યોહાન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 1

1 જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો.
2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો.
3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી.
4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.
5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.
7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે.
8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો.
9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ.
11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ.
12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.
13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે.” મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા.
17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.
18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?”
20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.”‘ યશાય 40:3
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા.
25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.
27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!
30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’
31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”
32 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે. યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો.
33
34 તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.”‘
35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા.
36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”
37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા.
38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)
39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.
40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનોભાઈ હતો.
41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)
42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે. (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.”
44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?” ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.”
51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”
પ્રકરણ 2

1 બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી.
2 ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું.
3 લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”
4 ઈસુએ ઉત્તર આપ્યો, “વહાલી બાઈ, મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ. મારો સમય હજુ આવ્યો નથી.”
5 ઈસુની માએ સેવકોને કહ્યું, “ઈસુ તમને જે કરવાનું કહે તે કરો.”
6 તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.
7 ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા.
8 પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.
9 પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો.
10 તેણે વરરાજાને કહ્યું, “લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે. પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે.”
11 ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો. ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો. અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો.
12 પછી ઈસુ કફર-નહૂમના નગરમાં ગયો. ઈસુની મા, ભાઈઓ અને તેના શિષ્યો તેની સાથે ગયા. તેઓ બધા કફર-નહૂમમાં થોડા દિવસ રહ્યા.
13 તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો, તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો.
14 ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા.
15 ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં.
16 પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું, “આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ. મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો.”
17 આ બન્યું ત્યારે ઈસુના શિષ્યોએ શાસ્ત્રલેખમાં લખાયેલા લખાણનું સ્મરણ કર્યુ: “તારા ઘરની મારી આસ્થા મારો નાશ કરે છે.” ગીતશાસ્ત્ર 699
18 યહૂદિઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે અમને અદભૂત ચમત્કારોની એંધાણી બતાવ.”
19 ઈસુએ કહ્યું, “આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ.”
20 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “લોકોએ આ મંદિર બાંધવા 46 વર્ષ કામ કર્યુ. શું તું ખરેખર માને છે કે તું ત્રણ દિવસમાં ફરીથી તે બાંધી શકીશ?”
21 ઈસુ મંદિરનો અર્થ તેનું પોતાનું શરીર કરતો હતો.
22 ઈસુના મૃત્યુમાંથી ઊઠ્યા પછી તેના શિષ્યોને સ્મરણ થયું કે ઈસુએ આ કહ્યું હતું. તેથી તેના શિષ્યોએ તેના વિષેના લેખમાં વિશ્વાસ કર્યો. અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો.
23 પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો. ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા, કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં.
24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહિ. શા માટે? કારણ કે તેઓ બધા લોકો જે વિચારતા હતા તે ઈસુ જાણતો હતો.
25 ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી. માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ.
પ્રકરણ 3

1 ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો.
2 એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”
4 નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”
5 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી.
6 વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે.
7 મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના.
8 પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”
9 નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”
10 ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી?
11 હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી.
12 મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ!
13 ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
14 “મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે.
15 પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”
16 હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.
17 દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય.
18 જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી.
19 આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.
20 દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે.
21 પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.
22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
23 યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા.
24 (યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)
25 યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા.
26 તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”
27 યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે.
28 તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’
29 કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે.
30 તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.
31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે.
32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી.
33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે.
34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે.
35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે.
36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”
પ્રકરણ 4

