માર્ક

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16


પ્રકરણ 1

1 દેવના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ.
2 યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
3 ‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”‘ યશાયા
40 :3
4 તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે.
5 યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: ‘મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી.
8 મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.
9 તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ.
10 જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો.
11 આકાશમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, ‘તું મારો વ્હાલો દીકરો અને હું તને ચાહુ છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.’
12 પછીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો.
13 ઈસુ રણમાં
40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.
14 આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી.
15 ઈસુએ કહ્યું, ‘હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!’
16 ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં.
17 ઈસુએ તેમને કહ્યું, ‘મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.’
18 તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા.
20 તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.
22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું.
23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી,
24 ‘નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!’
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, ‘શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!’
26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, ‘અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.’
28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
29 ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા.
30 સિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમા હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું.
31 તેથી ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેનો તાવ ઉતરી ગયો અને તે સાજી થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરું કરી.
32 તે રાત્રે સૂર્યાસ્ત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા.
33 શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા.
34 ઈસુએ ઘણા લોકો જેઓ જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને કાઢ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, કારણ કે ભૂતો જાણતા હતા કે તે કોણ હતો.
35 બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો.
36 પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા.
37 તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, ‘બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!’
38 ઈસુએ જવાબ આપ્યો, ‘આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.’
39 તેથી ઈસુએ ગાલીલમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનોમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.
40 એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. ‘તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.’
41 ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!’
42 પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું,
44 ‘મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે’
45 તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.
પ્રકરણ 2

1 થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો.
2 ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો.
3 કેટલાક લોકો એક પક્ષઘાતી માણસને ઊંચકીને લાવતા હતા.
4 પણ તેઓ તે માણસને ઈસુ પાસે લાવી શક્યા નહિ કારણ કે ઘર લોકોથી ભરેલું હતુ. તેથી તે માણસો ઈસુ જ્યાં હતો તે છાપરાં પર ગયા અને છાપરામાં બકોરું પાડ્યું પછી તેઓએ પક્ષઘાતી માણસ જે ખાટલામાં પડેલો હતો તે ખાટલો નીચે ઉતાર્યો.
5 ઈસુએ જોયું કે આ માણસોને ખૂબ વિશ્વાસ છે, તેથી તે પક્ષઘાતી માણસને કહ્યું, ‘જુવાન માણસ, તારા પાપો માફ થયાં છે.’
6 કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા. ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું, અને તેઓએ તેઓની જાતને કહ્યું,
7 ‘આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.’
8 ઈસુએ જાણ્યું કે આ શાસ્ત્રીઓ તેના વિષે આવી બાબતો વિચારતા હતા. તેથી ઈસુએ તેઓને કહ્યું, ‘તમારા મગજમાં આવા વિચારો કેમ આવે છે? આ પક્ષઘાતી માણસને શું કહેવું સરળ છે, તારા પાપ માફ થયા છે, કે તેને કહેવું, ઊભો થા, તારી પથારી લઈને ચાલ?
9 પણ હું તમને સાબિત કરાવી આપીશ કે માણસના પુત્રને પૃથ્વી પર પાપો માફ કરવાનો અધિકાર છે.’ તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું.
10
11 હું તને કહું છું, ‘ઊભો થા, તારી પથારી ઊચકીને તારે ઘેર ચાલ્યો જા.’
12 તે પક્ષઘાતી માણસ ઊભો થયો. તેણે તેની પથારી લીધી અને ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. બધા લોકો તેને જોઈ શક્યા. લોકો નવાઇ પામ્યા અને દેવની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, ‘આજ સુધી જોયેલી સૌથી આશ્ચર્યકારક બાબત આ છે.’
13 ઈસુ ફરીથી સરોવર પાસે ગયો. ઘણા માણસો ત્યાં તેને અનુસર્યા. તેથી ઈસુએ તેમને ઉપદેશ આપ્યો.
14 ઈસુ સરોવરની બાજુમાંથી પસાર થતો હતો, ત્યાં અલ્ફીના દીકરા લેવીને જોયો. લેવી જકાતનાકા પર બેઠો હતો. ઈસુએ તેને કહ્યું, ‘મારી પાછળ આવ,’ પછી લેવી ઉભો થયો અને ઈસુની પાછળ ગયો.
15 તે દિવસે મોડેથી ઈસુએ લેવીને ઘેર ભોજન કર્યુ. ત્યાં ઘણા જકાતદારો હતા. અને બીજા ખરાબ લોકો ત્યાં ઈસુ અને તેના શિષ્યો સાથે ભોજન કરતા હતા. ત્યાં આ લોકોમાંના ઘણા હતા જેઓ ઈસુને અનુસર્યા હતા.
16 શાસ્ત્રીઓએ (તેઓ ફરોશીઓ હતા) ઈસુને જકાતદારો અને બીજા ખરાબ લોકો સાથે ભોજન કરતાં જોયો. તેઓએ ઈસુના શિષ્યોને પૂછયું, ‘શા માટે તે (ઈસુ) જકાતદારો અને પાપીઓ સાથે ખાય છે?’
17 ઈસુએ આ સાંભળ્યું અને તેણે તેઓને કહ્યું, ‘તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. પણ માંદા માણસોને વૈદની જરુંર પડે છે. હું સજ્જન લોકોને નિમંત્રણ આપવા આવ્યો નથી, હું પાપીઓને નિમંત્રણ આપવા આવ્યો છું.’
18 યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. કેટલાક લોકોએ ઈસુ પાસે આવીને કહ્યું, ‘યોહાનના શિષ્યો ઉપવાસ કરે છે. અને ફરોશીઓના શિષ્યો પણ ઉપવાસ કરે છે. પણ તારા શિષ્યો ઉપવાસ કરતા નથી. શા માટે?’
19 ઈસુએ જવાબ આપ્યો, ‘જ્યારે લગ્ન સમારંભ હોય છે ત્યારે વરરાજાના મિત્રો ઉદાસ હોતા નથી. તે તેઓની સાથે હોય છે. ત્યારે તેઓ ઉપવાસ કરતા નથી.
20 પણ જ્યારે સમય આવશે ત્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે. જ્યારે વરરાજા તેઓને છોડીને જાય છે ત્યારે તેઓ ઉદાસ હોય છે. પછી તેઓ ઉપવાસ કરશે.’
21 ‘જ્યારે વ્યક્તિ જૂનાં વસ્ત્રના કાણા પર થીંગડું મારે છે ત્યારે તે કોરા કપડાનો ઉપયોગ કરતો નથી. જો તે તેમ કરે તો થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢશે. અને તે કાણું વધારે ફાટે છે.
22 અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી. શા માટે? કારણ કે નવો દ્રાક્ષારસ, જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે. લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે.’
23 વિશ્રામવારના દિવસે, ઈસુ કેટલાક આનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા. શિષ્યો કેટલાંક કણસલાં તોડી ખાવા લાગ્યા.
24 ફરોશીઓએ આ જોયું અને ઈસુને કહ્યું, ‘તારા શિષ્યો તેમ શા માટે કરે છે? વિશ્રામવારના દિવસે તેમ કરવું તે યહૂદીઓના નિયમની વિરૂદ્ધ છે.’
25 ઈસુએ જવાબ આપ્યો, ‘જ્યારે દાઉદ અને તેની સાથેના લોકો ભૂખ્યા હતા અને તેઓને ભોજનની જરુંર હતી ત્યારે તેઓએ શું કર્યુ હતું તે તમે વાંચ્યું છે?
26 તે સમય દરમ્યાન મુખ્ય યાજક અબ્યાથાર હતો. દાઉદ દેવના ઘરમાં ગયો અને દેવને અર્પણ કરેલી રોટલી ખાધી. અને મૂસાનો નિયમ કહ છે, ફક્ત યાજકો જ તે રોટલી ખાઇ શકે. દાઉદે તેની સાથેના પેલા લોકોને પણ રોટલીનો થોડો ભાગ આપ્યો.’
27 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું, ‘વિશ્રામવાર લોકોને મદદ કરવા બનાવાયો છે. વિશ્રામવારના શાસન માટે લોકોને બનાવવામાં આવ્યા નથી.
28 તેથી માણસનો પુત્ર એ દરેક દિવસનો, વિશ્રામવારનો પણ પ્રભુ છે.’
પ્રકરણ 3

