તે સાંભળીશ.
16 કારણકે મારા સદાકાળના નિવાસસ્થાન માટે મેં આ મંદિરને પસંદ કરીને પવિત્ર કર્યુ છે. મારી આંખો અને મારું અંત:કરણ સદા અહીં જ રહેશે.
17 તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે,
18 પછી તે હું કરીશ, તે તું અને તારા વંશજો હંમેશા ઇસ્રાએલના રાજા બની રહો. એવું વચન મે તારા પિતા દાઉદને આપ્યુ હતું”
19 “પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો,
20 તો મેં તમને જે ભૂમિ આપી છે તેમાંથી તમને ઉખેડી નાખીશ અને મને અર્પણ કરેલા આ મંદિરનો હું ત્યાગ કરીશ અને આ જગ્યામાં કાંઇક ખરાબ બન્યું હતું તેના માટે આ મંદિરને હું પ્રસિદ્ધ કરીશ.
21 તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’
22 અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.”
પ્રકરણ 8

1 સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ થયાં હતા.
2 રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો.
3 ત્યારબાદ તેણે હમાથ જઇને તે કબ્જે કર્યું.
4 અને તેણે રણમાં આવેલા તાદમોરને ફરીથી બંધાવ્યું અને હમાથમાં શહેરો બંધાવ્યા જ્યા લશ્કરી પડાવ હતો.
5 તેણે ઉપરના બેથ-હોરોન અને નીચેના બેથ-હોરોન કિલ્લેબંધીવાળા બનાવ્યાં. તેણે શહેરોને સળિયા જડેલા દરવાજાઓ સાથે મજબૂત કિલ્લામાં ફેરવી નાખ્યા.
6 તેઓને પણ કોઠારના કેન્દ્રો બનાવ્યા ઉપરાંત બાઅલાથ અને પોતાની માલિકીના બધા લશ્કરી થાણા વાળા શહેરો, એના રથો અને ધોડાઓ જેમાં રાખવામાં આવ્યા હતા તે નગરી તથા પોતે યરૂશાલેમમાં, લબાનોનમાં તથા પોતાના તાબાના આખા પ્રદેશમાં જે જે બંધાવવાનું ધાર્યુ હતું તે બધું એણે બંધાવ્યું.
7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા,
8 એટલે કે જેઓનું ઇસ્રાએલીઓ નિકંદન કાઢી શક્યા નહોતા, તેઓ પાસે સુલેમાને ગુલામનું કામ કરાવડાવ્યું, જે આજે પણ ચાલુ છે.
9 પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા.
10 લોકો ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓની કુલ સંખ્યા 250 હતી.
11 સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.”
12 ત્યારબાદ સુલેમાને મંદિરની સામે બંધાવેલી વેદી ઉપર યહોવાને, મૂસાની આજ્ઞા મુજબ, તે દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું.
13 દરરોજ, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, તથા ત્રણ વાષિર્ક ઉત્સવોને દિવસે એટલે કે બેખમીર રોટલીને ઉત્સવ, સપ્તાહોના પર્વનો ઉત્સવ, અને માંડવાઓપર્વના ઉત્સવને દિવસે સુલેમાન મૂસાની આજ્ઞા પ્રમાણે બલિદાનો અર્પણ કરતો હતો.
14 તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી.
15 દાઉદે યાજકોને, લેવીઓને અને ભંડારોને લગતી જે આજ્ઞાઓ આપી હતી તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.
16 આમ, યહોવાના મંદિરના પાયાથી માંડીને એની સમાપ્તિ સુધીનું સુલેમાનનું બધું કામ પૂર્ણ કર્યુ.
17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો.
18 હૂરામે પોતાના અમલદારો મારફતે સુલેમાન માટે અનુભવી નાવિકો સાથે હોડીઓ મોકલી આપી, તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર જઇને ત્યાંથી 15,300 કિલો સોનું લઇ આવ્યાં અને તે સુલેમાનને પહોંચાડ્યું.
પ્રકરણ 9

1 સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીતિર્ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી.
2 સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા.
3 એક પ્રશ્ર્ન પણ એવો નહોતો જેનો સુલેમાન જવાબ ન આપી શકે. શેબાની રાણીએ જાણ્યું કે, સુલેમાન સાચે જ જ્ઞાની હતો અને તેના મહેલની સુંદરતા અવર્ણનીય હતી.
4 શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ.
5 પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.
6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી, મેં કલ્પના કરી હતી તેના કરતાં તમારું જ્ઞાન અતિ વિશાળ છે!
7 તમારી રાણીઓ કેટલી સુખી છે! સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ પણ કેટલાં ભાગ્યશાળી છે!
8 યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.”
9 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું, પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યું. શેબાની રાણીએ રાજા સુલેમાનને ભેટ ધરેલાં અત્તરો કદી કોઇએ જોયાં નહોતાં.
10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
11 એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.
12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી.
13 રાજા સુલેમાનને પ્રતિ વર્ષ 22,644 કિલો સોનું આવતું હતું.
14 આ તો વેપારીઓ ને ધંધંાદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા.
15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું.
16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે લબાનોનના ‘વનગૃહ’ કહેવાતા મહેલમાં મૂકાવી.
17 સુલેમાન રાજાએ પોતાના માટે એક હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું અને તેને સોનાથી મઢાવ્યું.
18 એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું.
19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.
20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.
21 દર ત્રણ વષેર્ રાજાના વહાણો, હૂરામ રાજાના નાવિકો સાથે તાશીર્શ જતાં અને ત્યાંથી સોનું-ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર લાવતાં.
22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો,
23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા,
24 તેઓ બધા પ્રતિવર્ષ એક યા બીજી વસ્તું ભેટ સોગાદો રૂપે લઇને આવતા: સોનાચાંદીના વાસણો, કીમતી વસ્રો, શસ્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચરો.
25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.
26 યુફ્રેટીસના બધાં રાજાથી માંડીને પલિસ્તીઓની ભૂમિ સુધી અને મિસરની સરહદ સુધી તેની આણ વર્તાતી હતી.
27 સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું.
28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા.
29 સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની-અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે.
30 સુલેમાન રાજાએ યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ કર્યુ.
31 ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.
પ્રકરણ 10

1 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા.
2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં.
3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો. યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે,
4 “તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”
5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.
6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”
7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”
8 પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી.
9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”
10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’
11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”‘
12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા.
13 રાજાએ તેઓની સાથે ઊદ્ધતાઇથી વાત કરી, વૃદ્ધ મંત્રીઓની સલાહ તેણે નકારી કાઢી.
14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”
15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા.
17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.
18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું.
19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.
પ્રકરણ 11

1 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા.
2 પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે,
3 “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે:
4 ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.”‘ તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું.
5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે:
6 બેથલેહેમ, એટામ, તકોઆ
7 બેથ-સુર, સોખો, અદુલ્લામ
8 ગાથ, મારેશાહ, ઝીફ,
9 અદોરાઇમ, લાખીશ અઝેકાહ
10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે,
11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા.
12 પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા.
13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં.
14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ.
15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું.
16 ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા.
17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો.
18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી.
19 તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ,
20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા.
21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી.
22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો.
23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા.
પ્રકરણ 12

1 જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.
2 તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંધન કર્યુ તેથી રહાબઆમ રાજાના શાસનના પાંચમે વષેર્ મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર 1,200 રથો તથા 60,000 સવારો લઇને હુમલો કર્યોં.
3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા.
4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો.
5 રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે.
6 ઇસ્રાએલના આગેવાનો અને રાજાઓ પોતે નમ્ર થઇને બોલ્યા, “યહોવાની વાત ન્યાયી છે.”
7 યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું.
8 પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”
9 મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો.
10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી.
11 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે રક્ષકો તે ઢાલ લઇને આવતા અને પછીથી શસ્રાગારમાં મૂકી દેતા.
12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો.
13 આમ, રહાબઆમ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઇને રાજ્ય કર્યુ. તે ગાદીએ આવ્યો અને ત્યારે તેની ઉંમર 41 વર્ષની હતી. તેણે યહોવાએ ઇસ્રાએલના બધા કુળસમૂહોના પ્રદેશોમાંથી પોતાના નામની સ્થાપના માટે પસંદ કરેલા નગર યરૂશાલેમમાં 17 વર્ષ સુધી રાજ્ય કર્યુ. રહાબઆમની માતા આમ્મોનની હતી અને તેનું નામ નાઅમાહ હતું.
14 યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.
15 રહાબઆમનાં અમલના બધા જ કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું.
16 રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.
પ્રકરણ 13

1 રાજા યરોબઆમના અમલના અઢારમા વષેર્ અબિયા યહૂદિયાનો રાજા થયો.
2 તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું.
3 અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો.
4 જ્યારે ઇસ્રાએલનું સૈન્ય એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં આવેલા સમારાઇમ આવી પહોંચ્યું, ત્યારે રાજા અબિયાએ રાજા યરોબઆમ અને ઇસ્રાએલના સૈન્યને મોટા સાદે કહ્યું,
5 “સાંભળો! યરોબઆમ અને સર્વ ઇસ્રાએલીઓ, શું તમે નથી જાણતા કે ઇસ્રાએલના યહોવા દેવે વચન આપ્યું છે કે, દાઉદના સંતાનો જ ઇસ્રાએલ ઉપર સદાકાળ રાજ કરશે?
6 તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના નોકર નબાટના પુત્ર યરોબઆમે પોતાના માલિક સામે બળવો કર્યો છે,
7 અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.
8 “અને હવે તમે દાઉદના વંશજોના રાજ્યને હરાવવાની વાત કરો છો, જેને યહોવાએ શાસન કરવાની શકિત આપી હતી. અને તમે વિશાળ સમૂહ છો અને યરોબઆમે બનાવડાવેલી સોનાના વાછરડાની મૂર્તિઓને તમારા દેવ તરીકે સાથે લઇને તમે આવ્યા છો!
9 તમે હારુનના વંશજોને - યહોવાના યાજકોને અને લેવીઓને હાંકી કાઢયા છે અને વિદેશી લોકોની જેમ તમે મનગમતા યાજકો નીમ્યા છે! જે કોઇ એક વાછરડો અને સાત ઘેટાં લઇને યાજક બનવા આવે તેને તમે જેઓ દેવ નથી તેમની સેવા કરવા માટે યાજક બનાવી દો છો.
10 “પરંતુ અમારા માટે તો યહોવા જ અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ જ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે.
11 તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે.
12 જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, “હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.”
13 પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા.
14 યહૂદાએ પાછળ જોયું; તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી; ત્યારે તેઓએ યહોવાને આજીજી કરી, ને યાજકોએ રણશિંગડા વગાડ્યાં.
15 યહૂદિયાના સૈનિકોએ મોટા સાદે પોકાર કર્યો. જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે દેવે અબિયા રાજા અને યહૂદિયા સૈન્યનો એવો ઉપયોગ કર્યો કે યરોબઆમ રાજા અને ઇસ્રાએલનું સૈન્ય હારવા લાગ્યું.
16 તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા.
17 અબિયાએ અને તેની સેનાએ તેમનો સખત પરાજય કર્યો, ઇસ્રાએલના શ્રેષ્ઠ યોદ્ધાઓમાંથી 5,00,000 સૈનિકો માર્યા ગયા.
18 આમ, તે સમયે ઇસ્રાએલીઓ હારી ગયા, ને યહૂદાના સૈન્યનો વિજય થયો, કારણકે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા પર ભરોસો રાખ્યો હતો,
19 અબિયાએ યરોબઆમનો પીછો પકડી, તેના કબજામાંથી આસપાસના કસબા સહિત બેથેલ, યશાનાહ, અને એક્રોન નગરો લઇ લીધો.
20 0અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો.
21 પરંતુ અબિયાનું બળ વધતું ગયું; તે
14 સ્રીઓ સાથે પરણ્યો, તેને
22 પુત્રો તથા
16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે.
પ્રકરણ 14