1 ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને તેના શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે.
2 (પણ ખરેખર ઈસુ પોતે લોકોને બાપ્તિસ્મા આપતો નહોતો. તેના શિષ્યો લોકોને તેના માટે બાપ્તિસ્મા આપતા હતા.) ઈસુએ જાણ્યું કે ફરોશીઓએ તેના વિષે સાંભળ્યું છે.
3 તેથી ઈસુ યહૂદિયા છોડીને ફરી પાછો ગાલીલમાં ગયો.
4 ગાલીલના રસ્તામાં ઈસુને સમરૂનના વિસ્તારમાં થઈન જવું પડ્યું.
5 ઈસુ સમરૂનમાં સૂખાર નામના શહેરમાં આવ્યો. આ શહેર એક ખેતર નજીક હતું, જે યાકૂબે તેના દીકરા યૂસફને આપ્યું હતું.
6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી.
7 એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.”
8 (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)
9 તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)
10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”
11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી.
12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”
13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે.
14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”
15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”
16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”
17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી.
18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”
19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે.
20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”
21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો.
22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે.
23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે.
24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”
25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”
26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”
27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા તું શા માટે તેની સાથે વાત કરે છે?”
28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું,
29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.
31 જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”
32 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “મારી પાસે ખાવા ખોરાક છે પણ તમે તેના વિષે જાણતા નથી.”
33 તેથી શિષ્યોએ પોતાની જાતને પૂછયું, “શું કોઈ ઈસુ માટે કંઈ ખાવાનું લાવ્યા હશે?
34 ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે.
35 જ્યારે વાવો છો ત્યારે તમે વારંવાર હંમેશા કહો છો, “અનાજના દાણા ભેગા કરતાં પહેલા ચાર મહિના રાહ જોવાની છે. પણ હું તમને કહું છું, તમારી આંખો ખોલો, લોકો તરફ જુઓ, તેઓ હવે પાક માટે તૈયાર ખેતરો જેવાં છે.
36 છતાં પણ, હમણા તે વ્યક્તિ પાકની કાપણી કરે છે તેને ચુકવણી પણ કરવામાં આવેલ છે. તે અનંતજીવન માટે પાકને ભેગો કરે છે. તેથી જે વ્યક્તિ વાવે છે તે કાપણી કરનાર વ્યક્તિ સાથે સુખી થઈ શકે છે.
37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’
38 મેં તમને પાકની કાપણી કરવા મોકલ્યા છે. જેને માટે તમે કામ કર્યુ નથી. બીજા લોકોએ કામ કર્યુ અને તમે તેઓનાં કામમાંથી ફળ મેળવો છો.”
39 તે ગામના ઘણા સમરૂની લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તે સ્ત્રીએ ઈસુ વિષે તેઓને જે કહ્યું તેને કારણે તેઓએ વિશ્વાસ કર્યો. તેણીએ તેઓને કહ્યું, “તેણે (ઈસુએ) જે બધું મેં કર્યું, તે મને કહ્યું,”
40 તે સમરૂનીઓ ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને તેઓની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યો.
41 ઈસુએ જે વાતો કહીં, તેને કારણે ઘણા વધારે લોકોએ વિશ્વાસ કર્યો.
42 તે લોકોએ તે સ્ત્રીને કહ્યું, “તેં અમને જે કહ્યું તેને કારણે પ્રથમ અમે ઈસુમાં વિશ્વાસ કર્યો. પણ હવે અમે વિશ્વાસ કર્યો કારણ કે અમે અમારી જાતે તેને સાંભળ્યો. હવે અમે જાણ્યું કે તે નિશ્ચય એ જ છે જે જગતનો ઉદ્ધારક છે.”
43 બે દિવસો પછી ઈસુ તે સ્થળ છોડીને ગાલીલમાં ગયો.
44 (ઈસુએ અગાઉ કહ્યું હતું કે પ્રબોધકનું તેના પોતાના ગામમાં માન નથી હોતું.)
45 જ્યારે ઈસુ ગાલીલમાં આવી પહોંચ્યો. ત્યાંના લોકોએ તેનું સ્વાગત કર્યુ. આ લોકોએ યરૂશાલેમમાં પાસ્ખા પર્વ વખતે ઈસુએ જે બધું કર્યુ તે જોયું હતું. આ લોકો પણ તે પર્વમાં ગયા હતા.
46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો.
47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો.
48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”
49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”
50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.” તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો.
51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”
52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”
53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.
પ્રકરણ 5