1 બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો.
2 કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા.
3 ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, ‘અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.’
4 પછી ઈસુએ લોકોને પૂછયું, ‘વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?’ લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.
5 ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, ‘મને તારો હાથ જોવા દે.’ તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.
6 પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.
7 ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા.
8 યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
9 ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ.
10 ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા.
11 કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. ‘તું દેવનો દીકરો છે!’
12 પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.
13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા.
14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી.
15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે.
16 ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે. સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે ‘ગર્જનાના પુત્રો’ નામ આપ્યા);
18 આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી તથા સિમોન કનાની તથા
19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ.
21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, ‘તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.’
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, ‘શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ.
24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી.
25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી.
26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 ‘જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 ‘હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે.
29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.’
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો.
32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, ‘તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે’
33 ઈસુએ પૂછયું ‘મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?’
34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, ‘આ લોકો મારી મા અને ભાઈઓ છે!
35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.’
પ્રકરણ 4

1 બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં.
2 ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:
3 ‘ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો.
4 જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં.
5 કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી.
6 પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા.
7 બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું.
8 કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”
9 પછી ઈસુએ કહ્યું, ‘તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!’
10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
11 ઈસુએ કહ્યું, ‘તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું.
12 હું આ કરું છું તેથી, ‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ; તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ. જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.”‘ યશાયા 6:9-
10
13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો?
14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે.
15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.
16 ‘બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે.
17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.
18 ‘બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે.
19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.
20 ‘બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.’
21 પછી ઈસુએ તેઓને કહ્યું, ‘શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ?
22 જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે.
23 તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!
24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે.
25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.’
26 પછી ઈસુએ કહ્યું, ‘દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે.
27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી.
28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે.
29 જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.’
30 પછી ઈસુએ કહ્યું, ‘દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું?
31 દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે.
32 પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.’
33 ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે.
34 ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.
35 તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.’
36 ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી.
37 સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી.
38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, ‘ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!’
39 ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, ‘છાનો રહે, શાંત થા!’ પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.
40 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?’
41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, ‘આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?’
પ્રકરણ 5

1 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો.
2 જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું.
3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી.
4 ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો.
5 રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો.
7 ઈસુએ તે માણસને કહ્યું, ‘ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.’ તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, ‘ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!’
8
9 પછી ઈસુએ તે માણસને પૂછયું, ‘તારું નામ શું છે?’તે માણસે જવાબ આપ્યો, ‘મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.’
10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.
11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું.
12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, ‘અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.’
13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.
14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા.
15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા.
16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું.
17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.
18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી.
19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, ‘તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.’
20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.
21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા.
22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો.
23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, ‘મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.’
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો.
26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી.
28 તે સ્ત્રીએ વિચાર્યુ, ‘જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.’
29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે.
30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, ‘મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?’
31 શિષ્યોએ ઈસુને કહ્યું, ‘તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?”‘
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું.
33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી.તેણે ઈસુને આખી વાત કહી.
34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.’
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, ‘તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.’
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, ‘ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.’
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા.
38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી.
39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, ‘તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.’
40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા.
41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, ‘ટલિથા કૂમ!’ (આનો અર્થ, ‘નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.’)
42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા.
43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.
પ્રકરણ 6

1 ઈસુ ત્યાંથી વિદાય લઈને પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા.
2 વિશ્રામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઇ પામ્યા. આ લોકોએ કહ્યું, ‘આ માણસે આ ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને આ ડાહપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાક્રમો કરવાની તાકાત તેણે ક્યાંથી મેળવી?
3 તે તો ફક્ત એક સુથાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે.’ તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.
4 ઈસુએ લોકોને કહ્યું, ‘બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં, તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી.’
5 ઈસુએ તે ગામમાં વધારે પરાક્રમી કામ કર્યા નહિ. તેણે જે પરાક્રમો કર્યા તે તો માત્ર કેટલાક બીમાર લોકો પર તેનો હાથ મૂકી સાજાં કર્યા હતાં.
6 ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.
7 ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો.
8 ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: ‘તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ.
9 જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો.
10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો.
11 જો કોઈ ગામ તમને સ્વીકારવા ના પાડે અથવા તમને સાંભળવા ના પાડે તો તે ગામ છોડી જાઓ. તમારા પગને લાગેલી ધૂળ ખંખેરી નાખો. આ તેઓને માટે એક ચેતવણી હશે.’
12 તે શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જગ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું.
13 તે શિષ્યોએ ઘણાં ભૂતોને લોકોમાંથી કાઢ્યાં અને તેમણે ઘણાં માંદા લોકોને ઓલિવ તેલ ચોળી સાજાં કર્યા.
14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, ‘તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.’
15 બીજા લોકોએ કહ્યું, ‘ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.’
16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, ‘મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!’
17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો.
18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી.
19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી.
20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.
21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.
22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા. તેથી હેરોદે તે છોકરીને કહ્યું, ‘તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.’
23 હેરોદે તેણીને વચન આપ્યું, ‘તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.’
24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, ‘મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?’ તેની માએ કહ્યું, ‘યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.’
25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, ‘કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.’
26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો.
27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું.
28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું.
29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.
30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું.
31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ‘મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.’
32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા.
33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા.
34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.
35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, ‘આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે,
36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.’
37 પણ ઈસુએ જવાબ આપ્યો, ‘તમે તેઓને થોડું ખાવાનું આપો.’ તે શિષ્યોએ ઈસુને કહ્યું, ‘આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.’
38 ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.’ શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, ‘આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.’
39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.’
40 તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.
41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.
42 આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા.
43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી.
44 ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.:
22 -
23 ;યોહાન 6:
15 -
21 )
45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું.
46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.
47 તે રાત્રે, હોડી હજુ પણ સરોવરની મધ્યમાં હતી. ઈસુ ભૂમિ પર એકલો હતો.
48 ઈસુએ સરોવરમાં હોડીને દૂર દૂર જોઈ. તેણે શિષ્યોને હોડીના હલેસા મારવામાં સખત મહેનત કરતાં જોયા. પવન તેમની વિરૂદ્ધ ફૂંકાતો હતો. સવારે ત્રણ થી છ કલાકના સમયે, ઈસુએ પાણી પર ચાલવાનું ચાલુ રાખ્યું, અને તે તેમની બાજુમાંથી પસાર થતો હતો. ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યુ.
49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા.
50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, ‘હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,’
51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા.
52 તેઓએ ઈસુને પાંચ રોટલીમાંથી વધારે રોટલી બનાવતા જોયો હતો.પણ તેઓ સમજી શક્યા ન હતા. તેનો અર્થ શું છે. તેઓ તે સમજવા માટે શક્તિમાન ન હતા.
53 ઈસુના શિષ્યોએ સરોવરને ઓળંગ્યું. તેઓ ગન્નેસરેતના દરિયા કિનારે આવ્યા. તેઓએ ત્યાં હોડી લાંગરી.
54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો.
55 આખા પ્રદેશમાં દોડી જઇને લોકોને જણાવ્યું કે ઈસુ ત્યાં છે. લોકો માંદા માણસોને ખાટલામાં લાવ્યા.
56 ઈસુ તે પ્રદેશના આસપાસનાં ગામો, શહેરો અને ખેતરોમાં ગયો અને દરેક જગ્યાએ ઈસુ ગયો. ત્યાં તે લોકો બિમાર લોકોને બજારના સ્થળોએ લાવ્યા. તેઓ ઈસુને તેનાં ઝભ્ભાની કીનારને પણ સ્પર્શ કરવા દેવા માટે વિનંતી કરી. અને બધા લોકોએ જેમણે સ્પર્શ કર્યો તે સર્વ સાજાં થઈ ગયા.
પ્રકરણ 7