1 એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
2 આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
3 તેણે પારકી મૂર્તિઓની વેદીઓ અને પર્વતો પરનાં ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં. તેણે પૂજાસ્તંભો ભાંગી નાખ્યા, અને અશેરા દેવીના લાકડાના થાંભલા કાપી નાખ્યા.
4 અને યહૂદાના લોકોને તેમના પિતૃઓના દેવ યહોવાની સેવાપૂજા કરવાનો અને તેના કાનૂનો અને આજ્ઞાઓનું પાલન કરવાનો હુકમ કર્યો.
5 તેણે યહૂદાના પ્રત્યેક શહેરમાંના ટેકરી ઉપરના થાનકોનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો. તેના અમલ દરમિયાન રાજ્યમાં શાંતિ રહી.
6 તેને લીધે સમગ્ર યહૂદિયામાં તે કિલ્લાવાળા નગરો બાંધી શક્યો. તે ભૂમિને યહોવાએ શાંતિ આપી.
7 તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ.
8 આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.
9 કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ
10 ,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો.
10 આસા તેનો સામનો કરવા બહાર પડ્યો અને તેણે મારેશાહ આગળ સફાથાહના મેદાનમાં સેનાને યુદ્ધ માટે ગોઠવી.
11 આસાએ પોતાના દેવ યહોવાને અરજ કરી, “હે યહોવા, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઇ નથી; હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર; અમને માત્ર તારો જ આધાર છે. અને તારું નામ લઇને જ અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ, હે યહોવા, તું અમારો દેવ છે. લોકો તારી પર વિજયી ન થાય, એ જોજે.”
12 યહોવાએ આસા અને યહૂદાવાસીઓને હાથે કુશીઓને હરાવી દીધા અને તેઓ ભાગવા લાગ્યા.
13 આસા અને તેના માણસોએ ગરાર સુધી તેમનો પીછો કર્યો. યહોવા અને તેની સેના આગળ કુશીઓ છિન્નભિન્ન થઇ ગયા; તેથી ઘણા કુશીઓ મરી ગયા કે તેઓ બીજુ લશ્કર ઊભુ કરી શક્યા નહિ. યહૂદાવાસીઓએ મોટા જથ્થામાં લૂંટ ભેગી કરી.
14 તેમણે ગરારની આસપાસના બધાં શહેરોનો નાશ કર્યો, કારણ, યહોવાએ લોકોને ભયભીત બનાવી દીધાં હતા, તેમણે બધા શહેરો લૂંટી લીધા, અને તેમને એ શહેરોમાંથી પુષ્કળ લૂંટ મળી,
15 તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.
પ્રકરણ 15

1 ત્યારબાદ ઓદેદના પુત્ર અઝાર્યામાં યહોવાનો આત્મા પ્રવેશ્યો.
2 તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.
3 ઘણા લાંબા સમયથી ઇસ્રાએલી લોકોએ સાચા દેવની પ્રાર્થના કરી ન હતી, અને તેઓને તે વિષેનું શિક્ષણ આપવા માટે ત્યાં કોઇ યાજક ન હતો. દેવના નિયમશાસ્ત્ર અનુસર્યા વિના તેઓ જીવન પસાર કરતા હતા.
4 પરંતુ જ્યારે પોતાના સંકટના સમયે તેમણે ઇસ્રાએલના દેવ યહોવા તરફ વળી તેની શોધ આદરી ત્યારે તે તેમને પ્રાપ્ત થયા.
5 તેઓએ દેવ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો, તેથી તે સમયે કોઇને શાંતિ નહોતી, દેશ દરેક રીતે મુશ્કેલીમાં આવી પડ્યો હતો અને સર્વત્ર ગુનાઓ વધી રહ્યા હતા.
6 પ્રજાઓ અને નગરો એકબીજા સાથે લડીને પાયમાલ થતાં હતા. કારણકે દેવ તેઓને દરેક પ્રકારની આફતો વડે શિક્ષા કરતા હતા.
7 પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”
8 જ્યારે આસાએ દિવ્યવાણીના વચનો ઓદેદની ભવિષ્યવાણીમાં સાંભળ્યા, ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના દેશમાંથી તથા જે શહેરો તેણે એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં જીતી લીધાં હતા, તે બધામાંથી ઘૃણાસ્પદ મૂર્તિઓને હઠાવી દીધી. અને યહોવાના મંદિરની સામેની વેદી તેણે ફરી બંધાવી.
9 ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.
10 આસાના અમલ દરમ્યાન પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા.
11 અને તેમણે તે દિવસે પોતે જે લૂંટ સાથે લાવ્યા હતા, તેમાંથી 700 બળદો અને 7,000 ઘેટાંનાં હોમબલિ તેઓએ યહોવાને ચઢાવી.
12 તેમણે પોતાના પિતૃઓના દેવ યહોવાની સાચા હૃદયથી ઉપાસના કરવાનો કરાર કર્યો;
13 નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું.
14 ત્યારબાદ તેમણે શરણાઇ અને રણશિંગડા ને તુરાઇઓ વગાડીને મોટા સાદે યહોવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી.
15 તે બધા ખૂબ આનંદમાં હતા; કારણકે તેઓએ પોતાના પૂરા અંત:કરણથી અને સંપૂર્ણ ઇચ્છાથી દેવ સાથે આ કરાર કર્યો હતો. અને દેવને સર્વશ્રેષ્ઠ સ્થાન આપીને યહોવાને શોધ્યા. તે તેઓને મળ્યા; અને તેમણે તેઓને ચોતરફ શાંતિ આપી અને સલામતી બક્ષી.
16 આસાએ પોતાની દાદી માઅખાહને પણ રાજમાતા પદેથી ષ્ટ કરી, કારણકે તેણે અશેરાહની પૂજા માટે અશ્લીલ મૂર્તિ કરાવી હતી. આસાએ તે મૂર્તિને તોડી, તેના ભૂક્કેભૂક્કા કરી નાખ્યા અને કિદ્રોનની ખીણમાં સળગાવી દીધી.
17 જો કે ઇસ્રાએલમાંથી ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતા. તેમ છતાં આસા જીવનભર યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો.
18 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને ધરાવેલી બધી ભેટો સોનુંરૂપું, અને વાસણો બધું યહોવાના મંદિરમાં જમા કરાવી દીધું.
19 આસા રાજાની કારકિદીર્ના પાંત્રીસ વર્ષ સુધી ત્યાં બીજું કોઇ યુદ્ધ કે લડાઇ થયા નહિ.
પ્રકરણ 16

1 રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી.
2 એટલે આસાએ યહોવાના મંદિરના અને રાજમહેલના ભંડારોમાંથી સોનુચાંદી બહાર કાઢી દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને સંદેશો મોકલાવ્યો કે,
3 “તારા પિતા અને મારા પિતા વચ્ચે સલામતીનો કરાર કરેલો હતો, તે આપણે તાજો કરીએ, જો, આ ચાંદી અને સોનું મેં મોકલ્યું છે. ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો તારો કરાર તોડી નાખ, જેથી તે પાછો ચાલ્યો જાય.”
4 બેનહદાદ સંમત થયો અને તેણે પોતાના સેનાપતિઓને ઇસ્રાએલનાં શહેરો ઉપર ચઢાઇ કરવા મોકલી આપ્યા; તેમણે ઇયોન, દાન, આબેલ-માઇમ અને નફતાલીનાં સંગ્રહાલય શહેરો જીતી લીધાં.
5 જ્યારે બાઅશાને આની જાણ થઇ, ત્યારે તેણે રામાની કિલ્લેબંદી કરવાનું છોડી દીધું, અને બધું કામ બંધ કરાવી દીધું.
6 ત્યારબાદ રાજા આસાએ યહૂદાના બધા માણસોને સાથે લીધા અને તેઓ જે પથ્થર અને લાકડાં વડે બાઅશા રામામાં કિલ્લેબંદી કરતો હતો તે ઉઠાવી ગયા, અને તેના વડે તેમણે ગેબા અને મિસ્પાહ બાંધ્યાં.
7 તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.
8 કૂશીઓ અને લૂબીઓનું લશ્કર પણ ઘણું મોટું હતું અને તેમની પાસે અસંખ્ય રથો અને ઘોડેસવારો હતા. તેમ તું યહોવાના ભરોસે રહ્યો હતો એટલે તેણે તેમને તારા હાથમાં સોંપી દીધા હતા.
9 યહોવાની ષ્ટિ સમગ્ર પૃથ્વી પર ફરતી હોય છે. અને જેઓનું અંત:કરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સાર્મથ્ય પ્રગટ કરે છે. તેઁ કેવી મૂર્ખાઇ કરી છે! હવેથી તારે યુદ્ધો ખેલવા પડશે.”
10 પ્રબોધકના આ શબ્દોથી આસાને હનાની પર ખૂબ ગુસ્સો આવ્યો; ને તેણે તેને કેદમાં પૂરી દીધો. એ જ વખતે તેણે ઘણાં પ્રજાજનો પર પણ કેર વર્તાવ્યો.
11 આસાના રાજ્યના બધા બનાવો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના વૃતાંતમાં નોંધાયેલા છે.
12 તેના રાજ્યના 39 મા વષેર્ તેને પગનો રોગ પડ્યો. અને તે વધતો જ ગયો. તેણે યહોવાને શરણે જવાને બદલે વૈદોની સલાહ લીધી.
13 તે એના અમલના 41 મા વષેર્ તો પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં તેણે પોતાના માટે ખોદાવેલી કબરમાં દફનાવવામાં આવ્યો.
14 તેમણે તેના શરીરને સુગંધી દ્રવ્યોથી ભરેલી કબરમાં સુવડાવ્યો, કફનમાં મૂક્યા બાદ તેની દફનવિધિ વખતે તેના લોકોએ બહુ મોટા પ્રમાણમાં ધૂપ બાળ્યા.
પ્રકરણ 17

1 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું.
2 તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા,
3 યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વષોર્માં જે માગેર્ ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ.
4 ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો.
5 આથી યહોવાએ તેના હાથમાં યહૂદા પરની સત્તા કાયમ રાખી, આખું યહૂદા તેને ભેટસોગાદ આપતું હતું. અને તે પુષ્કળ કીતિર્ અને સંપત્તિ પામ્યો.
6 તે યહોવાની સેવામાં ગૌરવ લેતો હતો અને તેણે યહૂદામાંની ટેકરીઓ ઉપરના સ્થાનકોનો તેમજ પૂજાસ્તંભોનો પણ નાશ કર્યો.
7 તેના શાસનકાળના ત્રીજા વષેર્ તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને,
8 લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા.
9 “દેવના નિયમશાસ્ત્રના” પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું.
10 આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ.
11 કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા.
12 યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા
13 અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું.
14 યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;
15 તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;
16 તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો.
17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો: શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;
18 તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.
19 આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા.
પ્રકરણ 18