1 પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો.
2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.
3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.
4
5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.”
9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.”‘
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
16 ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું.
17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે.
20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો.
21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે.
23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.
25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે.
26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે.
29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ.
32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે.
34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે.
35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો.
37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી.
38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી.
39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે!
40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી.
42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.
43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો.
44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી.
46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે.
47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
પ્રકરણ 6

1 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર).
2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું.
3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો.
4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?”
6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું,
9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા.
11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.”
13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા.
17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ.
18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં.
19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા.
20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.”
21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી.
23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી.
24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા.
27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ?
31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.”‘
32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે.
33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ.
36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી.
37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ.
38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી.
39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે.
40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.”
42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો.
44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી.
45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે.
46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે.
48 હું રોટલી છું જે જીવન આપે છે.
49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા.
50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ.
51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
52 પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ.
54 જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ.
55 મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે.
56 જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
57 પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે.
58 આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
59 આ બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે?
62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે?
63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.)
65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.”‘
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે.
69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.”
71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
પ્રકરણ 7

1 આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં.
2 તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો.
3 તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે.
4 જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.”
5 (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)
6 6ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે.
7 જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.
8 તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.”
9 ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.
10 તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો.
11 યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”
12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.”
13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.
14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો.
15 યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”
16 ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે.
17 જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા
18 કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી.
19 તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”
20 લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”
21 ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા.
22 મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે.
23 આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો?
24 વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”
25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે.
26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે?
27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”
28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી.
29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો.
31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા.
33 પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ.
34 તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”
35 યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે?
36 માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”
37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ.
38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.”
39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ.
42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.”
43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ.
44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું!
48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના!
49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”(યોહાનની કેટલીક પ્રાચીન નકલોમાં 7:
53 -8:
11 કલમો ઉમેરેલ નથી)
53 બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.
પ્રકરણ 8