1 કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા.
2 ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (‘ચોખ્ખા નહિ’ નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.)
3 ફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશિષ્ટ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા.
4 અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.
5 ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, ‘તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?’
6 ઈસુએ જવાબ આપ્યો, ‘તમે બધા દંભી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાએ લખ્યું છે, ‘આ લોકો કહે છે તેઓ મને માન આપે છે, પણ તેઓ ખરેખર મને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.
7 તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે. જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’ યશાયા
29 :
13
8 તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.’
9 પછી ઈસુએ તેઓને કહ્યું, ‘તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો.
10 મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’
11 પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’
12 તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી.
13 તેથી તમે ઉપદેશ આપો છો કે દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે લોકોને જે ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે વધારે મહત્વનું છે અને તમે તેના જેવું ઘણું કરો છો.’
14 ઈસુએ ફરીથી લોકોને તેમની પાસે બોલાવ્યા. તેણે કહ્યું, ‘પ્રત્યેક વ્યક્તિએ મને ધ્યાનથી સાંભળવો જોઈએ અને હું જે કહું છું તે સમજવું જોઈએ.
15 એવી કોઈ વસ્તુ નથી જે વ્યક્તિ તેના શરીરમાં મૂકે છે જે તેને અપવિત્ર બનાવે છે. તેનામાંથી જે વસ્તુઓ બહાર આવે છે તેના વડે જ વ્યક્તિ અપવિત્ર બને છે.’
16 તમે લોકો મારા શબ્દો ધ્યાનથી સાંભળો. તમને લોકોને જો કાન હોય તો, સાંભળો.
17 પછી ઈસુ તે લોકોને છોડીને ઘરમાં ગયો. શિષ્યોએ ઈસુને આ વાર્તા વિષે પૂછયું.
18 ઈસુએ કહ્યું, ‘તમને સમજવામાં હજુ મુશ્કેલી છે? તમે ખાતરીપૂર્વક જાણો છો કે બહારથી વ્યક્તિમાં એવું કશું પ્રવેશતું નથી જે તેને વટાળી શકે.
19 ખોરાક વ્યક્તિના મગજમાં જતો નથી. ખોરાક તો પેટમાં જાય છે. પછી તે ખોરાક શરીરની બહાર નીકળી જાય છે.’ (જ્યારે ઈસુએ આ કહ્યું, તેનો અર્થ એ છે કે એવો કોઈ ખોરાક નથી જે લોકોને ખાવા માટે ખોટો છે.)
20 અને ઈસુએ કહ્યું, ‘જે વસ્તુઓ વ્યક્તિઓમાંથી આવે છે તે જ તે વ્યક્તિને વટાળે છે.
21 આ બધી ખરાબ વસ્તુઓ વ્યક્તિના મનની અંદર શરૂ થાય છે. મનમાં ખોટા વિચારો, અનૈતિક પાપો, ચોરી, ખૂન,
22 વ્યભિચાર, સ્વાર્થ, લોકોનું ખરાબ કરવું, વ્યર્થ જીવન, પાપનાં કામો કરવા, અદેખાઇ, લોકોની નિંદા કરવી, મિથ્યા દંભ કરવો અને મૂર્ખાઈભર્યું જીવન.
23 આ બધી દુષ્ટ વસ્તુઓ વ્યક્તિની અંદરથી આવે છે. આ વસ્તુઓ વ્યક્તિને વટાળે છે.’
24 ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો. ઈસુ ત્યાં એક ઘરમાં ગયો. તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો. પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ.
25 એક સ્ત્રીએ સાંભળ્યું કે ઈસુ ત્યાં હતો. તેની નાની દીકરીની અંદર શેતાનનો અશુદ્ધ આત્મા હતો. તેથી તે સ્ત્રી ઈસુ પાસે આવીને તેના ચરણોમાં નમી પડી.
26 તે સ્ત્રી યહૂદિ ન હતી. તે ગ્રીક હતી અને સિરિયા પ્રદેશના ફિનીકિયામાં જન્મી હતી. તે સ્ત્રીએ ઈસુને તેની દીકરીમાંથી ભૂત કાઢવાને વિનંતી કરી.
27 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘છોકરાંની રોટલી લઈને કૂતરાંઓને આપવી તે યોગ્ય નથી. પ્રથમ છોકરાંને તેઓ ઈચ્છે તેટલું બધું ખાવા દો.’
28 તે સ્ત્રીએ જવાબ આપ્યો,’ તે સાચું છે, પ્રભુ. પરંતુ છોકરા જે ખોરાકના નાના કકડાં મેજ નીચે પડે છે તે ખાતા નથી. તે કૂતરાંઓ ખાઇ જાય છે.’
29 પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, ‘તે એક ઘણો સારો જવાબ છે, તું જઈ શકે છે. તે ભૂત તારી દીકરીમાંથી નીકળી ગયું છે.’
30 તે સ્ત્રી ઘેર ગઈ અને તેની દીકરીને પથારીમાં પડેલી જોઈ. ભૂત નીકળી ગયુ હતું.
31 પછી ઈસુએ તૂરની આજુબાજુનો પ્રદેશ છોડ્યો અને સિદોન થઈને ગાલીલ સરોવર તરફ ગયો. ઈસુ દસ ગામોના પ્રદેશમાં થઈને ગયો.
32 જ્યારે તે ત્યાં હતો ત્યારે કેટલાક લોકો એક માણસને તેના પાસે લાવ્યા. આ માણસ બહેરો હતો અને બોબડો હતો. લોકોએ ઈસુને તેના હાથ તે માણસ પર મૂકીને તેને સાજો કરવા વિનંતી કરી.
33 ઈસુ તે માણસને લોકો પાસેથી દૂર તેની સાથે એકાંતમાં દોરી ગયા. પછી ઈસુએ તે માણસના કાનની અંદર તેની આંગળી મૂકી અને થૂંકીને તે માણસની જીભને સ્પર્શ કર્યો.
34 ઈસુએ આકાશમાં ઊંચે જોયું અને નિસાસો નાખ્યો. ઈસુએ તે માણસને કહ્યું, ‘એફફથા!’ (આનો અર્થ, ‘ઊઘડી જા.’)
35 જ્યારે ઈસુએ આ કર્યુ, ત્યારે તે માણસ સાંભળવા શક્તિમાન બન્યો. તે માણસ તેની જીભનો ઉપયોગ કરવા સમર્થ બન્યો અને સ્પષ્ટ બોલવા લાગ્યો.
36 ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ. ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા.
37 લોકો ખરેખર નવાઇ પામ્યા. લોકોએ કહ્યું, ‘ઈસુ દરેક વસ્તુ સારી રીતે કરે છે. ઈસુ બહેરાં માણસોને સાંભળતાં કરે છે. અને જે લોકો વાત કરી શકતા નથી, તેઓને વાત કરવા શક્તિમાન કરે છે.’
પ્રકરણ 8

1 બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું,
2 ‘મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી.
3 મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.’
4 ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, ‘પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?’
5 પછી ઈસુએ તેઓને પૂછયું, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમારી પાસે સાત રોટલીઓ છે’
6 ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ.
7 તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.
8 બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી.
9 ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું.
10 ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો.
11 ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું.
12 ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કહ્યું, ‘તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો? હું તમને સત્ય કહું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ.’
13 પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.
14 તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા.
15 ઈસુએ તેમને ચેતવણી આપી, ‘સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.’
16 શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, ‘તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.’
17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, ‘શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?
18 શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી.
19 મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?’ તે શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમે બાર ટોપલીઓ ભરી હતી.’
20 ‘અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?’ તે શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘અમે સાત ટોપલીઓ ભરી હતી.’
21 પછી ઈસુએ તેઓને કહ્યું, ‘મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?’
22 ઈસુ અને તેના શિષ્યો બેથસૈદામાં આવ્યા. કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનંતી કરી.
23 તેથી ઈસુએ તે આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની આંખો પર થૂંક્યો. ઈસુએ તેના હાથ આંધળા માણસ પર મૂક્યા અને તેને કહ્યું, ‘હવે તું જોઈ શકે છે?’
24 આંધળા માણસે ઊંચુ જોયું અને કહ્યું, ‘હા, હું લોકોને જોઈ શકું છું. તેઓ આજુબાજુ ચાલતા વૃક્ષો જેવા દેખાય છે.’
25 ફરીથી ઈસુએ તેનો હાથ આંધળા માણસની આંખો પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને ખોલી. તેની આંખો સાજી થઈ ગઈ, અને તે દરેક વસ્તુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો.
26 ઈસુએ તેને ઘેર જવા કહ્યું. ઈસુએ કહ્યું, ‘ગામમાં જઈશ નહિ.’
27 ઈસુ અને તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીનાં ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા, ઈસુએ શિષ્યોને પૂછયું, ‘હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?’
28 શિષ્યોએ ઉત્તર આપ્યો, ‘કેટલાક લોકો તને યોહાન બાપ્તિસ્ત કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે.’
29 પછી ઈસુએ પૂછયું, ‘હું કોણ છું એ વિષે તમે શું કહો છો?’પિતરે ઉત્તર આપ્યો, ‘તુ તો ખ્રિસ્ત છે.’
30 ઈસુએ તેના શિષ્યોને કડકાઇથી કહ્યું: ‘હું કોણ છું તે કોઈને કહેવું નહિ.’
31 પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર, વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે. ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે.
32 ઈસુએ તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ ગયો અને વાતો કહેવા માટે તેને ઠપકો આપવા લાગ્યો.
33 પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુએ પિતરને કહ્યું, ‘શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે.’
34 પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ.
35 જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે.
36 જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે છે પણ તેનું જીવન ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદાયી છે?
37 વ્યક્તિ ફરીથી તેનો જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી શકતો નથી.
38 જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથેઆવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.’
પ્રકરણ 9