1 યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ.
2 થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો.
3 આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.”
4 પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”
5 તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?” તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”
6 યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?”
7 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.” યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”
8 આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”
9 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા.
10 એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.”
11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.”
12 મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”
13 પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે જ ભાખીશ.”
14 મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”
15 પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”
16 એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.”‘
17 આ સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો જ નથી. માઠું જ ભવિષ્ય ભાખે છે.”
18 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો;” મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા.
19 યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું.
20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’
21 તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’
22 “તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”
23 ત્યારે કનાનનો પુત્ર સિદકિયા મીખાયા પાસે ગયો અને તેના ગાલ પર તમાચો મારીને બોલ્યો, “તું જૂઠો છે, યહોવાનો આત્મા મને તજીને તારામાં ક્યારે આવ્યો?
24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”
25 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો,
26 ‘રાજાનો એવો હુકમ છે કે, આને કેદમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલા જ રોટલા ને પાણી સિવાય કશું આપશો નહિ.”‘
27 મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”
28 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો.
29 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.
30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.”
31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં.
32 રથાધિપતિઓએ જોયું કે, એ તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી.
33 પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”
34 તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.
પ્રકરણ 19

1 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો.
2 ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;
3 જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”
4 તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું.
5 તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
6 અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે.
7 માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”
8 ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા.
9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી.
10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
11 બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિદોર્ષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”
પ્રકરણ 20

1 કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ.
2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે.
3 યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો.
4 બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા.
5 યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો.
6 અને બોલ્યો,“હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી.
7 હે દેવ, તેં જ આ દેશના મૂળ વતનીઓને આ ભૂમિમાંથી હાંકી કાઢી, તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને, તારા પોતાના લોકો ઇસ્રાએલીઓને એ આપી હતી.
8 તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું.
9 અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’
10 “અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો.
11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે!
12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”
13 યહૂદાના બધા લોકો, નાનામોટાં બાળકો અને સ્રીઓ સુદ્ધા યહોવા સમક્ષ ઊભાં હતા.
14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો.
15 તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે.
16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ ‘સીસના ઢોળાવ’ થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે.
17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.”‘
18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ.
19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.
20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને ‘તકોઆના વગડા’ તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
21 પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા, “યહોવાની સ્તુતિ કરો, કારણ, તેની કરૂણા શાશ્વત છે.”
22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો.
23 આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઇર પર્વતના સૈન્યની વિરૂદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓ માંહેમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કરવા લાગ્યાં.
24 તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો.
25 યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે.
27 યારબાદ યહૂદા અને યરૂશાલેમના બધા માણસો યહોશાફાટને મોખરે રાખી આનંદપૂર્વક પાછા નગરમાં ગયા, કારણ યહોવાએ તેમને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યાનો આનંદ માણવાનો અવસર આપ્યો હતો.
28 તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા.
29 અગાઉ બન્યુ હતું તે જ રીતે આજુબાજુના રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ પોતે જ ઇસ્રાએલના દુશ્મનો સાથે યુદ્ધ કર્યુ હતું, ત્યારે તેઓ દેવથી ભયભીત થઇ ગયા.
30 આમ, યહોશાફાટના રાજ્યમાં શાંતિ હતી, કારણકે દેવે તેને સર્વ બાજુએથી સર્વ પ્રકારની શાંતિ આપી હતી.
31 આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર
35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં
25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી.
32 તે પોતાના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
33 પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા.
34 યહોશાફાટના શાસનના બાકીના બનાવો શરૂઆતથી તે અંત સુધી હનાનીના પુત્ર યેહૂના વૃત્તાંતમાં નોંધાયેલા છે. આ બનાવોની નોંધ કરી અને તેની નકલ કરીને તેનો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
35 તેના જીવનના અંતકાળમાં યહૂદાના રાજા યહોશાફાટે ઇસ્રાએલના રાજા અહાઝયા સાથે કરાર કર્યો. અહાઝયા ઘણો દુષ્ટ હતો.
36 તેની સાથે મળીને યહોશાફાટે એસ્યોન-ગેબેરમાં બનાવેલ વહાણને તાશીર્શ મોકલ્યા.
37 પણ મારેશ્શાહના વતની દોદાવાહૂના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરૂદ્ધ ભવિષ્યવાણી ભાખી કે, “તેં અહાઝયા સાથે મૈત્રી કરી છે તેથી યહોવા તારા વહાણોને ભાંગી નાખશે.” તેથી એ વહાણો નાશ પામ્યાં અને તેઓે કદી તાશીર્શ પહોંચી શક્યાં નહિ.
પ્રકરણ 21

1 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો.
2 તેને છ ભાઇઓ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મીખાએલ અને શફાટયા. એ બધા યહૂદાના રાજા યહોશાફાટના પુત્રો હતા,
3 અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.
4 રાજા તરીકે સ્થિર થયા પછી યહોરામે તેના ભાઇઓને તથા ઇસ્રાએલના કેટલાક આગેવાનોને મારી નાખ્યા.
5 બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ.
6 તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની ષ્ટિએ ખોટું ગણાય તેવું આચરણ કર્યુ.
7 તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”
8 એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં.
9 યહોરામે તેના લશ્કરી અધિકારીઓ અને રથો સાથે અદોમ તરફ કૂચ કરી, અદોમીઓએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા પરંતુ યહોરામે તેમના ઉપર રાત્રે આક્રમણ કર્યુ અને પોતાના લશ્કર અને રથોની મદદથી તેઓને હરાવી દીધા. યહોરામ અને તેનું લશ્કર પાછું યહૂદા ભાગી ગયું.
10 પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો.
11 યહૂદાની ટેકરીઓ ઉપર સ્થાનકો બાંધ્યા હતા, યરૂશાલેમના વતનીઓ મૂર્તિપૂજા કર્યા કરતા હતા. અને આખા યહૂદાને ખોટે માગેર્ ચડાવ્યું હતું.
12 ત્યારબાદ એલિયા પ્રબોધકે તેના ઉપર પત્ર લખ્યો, “તારા પિતૃ દાઉદના યહોવા દેવ કહે છે: ‘તારા પિતા યહોશાફાટ અને આસા રાજા જે સારા માગોર્ પર ચાલ્યાઁ, તે માગોર્ ઉપર તું ચાલ્યો નથી.
13 પરંતુ તું ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો છે, અને આહાબના કુટુંબે ઇસ્રાએલના લોકોને મારાથી વિમુખ કરી દીધા હતા તેમ તેં યરૂશાલેમના અને યહૂદાના લોકોને મારાથી વિમુખ બનાવી દીધા છે અને તારા કરતાં સારા એવાં તારા ભાઇઓને તેં મારી નાખ્યા છે.
14 એટલે હું તારા પર, તારી પ્રજા પર, તારા વંશજો પર, તારી પત્નીઓ પર અને બધી મિલકત પર ભયંકર રોગ લાવીશ.
15 તને પોતાને આંતરડાનો ર્જીણ રોગ લાગુ પડશે અને આખરે એ રોગને કારણે તારાં આંતરડાં બહાર નીકળી પડશે.”‘
16 પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા.
17 તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.
18 આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો.
19 બે વર્ષ સુધી તે બહુ જ પીડાયો, તેનાં આંતરડા બહાર નીકળી પડ્યાં અને ભારે વેદના સહીને તે મૃત્યુ પામ્યો. તેની પ્રજાએ તેના પિતાના માનમાં જે અગ્નિ પ્રગટાવી હતી તેવી એના માનમાં પ્રગટાવી નહિ.
20 તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.
પ્રકરણ 22

1 ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો.
2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા.
3 કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી.
4 તેથી તે પણ આહાબના કુટુંબને પગલે ચાલ્યો, અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ, કારણકે આહાબના કુટુંબીઓ જ એના પિતાના અવસાન પછી એને સલાહ આપતા હતા જેને પરિણામે તે પાયમાલ થયો.
5 તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો.
6 અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.
7 યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો.
8 યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો.
9 અહાઝયા સમરૂનમાં સંતાઇ ગયો હતો. ત્યાંથી તેને પકડીને યેહૂ પાસે લઇ આવ્યા અને તેને ત્યાં મારી નાખ્યો, તેમણે તેને દફનાવ્યો ખરો, કારણકે, તેમણે કહ્યું કે, “એ યહોવાના સાચા ભકત યહોશાફાટનો વંશજ છે.”પછી અહાઝયાનુ કુટુંબ કોઇ રાજ કરવા જેટલું બળવાન રહ્યું નહિ.
10 જ્યારે અથાલ્યાએ પોતાના પુત્ર અહાઝયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણીએ યહૂદાના સમગ્ર રાજકુટુંબનો નાશ કર્યો.
11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો.
12 તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.
પ્રકરણ 23

1 અથાલ્યા રાણીના શાસનકાળના સાતમા વષેર્ યહોયાદાએ હિંમતવાન બનીને યહોરામના પુત્ર અઝાર્યાને, યહોહાનાન પુત્ર ઇશ્માએલને, ઓબેદનો પુત્ર અઝાર્યાને, અદાયાના પુત્ર માઅસેયાને, તથા ઝિખ્રીના પુત્ર અલીશાફાટને, અને બીજાઓને બોલાવડાવી તેમની સાથે કોલકરાર કર્યા.
2 તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા.
3 અને એ સમગ્ર સમૂહે દેવનાં મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.યહોયાદાએ તેમને કહ્યું, “રાજાનો કુંવર શાસન કરશે. દાઉદના વંશજો જ રાજા થશે, એવું યહોવાએ વચન આપ્યું હતું તે મુજબ જ થશે.
4 તમારે બધાએ આ પ્રમાણે કરવાનું છે: તમારી ત્રણ ટૂકડી છે. તેમાંથી યાજકો અને લેવીઓની જેજે ટૂકડીઓ વિશ્રામવારે ફરજ પર રહેવાનું છે, તેણે દરવાજાની ચોકી કરવી; બીજી ટૂકડીએ રાજમહેલની ચોકી કરવી,
5 અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું.
6 પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો.
7 લેવીઓએ પોતાની તરવાર હાથમાં રાખીને રાજાની આસપાસ ગોઠવાઇ તેનું રક્ષણ કરવું. જે કોઇ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવો. રાજા જ્યાં જાય ત્યાં તેમણે તેની સાથે રહેવું.”
8 મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા.
9 પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં;
10 અને એ લોકોના હાથમાં હથિયાર સાથે મંદિરની જમણી બાજુ અને ડાબી બાજુ સુધી વેદી અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા.
11 ત્યારબાદ યહોયાદા રાજકુંવરને લઇ આવ્યો અને તેના માથા ઉપર રાજમુગટ પહેરાવ્યો. પછી તેણે તેના હાથમાં નિયમશાસ્ત્રના ગ્રંથની નકલ આપી તેને રાજા જાહેર કર્યો. ત્યારબાદ, યહોયાદા અને તેના પુત્રો દ્વારા તેનો રાજ્યાભિષેક કરાયા બાદ તેઓએ રાજા ઘણું જીવો ના પોકારો કર્યા.
12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી.
13 ત્યાં તેણે રાજાને પ્રવેશદ્વાર આગળ મંચ ઉપર ઊભેલો જોયો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશનાં દરેક ભાગોમાંથી આવેલા લોકો આનંદ કરીને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઇને દેવની સ્તુતિ કરતાં હતાં. અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”
14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.”
15 તેથી તેઓ તેને પકડીને રાજમહેલ સુધી લઇ ગયા અને ત્યાં “ઘોડા-દરવાજાના” પ્રવેશ દ્વાર પાસે તેનો વધ કર્યો.
16 તે પછી યહોયાદાએ ગંભીર કરાર કર્યો કે, તે પોતે રાજા અને લોકો યહોવાના જ બનીને રહેશે.
17 અને પછી બધા લોકોએ બઆલને મંદિરે જઇ તેને તોડી નાખ્યું; તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખી અને યાજક મત્તાનને વેદીઓની સામે જ મારી નાખ્યો.
18 ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.
19 પછી તેણે યહોવાના મંદિરના દરવાજાઓ આગળ દ્વારપાળો ગોઠવી દીધા જેથી કોઇ પણ રીતે અશુદ્ધ હોય એવો માણસ તેમાં દાખલ ન થાય.
20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના ‘ઉપલા દરવાજાથી’ રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો.
21 દેશનાં સર્વ લોકો ખૂબ આનંદ પામ્યા હતા અને નગરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઇ હતી કારણકે રાણી અથાલ્યા મૃત્યુ પામી હતી.
પ્રકરણ 24