1 ઈસુ જૈતૂનના પહાડ પર ગયો
2 વહેલી સવારમાં ઈસુ મંદિરમાં પાછો આવ્યો. બધા લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ ત્યાં બેસીને લોકોને બોધ કર્યો.
3 શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક સ્ત્રીને ત્યાં લાવ્યા. તે સ્ત્રી વ્યભિચારનું પાપ કરતાં પકાડાઈ હતી. આ યહૂદિઓએ તે સ્ત્રીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ.
4 તેઓએ ઈસુને કહ્યું, “ગુરુંજી, આ સ્ત્રી એક માણસ સાથે વ્યભિચાર કરતાં પકડાઈ છે જે તેનો પતિ નથી.
5 નિયમશાસ્ત્રમાં મૂસાએ આપણને આજ્ઞા કરી છે કે આવું કામ કરનાર પ્રત્યેક સ્ત્રીઓને આપણે પથ્થરોથી મારી નાખવી. અમારે શું કરવું, તે વિષે તું શું કહે છે?
6 યહૂદિઓ ઈસુનું પરીક્ષણ કરવા આ પ્રશ્નનો ઉપયોગ કરતાં હતા, તેઓ ઈસુને કંઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. પછી તેઓ તેની વિરુંદ્ધ આરોપ મૂકી શકે. પણ ઈસુએ નીચા વળીને તેની આંગળી વડે જમીન પર લખવાનું શુરું કર્યું.
7 યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું. તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું, “શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય? જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે.”
8 પછી ઈસુ ફરીથી નીચો વળ્યો અને જમીન પર લખ્યું.
9 જે લોકોએ ઈસુને સાંભળ્યો તેઓ એક પછી એક વિદાય થયા. વૃદ્ધ માણસો પ્રથમ છોડી ગયા, અને પછી બીજા ગયા. ઈસુને ત્યાં તે સ્ત્રી સાથે એકલા છોડી ગયા. હજુ તે ત્યાં ઊભી રહી છે.
10 ઈસુ ફરીથી ઊભો થયો ને તેને પૂછયું, “બાઈ, તે બધા લોકો ગયા છે. તેમાંથી કોઈએ તને દોષિત ઠરાવી નથી?”
11 તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”
12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”
13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”
14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી.
15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી.
16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે.
17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ.
18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”
19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.”
20 જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, “હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ.”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી.
24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું.
26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો.
28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું.
29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.”
30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો.
32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ. અમે કદી ગુલામ રહ્યા નથી. તેથી શા માટે તું કહે છે કે એમ મુક્ત થઈશું?”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સાચું કહું છું પ્રત્યેક વ્યક્તિ જે પાપ કરે છે તે ગુલામ છે. પાપ તેનો માલિક છે.
35 ગુલામ કુટુંબ સાથે હંમેશા રહેતો નથી. પરંતુ તે દીકરો હંમેશા કુટુંબનો રહી શકે.
36 તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો.
37 હું જાણું છું તમે ઈબ્રાહિમના લોકો છો. પરંતુ તમે મને મારી નાખવા ઈચ્છો છો. શા માટે? કારણ કે તમે મારા બોધનો સ્વીકાર કરવા ઈચ્છતા નથી.
38 મારા પિતાએ જે મને બતાવ્યું છે તે જ કામો હું તમને કહું છું. પરંતુ તમે તમારા પિતાએ તમને જે કહ્યું છે તે કરો છો.”
39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.” ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો.
40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી.
41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”
42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે.
43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી.
44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.
45 હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી.
46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી?
47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”
48 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે કહીએ છીએ કે તું સમરૂની છે, અમે કહીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે. અને તને ગાંડો બનાવ્યો છે! અમે આ બાબત કહીએ છીએ ત્યારે શું અમે સાચા નથી?”
49 ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં કોઈ શેતાન પ્રવેશ્યો નથી. હું મારા પિતાને આદર આપું છું. પણ તમે કોઈ મારો આદર કરતા નથી.
50 હું મારી જાત માટે આદર મેળવવા પ્રયત્ન કરતો નથી. મને આદર અપાવવાની ઈચ્છા કરનાર ત્યાં એક જ છે. તે ન્યાય કરનાર છે.
51 હું તમને સત્ય કહું છું. જો કોઈ મારું વચન પાળે છે, તો પછી તે કદી મૃત્યુ પામશે નહિ.”
52 યહૂદિઓએ ઈસુને કહ્યું, “હવે અમે જાણીએ છીએ કે તારામાં શેતાન પ્રવેશ્યો છે! ઈબ્રાહિમ અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. પણ તું કહે છે કે, ‘જે વ્યક્તિ મારાં વચનોને પાળશે તે કદી મૃત્યુ પામશે નહિ.’
53 શું તું ધારે છે કે તું અમારા પિતા ઈબ્રાહિમ કરતાં વધારે મહાન છે? ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો અને પ્રબોધકો પણ મૃત્યુ પામ્યા. તું કોણ હોવાનો દાવો કરે છે?”
54 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી. જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે. અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે.
55 પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું.
56 તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો, કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો.”
57 યહૂદિઓએ ઈસુને કહ્યું, “શું તેં ઈબ્રાહિમને જોયો છે? હજુ તો તું
50 વરસનો પણ થયો નથી.”
58 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું, ઈબ્રાહિમનો જન્મ થયા પહેલાનો હું છું.”
59 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.
પ્રકરણ 9

1 ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો.
2 ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.
4 જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી.
5 જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”
6 ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો.
7 ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.
8 કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”
9 કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”
10 લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”
11 તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”
12 લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?” તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”
13 પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો.
14 ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો.
15 તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, ‘તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?’તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”
16 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.
17 યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું,“આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”
18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા.
19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો.
21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.”
22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.
24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”
25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”
26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”
27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”
28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ.
29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”
30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે.
31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય.
32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય.
33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”
34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”
36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”
37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”
38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.
39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”
40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”
પ્રકરણ 10