1 પછી ઈસુએ કહ્યું, ‘હું તમને સત્ય કહું છું કે, તમારામાંના કેટલાએક લોકો અહીં ઊભા છે તેઓ તેમના મૃત્યુ પહેલા દેવના રાજ્યને આવતું જોશે. દેવનું રાજ્ય પરાક્રમ સાથે આવશે.’
2 છ દિવસો પછી ઈસુ પિતર, યાકૂબ તથા યોહાનને લઈને એક ઊંચા પર્વત પર ગયો. તેઓ બધા ત્યાં એકલા હતા. જ્યારે શિષ્યોની નજર સમક્ષ તેનું રૂપાંતર થયું, ત્યારે
3 ઈસુનાં કપડાં સફેદ ચમકતાં થયાં. કપડા બીજી વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઉજળાં હતા.
4 પછી ત્યાં બે માણસો આવ્યા અને ઈસુ સાથે વાતો કરવા લાગ્યા. તે માણસો મૂસા અને એલિયા હતા.
5 પિતરે ઈસુને કહ્યું, ‘ઉપદેશક, તે સારું છે કે આપણે અહીં છીએ. અહીં આપણે ત્રણ માંડવા બાંધીએ. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.’
6 પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.
7 પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કરી. વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, ‘આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!’
8 પછી પિતર, યાકૂબ, અને યોહાને જોયું, પણ તેઆએે ફક્ત ત્યાં ઈસુને તેઓની સાથે એકલો જોયો.
9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, ‘તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.’
10 તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી.
11 શિષ્યોએ ઈસુને પૂછયું, ‘પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?’
12 ઈસુએ ઉત્તર આપ્યો, ‘એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીતે હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત્ર એવું શા માટે કહે છે કે માણસનો પુત્ર ઘણું સહન કરશે અને લોકો તેનો અસ્વીકાર કરશે?
13 હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે; અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ.’
14 પછી ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન બીજા શિષ્યો પાસે ગયા. તેઓએ ઘણા લોકોને તેઓની આજુબાજુ જોયા. શાસ્ત્રીઓ શિષ્યો સાથે દલીલો કરતા હતા.
15 જ્યારે લોકોએ ઈસુને જોયો, તેઓ વધારે અચરજ પામ્યા. તેઓ તેને આવકારવા તેની પાસે દોડી ગયા.
16 ઈસુએ પૂછયું, ‘તમે શાસ્ત્રીઓ સાથે શાના વિષે દલીલો કરો છો?’
17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, ‘ઉપદેશક, હું મારા પુત્રને તારી પાસે લાવ્યો છું. મારા પુત્રમાં શેતાનનો આત્મા તેની અંદર છે. આ અશુદ્ધ આત્મા મારા પુત્રને વાતો કરતા અટકાવે છે.
18 અશુદ્ધ આત્મા મારા પુત્ર પર હુમલો કરે છે અને તેને જમીન પર ફેંકે છે. મારો પુત્ર તેના મુખમાંથી ફીણ કાઢે છે. તેના દાંત કચકચાવે છે. અને તે તવાતો જાય છે. મેં તારા શિષ્યોને અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહિ.’
19 ઈસુએ કહ્યું, ‘તમે લોકો વિશ્વાસ કરતા નથી! ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? છોકરાને મારી પાસે લાવો!’
20 તેથી શિષ્યો તે છોકરાને ઈસુ પાસે લાવ્યા. જ્યારે દુષ્ટ આત્માએ ઈસુને જોયો, તે અશુદ્ધ આત્માએ છોકરા પર હુમલો કર્યો. તે છોકરો નીચે પડ્યો અને જમીન પર આળોટતો હતો. તેના મુખમાંથી ફીણ નીકળતું હતું.
21 ઈસુએ છોકરાના પિતાને કહ્યું, ‘કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?’ પિતાએ જવાબ આપ્યો, ‘તે ઘણો નાનો હતો ત્યારથી.
22 તે અશુદ્ધ આત્માએ તેને ઘણી વખત મારી નાખવા માટે અગ્નિમાં તથા પાણીમાં નાખ્યો હતો. જો તું તેને માટે કશું કરી શકે તો કૃપા કરીને અમારા પર દયા કરી અને અમને મદદ કર.’
23 ઈસુએ પિતાને કહ્યું, “તેં કહ્યું કે, ‘શક્ય હોય તો મદદ કર.’ જે વ્યક્તિ વિશ્વાસ કરે છે તેના માટે બધી વસ્તુઓ શક્ય છે.’
24 પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કહ્યું, ‘હું જરુંર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનાવામાં મદદ કર!”
25 ઈસુએ જોયું કે બધા જે લોકો ત્યા શું બની રહ્યું છે તે જોવા માટે દોડતા હતા તેથી ઈસુએ અશુદ્ધ આત્માને કહ્યું, ‘ઓ અશુદ્ધ આત્મા, તું આ છોકરાને બહેરો બનાવે છે અને તેને વાત કરતાં અટકાવે છે-હું તને આ છોકરામાંથી બહાર આવવાને અને કદાપિ તેનામાં નહિ પ્રવેશવા હુકમ કરું છું!’
26 તે અશુદ્ધ આત્માએ ચીસ પાડી. તે આત્માએ તે છોકરાને ફરીથી જમીન પર પાડ્યો. અને પછી તે અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો. તે છોકરો મરી ગયો હતો એવું દેખાયું. ઘણાં લોકોએ કહ્યું, ‘તે મૃત્યુ પામ્યો છે!’
27 પરંતુ ઈસુએ તે છોકરાનો હાથ પકડ્યો અને તેને ઊભો થવામાં મદદ કરી.
28 ઈસુ ઘરમાં ગયો. ત્યાં તેની સાથે તેના શિષ્યો એકલા હતા. તેઓએ તેને પૂછયું ‘અમે શા માટે અશુદ્ધ આત્માને બહાર કાઢી શક્યા નહિ?’
29 ઈસુએ ઉત્તર આપ્યો, ‘આ પ્રકારના આત્માને ફક્ત પ્રાર્થનાના ઉપયોગ દ્ધારા જ બહાર કાઢી શકાય છે.’
30 પછી ઈસુ અને તેના શિષ્યોએ તે જગ્યા છોડી. તેઓ ગાલીલમાં થઈને ગયા. ઈસુ ક્યાં હતો તે લોકો જાણે એમ ઈચ્છતો ન હતો.
31 ઈસુ તેના શિષ્યોને એકલાને ઉપદેશ આપવા ઈચ્છતો હતો. ઈસુએ તેઓને કહ્યું, ‘માણસનો દિકરો લોકોને સોંપવામાં આવશે. તેઓ તેને મારી નાખશે. મારી નાખ્યા પછી, ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થશે.’
32 પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા.
33 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. તેઓ એક ઘરમાં ગયા. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું. ‘મેં આજે રસ્તા પર તમને દલીલો કરતાં સાંભળ્યા. તમે શાના વિષે દલીલો કરતા હતા?’
34 પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા.
35 ઈસુ નીચે બેઠો અને બાર પ્રેરિતોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘જો કોઈ વ્યક્તિની ઈચ્છા સૌથી વધારે મહત્વના વ્યક્તિ બનવાની હોય તો પછી તેણે બીજા દરેક લોકોને તેના કરતા વધારે મહત્વના ગણવા જોઈએ. તે વ્યક્તિએ બીજા બધા લોકોની સેવા કરવી જોઈએ.’
36 પછી ઈસુએ એક નાનું બાળક લીધું. ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભું રાખ્યું. ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું,
37 ‘જો કોઈ વ્યક્તિ મારા નામે આ નાના બાળકોને સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકારે છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.’
38 પછી ઈસુએ કહ્યું, ‘ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.’
39 ઈસુએ કહ્યું, ‘તેને રોકશો નહિ, જે કોઈ વ્યક્તિ પરાક્રમ કરવા મારા નામનો ઉપયોગ કરે છે તે મારા વિષે ખરાબ કહેશે નહિ.
40 જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે.
41 હું તને સત્ય કહું છું, જે કોઈ વ્યક્તિ તને પીવાનું પાણી આપીને મદદ કરે છે કારણ કે તું ખ્રિસ્તનો શિષ્ય છે, તો તે વ્યક્તિ ખરેખર તેનો બદલો પ્રાપ્ત કરશે.’
42 ‘જો આ નાના બાળકોમાંનો એક મારામાં વિશ્વાસ કરે અને બીજી એક વ્યક્તિ તે બાળકને પાપ કરવા કારણરૂપ બને, તો તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ તેના ગળે ઘંટીનું પડ બાંધીને દરિયામાં જાતે ડૂબી જાય તે વધારે સારું છે.
43 જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે, પરંતુ જીવન તો સદા માટે રહેશે. બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે. તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી.
44
45 જો તારો પગ તને પાપ કરાવે, તો તેને કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો તે વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે પગો સાથે નરકમાં ફેંકવામાં આવે તેના કરતાં તે વધારે સારું છે.
46
47 જો તારી આંખ તને પાપ કરાવે તો તેને બહાર કાઢી નાખ, તારી પાસે ફક્ત એક આંખ હોવી વધારે સારું છે. પણ જીવન તો સદાય રહે. બે આંખો સાથે નરકમાં ફેકવામાં આવે તેના કરતાં તે એક આંખ સાથે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે.
48 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.
49 ‘પ્રત્યેક વ્યક્તિ અગ્નિ વડે શિક્ષા પામશે.’
50 ‘મીઠું એ સારું છે. પરંતુ મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે પછી તમે તેને ફરીથી ખારું બનાવી શકતા નથી. તેથી ભલાઇથી પૂર્ણ બનો અને એકબીજા સાથે શાંતિ રાખો.’
પ્રકરણ 10