1 યોઆશ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી.
2 યહોયાદા યાજકના જીવનકાળ દરમિયાન યોઆશે યહોવાને પ્રસન્ન કરવા પૂરાં ઉમંગ-ઉત્સાહથી કામ કર્યુ.
3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં અને તેના પુત્રો અને પુત્રીઓ થયા.
4 યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ.
5 આથી તેણે યાજકોને અને લેવીઓને એકઠા કરીને કહ્યું, “યહૂદાના ગામેગામ જઇને બધા ઇસ્રાએલીઓ પાસેથી તમારા દેવ યહોવાના મંદિરની મરામત માટે વાષિર્ક પૈસા ઉઘરાવો. જાઓ, જલદી કરો.”
6 પણ લેવીઓએ કામમાં વિલંબ કર્યો. આથી રાજાએ મુખ્ય યાજક યહોયાદાને બોલાવ્યો અને કહ્યું, “તમે શા માટે યહોવાના સેવક મૂસાએ સાક્ષ્યમડંપ માટે ઇસ્રાએલના લોકો ઉપર નાખેલાં કર અને યહૂદા અને યરૂશાલેમમાં રહેતા લેવીઓ પાસેથી કર ઉઘરાવ્યો નથી?”
7 દુષ્ટ અથાલ્યાના અનુયાયીઓએ યહોવાના મંદિરને લૂંટી લીધું હતું. દેવના ભજનને માટે સમપિર્ત કરેલા પાત્રો મંદિરમાંથી લઇ જઇને પૂજા માટે તેઓએ બઆલના મંદિરમાં મૂક્યાં હતા.
8 રાજાએ એક પેટી બનાવડાવીને યહોવાના મંદિરના દરવાજા બહાર મૂકાવી.
9 અને આખા યહૂદામાં અને યરૂશાલેમમાં લેવીઓએ એવો ઢંઢેરો પિટાવ્યો કે, યહોવાના સેવક મૂસાએ રણમાં ઇસ્રાએલીઓ પર જે કર નાખ્યો હતો તે લોકોએ લાવવો જોઇએ.
10 બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં.
11 પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી.
12 રાજા અને યહોયાદા એ રકમ દેવના મંદિરનાં કામ ઉપર દેખરેખ રાખનારા અધિકારીને સોંપી દેતા, તેમણે કડિયાઓ અને સુથારોને મંદિરના જીણોર્દ્ધાર માટે રોક્યા. લોખંડનું અને પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ મરામત કરવા માટે રોક્યા.
13 કારીગરો કામે લાગી ગયા અને તેમણે યહોવાના મંદિરના જીણોર્દ્ધારનું કામ પૂરું કર્યુ; તેમણે દેવના મંદિરને પહેલાનાં જેવું મજબૂત બનાવી દીધું.
14 બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.
15 યહોયાદા ઘરડો થયો અને એકસોને ત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યો.
16 અને તેને રાજાઓ ભેગો દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. કારણ, તેણે ઇસ્રાએલમાં દેવની અને તેના મંદિરની સારી સેવા બજાવી હતી.
17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો ,તેઓએ તેને ખોટી સલાહ આપી.
18 તે આગેવાનોએ તેમના વંશજોના દેવ યહોવાનું મંદિર છોડી દીધું અને અશેરાદેવીની, ને બીજાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેમના આ દોષને કારણે યહૂદા અને યરૂશાલેમ ઉપર યહોવાનો રોષ ઊતર્યો.
19 યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.
20 પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.
21 પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો.
22 ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”
23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો.
24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી.
25 અરામીઓ યોઆશને સખત ઘવાયેલી હાલતમાં મૂકી ગયા અને ત્યાર પછી તેના પોતાના અમલદારોએ યાજક યહોયાદાના પુત્રના મૃત્યુનું વેર લેવા તેની સામે ગુપ્તયોજના ઘડી તેને પથારીમાં જ મારી નાખ્યો. આમ તે મરણ પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. જો કે રાજાઓના કબ્રસ્તાનમાં તો નહિ જ.
26 જે સેવકોએ તેની સામે કાવત્રું કરીને તેને મારી નાખ્યો હતો તેઓ આ બધાં હતાં; ઝાબાદ અને યહોઝાબાદ. આમ્મોની શિમઆથ તે ઝાબાદની માતા હતી અને યહોઝાબાદની માતા તે મોઆબેણ શિમ્રીથ હતી.
27 યોઆશનાં છોકરાની વિગતો, તેની સામે પ્રબોધકોએ ઉચ્ચારેલી અનેક ચેતવણીઓ, તેમજ તેણે કરાવેલી મંદિરની મરારત વગેરે વિષે રાજાઓના વૃત્તાંતના ગ્રંથમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા ગાદીએ આવ્યો.
પ્રકરણ 25

1 અમાસ્યા ગાદી પર આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ યહોઆદાન હતું અને તે યરૂશાલેમની હતી.
2 તેણે યહોવાની ષ્ટિએ જે યોગ્ય હતું તે કર્યું. પણ હંમેશા તે પૂરા હૃદયથી તેમ કરતો ન હતો.
3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા.
4 જો કે તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યા નહિ, મૂસાના નિયમમાં લખેલી દેવની આજ્ઞાને તે આધીન થયો, “બાળકોના પાપોને કારણે પિતા માર્યા ન જાય, અને પિતાના પાપોને કારણે બાળકો માર્યા ન જાય, પ્રત્યેક પોતાનાં પાપની શિક્ષા ભોગવે છે.”
5 ત્યારબાદ અમાસ્યાએ રાજ્યના બધા લોકોને- યહૂદાના તેમજ બિન્યામીનના વંશના લોકોને ભેગા કર્યા, અને તેમને કુટુંબવાર હજાર હજારના અને સો સોના નાયકો નીચે ગોઠવી દીધા. 20 વરસના અને તેની ઉપરનાની તેણે ગણતરી કરી તો 3,00,000 ચુનંદા યોદ્ધાઓ થયા. તેઓ બધા ઢાલ અને ભાલાથી યુદ્ધ કરવાને સજ્જ હતા.
6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા.
7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી.
8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.”
9 અમાસ્યાએ કહ્યું, “પણ મેં જે ચાંદી આપી છે તેનું શું?” દેવના માણસે ઉત્તર આપ્યો, “યહોવા તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.”
10 આથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેમને જુદા પાડીને ઘેર પાછા મોકલી દીધા. એ લોકો યહૂદા પર ભારે રોષે ભરાયા અને ધૂંધવાતા ધૂંધવાતા ઘેર ગયા.
11 ત્યારપછી અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઇ ગયો અને ત્યાં તેણે અદોમના10,000 માણસોને કાપી નાખ્યા.
12 યહૂદાના માણસોએ બીજા 10,000ને જીવતા કેદ પકડ્યા અને તેમને ખડકની ટોચે લાવી ત્યાંથી હડસેલી મૂક્યા. આથી તેમના બધાના ટુકડે ટુકડા થઇ ગયા. નીચેની ખડકો ઉપર પછડાઇને તેઓ મૃત્યુ પામ્યા.
13 આ દરમ્યાન ઇસ્રાએલના જે સૈન્યને ઘેર મોકલી દીધું હતું, તેઓએ બેથ-હોરોનથી સમરૂન સુધીના યહૂદાના શહેરોમાં લૂંટ ચલાવી. તેઓ 3,000 માણસોને મારી નાખીને, મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા.
14 અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો આવ્યો અને જે અદોમીઓના પૂતળાં સાથે લઇ આવ્યો હતો, તેની તેણે પોતાના દેવો તરીકે સ્થાપના કરી, પછી તેણે તેની પૂજા કરવાનું અને તેમની સામે ધૂપ બાળવાનું શરૂ કર્યું.
15 આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”
16 પરંતુ રાજાએ ગુસ્સે થઇને કહ્યું, “મેં તારી સલાહ ક્યાં માંગી છે? ચૂપ રહે, નહિ તો હું તને મારી નાખીશ.” પ્રબોધકે જતાં જતાં ચેતવણી આપી, “હું જાણું છું કે, દેવે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે તેઁ આ મૂર્તિઓની પૂજા કરી છે, અને મારી સલાહ માની નથી.”
17 એ પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલી કહેવડાવ્યું કે, “ચાલો, આપણે મોઢા મોઢ મળીએ.”
18 પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ.’
19 ‘મેં અદોમ સર કર્યુ છે’ એમ તું કહે છે, અને તેથી તારું મગજ ફાટી ગયું છે. અદોમ ઉપર વિજય મળવાથી તું ઘણો અભિમાની થઇ ગયો છે, પણ મારી સલાહ છે કે, તું તારે ઘેર રહે અને મારી સાથે યુદ્ધ કરીશ નહિ, રખેને તું અને સમગ્ર યહૂદા ભારે નુકશાન વહોરી લો.”
20 પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. કારણકે તેઓ અદોમના દેવને ભજતા હતા. લડાઇમાં યહૂદા હારી જાય એમ દેવ ઇચ્છતા હતા. તેથી જ તેમણે અમાસ્યાને ઇસ્રાએલ સામે લડાવ્યો.
21 માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા.
22 યહૂદાના માણસો ઇસ્રાએલના માણસોથી હારીને પોતપોતાને ઘેર ભાગી ગયા.
23 પણ ઇસ્રાએલનો રાજા યોઆશ યહૂદાના હારી ગયેલા રાજા અમાસ્યાને કેદ કરીને યરૂશાલેમ લઇ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો 200 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તોડી નંખાવ્યો.
24 વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો.
25 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યહોઆશના મૃત્યુ પછી યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો.
26 અમાસ્યાનાં બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના તથા ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે.
27 અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માગેર્ ચાલવા લાગ્યો તે સમયથી યરૂશાલેમમાં લોકોએ તેની વિરૂદ્ધ બંડ કર્યુ. તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો.
28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
પ્રકરણ 26