1 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે.
2 પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે.
3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે.
4 તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે.
5 પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું.
8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ.
9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે.
10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે.
12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે.
13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું.
15
16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.
17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું.
18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં.
20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વનો સમય આવ્યો.
23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો.
24 યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25 ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે.
26 પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી.
27 મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે.
28 હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ.
29 મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ.
30 હું અને મારાં પિતા એક જ છીએ.”
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા.
32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’
35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.
36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે.
37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો.
38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો.
41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.”
42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
પ્રકરણ 11

1 ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં.
2 (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો.
3 તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”
4 જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.”
5 (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.)
6 યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો.
7 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”
8 શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે.
10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”
11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”
12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.”
13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.
14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે.
15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”
16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”
17 ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે.
18 બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું.
19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.
20 માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી.
21 માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.
22 પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”
23 ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”
24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.
25 ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે.
26 અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”
27 માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”
28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.”
29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ.
30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો.
31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા.
32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો.
34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું.
39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ)ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો.
42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!”
44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું.
47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે.
48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી!
50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે.
52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ.
54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.
56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા. શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?”
57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.
પ્રકરણ 12

1 પાસ્ખાપર્વના છ દિવસો અગાઉ, ઈસુ બેથનિયા ગયો. લાજરસ જ્યાં રહેતો હતો તે ગામ બેથનિયા હતું. (લાજરસ એ માણસ હતો જેને ઈસુએ મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.)
2 તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો.
3 તે સમયે મરિયમે ઘણું કિંમતી જટામાંસીનું એક શેર અત્તર આણ્યું. મરિયમે તે અત્તર ઈસુના પગ પર લગાડ્યું. પછી તેણે તેના પગ તેના વાળ વડે લૂછયા. અને અત્તરની મીઠી સુગંધથી આખું ઘર ભરાઈ ગયું.
4 યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું,
5 “તે અત્તરની કિંમત ચાંદીના 300 સિક્કા હતી. તે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.”
6 પણ યહૂદા ખરેખર ગરીબ લોકો વિષે ચિંતા કરતો ન હતો. યહૂદાએ આ કહ્યું કારણ કે તે એક ચોર હતો. યહૂદા જે શિષ્યોના સમૂહ માટે પૈસાની પેટી રાખતો હતો અને તે વારંવાર પેટીમાંથી પૈસા ચોરતો હતો.
7 ઈસુએ ઉત્તર આપ્યો, “તેને રોકશો નહિ. આજના દિવસ માટે તેણીના માટે આ અત્તર બચાવવું યોગ્ય હતું. આ દિવસ મારા માટે દફનની તૈયારીનો હતો.
8 ગરીબ લોકો હંમેશા તમારી સાથે હશે પણ હું હમેશા તમારી સાથે નથી.”
9 યહૂદિઓમાંના ઘણાએ સાંભળ્યું કે ઈસુ બેથનિયામાં હતો. તેથી તેઓ ઈસુને જોવા ત્યાં ગયા. તેઓ ત્યાં લાજરસને જોવા પણ ગયા. ઈસુએ મૃત્યુમાંથી ઊભા કરેલામાંનો એક લાજરસ હતો.
10 તેથી તે મુખ્ય યાજકોએ લાજરસને મારી નાખવા માટે પણ યોજના કરી.
11 લાજરસને કારણે ઘણા યહૂદિઓ તેમના આગેવાનોને છોડતા હતા અને ઈસુમાં વિશ્વાસ કરતા હતા. તે જ કારણે યહૂદિ આગેવાનો પણ મારી નાખવા ઈચ્છતા હતા.
12 બીજે દિવસે યરૂશાલેમમાં લોકોએ સાંભળ્યું કે ઈસુ ત્યાં આવતો હતો. ત્યાં ઘણા લોકો હતા જે પાસ્ખાપર્વમાં આવ્યા હતા.
13 તે લોકોએ ખજૂરીના વૃક્ષોની ડાળીઓ લીધી અને ઈસુને મળવા બહાર ગયા. લોકોએ પોકાર કર્યા,“હોસાન્ના! જે પ્રભુના નામે આવે છે, તેને ધન્ય છે! ગીતશાસ્ત્ર 118:25-26 ઈઝરાએલનો રાજા આવે છે તેને ધન્ય છે!”
14 ઈસુને એક ગધેડાનો વછેરો મળ્યો અને તેના પર તે બેઠો. શાસ્ત્રલેખ કહે છે તેવું આ હતુ:
15 “સિયોનની દીકરી, બી મા! જો! તારો રાજા આવે છે. તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે.” ઝખાર્યા 9:9
16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.
17 ત્યાં ઈસુ સાથે ઘણા લોકો હતા જ્યારે તેણે લાજરસને મૃત્યુમાંથી ઊઠાડ્યો અને તેને કબરમાંથી બહાર આવવા કહ્યું. હવે પેલા લોકોએ ઈસુએ જે કર્યુ તેના વિષે બીજા લોકોને કહ્યું.
18 ઘણા લોકો ઈસુને મળવા બહાર ગયા, કારણ કે તેઓએ સાંભળ્યું કે ઈસુએ આ ચમત્કાર કર્યો.
19 તેથી તે ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જુઓ! નોંઘ કરો તમે કશામાં સફળતા પ્રાપ્ત કરી નથી. આખું જગત તેને અનુસરે છે!”
20 ત્યાં કેટલાક ગ્રીક લોકો પણ હતા. પાસ્ખાપર્વમાં જે લોકો યરૂશાલેમથી આવેલા હતા તે ભજન કરવા ગયા.
21 આ ગ્રીક લોકો ફિલિપ પાસે ગયા. (ફિલિપ ગાલીલના બેથસૈદાનો હતો.) ગ્રીક લોકોએ કહ્યું, “સાહેબ, અમારી ઈચ્છા ઈસુને મળવાની છે.”
22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું.
23 ઈસુએ તેઓને કહ્યું, “માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
24 હું તમને સત્ય કહું છું એક ઘઉંનો દાણો જમીન પર પડે છે અને મરી જાય છે. પછી તે ઊગે છે અને ઘણા બીજ બનાવે છે. પણ જો તે કદી મરી નહિ જાય, તો પછી તે ફક્ત એક સાદો દાણો જ રહેશે.
25 જે વ્યક્તિ તેના પોતાના જીવ પર પ્રીતિ કરે છે તે જીવન ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ દુનિયામાં પોતાના જીવને ધિક્કારે છે તે જીવન ને ટકાવે છે. તેને અનંતજીવન પ્રાપ્ત થશે.
26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ.
28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ.
31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે.
32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.”
33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે.
36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી
37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.
38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે? પ્રભુની સત્તા કોણે જોઈ છે?” યશાયા 53:1
39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,
40 “દેવે લોકોને આંધળા બનાવ્યા. દેવે તેમનાં મન જડ કર્યા દેવે આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” યશાયા 6:10
41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.
42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે.
43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.
44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે.
45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે.
46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી.
48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે.
49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે.
50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”
પ્રકરણ 13