1 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.
2 કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, ‘પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?’
3 ઈસુએ ઉત્તર આપ્યો, ‘મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?’
4 તે ફરોશીઓએ કહ્યું, ‘મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે’
5 ઈસુએ કહ્યું, ‘મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી.
6 પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’
7 ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે.
8 અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે.
9 દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.’
10 પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા. તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું.
11 ઈસુએ ઉત્તર આપ્યો, ‘કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે.
12 અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.’
13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા.
14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે.
15 હું તમને સાચું કહું છું, તમારે દેવના રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ.’
16 પછી ઈસુએ બાળકોને તેના બાથમાં લીધા. ઈસુએ તેઓના પર હાથ મૂકી તેઓને આશીર્વાદ દીધો.
17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?’
18 ઈસુએ ઉત્તર આપ્યો, ‘તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે.
19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ....’“
20 તે માણસે કહ્યું, ‘ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.’
21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, ‘તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.’
22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.
23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, ‘ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!’
24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, ‘મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે!
25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!’
26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, ‘તો કોણ તારણ પામી શકે?’
27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, ‘આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.’
28 પિતરે ઈસુને કહ્યું, ‘અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!’
29 ઈસુએ કહ્યું, ‘હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે,
30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે.
31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.’
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું.
33 ઈસુએ કહ્યું, ‘આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે.
34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.’
35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, ‘ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.’
36 ઈસુએ પૂછયું, ‘તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?’
37 પુત્રોએ ઉત્તર આપ્યો, ‘તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.’
38 ઈસુએ કહ્યું, ‘તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમેસ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?’
39 પુત્રોએ ઉત્તર આપ્યો, ‘હા અમે કરી શકીશું.’ ઈસુએ પુત્રોને કહ્યું, ‘હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે.
40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.’
41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા.
42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે.
43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ.
44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી.
45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે’
46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો.
47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, ‘ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!’
48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. ‘દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!’
49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, ‘તે માણસને અહીં આવવા કહો.’ તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, ‘હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.’
50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
51 ઈસુએ માણસને પૂછયું, ‘મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?’ આંધળો માણસ બોલ્યો, ‘ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.’
52 ઈસુએ કહ્યું, ‘જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.’ પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
પ્રકરણ 11

1 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક આવતા હતા. તેઓ જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા. ત્યાં ઈસુએ તેના બે શિષ્યોને આગળ મોકલ્યા.
2 ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ. જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે, તમે એક ગધેડાના વછેરાને ત્યાં બાંધેલો જોશો. આ વછેરા પર કોઈએ કદી સવારી કરી નથી, તે વછેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ.
3 જો કોઈ વ્યક્તિ તને પૂછે કે તું તે વછેરાને શા માટે લઈ જાય છે, તો તે વ્યક્તિને કહેજે, ‘માલિકને આ વછેરાની જરૂર છે. તે જલ્દીથી તેને પાછો મોકલશે.”‘
4 તે શિષ્યો ગામમાં ગયા. તેઓએ એક ઘરના દરવાજા નજીક શેરીમાં એક વછેરાને બાંધેલો જોયો. તે શિષ્યોએ તે વછેરાને છોડ્યો.
5 કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને તેઓએ આ જોયું, તે લોકોએ પૂછયું, ‘તમે શું કરો છો? તમે તે વછેરાને શા માટે છોડો છો?’
6 ઈસુએ શિષ્યોને જે જવાબ આપવા કહેલું તે રીતે શિષ્યોએ જવાબ આપ્યો. લોકોએ શિષ્યોને વછેરું લેવા દીધું.
7 શિષ્યો ઈસુ પાસે વછેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વછેરા પર મૂક્યાં. અને ઈસુ તેના પર બેઠો.
8 ઘણા લોકોએ તેમનાં ડગલા ઈસુ માટે રસ્તા પર પાથર્યા. બીજા લોકોએ ખેતરમાંથી ડાળીઓ કાપી અને રસ્તા પર ડાળીઓ પાથરી.
9 કેટલાક લોકો ઈસુની આગળ આગળ ચાલતા હતા. બીજા લોકો તેની પાછળ ચાલતા હતા. બધા લોકોએ બૂમ પાડી, ‘તેની સ્તુતિ કરો!’ ‘આવકાર! પ્રભુના નામે જે એક આવે છે તે દેવનો આશીર્વાદિત છે!’ ગીતશાસ્ત્ર
11 8:25,26
10 ‘આપણા પિતા દાઉદના રાજ્યને દેવના આશીર્વાદ છે. તે રાજ્ય આવે છે! પરમ ઊંચામાં દેવની સ્તુતિ કરો!’
11 ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો અને મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરક જોયું. પણ સાંજ પડી ગઈ હતી, તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો.
12 બીજે દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો.
13 ઈસુએ દૂર એક અંજીરીનું ઝાડ જેને પાંદડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે ઝાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કઈ મળે, પણ ઈસુએ તે ઝાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંદડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી.
14 તેથી ઈસુએ તે ઝાડને કહ્યું, ‘લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ.’ ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.
15 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી.
16 ઈસુએ મંદિરમાંથી કોઈ પણ માણસને વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપવાની ના પાડી.
17 પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, ‘શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’
18 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ બાબતો સાંભળી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરજ પામતા હતા.
19 તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું.
20 બીજી સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું ઝાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઇ ગયેલું જોયું.
21 પિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, ‘ઉપદેશક, જો! ગઈકાલે, તે કહ્યું કે અંજીરનું વૃક્ષ મૂળમાંથી સૂકાઇ જશે. હવે તેં સૂકું અને મરેલું છે!’
22 ઈસુએ ઉત્તર આપ્યો, ‘દેવમાં વિશ્વાસ રાખો.’
23 હું તમને સત્ય કહું છું. તમે આ પર્વતને કહી શકો છો, ‘જા, દરિયામાં પડ.’ અને જો તમને તમારા મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશે તો દેવ તે તમારા માટે કરશે.
24 તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે.
25 જ્યારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કઈક કારણસર ગુસ્સે થયા છો. તો તે વ્યક્તિને માફ કરો.’
26
27 ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા. ઈસુ મંદિરમાં ચાલતો હતો. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા.
28 તેઓએ ઈસુને કહ્યું, ‘અમને કહે! તને આવા કામો કરવાની કઈ સત્તા છે? તને આ સત્તા કોણે આપી?’
29 ઈસુએ ઉત્તર આપ્યો, ‘હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પછી હું તમને કોની સત્તાથી આ કામો કરું છું તે કહીશ.
30 મને કહો:જ્યારે યોહાન લોકોને બાપ્તિસ્મા આપતો હતો, ત્યારે તે (સત્તા) દેવ પાસેથી આવી કે માણસો પાસેથી? મને ઉત્તર આપો!’
31 આ યહૂદિ નેતાઓએ ઈસુના પ્રશ્ન વિષે વાતો કરી. તેઓએ એકબીજાને કહ્યું, ‘જો આપણે ઉત્તર આપીએ. યોહાનનું બાપ્તિસ્મા દેવ પાસેથી, તો પછી ઈસુ કહેશે, ‘તો પછી યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નહોતા?’
32 પણ જો આપણે કહીએ, ‘યોહાનનું બાપ્તિસ્મા માણસ પાસેનું હતું.’ તો લોકો આપણા પર ગુસ્સે થશે.’ (આ આગેવાનો લોકોથી બીતા હતા. બધાજ લોકોને વિશ્વાસ હતો કે યોહાન એક પ્રબોધક હતો.)
33 તેથી આગેવાનોએ ઈસુને ઉત્તર આપ્યો, ‘અમે ઉત્તર જાણતા નથી.’ ઈસુએ કહ્યું, ‘તો પછી હું તમને કહીશ નહિ કે આ કામો હું કઈ સત્તાથી કરું છું.’
પ્રકરણ 12