1 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો.
2 અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી.
4 તે પોતાના પિતા અમાસ્યાને માગેર્ ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો.
5 ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માગેર્ ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
6 તેણે પલિસ્તીઓ ઉપર ચઢાઇ કરી ગાથ, યાબ્નેહ અને આશ્દોદની દીવાલો તોડી પાડી અને તેણે આશ્દોદની નજીક અને પલિસ્તીઓના બાકીના પ્રદેશમાં શહેરો બંધાવ્યાં.
7 દેવે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ મદદ કરી.
8 આમ્મોનીઓ ઉઝિઝયાને ખંડણી ભરવા લાગ્યા. તેની કીતિર્ ઠેઠ મિસરની સરહદ લગી ફેલાઇ, કારણ, તે ખૂબ બળવાન બની ગયો હતો.
9 એ ઉપરાંત તેણે યરૂશાલેમમાં ‘ખૂણાના દરવાજા,’ ખીણના દરવાજા અને કિલ્લા દરવાજા પાસે અને દીવાલનાં વળાંક પાસે બુરજો બંધાવ્યા.
10 તેણે રણમાં પણ બુરજો બંધાવ્યા અને અનેક કૂવાઓ ખોદાવ્યા, કારણ, તેની પાસે નીચાણના પ્રદેશમાં તેમજ ઉચ્ચ પ્રદેશમાં ઘણાં ઢોરો હતાં. તેને ખેતીવાડીનો શોખ હતો, એટલે એણે દ્રાક્ષવાડીઓ ઉગાડનાર અને ફળદ્રૂપ ભૂમિમાં અને પર્વતીય પ્રદેશોમાં કામ કરનાર ખેડૂતો રાખ્યા હતા.
11 ઉઝિઝયા પાસે યુદ્ધ માટે સજ્જ તાલીમ પામેલી સેના હતી, અને મહામંત્રી યેઇએલ અને અધિકારી માઅસેયાએ રાજાના એક સેનાપતિ હનાન્યાના હાથ નીચે તૈયાર કરેલી યાદી પ્રમાણે તેની ટૂકડીઓ પાડવામાં આવી હતી.
12 સેનાનાયકોની કુલ સંખ્યા 260 હતી.
13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું.
14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા.
15 કુશળ શોધકોએ શોધેલાં યુદ્ધના નવાં યંત્રોનું ઉઝિઝયાએ યરૂશાલેમમાં ઉત્પાદન કર્યુ. આ યંત્રો બુરજો પરથી અને દીવાલોને ખૂણેથી બાણો અને મોટા કદનાં પથ્થરો ફેંકવા માટે ઉપયોગી હતા. તેની કીતિર્ ઘણે દૂર સુધી ફેલાઇ ગઇ. તેને ઘણી બધી મદદ મળી અને તે એક સાર્મથ્યવાન રાજા બની ગયો.
16 પણ જેમ જેમ તેનું બળ વધતું ગયું, તેમ તેમ તે અભિમાની બનતો ગયો અને તેમાંથી તેનો વિનાશ થયો. તેણે ધૂપની વેદી ઉપર ધૂપ ચઢાવવા માટે યહોવાના મંદિરમાં પ્રવેશ કરીને યહોવાનો ગુનો કર્યો.
17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું,
18 “ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”
19 એટલે ઉઝિઝયાને ક્રોધ ચઢયો; તેના હાથમાં ધૂપ કરવા માટે ધૂપદાન હતું; યાજકો પર તે કોપાયમાન થયો હતો, એટલામાં ધૂપવેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના દેખતાં તેના કપાળમાં કોઢ ફૂટી નીકળ્યો.
20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો.
21 પોતાના મૃત્યુ સુધી ઉઝિઝયા કોઢી જ રહ્યો અને એકાંતવાસમાં જીવ્યો. તે મંદિરથી અને પોતાના લોકોથી અલગ કરાયેલો હતો. તેના પુત્ર યોથામે રાજાનો વહીવટ સંભાળી લીધો અને દેશના લોકોનો ન્યાય કરવાનું કામ કર્યુ.
22 ઉઝિઝયાના રાજ્યના બીજા બનાવો પરથી પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક યશાયા-આમોસના પુત્રએ નોંધેલું છે.
23 ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો.
પ્રકરણ 27

1 યોથામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ યરૂશા હતું. અને તે સાદોકની પુત્રી હતી.
2 તેના પિતા ઉઝિઝયાએ જે સઘળું કર્યુ હતું તે પ્રમાણે તેણે યહોવાની ષ્ટિમાં જે સારું હતું તે કર્યુ; પરંતુ યહોવાના મંદિરમાં તે જતો નહિ; પણ લોકોએ ષ્ટ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું.
3 તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બંધાવ્યો અને ઓફેલના કોટનું ઘણું બાંધકામ કરાવ્યું.
4 તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ.
5 તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં.
6 યોથામ પોતાના બધા નિર્ણયો દેવના માગોર્ને અનુસરીને લેતો હતો. તેથી તે ઘણો બળવાન બનવા પામ્યો.
7 યોથામના રાજ્યના બીજા બનાવોની, તેના બધા યુદ્ધોની અને તેના રાજ્યવહીવટની નોંધ ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના વૃત્તાંતમાં લેવામાં આવેલી છે.
8 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ.
9 ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.
પ્રકરણ 28

1 આહાઝ જ્યારે રાજા બન્યો ત્યારે તેની ઉંમર
20 વર્ષની હતી; અને તેણે યરૂશાલેમમાં
16 વર્ષ રાજ્ય કર્યું.
2 પોતાના પિતૃ દાઉદની જેમ યહોવા પ્રસન્ન થાય એવું આચરણ કરવાને બદલે તે ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલ્યો અને તેણે બઆલદેવોની મૂર્તિઓ પણ ઢળાવી.
3 તેણે બેનહિન્નોમની ખીણમાં ધૂપ બાળવા શરુ કર્યા. અને ઇસ્રાએલીઓના પ્રવેશ પહેલાં યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી, તેમના ઘૃણાજનક રિવાજોને અનુસરીને પોતાના પુત્રોને પણ બલી તરીકે અગ્નિમાં હોમી દીધા.
4 તેણે પર્વતો પર આવેલાં ઉચ્ચસ્થાનકોમાં અને પર્વત ઉપરના પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરીને ધૂપ બાળ્યાં.
5 આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો.
6 ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,
20 ,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી.
7 એફ્રાઇમના શૂરવીર ઝિખ્રીએ રાજાના કુંવર માઅસેનાહને અને રાજમહેલના કારભારી હાઝ્ીકામને તેમજ રાજાના મુખ્યમંત્રી એલ્કાનાહને મારી નાખ્યા.
8 ઇસ્રાએલીઓના લશ્કરે પોતાના જાતભાઇઓમાંથી 2,00,000 સ્ત્રીઓ અને બાળકોને કેદ પકડ્યાં, ઉપરાંત, પુષ્કળ લૂંટનો માલ પણ કબ્જે કરી, તેઓ સમરૂન લઇ આવ્યા.
9 ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.
10 અને હવે તમે યહૂદા અને યરૂશાલેમમાં સ્ત્રીપુરુષોને તમારાં ગુલામ બનાવવા માંગો છો. તમારા દેવ યહોવાની આગળ તમે લોકો ક્યાં ઓછા ગુનેગાર છો?
11 માટે હવે મારું કહેવું સાંભળો, આ તમારા સગાઓને તેઓનાં ઘરે પાછાં મોકલી આપો, કારણકે યહોવાનો ઉગ્ર કોપ તમારા ઉપર છે.
12 ત્યારબાદ કેટલાક એફ્રાઇમી આગેવાનો યોહાનાનનો પુત્ર અઝાર્યા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિઝિક્યા અને હાદલાઇનો પુત્ર અમાસા યુદ્ધમાંથી પાછા ફરતા ઇસ્રાએલી માણસોની સામે ગયા.
13 અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”
14 આથી લશ્કરના માણસોએ કેદીઓ અને લૂંટનો સામાન અમલદારોને અને ભેગા થયેલા લોકોને સોંપી દીધો.
15 પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી ,તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.
16 એ વખતે રાજા આહાઝે આશ્શૂરના રાજાને પોતાની વહારે આવવા કહેવડાવ્યું.
17 કારણ, અદોમીઓ ફરી એકવાર યહૂદા ઉપર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.
18 પલિસ્તીઓએ પણ નીચાણના પ્રદેશોમાં તેમજ દક્ષિણનાં શહેરો ઉપર હુમલો કર્યો અને આજબાજુના ગામડાઓ સહિત બેથ-શેમેશ, આયાલોન, ગદેરોથ, સોખો તેમજ તિમ્નાહ અને ગિમ્ઝો કબજે કર્યા, અને તેમાં વસવાટ કર્યો.
19 આહાઝ યહૂદાના લોકોને પાપ કરવા માટે પ્રોત્સાહન આપતો હતો. અને તે યહોવાને વફાદાર રહ્યો નહોતો એટલે યહોવાએ યહૂદાના લોકોને નીચા પાડ્યા.
20 આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો.
21 આહાઝે યહોવાના મંદિરને, રાજમહેલ અને પોતાના અમલદારોનાં ઘરોને લૂંટીને એ લૂંટનો માલ આશ્શૂરના રાજાને આપ્યો પણ કશું વળ્યું નહિ.
22 અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો.
23 દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.
24 આહાઝે યહોવાના મંદિરમાં વાસણો ભાંગી નાખ્યા, અને યહોવાના મંદિરના બારણાં બંધ કરી યરૂશાલેમમાં શેરીએ શેરીએ બીજા દેવોની વેદી ચણાવી,
25 અને યહૂદાના એકે એક ગામમાં તેમને ધૂપ ચઢાવવા ટેકરી પરનાં સ્થાનકો ઊભાં કર્યા; અને એમ કરીને પોતાના પિતૃઓના દેવ યહોવાનો રોષ વહોરી લીધો.
26 તેના રાજ્યના બીજા બનાવો અને તેના જીવનની વિગતો યહૂદા અને ઇસ્રાએલના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધેલી છે.
27 પછી આહાઝ પિતૃલોકને પામ્યો અને તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પરંતુ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદી પર આવ્યો.
પ્રકરણ 29