1 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.
2 ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.)
3 પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.
4 યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો.
5 પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.
6 ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”
7 ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”
8 પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.”ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”
9 સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”
10 ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.”
11 ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”
12 ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું?
13 તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું.
14 હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
15 મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ.
16 હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.
18 “હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’
19 હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું.
20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
21 ઈસુએ આ વાતો કહ્યા પછી તેણે ભારે વ્યાકુળતા અનુભવી. ઈસુએ જાહેરમાં કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે.”
22 ઈસુના બધા શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. ઈસુ જેના વિષે વાત કરતો હતો, તે વ્યક્તિ કોણ હતી તે તેઓ સમજી શક્યા નહિ.
23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો.
24 સિમોન પિતરે આ શિષ્યને ઈશારો કરીને ઈસુને પૂછયું કે જેના વિષે વાત કરતો હતો તે વ્યક્તિ કોણ હતી.
25 તે શિષ્ય ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો અને પૂછયું, “પ્રભુ, તે કોણ છે જે તારી વિરૂદ્ધ થશે?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “હું આ રોટલી થાળીમાં બોળીશ. હું જે માણસને તે આપીશ તે માણસ મારી વિરૂદ્ધ થશે.” તેથી ઈસુએ રોટલીનો ટુકડો લીધો. તેણે તે બોળ્યો ને યહૂદા ઈશ્કરિયોત જે સિમોનનો દીકરો છે તેને આપ્યો.
27 જ્યારે યહૂદાએ ટુકડો લીધો, શેતાન તેનામાં પ્રવેશ્યો. ઈસુએ યહૂદાને કહ્યું, “તું જે બાબત કરે, તે જલ્દીથી કર!”
28 મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું.
29 યહૂદા સમૂહ માટે પૈસાની પેટી રાખનાર માણસ હતો. તેથી કેટલાક શિષ્યોએ વિચાર્યુ કે યહૂદા જઈને કેટલીક જરુંરી વસ્તુઓ પર્વ માટે ખરીદે એવું ઈસુ સમજતો હતો. અથવા તેઓએ વિચાર્યુ કે ઈસુ ઈચ્છતો હતો કે યહૂદા ગરીબ લોકોને જઈને કઈક આપે.
30 ઈસુએ આપેલી રોટલી યહૂદાએ સ્વીકારી પછી યહૂદા બહાર ગયો. તે રાત હતી.ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે.
32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.
33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.
34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
36 સિમોન પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, તું ક્યાં જાય છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હું જ્યાં જાઉં છું ત્યાં હવે તું મારી પાછળ આવી શકીશ નહિ, પણ તું પાછળથી અનુસરીશ.”
37 પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”
38 ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”
પ્રકરણ 14