1 ઈસુ લોકોને ઉપદેશ આપવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. ‘એક માણસે એક ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને તે માણસે ખેતરની આજુબાજુ દિવાલ બનાવી. અને એક ખાડો ખોદી દ્રાક્ષાકુંડ બનાવ્યો. પછીતે માણસે બુરજ બાંધ્યો. તે માણસે કેટલાક ખેડૂતોને ખેતર ઇજારે આપ્યું. પછી તે માણસ પ્રવાસ માટે વિદાય થયો.
2 ‘થોડા વખત પછી, દ્રાક્ષ ચૂંટવાનો સમય આવ્યો. તેથી તે માણસે તેનો દ્રાક્ષનો ભાગ લેવા માટે એક નોકરને ખેડૂત પાસે મોકલ્યો.
3 પરંતુ તે ખેડૂતોએ નોકરને ખાલી હાથે કાઢી મૂક્યો.
4 પછી તે માણસે બીજા એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. તે ખેડૂતોએ તેનું માંથુ ફોડી નાખ્યું. તેઓએ તેને માટે કોઈ માન બતાવ્યું નહિ.
5 તેથી તે માણસે બીજા એક નોકરને મોકલ્યો. તે ખેડૂતોએ આ નોકરને મારી નાખ્યો. તે માણસે ઘણા બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે ખેડૂતોએ કેટલાક ખેડૂતોને માર્યા અને બીજાઓને મારી નાખ્યા.’
6 ‘તે માણસ પાસે ખેડૂતોની પાસે મોકલવા એક વ્યક્તિ જ રહી. આ વ્યક્તિ તે માણસનો પુત્ર હતો. તે માણસ તેના દીકરાને ચાહતો હતો. પરંતુ તે માણસે પુત્રને ખેડૂતો પાસે મોકલવાનો નિર્ણય કર્યો. પુત્ર એ છેલ્લી વ્યક્તિ હતી જેને તે મોકલી શકે તે માણસે કહ્યું, ‘તે ખેડૂતો મારા પુત્રને માન આપશે.’
7 ‘પણ ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ ધણીનો પુત્ર છે. જો આપણે તેને મારી નાખીશું. તો પછી તેનું ખેતર આપણું થશે.’
8 તેથી તે ખેડૂતોએ તે પુત્રને મારી નાખ્યો. અને તેને ખેતરની બહાર ફેંકી દીધો.
9 ‘તેથી જે ખેતરનો ધણી હતો તે શું કરશે? તે ખેતરમાં જશે અને પેલા ખેડૂતોને મારી નાખશે. પછીતે બીજા ખેડૂતોને તે ખેતર આપશે.
10 ખરેખર તમે આ શાસ્ત્ર વાંચ્યો છે: ‘જે પથ્થરનો બાંધકામ કરનારાઓએ અસ્વીકાર કર્યો. તે ખૂણાના માથાળાનો (પથ્થર) થયો.
11 પ્રભુ આ બધુ કર્યુ છે, અને તે આપણા માટે અદભુત છે.”‘ ગીતશાસ્ત્ર
11 8:22-23
12 આ યહૂદિ આગેવાનોએ આ વાર્તા સાંભળી જે ઈસુએ કહી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ ઈસુને પકડવાની યુક્તિ શોધવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ લોકોથી બીતા હતા. તેથી તે યહૂદિ આગેવાનો ઈસુને છોડીને ચાલ્યા ગયા.
13 પાછળથી, યહૂદિ આગેવાનોએ કેટલાક ફરોશીઓને અને હેરોદીઓના નામે જાણીતા સમુહમાંથી કેટલાક માણસોએ ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને કઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા.
14 ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?’
15 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો ખરેખર તેને પરીક્ષણનો પ્રયત્ન કરતા હતા. ઈસુએ કહ્યું, ‘તમે શા માટે મને કઈક ખોટું કહેતા પકડવાનો પ્રયત્ન કરો છો? મને એક ચાંદીનો સિક્કો લાવી આપો. મને તે જોવા દો.’
16 તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો અને ઈસુએ પૂછયું, ‘સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ લખેલું છે?’ તેઓએ જવાબ આપ્યો, ‘તે કૈસરનું ચિત્ર છે અને કૈસરનું નામ છે.’
17 પછી ઈસુએ તેઓને કહ્યું, ‘કૈસરની જે વસ્તુઓ છે તે કૈસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.’ ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઇ પામ્યા.
18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો.
19 તેઓએ કહ્યું, ‘ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે.
20 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા.
21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની.
22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ.
23 પણ બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જ્યારે પુનરુંત્થાનનો સમય થશે ત્યારે, આ સ્ત્રી કોની પત્ની થશે?’
24 ઈસુએ ઉત્તર આપ્યો, ‘તમે આ ભૂલ શા માટે કરી? શાસ્ત્ર શું કહે છે તે તમે નથી જાણતા કારણ કે તમે દેવના સાર્મથ્ય વિષે નથી જાણતા.
25 જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે.’
26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’
27 જો દેવે કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો દેવ છે, તમે સદૂકીઓ ખોટા છો!’
28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, ‘કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?’
29 ઈસુએ ઉત્તર આપ્યો, ‘સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે.
30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.
31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.’
32 તે માણસે ઉત્તર આપ્યો. ‘તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી.
33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.’
34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, ‘તું દેવના રાજ્યની નજીક છે.’ અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.
35 ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછયું, ‘શા માટે શાસ્ત્રીઓ કહે છે કે ખ્રિસ્ત એ દાઉદનો દીકરો છે?
36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું: મારી પાસે જમણી બાજુએ બેસ, અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’ ગીતશાસ્ત્ર
11 0:1
37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?’ ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.
38 ઈસુએ ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. ઈસુએ કહ્યું, ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરવાનું જે મહત્વનું દેખાય, તે ગમે છે. અને લોકો બજારના સ્થળોએ તેમને માન આપે તે તેઓને ગમે છે.
39 તેઓને સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પ્રાપ્ત થાય, તે ગમે છે. અને મિજબાનીઓમાં પણ તેઓને સૌથી મહત્વની બેઠકો મળે તે ગમે છે.
40 તેઓ વિધવાઓનાં સાધન અને તેમના ઘરો પડાવી લે છે. પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્નો લાંબી પ્રાર્થનાઓ કરીને કરે છે. દેવ તેઓને ઘણી બધી શિક્ષા કરશે.’
41 ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બેઠો, જ્યાં લોકો તેઓની ભેટો મૂકતા. લોકો પેટીમાં પૈસા આપતા.
42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી.
43 ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, ‘હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે.
44 આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું.
પ્રકરણ 13