1 પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી.
2 હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
3 તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.
4 ત્યારબાદ તેણે યાજકોને અને લેવીઓને બોલાવીને પૂર્વ તરફના ચોકમાં ભેગા કરી કહ્યું,
5 “લેવીઓ, મારી વાત સાંભળો; અત્યારે તમે વિધિપૂર્વક દેહશુદ્ધિ કરો, અને તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરની પણ શુદ્ધિ કરો, અને એ પવિત્રધામમાં જે કઇં ગંદવાડ પેસી ગયો છે તે બધો હઠાવી દો.
6 આપણા પિતૃઓએ ઉલ્લંઘન કર્યુ છે. અને તેમણે આપણા દેવ યહોવાની ષ્ટિએ ખરાબ ગણાય એવું વર્તન કર્યું છે. તેમણે તેનો ત્યાગ કર્યો હતો, અને તેના મંદિરથી વિમુખ થઇ ગયાં હતાં.
7 તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા, દીપ ઓલવી નાખ્યા હતા, અને ઇસ્રાએલના દેવના પવિત્રસ્થાનમાં ધૂપ કે દહનાર્પણ ચઢાવવાનું બંધ કરી દીધું હતું.
8 આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે.
9 આ કારણે આપણા પિતૃઓ યુદ્ધમાં માર્યા જાય છે. અને આપણા પુત્રો, પુત્રીઓ અને પત્નીઓ બંદીવાન બન્યાં છે.
10 હવે મેં ઇસ્રાએલના યહોવા દેવ સાથે કરાર કરવાનો નિશ્ચય કર્યો છે, જેથી તેનો ભયંકર રોષ આપણા ઉપરથી ઊતરી જાય,
11 માટે, મારા પુત્રો, વખત બગાડશોં નહિ, કારણ, યહોવાએ તેની સેવા કરવા માટે અને તેને ધૂપ આપવા માટે તમને જ પસંદ કર્યાં છે.”
12 ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા; કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી: આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન; અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદૃૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ,
13
14
15 તેઓએ પોતાના ભાઇઓને ભેગા કર્યા, ને પોતાને પવિત્ર કરીને તેઓ યહોવાના વચનથી રાજાની આજ્ઞા પ્રમાણે યહોવાના મંદિરને શુદ્ધ કરવા સારુ અંદર ગયા,
16 યાજકો યહોવાના મંદિરના અંદરના ભાગમાં સાફસૂફ કરવા ગયા, ને જે સર્વ કચરો યહોવાના મંદિરમાંથી તેઓને મળ્યો તે તેઓ યહોવાના મંદિરના આંગણામાં બહાર લાવ્યા, અને લેવીઓ તે કચરો કિદ્રોન નાળા આગળ બહાર લઇ ગયા.
17 તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળેે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.
18 ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે.
19 વળી રાજા આહાઝ ધર્મષ્ટ થઇ ગયો હતો ત્યારે તેણે હઠાવી દીધેલાં બધાં પૂજાના સાધનો અમે પાછા લાવી શુદ્ધ કર્યા છે, તે બધાં અત્યારે યહોવાની વેદી આગળ મૂકેલાં છે.”
20 બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો.
21 એ લોકો સાત બળદ, સાત મેંઢા અને સાત ઘેટા, સાત નર બકરાંને રાજ્યને માટે, પવિત્રસ્થાન માટે અને યહૂદા માટે પાપાર્થાપણ તરીકે લઇ આવ્યા અને રાજાએ હારુનના વંશજોને અર્થાત્ યાજકોને યહોવાની વેદી ઉપર બલિદાન અર્પણ કરવા જણાવ્યું.
22 આથી યાજકોએ બળદોને વધેર્યા અને તેમનું લોહી વેદી પર છાંટયું. ત્યારબાદ તેણે ઘેટાંઓને વધેર્યા અને તેનું લોહી વેદી પર છાંટયું. પછી નર બકરાઁ વધેરી તેમનું લોહી વેદી ઉપર છાંટયું.
23 ત્યારબાદ યાજકો દ્વારા પ્રાયશ્ચિતના બલિના બકરાને રાજાની અને સભાની સમક્ષ લાવવામાં આવ્યા. અને તેમણે તેમના ઉપર હાથ મૂક્યા.
24 યાજકોએ તેમનો વધ કરી તેમનું લોહી સમગ્ર ઇસ્રાએલના પાપના પ્રાયશ્ચિત રૂપે વેદી ઉપર છાંટયું. રાજાનું એવું ફરમાન હતું કે, આખા ઇસ્રાએલ તરફથી દહનાર્પણ તેમજ પાપાર્થાર્પણ બંને ચઢાવવા. તે મુજબ આ થયું.
25 યહોવાના મંદિરમાં રાજાએ લેવીઓને ઝાંઝો, સિતારો, અને વીણાઓ આપી હતી, આ વ્યવસ્થા દાઉદ તથા ષ્ટા ગાદ અને નાથાન પ્રબોધકોએ ઠરાવ્યા મુજબની હતી, આ માટે તેઓને પ્રબોધકો દ્વારા યહોવા તરફથી સૂચનાઓ મળી હતી.
26 લેવીઓ પાસે દાઉદનાં વાજિંત્રો હતા. અને યાજકો પાસે રણશિંગડાં હતા.
27 એટલે હિઝિક્યાએ વેદી ઉપર દહનાર્પણ ચઢાવવાનો હુકમ કર્યો; અને દહનાર્પણ ચઢાવવાનું શરૂ થતાં જ યહોવાની સ્તુતિ પણ શરૂ થઇ અને તેની સાથે જ ઇસ્રાએલના રાજા દાઉદના વાજિંત્રો સહિત રણશિંગડા પણ વાગી ઊઠયાં.
28 સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંગીતકારો ગાવા લાગ્યા. અને રણશિંગડા વગાડનારાઓએ રણશિંગડા ફૂંક્યા,
29 દહનાર્પણ આપવાનું પૂરું થયું અને રાજા અને સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કરીને આરાધના કરી.
30 અને રાજા હિઝિક્યાએ તથા તેના અમલદારોએ લેવીઓને દાઉદ અને પ્રબોધક આસાફે રચેલાં યહોવાનાં સ્તોત્રો ગાવા આજ્ઞા કરી. આથી તેમણે ઉલ્લાસપૂર્વક સ્તોત્રો ગાયાં અને સાષ્ટાંગ નમસ્કાર કરી દેવનું ભજનકર્યું.
31 ત્યારબાદ હિઝિક્યાએ કહ્યું, “હવે તમે યહોવાની સેવાને સમપિર્ત થયા છો. આગળ આવો, અને યહોવાના મંદિર માટે હોમબલિ અને આભારના બલિ લઇ આવો.” આથી સભાજનો હોમબલિ અને આભારના બલિ લઇ આવ્યા, અને જેમની ઇચ્છા હતી તેઓ દહનાર્પણો લઇ આવ્યા.
32 સભાજનો જે દહનાર્પણો લાવ્યા હતા તેમાં 70 બળદો, 100 ઘેટાં, અને 200 લવારાં હતા; આ યહોવાના હોમબલિના પશુ હતા.
33 વળી ઉપકારાર્થાર્પણ તરીકે 600 બળદ તથા 300 ઘેટાં ચઢાવવામાં આવ્યાં,
34 પણ યાજકો ઓછા હોવાથી એ સર્વ દહનાર્પણો તેઓ ઉતરડી શક્યા નહિ, માટે તેઓના ભાઇ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે કાળજી રાખતાં હતા.
35 વળી દહનાર્પણો, શાંત્યર્પણો અને પેયાર્પણો પણ પુષ્કળ હતા. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.
36 આ રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું.
પ્રકરણ 30

1 એ પછી હિઝિક્યાએ સમગ્ર ઇસ્રાએલના અને યહૂદાના લોકોને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા અને તેમને ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવવા જણાવ્યું.
2 રાજા, તેના અધિકારીઓ અને યરૂશાલેમના લોકોએ નિર્ણય કર્યો કે વર્ષના બીજા મહિનામાં, પાસ્ખાપર્વ ઉજવવો.
3 પરંતુ પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા, અને યરૂશાલેમમાં ઘણા લોકો નહોતા, તેથી તેઓ પ્રથમ મહિનામાં સમયસર પાસ્ખા પર્વ ઉજવી ન શક્યા.
4 આ કરાર રાજાને તેમજ સમગ્ર સભાને સ્વીકાર્ય હતો.
5 આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું.
6 રાજાના અને તેના અમલદારોના પત્રો લઇને કાસદો સમગ્ર ઇસ્રાએલમાં અને યહૂદામાં પહોંચી ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું કે,હે ઇસ્રાએલ પુત્રો, તમો ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ યહોવા પ્રત્યે પાછા વળો, જેથી આશ્શૂરના રાજાઓના પંજામાંથી તમારામાંના જે બચી ગયા છે, તેમના પ્રત્યે યહોવા પાછો વળે.
7 તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે;
8 હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય.
9 જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”
10 સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા.
11 જો કે આશેર મનાશ્શા અને ઝબુલોનમાં થોડા માણસો સમજી ગયા અને તેઓ યરૂશાલેમમાં આવ્યા.
12 પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.
13 બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો.
14 તેઓએ યરૂશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી.
15 લોકોએ બીજા મહિનાના ચૌદમાં દિવસે પાસ્ખાનાં હલવાન વધ કર્યા. યાજકો અને લેવીઓ શરમીંદા થઇ ગયા હતા અને તેઓએ પોતાને પવિત્ર કર્યા અને યહોવાનાં મંદિરમાં દહનાર્પણો કર્યા.
16 પછી તેઓ, મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રકત લઇને વેદી પર છાંટયું.
17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.
18 ખરું જોતાં, એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણંાખરાં માણસોએ દેહશુદ્ધિ કરી નહોતી, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝિક્યાએ તેમને માટે પ્રાર્થના કરી કે,
19 “કૃપાળુ યહોવા જે કોઇ પોતાના પિતૃઓના દેવ યહોવાની અંત:કરણથી ઉપાસના કરે છે તેના દોષ માફ કરો- પછી ભલે તેણે વિધિપૂર્વક દેહશુદ્ધિ ન કરી હોય.”
20 યહોવાએ હિઝિક્યાની પ્રાર્થના સાંભળી અને લોકોને કશી ઇજા ન કરી.
21 આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા.
22 હિઝિક્યા રાજાએ લેવીઓને દેવળમાં ઉત્તમ સેવા આપવા બદલ અત્યંત પ્રશંસા કરી. આમ સાત દિવસ સુધી ઉજવણી ચાલુ રાખી, અને શાંત્યર્પણોના બલિદાન અર્પવામાં આવ્યાં અને લોકોએ તેઓના પિતૃઓના દેવ યહોવાનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી.
23 ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો.
24 કારણકે, યહૂદાના રાજા હિઝિક્યાએ સંઘ તરફથી ધરાવવા માટે 1,000 બળદો અને 7,000 ઘેંટા પૂરા પાડ્યા હતા, અને તેના અમલદારોએ એ ઉપરાંત બીજા 1,000 બળદો અને
10 ,000 ઘેંટા આપ્યા હતા અને યાજકોએ મોટી સંખ્યામાં દેહશુદ્ધિ કરી હતી.
25 એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો.
26 યરૂશાલેમમાં પણ ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો. જે ઇસ્રાએલના રાજા સુલેમાનના સમય પછી કદી થયો જાણ્યો નથી.
27 ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઇ આશીર્વાદ આપ્યા, તેમનો અવાજ દેવના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં પહોંચ્યો અને દેવે તેમની પ્રાર્થના સ્વીકારી.
પ્રકરણ 31

1 ત્યારબાદ હાજર રહેલાં બધા ઇસ્રાએલીઓ યહૂદાના ગામડાઓમાં પાછા ગયા, અને ત્યાંના પૂજાસ્તંભો તોડી પાડ્યાં, અશેરાદેવીની પ્રતિમાઓ, ટેકરી ઉપરનાં થાનકો અને વેદીઓ ભાંગી નાખ્યાં. અને સમગ્ર યહૂદા, બિન્યામીન, એફ્રાઇમ અને મનાશ્શાના વંશના પ્રદેશોમાંથી તેમનું નામનિશાન મીટાવી દીધું. એ પછી બધા ઇસ્રાએલીઓ પોતપોતાના ગામમાં પોતપોતાને ઘેર પાછા ફર્યા.
2 તે પછી હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને ફરી ટોળીવાર ગોઠવી દીધા અને દરેક યાજકને કે લેવીને તેણે કરવાનું ચોક્કસ કામ નક્કી કરી આપ્યું- પછી તે દહનાર્પણ આપવાનું હોય કે શાંત્યર્પણ ધરવાનું હોય, કે મંદિરના જુદા જુદા ભાગોમાં સેવા કરવાનું હોય, સ્તોત્રો ગાવાનું હોય કે ભજન-કીર્તન કરવાનું હોય,
3 રાજાએ પોતાના અંગત ઢોરઢાંખરમાંથી દરરોજ સવારે તેમજ સાંજે, તથા વિશ્રામવારોએ, ચંદ્રદર્શનને દિવસે અને ખાસ પવોર્ને દિવસે યહોવાના નિયમમાં લખ્યા અનુસાર ચઢાવવાના દહનાર્પણની જોગવાઇ કરી આપી.
4 વળી તેણે યરૂશાલેમના લોકોને આજ્ઞા કરી કે તેઓ પોતાની ઉપજનો થોડો ભાગ યાજકો તથા લેવીઓ પાસે લાવે, જેથી તેઓ દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણ સમય આપી શકે.
5 રાજાનું ફરમાન બહાર પડતાં જ ઇસ્રાએલીઓએ અનાજનો, દ્રાક્ષારસનો, તેલનો, મધનો અને બધી જ ખેતીવાડીની પેદાશનો પહેલો ફાલ ઉદાર હાથે આપ્યો. વળી એટલી જ ઉદારતાથી તેઓ દરેક વસ્તુમાંથી દસમો ભાગ લઇ આવ્યા.
6 યહૂદાના ગામોમાં વસતા ઇસ્રાએલીઓ અને યહૂદિયો પણ તેમના દસમા ભાગના ઢોર અને ઘેટાં લઇ આવ્યા અને બીજી ભેટોનો દસમો ભાગ લઇ આવ્યા જે યહોવાને સમપિર્ત કરાયો હતો અને તેના ઢગલા કર્યા.
7 તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ.
8 હિઝિક્યાએ અને તેના અમલદારોએ આવીને એ ઢગલા જોઇ, યહોવાને અને તેના લોકો ઇસ્રાએલીઓને ધન્યવાદ આપ્યા.
9 હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું.
10 અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.”
11 ત્યારે હિઝિક્યાએ યાજકોને યહોવાના મંદિરમાં કોઠારો કરાવી લેવાને ફરમાવ્યું ને તેમ કરવામાં આવ્યું.
12 યાજકો પ્રામાણિકપણે દસમો ભાગ અને યહોવાને સમર્પણની બીજી બધી ભેટો લાવ્યાં, લેવી કોનાન્યા એની સંભાળ રાખતો હતો અને તેનો ભાઇ શિમઇ તેનો મદદનીશ હતો.
13 રાજા હિઝિક્યાએ અને મંદિરના મુખ્ય કારભારી અઝાર્યાએ કોનાન્યાના અને તેના ભાઇ શિમઇના હાથ નીચે કામ કરવા યહીએલ, અઝાઝયા, નાહાથ, અસાહેલ યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ, અને બનાયાની નિમણૂંક કરી.
14 પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
15 એદેન, મિનિયામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને સખાન્યાએ કોરેને મદદ કરી, યાજકોના નગરોમાં તેઓ રહ્યાં અને નાના મોટા સર્વ લેવીબંધુઓને તેમના વર્ગ અનુસાર તેમના ભાગની ફાળવણી કરતા હતા.
16 ગમે તે કુળના હોય તો પણ, જે કાંઇ યહોવાના મંદિરમાં આવતું તે બધા લોકોમાં કે જે
3 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના હોય કે જે મંદિરમાં કામ કરવા માટે તેમની જવાબદારી નિભાવવા આવ્યા હોય તેમના વર્ગ અનુસાર ભાગ વહેંચવામાં આવતો હતો.
17 યાજકોની નોંધણી કુટુંબવાર કરવામાં આવી હતી. જ્યારે વીસ વર્ષના અને તેથી વધુ ઉંમરના લેવીઓની નોંધણી તેમની ફરજો અને દરજ્જા વાર કરવામાં આવી હતી.
18 આ રીતે, નોંધાયેલા સર્વ કુટુંબોના બાળકોને, પત્નીઓને તેઓ ખોરાક આપતા હતા, કારણકે તેઓ પોતાનો સર્વ સમય અને શકિત મંદિરનું કામ કરવામાં વાપરતા હતા અને તેઓ પાસે આવકનું બીજું કોઇ સાધન હતું નહિ.
19 વળી જે હારુનના વંશજો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા. તેઓને માટે પણ કેટલાક ચૂંટેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ભાગ વહેંચી આપે.
20 સમગ્ર યહૂદામાં આ વ્યવસ્થા અમલમાં હતી. હિઝિક્યાએ યહોવા પોતાના દેવ સામે, સાચું અને સારૂં ગણાય એવું આચરણ કર્યું.
21 તેણે યહોવાના મંદિરની સેવા અથેર્ અને ધર્મસંહિતાને તેની આજ્ઞાઓના પાલન અથેર્ જે જે કર્યુ તે બધું સાચા હૃદયથી તે દેવ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠાથી કર્યુ. અને તેને સફળતા મળી.
પ્રકરણ 32