1 ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો.
2 મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું.
3 ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ, હું પાછો આવીશ. પછી હું તમને મારી સાથે લઈ જઈશ. તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો.
4 હું જ્યાં જાઉ છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો.”
5 થોમાએ કહ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતાં નથી. તેથી અમે તે માર્ગ કેવી રીતે જાણી શકીએ?”
6 ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે.
7 જો તમે મને ખરેખર ઓળખતા હોત, તો પછી તમે મારા પિતાને પણ જાણશો. હવેથી તમે એને જાણશો. તમે તેને જોયો છે.”
8 ફિલિપે ઈસુને કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવ. અમારે જે બધું જોઈએ છે તે એ છે.”
9 ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ?
10 શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી. પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે.
11 મારામાં વિશ્વાસ કરો જ્યારે હું કહું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. અથવા કામોને લીધે જ મારામાં વિશ્વાસ કરો.”
12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું.
13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ. પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે.
14 જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ.
15 “જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો.
16 હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધકઆપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે.
17 તે સંબોધક સત્યનો આત્માછે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.
18 “હું માતા પિતા વિનાના બાળકોની જેમ તમને બધાને એકલા છોડીશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ.
19 ખૂબ જ ટૂંકા સમયમાં જગતના લોકો મને વધારે વખત જોઈ શકશે નહિ. પણ તમે મને જોઈ શકશો. તમે જીવશો કારણ કે હું જીવું છું.
20 તે દિવસે તમે જાણશો કે હું પિતામાં છું. તમે જાણશો કે તમે મારામાં છો અને હું તમારામાં છું.
21 જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે. પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ. હું મારી જાતે તેને બતાવીશ.”
22 પછી યહૂદાએ (યહૂદા ઈશ્કરિયોત નહિ) કહ્યું, “પણ પ્રભુ, તું શા માટે અમારી આગળ પ્રગટ થવાની યોજના કરે છે, પણ જગત આગળ નહિ?”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો તે મારા વચનનું પાલન કરશે. મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરશે. મારા પિતા અને હું તે વ્યક્તિ પાસે આવીશું અને તેની સાથે રહીશું.
24 પણ જે વ્યક્તિ મને પ્રેમ કરતો નથી. તે મારા વચનનું પાલન કરતો નથી, આ વચન જે તમે સાંભળો છો તે ખરેખર મારું નથી. તે જેણે મને મોકલ્યો છે તે મારા પિતાનું છે.
25 “મેં તમને આ બધા વચનો કહ્યા જ્યારે હું તમારી સાથે છું.
26 પરંતુ સંબોધક તમને બધું જ શીખવશે. મેં જે બધી બાબતો તમને કહીં છે તેનું સ્મરણ સંબોધક કરાવશે. આ સંબોધક પવિત્ર આત્મા છે જેને પિતા મારા નામે મોકલશે.
27 “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ.
28 તમે મને સાંભળ્યો, જો તમને કહ્યું છે કે, ‘હું વિદાય થાઉં છું, પણ હું તમારી પાસે પાછો આવીશ.’ જો તમે મને પ્રેમ કરશો તો તમે સુખી થશો. હું પાછો પિતા પાસે જાઉં છું. શા માટે? કારણ કે હું છું તેના કરતાં પિતા વધારે મહાન છે.
29 મેં હમણાં તમને આમ કહ્યું તે બનતા પહેલા કહ્યું છે. પછી જ્યારે તે બનશે, ત્યારે તમે વિશ્વાસ કરશો.
30 હું તમારી સાથે વધારે લાંબો સમય વાત કરીશ નહિ. જગતનો શાસક (શેતાન) આવે છે. તેને મારા પર અધિકાર નથી.
31 પરંતુ જગતે જાણવું જોઈએ કે હું પિતાને પ્રેમ કરું છું. તેથી પિતાએ મને જે કરવા કહ્યું છે તે બરાબર કરું છું. “આવો. આપણે આ જગ્યા છોડીશું.”
પ્રકરણ 15