1 ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, ‘જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.’
2 ઈસુએ કહ્યું, ‘તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.’
3 પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું.
4 ‘અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?’
5 ઈસુએ શિષ્યોને કહ્યું, ‘સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે.
6 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.
7 તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે.
8 રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.
9 ‘પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો.
10 આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ.
11 તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.
12 ‘ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે.
13 બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.
14 ‘જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.’ (જે આ વાંચે છે તેમણે સમજવું.) ‘તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ.
15 કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ.
16 જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાછા જવું ન જોઈએ.
17 “તે સમયે સ્ત્રીઓ જે ગર્ભવતી છે અથવા જેને ધાવણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે.
18 અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો.
19 શા માટે? કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ.
20 તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.
21 “તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે! અથવા બીજી એક વ્યક્તિ કહેશે, તે ત્યાં છે! પણ તેમનું માનશો નહિ.
22 જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.
23 તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.’
24 “તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી, ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.’
25 આકાશના તારાઓ ખરવા લાગશે, અને આકાશના પરાક્રમો હલાવાશે.”‘ યશાયા13:10; 34:4
26 “પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે.
27 માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.’
28 “અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.
29 આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમયનજીક છે.
30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે.
31 આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.”
32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે.
33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.
34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે.
35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે.
36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ.
37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!”‘
પ્રકરણ 14

1 પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વનાફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે.
2 તેઓએ કહ્યું, ‘પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.’
3 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું.
4 ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “તે અત્તરનો બગાડ શા માટે કરવો જોઈએ?
5 તે અત્તરનું મૂલ્ય આખા વર્ષની કમાણી જેટલું છે. તે વેચી શકાતું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” અને તેઓએ તે સ્ત્રીની કડક ટીકા કરી.
6 ઈસુએ કહ્યું, “તે સ્ત્રીની ચિંતા ના કરો. તમે શા માટે તેને સતાવો છો? તેણે મારા માટે ઘણું સારું કામ કર્યુ છે.
7 તમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છો તે સમયે તેમને મદદ કરી શકો છે. પણ હું હંમેશા તમારી સાથે નથી.
8 આ સ્ત્રીએ ફક્ત તે કામ કર્યુ. જે મારે માટે તેનાથી થઈ શકે, તેણે અત્તર મારા શરીર પર રેડ્યું. મારા મરતાં પહેલા મારા દફન માટે અગાઉથી તેણે આ કર્યુ.
9 હું તમને સત્ય કહું છું. સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે. અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે. તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે.”
10 પછી બાર પ્રેરિતોમાંનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૂદા ઈશ્કરિયોત નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સોંપવા ઈચ્છતો હતો.
11 મુખ્ય યાજકો આ વિષે જાણી ઘણા પ્રસન્ન હતા. તેઓએ યહૂદાને આ કરવા માટે પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને સોંપવાની ઉત્તમ સમયની રાહ જોતો હતો.
12 હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”
13 ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ.
14 તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિ જે ઘરનો ધણી છે તેને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બતાવો કે જ્યાં તે અને તેના શિષ્યો પાસ્ખા ભોજન ખાઈ શકે.’
15 માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે. આ મેડી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો.”
16 તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું.
17 સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો.
18 જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક મારી વિરૂદ્ધ થશે, તમારામાંનો એક હમણા મારી સાથે ખાય છે.”
19 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!”
20 ઈસુએ ઉત્તર આપ્યો, ‘તે માણસ જે મારી વિરૂદ્ધ છે તે તમારા બારમાંનો એક છે. જે રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે.
21 માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, “આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”
22 જ્યારે તેઓ ખાતાં હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
23 પછી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેણે તે માટે દેવનો આભાર માન્યો અને તે શિષ્યોને આપ્યો. બધાજ શિષ્યોએ તે પ્યાલામાંથી પીધું.
24 પછી ઈસુએ કહ્યું, “આ દ્રાક્ષારસ મારું લોહી છે. મારું લોહી (મરણ) દેવ તરફથી તેના લોકો સાથે નવા કરારનો આરંભ કરે છે. આ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવ્યું છે.
25 હું તમને સત્ય કહું છું, હવે પછી હું આ દ્રાક્ષારસ પીનાર નથી. જ્યારે હું દેવના રાજ્યમાં તે પીશ ત્યારે તે દ્રાક્ષારસ નવો હશે.
26 બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા.
27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:‘હું પાળકને મારી નાખીશ, અને ઘેટાંઓ નાસી જશે.’ ઝખાર્યા
13 :7
28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”
31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, ‘હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
32 ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો.”
33 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો.
34 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”
35 ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, “જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ.”
36 ઈસુએ પ્રાર્થના કરી, “અબ્બા પિતા! તારાથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છું તે નહિ.
37 પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો. તેણે તેઓને ઊંઘતા જોયા. તેણે પિતરને કહ્યું, “સિમોન, તું શા માટે ઊંઘે છે? તું મારી સાથે એક કલાક જાગતો ના રહી શકે?
38 જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”
39 ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી.
40 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોતી કે તેઓએ ઈસુને શું કહેવું જોઈએ.
41 ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, ‘તમે હજુ પણ ઊંઘો છો અને આરામ કરો છો? તે પૂરતું છે! માણસના પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે.
42 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે.”
43 જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.
44 લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, ‘જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.’
45 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, ‘રાબ્બી!’ પછી યહૂદા ઈસુને ચૂમ્યો.
46 પછી તે માણસોએ ઈસુને ઘેર્યો અને તેને પકડ્યો.
47 ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો.
48 પછી ઈસુએ કહ્યું, ‘હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શું?
49 પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિં પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ છે.’
50 પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.
51 ત્યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફક્ત શણનું વસ્ત્ર ઓઢેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો.
52 તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો.
53 તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા.
54 પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.
55 મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શક્યા નહિ.
56 ઘણા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાક્ષી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકબીજા સાથે સંમત ન હતા.
57 પછી કેટલાએક લોકો ઊભા થયા અને ઈસુની વિરૂદ્ધ કંઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કહ્યું,
58 “અમે આ માણસને (ઈસુ) એમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધીશ જે માણસોએ બનાવેલું નહિ હોય.”‘
59 પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.
60 પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઊભો થયો અને ઈસુને કહ્યું, “આ લોકો તારી વિરૂદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?”
61 પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”
62 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.”
63 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી.
64 તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ.
65 ત્યાં કેટલાએક લોકો ઈસુ પર થૂંક્યા. તેઓએ ઈસુની આંખો ઢાંકી દીધી અને તેના પર તેમની મુંઠીઓનો પ્રહાર કર્યો તેઓએ કહ્યું, “અમને કહી બતાવ કે તું એક પ્રબોધક છે!” પછીથી ચોકીદારો ઈસુને દૂર દોરી ગયા અને તેને માર્યો.
66 તે સમયે પિતર હજુ પણ ચોકમાં હતો. પ્રમુખ યાજકની એક દાસી પિતર પાસે આવી.
67 તે દાસીએ પિતરને અગ્નિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી. પછીથી તે દાસીએ કહ્યું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”
68 પરંતુ પિતરે કહ્યું કે તે કદી ઈસુ સાથે ન હતો. તેણે કહ્યું, “તું શાના વિષે વાતો કરે છે તે હું જાણતો કે સમજતો નથી.” પછી પિતર વિદાય થયો અને ચોકના પ્રવેશદ્ધાર તરફ ગયો.
69 દાસીએ પિતરને ત્યાં જોયો. ફરીથી તે દાસીએ લોકોને જેઓ ત્યાં ઊભા હતા તેઓને કહ્યું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.”
70 ફરીથી પિતરે કહ્યું, તે સાચું નથી.થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઊભા હતા, તે લોકોએ કહ્યું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યો છે. તું ગાલીલથી ઈસુની જેમ જ આવ્યો છે.”
71 પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢતાથી કહ્યું, “હું દેવના સોગન ખાઇને કહું છું કે આ માણસને હું ઓળખતો નથી.”
72 પિતરના આમ કહ્યાં પછી મરઘો બીજી વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કહ્યું હતું તે પિતરે યાદ કર્યું. “મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગાડીને રડ્યો.
પ્રકરણ 15