1 હિઝિક્યા રાજાએ આ સેવાભકિતના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યા પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદા ઉપર ચઢાઇ કરી અને કિલ્લેબંદીવાળાં શહેરો સામે પડાવ નાખ્યો અને તેમને હુમલો કરીને કબજે કરવાનો હુકમ આપ્યો.
2 જ્યારે હિઝિક્યાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, તે યરૂશાલેમ ઉપર હૂમલો કરવા આવ્યો છે.
3 ત્યારે હિઝિક્યાએ પોતાના સરદારો અને અધિકારીઓને યુદ્ધ અંગે મંત્રણા કરવા બોલાવ્યા. નગરની બહાર આવેલા પાણીના ઝરાઓને બંધ કરી દેવા એવું નક્કી કરવામાં આવ્યું.
4 મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને તેમણે બધાં ઝરાને બંધ કરી દીધાં અને એ વિસ્તાર, પ્રદેશમાંથી પસાર થતાં વહેતા ઝરણાને પણ બંધ કરી દીધા. તેમણે વિચાર્યું કે, “આશ્શૂરના રાજા જ્યારે અહીં આવે ત્યારે તેમને મબલખ પાણી શા માટે મળવા દેવું?”
5 હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં.
6 તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂંક કરી અને તેમને શહેરના દરવાજા પાસેના ચોકમાં એકઠા કરી ઉત્તેજન આપતાં આ પ્રમાણે કહ્યું,
7 “તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે,
8 તેની પાસે મોટું સૈન્ય છે પણ તેઓ માત્ર માણસો છે, જ્યારે આપણાં યુદ્ધો લડવા આપણી સાથે યહોવા આપણા દેવ છે.” હિઝિક્યાના ભાષણથી લોકો ઉત્સાહિત થયા હતા.
9 તે પછી પોતાના લશ્કર સાથે લાખીશની બહાર પડાવ નાખીને રહેલા આશ્શૂરના રાજા સાન્હેરીબ યહૂદાના રાજા હિઝિક્યાને અને યરૂશાલેમમાં વસતા બધા યહૂદીઓને માણસો મોકલીને સંદેશો પાઠવ્યો કે,
10 “આશ્શૂરના રાજા સાન્હેરીબનો સંદેશો સાંભળો, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?
11 “યહોવા અમારા દેવ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે,” એમ હિઝિક્યા તમને કહે છે, “તે તમને છેતરે છે, તમે દુકાળ અને તરસથી મરી જશો.”
12 શું એ જ હિઝિક્યાએ ટેકરી પરના દેવના પૂજા સ્થળને ખસેડી તથા તેની વેદીઓ તોડીને યહૂદિયાને તથા યરૂશાલેમને સૂચના નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ પૂજા કરવી તથા તેના જ ઉપર તમારે ધૂપ બાળવો?
13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? એ દેશોની એક પણ પ્રજાના દેવો તેમને મારાથી કદી બચાવી શક્યા છે?
14 મારા પિતૃઓએ ઉચ્છેદી નાખેલી પ્રજાઓના દેવોમાંથી મને એક નામ તો બતાવો જે પોતાના લોકોને અમારાથી બચાવી શક્યા હોય? તો પછી તમારા દેવ તમને શી રીતે બચાવવાના છે?
15 હિઝિક્યાથી ભોળવાશો નહિ, એનાથી આમ છેતરાશો નહિ, એની વાત માનશો નહિ, કારણ કોઇ પણ પ્રજાનો કે રાજ્યના કોઇ પણ દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી તમારા દેવ શું કરવાના હતા?”
16 આ મુજબ, સંદેશવાહકે, યહોવા દેવની, અને દેવના સેવક હિઝિક્યાની વિરૂદ્ધ કાંઇક વધારે બોલ્યો.
17 ઉપરાંત સાન્હેરીબ પોતે પણ ઇસ્રાએલના દેવ યહોવાનું અપમાન કરતા પત્રો લખ્યા હતા. તેમાં તેણે લખ્યું હતું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારાથી બચાવી શક્યા નથી તેમ હિઝિક્યાના દેવ પણ એની પ્રજાને મારાથી નહિ બચાવી શકે.”
18 સંદેશવાહકોએ જેમણે પત્ર વાંચ્યા તેમણે નગરની દિવાલ પર એકઠાં થયેલાં લોકોને યહૂદીભાષામાં મોટે અવાજે ધમકીઓ આપીને તેઓને ડરાવીને યરૂશાલેમને કબ્જે કરવા પ્રયત્નો કર્યા.
19 યરૂશાલેમના દેવ પણ જગતના બીજા લોકોના દેવો જેવા માણસે ઘડેલા દેવ હોય એમ તેઓ તેને વિષે બોલતા હતા.
20 આ પરિસ્થિતિમાં રાજા હિઝિક્યાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશમાંના દેવની પ્રાર્થના કરી અને દેવને ઘા નાખી.
21 આથી યહોવાએ એક દેવદૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા યોદ્ધાઓને, સેનાપતિઓને અને અમલદારોને કાપી નાંખ્યા, અને સાન્હેરીબને શરમિંદા બનીને પોતાને દેશ પાછું જવું પડ્યું, તે પોતાના દેવના મંદિરમાં ગયો અને ત્યાં તેના પોતાના જ કોઇ પુત્રએ તેને તરવારથી કાપી નાખ્યો.
22 આ રીતે યહોવાએ હિઝિક્યાને તથા યરૂશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના હાથમાંથી તથા સર્વના હાથમાંથી ઉગારી લીધા, ને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.
23 ઘણાં લોકો યરૂશાલેમમાં યહોવાને માટે અર્પણો લાવ્યા, તથા યહૂદાના રાજા હિઝિક્યાને ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી; આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.
24 પછીથી હિઝિક્યા માંદો પડ્યો, અને મરણપથારીએ હતો, ત્યાંથી તેણે યહોવાને પ્રાર્થના કરી; તેના જવાબમાં તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.
25 છતાં પણ હિઝિક્યાએ પોતાના પર થયેલા ઉપકારનો બદલો યોગ્ય રીતે વાળ્યો નહિ; તેથી હિઝિક્યા પર, તેમજ યહૂદિયા તથા યરૂશાલેમ પર દેવ કોપાયમાન થયો.
26 ત્યારે તેનો ગર્વ ગળી ગયો અને તેણે અને યહૂદા અને યરૂશાલેમના વતનીઓએ પણ ભૂલ કબૂલ કરી. આથી હિઝિક્યાના જીવન દરમ્યાન યહોવાનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.
27 હિઝિક્યા પુષ્કળ સંપત્તિ અને કીતિર્ પામ્યો. તેણે સોનું ચાંદી, રત્નો, અત્તરો, ઢાલ અને બીજી કિંમતી વસ્તુઓ રાખવા ભંડારો
28 તેમજ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, અને બધી જાતનાં ઢોર માટે તબેલા-કોઠાર તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.
29 વળી તેણે નગરો બંધાવ્યા, અને પુષ્કળ ઘેટાઁબકરાઁના ટોળાં તથા ઢોરઢાંખર પણ ભેગા કર્યા. દેવે તેને સાચે જ પુષ્કળ સંપત્તિ આપી હતી.
30 એ જ હિઝિક્યાએ ગીહોનના ઉપરથી વહેતા ઝરણાંને બંધ કરી તેના પાણીને સીધાં દાઉદનગરની પશ્ચિમે વાળ્યાં, હિઝિક્યાએ જે કઇં હાથમા લીધું તેમાં તે સફળ થયો.
31 બાબિલના સત્તાવાળાઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા મોકલેલા દૂતોની બાબતમાં જ દેવે તેનો ત્યાગ કર્યો હતો, પણ તે ફકત તેની પરીક્ષા કરવા અને તેના મનમાં શું છે તે જાણવા માટે જ.
32 હિઝિક્યાની અન્ય વાતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલી છે.
33 આખરે હિઝિક્યા પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો, તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરૂશાલેમના બધાં વતનીઓએ તેનું સન્માન કર્યુ અને તેના પછી તેનો પુત્ર મનાશ્શા ગાદીએ આવ્યો.
પ્રકરણ 33