1 વહેલી સવારમાં મુખ્ય યાજકો, વડીલ યહૂદી આગેવાનો, શાસ્ત્રીઓ અને યહૂદિઓની આખી ન્યાયસભાએ ઈસુનું શું કરવું તે અંગે નિર્ણય કર્યો. તેઓએ ઈસુને પિલાતને સોંપ્યો.
2 પિલાતે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો, હા, તે સાચું છે.”
3 મુખ્ય યાજકોએ ઈસુ પર ઘણાં તહોમત મૂક્યાં.
4 તેથી પિલાતે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો. પિલાતે કહ્યું, “તું જોઈ શકે છે કે આ લોકોએ કેટલાં બધાં તારા પર તહોમત મૂક્યાં છે. તું ઉત્તર કેમ આપતો નથી?”
5 પણ ઈસુએ હજી પણ ઉત્તર આપ્યો નહિ. પિલાતને ઘણું આશ્ચર્ય થયું હતું.
6 પ્રતિવર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ એક વ્યક્તિને કારાવાસમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિ આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે.
7 તે વખતે જેલમાં બરબ્બાસ નામનો માણસ હતો. તે કારાવાસમાં હુલ્લડખોરો સાથે હતો. આ હુલ્લડખોરો હુલ્લડ દરમ્યાન ખૂન માટે ગુનેગાર હતા.
8 લોકો પિલાત પાસે આવ્યા. અને તેને હંમેશા તે જેમ કરતો હતો તે પ્રમાણે એક કેદીને મુક્ત કરવા કહ્યું.
9 પિલાતે લોકોને કહ્યું, “તમે યહૂદિઓના રાજાને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો?”
10 પિલાતે જાણ્યું કે મુખ્ય યાજકોએ તેને ઈસુને સોંપ્યો હતો કારણ કે તેઓને ઈસુની ઇર્ષા હતી.
11 પરંતુ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે તેઓ પિલાતને બરબ્બાસને મુક્ત કરવાનું કહે, ઈસુને નહિ.
12 પિલાતે લોકોને ફરીથી પૂછયું, “તેથી મારે આ માણસ જેને તમે યહૂદિઓનો રાજા કહો છો તેની સાથે શું કરવું?”
13 તે લોકોએ ફરીથી બૂમો પાડી, “તેને વધસ્તંભ પર ચઢાવો અને મારી નાખો!”
14 પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું કર્યુ છે?”પરંતુ લોકોએ મોટેથી બૂમો પાડી, “વધસ્તંભ પર તેને મારી નાખો!”
15 પિલાત લોકોને ખુશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.
16 પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા (પ્રૈતોર્યુમ કહેવાતા). તેઓએ બીજા બધા સૈનિકોને સાથે બોલાવ્યા.
17 તે સૈનિકોએ ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો.
18 પછી તેઓએ ઈસુને બોલાવ્યો. અને કહ્યું, “હે યહૂદીઓના રાજા સલામ!” એમ કહીને તેઓ તેને પ્રણામ કરવા લાગ્યા.
19 સૈનિકોએ ઈસુને તેના માથા પર લાકડી વડે ઘણી વખત માર્યો. તેઓ પણ તેના પર થૂંક્યા. પછી તેઓ ઈસુને ઘૂંટણે પડ્યા. અને નીચે પડીને નમસ્કાર કરીને તેના ઠઠ્ઠા કર્યા.
20 તેઓએ ઈસુનાં ઠઠ્ઠા કરી રહ્યાં પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝભ્ભો ઉતારીને તેને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.
21 ત્યાં કુરેનીનો એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેકસાંદર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બળાત્કારે સિમોન પાસે ઉંચકાવ્યો.
22 તેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”)
23 ગુલગુથામાં સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા આપ્યો. આ દ્રાક્ષારસ બોળ સાથે ભેળવેલો હતો. પરંતુ ઈસુએ તે પીવાની ના પાડી.
24 સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલે જડ્યો. પછી સૈનિકોએ ઈસુના કપડાં તેમની જાતે અંદરો અંદર વહેંચી લીધા. પહેરેલા કયા કપડાંનો કયો ભાગ કયા સૈનિકે લેવો તે નક્કી કરવા માટે તેઓ પાસા વડે જુગાર રમ્યા.
25 જ્યારે ઈસુને તેઓએ વધસ્તંભ પર જડ્યો તે વખતે સવારના નવ વાગ્યા હતા.
26 ત્યાં એક લેખિત નોંધ હતી જેના પર તહોમતનામુ લખેલું હતું: “યહૂદિઓનો રાજા.”
27 તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો.
28 તે ગુનેગારોમાં ગણાયો એવું શાસ્ત્ર વચનમાં છે તે પૂર્ણ થયું.
29 બાજુમાં ચાલતા લોકોએ ઈસુની નિંદા કરી. તેઓએ તેમના માથાં હલાવ્યાં અને કહ્યું, “તેં કહ્યું, તું મંદિરનો વિનાશ કરી શકે છે અને તેને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકે છે,
30 તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ!”
31 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. તેઓએ પણ બીજા લોકોની જેમ જ કર્યુ. અને ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી અને કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા પણ તે તેની જાતને બચાવી શકતો નથી.
32 જો તે ખરેખર ખ્રિસ્ત ઇસ્ત્રાએલનો રાજા (યહૂદિઓ) હોય તો પછી તેણે હમણાં વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું,” તે લૂંટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિંદા કરી.
33 બપોરે આખા દેશમાં અંધકાર છવાઇ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો.
34 ત્રણ વાગે ઈસુએ મોટા સાદે પોકાર કર્યો, “એલાઇ, એલાઇ, લમા શબક્થની.” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો મૂકી દીધો?”
35 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. તે લોકોએ કહ્યું, “ધ્યાનથી સાંભળો! તે એલિયાને બોલાવે છે”
36 એક માણસ ત્યાં દોડ્યો અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકાથી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યા. તે માણસે કહ્યું, “હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસ્તંભથી નીચે ઉતારવા આવે છે કે કેમ.”
37 પછી ઈસુએ મોટે સાદેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો.
39 લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”
40 કેટલીક સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓમાં મરિયમ માગ્દલાની, ઈસુકો નાનો ભાઈ યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શલોમી હતી. (યાકૂબ તેનો સૌથી નાનો પુત્ર હતો.)
41 ગાલીલમાં ઈસુની પાછળ આવનારી અને તેની સંભાળ રાખનારી આ સ્ત્રીઓ હતી. બીજી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. આ સ્ત્રીઓ યરૂશાલેમમાં ઈસુની સાથે આવી હતી.
42 આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્રામવારના આગળનો દિવસ.) ત્યાં અંધારું થઈ રહ્યું હતું.
43 યૂસફ નામનો અરિમથાઇનો માણસ પિલાત પાસે જઇને ઈસુનો મૃતદેહ લેવા જવા માટે પૂરતો બહાદૂર હતો. યૂસફ યહૂદિઓની સભાનો સન્માનનીય સભ્ય હતો. દેવના રાજ્યનું આગમન ઈચ્છનારા લોકોમાંનો તે એક હતો.
44 પિલાતને સાંભળીને આશ્ચર્ય થયું કે ઈસુ હંમેશ માટે મરણ પામ્યો હતો. પિલાતે લશ્કરી અમલદારને બોલાવ્યો, જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછયું; શું ઈસુ મરણ પામ્યો છે?
45 તે અમલદારે પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યૂસફને કહ્યું, “તે શબ મેળવી શકશે”
46 યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું. તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું. પછી યૂસફે શબને કબરમાં મૂક્યું. જે ખડકની દિવાલમાં ખોદી હતી. પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું.
47 મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.
પ્રકરણ 16

1 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા.
2 તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા.
3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”
4 પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો.
5 સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.
6 પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો.
7 હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.”‘
8 તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.(કેટલીક જૂની ગ્રીક નકલોમાં માર્કનું પુસ્તક અહીં પૂરૂ થાય છે.)
9 ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા.
10 મરિયમે ઈસુને જોયા પછી તેના શિષ્યોને જઇને તેણે કહ્યું, તેના શિષ્યો ઘણા દુ:ખી હતા. અને રૂદન કરતા હતા.
11 પણ મરિયમે તેઓને કહ્યું કે ઈસુ જીવતો છે. મરિયમે કહ્યું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા.
12 પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.
13 આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાછા ગયા અને જે બન્યું હતુ તે તેમને કહ્યું. ફરીથી શિષ્યોએ એમાનું કોઈનું પણ માન્યું નહિ.
14 પાછળથી ઈસુએ પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો, કારણ કે તેઓનેે ઓછો વિશ્વાસ હતો. તેઓ કઠણ હૃદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂએલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા.
15 ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો.
16 જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે.
17 અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે.
18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”
19 પ્રભુ ઈસુએ શિષ્યોને આ વાતો કહ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો.
20 તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યુ કે તેણે લોકોને આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યુ.