1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ.
2 ઇસ્રાએલીઓને ખાતર યહોવાએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તે પ્રજાઓના ધૃણાજનક આચારોનું અનુસરણ કરી તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
3 એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું.
4 જે મંદિરને વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે.” તે મંદિરમાં અન્ય દેવોની તેણે વેદીઓ બંધાવી.
5 તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી.
6 હિન્નોમની ખીણમાં મનાશ્શાએ પોતાનાં જ બાળકોનો હોમયજ્ઞ કર્યો. તેણે મેલીવિદ્યા જાણનારા ભૂવાઓની સલાહ લીધી. તેણે સર્વ પ્રકારની ભૂંડાઇને ઉત્તેજન આપ્યું. આમ યહોવાને તેણે ઘણા ગુસ્સે કર્યા, અને તેમનો ગુસ્સો વહોરી લીધો.
7 મનાશ્શાએ દેવના એ મંદિરમાં મૂર્તિ સ્થાપન કરી કે જેના માટે દેવે દાઉદ અને તેના પુત્ર સુલેમાને કહ્યું હતું કે, “જે મંદિર, માણસો તથા શહેરને મેં મારું નામ રાખવા માટે પસંદ કર્યુ છે કે, ઇસ્રાએલના બીજા કોઇ પણ શહેરો કરતાં, તે શહેર યરૂશાલેમ છે.
8 અને જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને સૂચનાઓને આધીન રહેશો તો તમારા પિતૃઓને મેં આપેલા આ દેશમાંથી ઇસ્રાએલને હું કદી કાઢી મૂકીશ નહિ.”
9 પરંતુ મનાશ્શાએ યહૂદાના અને યરૂશાલેમનાં વતનીઓને ગેરમાગેર્ દોર્યા, જેથી તેમણે યહોવાએ ઇસ્રાએલીઓને ખાતર જે પ્રજાઓનું નિકંદન કાઢયું હતું તેમના કરતાં પણ ભૂંડા કાર્યો કર્યા.
10 યહોવાએ મનાશ્શાને અને તેના લોકોને ચેતવણી આપી પરંતુ તેમણે તે તરફ લક્ષ ન આપ્યું.
11 તેથી યહોવાએ આશ્શૂરના રાજાના સેનાપતિઓને તેમની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને આંકડી વતી પકડીને જંજીરથી જકડી બાબિલ લઇ ગયા.
12 મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો.
13 તેણે પ્રાર્થના કરતાં દેવે તેની પ્રાર્થના સાંભળી, તેની અરજ મંજૂર રાખી અને તેને પાછો યરૂશાલેમમાં લાવી ફરી ગાદીએ બેસાડ્યો ત્યારે મનાશ્શાને ખાતરી થઇ કે યહોવાએ જ દેવ છે.
14 આમ બન્યા પછી તેણે દાઉદના નગરની બહારની દિવાલ ફરી બાંધી, અને કિદ્રોન ખીણમાં ગીહોનના ઝરાની પશ્ચિમ બાજુએ મચ્છી દરવાજા સુધી તે દિવાલ બાંધી, આ દિવાલ ઓફેલ પર્વતની બહારની બાજુથી લેવામાં આવી હતી અને ત્યાં ઘણી ઊંચાઇ સુધી બાંધવામાં આવી હતી પછી તેણે યહૂદાના સર્વ કિલ્લાવાળા નગરોમાં તેના સેનાપતિઓને મૂક્યા.
15 તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.
16 તેણે યહોવાની વેદી ફરી બંધાવી. અને ત્યાં શાંત્યર્પણ અને આભારબલિ ચઢાવ્યાં અને યહૂદાના લોકને ઇસ્રાએલના દેવ યહોવાની સેવા કરવા માટે ફરમાવ્યું.
17 તેમ છતાં લોકોએ ટેકરી ઉપરનાં સ્થાનકોને હોમબલિ ચઢાવવાનું ચાલું રાખ્યું, જો કે એ હોમબલિ તેઓ ફકત પોતાના દેવ યહોવાને જ ચઢાવતા હતા.
18 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે કરેલી તેમના દેવની પ્રાર્થના, અને ઇસ્રાએલના દેવ યહોવાનો સંદેશો તેને આપનાર પ્રબોધકોનાં વચનો ઇસ્રાએલના રાજાઓના વૃત્તાંતમાં નોંધાયેલા છે.
19 તેણે કરેલી પ્રાર્થના અને દેવે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો, યહોવા પ્રત્યેની તેની બિનવફાદારી અને પસ્તાવો કર્યા પહેલાં તેણે ક્યાં ક્યાં ટેકરી પરનાં સ્થાનકો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભા કર્યા હતા અને મૂર્તિઓની સ્થાપના કરી હતી તે બધું પ્રબોધકના વૃત્તાંતમાં નોંધેલું છે.
20 અંતે મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.
21 આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ્ય કર્યુ.
22 જેમ તેના પિતા મનાશ્શાએ કર્યુ હતું તેમ તેણે યહોવાની ષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યુ. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને હોમબલિ આપ્યાં; ને તેઓની પૂજા કરી.
23 જેમ તેનો પિતા મનાશ્શાહ નમ્ર થઇ ગયો હતો તેમ તે યહોવાની આગળ થયો નહિ; પણ આમોન ઉત્તરોત્તર અધિક પાપો કરતો ગયો.
24 જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો.
25 પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો.
પ્રકરણ 34

1 જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં
31 વર્ષ રાજ્ય કર્યું.
2 યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ તેણે કર્યું, સહેજ પણ આમ કે તેમ ફંટાયા વગર તે પોતાના પિતૃ દાઉદને પગલે ચાલ્યો.
3 તેના શાસનના આઠમે વષેર્ તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વષેર્ તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ.
4 તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં.
5 તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી.
6 તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ.
7 સમગ્ર ઇસ્રાએલમાં તેણે વેદીઓ ભાંગી નંખાવી અને અશેરાદેવીના સ્તંભો તોડી પાડ્યાં અને તેણે મૂર્તિઓ તોડી પડાવી, તેમનો દળીને ભૂકો કરી નંખાવ્યો, ને બધી ધૂપની વેદીઓનો નાશ કરાવ્યો. ત્યાર પછી તે પાછો યરૂશાલેમ આવ્યો.
8 દેશનું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી તેના શાસનના અઢારમા વષેર્, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માઅસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર ફરી બાંધવા, મરામત કરાવવા મોકલ્યા.
9 તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી.
10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે
11 સુથારોને અને કડિયાઓને આપી દીધી. જેથી તેઓ યહોબાના યહૂદાના રાજાઓ દ્વારા ભંગાર થઇ જવા દીધેલાં મોભ અને પાટિયા માટે લાકડું તેમજ ઘડેલા પથ્થર ખરીદી શકે.
12 એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા.
13 ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.
14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા. તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસા મારફતે આપવામાં આવેલુ યહોવાનું નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું.
15 તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “યહોવાના મંદિરમાંનું નિયમનું પુસ્તક મને મળ્યું છે;” અને પુસ્તક તેને આપી દીધું.
16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે.
17 તેમણે યહોવાના મંદિર માટે આવેલી ચાંદી બહાર કાઢી લીધી છે, અને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધી છે.”
18 રાજમંત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” અને તેણે તે રાજા સમક્ષ વાંચી સંભળાવ્યું.
19 નિયમશાસ્ત્રનાઁ વચનો સાંભળીને રાજાએ શોકથી પોતાના વસ્ત્રો ફાડી નાખ્યંા
20 અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે,
21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”
22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી.
23 પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો,
24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે.
25 કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’
26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ઇસ્રાએલના યહોવા કહે છે,
27 “આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે,
28 હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.”‘ આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.
29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા.
31 ત્યારબાદ મંચ ઉપર ઊભા રહીને રાજાએ યહોવા સમક્ષ યહોવાને અનુસરવાની, અને તેની બધી આજ્ઞાઓ, સાક્ષ્યો અને વિધિઓ પૂર્ણ હૃદયથી પાલન કરવાની, અને તે રીતે પુસ્તકમાં લખેલી કરારની બધી શરતોનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી.
32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો.
33 યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માગેર્ ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.
પ્રકરણ 35

1 ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો.
2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
3 પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમપિર્ત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો;
4 ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી
5 સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય.
6 પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.”
7 પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં.
8 રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા.
9 લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં.
10 સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો;
11 તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું.
12 અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું.
13 મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં.
14 ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા.
15 આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.
16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું.
17 ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં.
18 પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું.
19 યોશિયાના રાજ્યને અઢારમે વષેર્ આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.
21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો.
23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”
24 તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો.
25 યમિર્યા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો,
27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.
27
પ્રકરણ 36

1 દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને નવા રાજા તરીકે પસંદ કર્યો.
2 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 3 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ્ય કર્યુ.
3 ત્યારબાદ મિસરના રાજા નખોએ તેને જેલમાં નાખ્યો અને યહૂદાના દેશ ઉપર 3,400 કિલોગ્રામ ચાંદીની અન 34 કિલોગ્રામ વજનદાર સોનાની વાષિર્ક ખંડણી નાખી અને યહોઆહાઝનો એ રીતે દંડ કર્યો.
4 તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.
5 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઊંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ.
6 તેણે દેવ યહોવાની ષ્ટિએ ખોટું ગણાય એવું આચરણ કર્યુ. આથી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળ બાંધી બાબિલ લઇ ગયો.
7 વળી તે યહોવાના મંદિરની કેટલીક સામગ્રી પણ બાબિલ લઇ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
8 યહોયાકીમનાઁ રાજ્યમાં બીજા બનાવો, તેણે ઘૃણાજનક કાર્યો કર્યા હતા અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો તે બધું ઇસ્રાએલના અને યહૂદાના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધાયેલું છે, તેના પછી તેનો પુત્ર યહોયાખીન ગાદીએ આવ્યો.
9 યહોયાખીન જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 8 વર્ષની હતી. તેણે માત્ર ત્રણ માસ અને ત્રણ દિવસ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. દેવની ષ્ટિમાં તે ભૂંડાઇનું રાજ્ય હતું.
10 ત્યારબાદ વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ તેને બાબિલ બોલાવ્યો. તે વખતે મંદિરમાંથી ઘણો ખજાનો બાબિલ લઇ જવામાં આવ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ યહોયાખીનના ભાઇ સિદકિયાને યહૂદા અને યરૂશાલેમમાં નવા રાજા તરીકે નીમ્યો.
11 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ.
12 તેણે તે દેવ યહોવા વિરૂદ્ધ પાપ કર્યુ, અને યહોવાના મુખ્ય પાત્ર પ્રબોધક યમિર્યાનું કહ્યું તેણે માથે ચડાવ્યું નહિ.
13 વળી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. જેને વફાદાર રહેવાને તેણે દેવને નામે સમ ખાધા હતા. તે જક્કી હતો અને તેણે ઇસ્રાએલના દેવ યહોવાને શરણે પાછા વળવાની હઠપૂર્વક ના પાડી.
14 ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, યાજકો અને લોકો વધુ બગડતા અને બગડતા ગયા. તેઓ આજુબાજુની પ્રજાઓના દેવોની મૂર્તિઓને પૂજતા હતા, આમ તેઓએ યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરને ષ્ટ કર્યુ જે તેણે પાવન કર્યુ હતું.
15 તેઓના પિતૃઓના દેવ યહોવાએ વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓને ચેતવણી આપી, કારણકે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
16 પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો.
17 ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં.
18 તે યહોવાના મંદિરની નાનીમોટી બધી જ સામગ્રી તેમજ મંદિરમાંના, રાજાના અને તેના અમલદારોના ખજાના, બધું જ બાબિલ લઇ ગયો.
19 તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
20 હત્યાઓમાંથી બચી જવા પામેલાઓને તે બાબિલ બાન પકડી ગયો, અને ઇરાનીઓ સત્તા પર આવ્યા ત્યાં સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ રહ્યાં.
21 આ રીતે યમિર્યા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વષોર્ સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિન પાળવા માટેની આ ભરપાઈ હશે.”
22 યમિર્યા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં યહોવાએ કોરેશને પ્રેરણા કરી કે, તે તેના સમગ્ર રાજ્યમાં એક લેખિત ઢંઢેરો પ્રગટ કરે:
23 આકાશના યહોવા દેવે મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે; તેણે મને તેને માટે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં મંદિર બાંધવા કહ્યું છે, તેના લોકોમાંથી તમારામાં જે કોઇ હોય; તે ભલે જાય. તેના દેવ યહોવા તેને સાથ આપો.