1 ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે.
2 તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે.
3 મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો.
4 તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.
5 “હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી.
6 જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.
7 “મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે.
8 તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.
9 જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો.
10 મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો.
11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય.
12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો.
13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે.
14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.
15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.
16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે.
17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.
18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે.
19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.
20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે.
21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી.
22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.
23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે.
24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે.
25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’
26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે.
27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”
પ્રકરણ 16

1 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ.
2 લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.
3 લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી.
4 મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.
5 હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’
6 તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે.
7 પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.
8 “જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે.
9 સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી.
10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ.
11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.
12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે.
13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.
14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે.
15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.
16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”
17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’
18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે?’ તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”‘
19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?”
20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.
21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે.
22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ.
23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે.
24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.
25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ.”
26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ.
27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું.
28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”
29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી.
30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”
31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો?
32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.
33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”
પ્રકરણ 17

1 ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે.
2 તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે.
3 અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.
4 તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે.
5 અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”
6 “તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે.
7 હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે.
8 તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે.
9 હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે.
10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.
11 હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ.
12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.”
13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય.
14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
15 હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું.
16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી.
17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે.
18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે.
19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.”
20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે.
21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે.
22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય.
23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.
24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે.
25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે.
26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”
પ્રકરણ 18

1 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.
2 યહૂદાએ જાણ્યું આ જગ્યા ક્યાં હતી, કારણ કે ઈસુ તેના શિષ્યો સાથે વારંવાર ત્યાં મળતા હતો. યહૂદા જે ઈસુની વિરૂદ્ધ થયો હતો.
3 તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.
4 ઈસુ બધું જ જાણતો હતો કે તેનું શું થવાનું હતું. ઈસુ બહાર ગયો અને પૂછયું, “તમે કોને શોધો છો?”
5 તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.)
6 જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.
7 ઈસુએ તેઓને ફરીથી પૂછયું, “તમે કોની શોધ કરો છો?”તે માણસોએ કહ્યું, “નાઝરેથના ઈસુની.”
8 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું કે, “હું ઈસુ છું, તેથી જો તમે મારી શોધ કરતાં હોય તો પછી આ બીજા માણસોને મુક્ત રીતે જવા દો.”
9 આ બન્યું તેથી ઈસુએ અગાઉ કહ્યું હતું તે સાચું સાબિત થશે. “તેં મને આપેલા માણસોમાંથી મેં કોઈને ગુમાવ્યો નથી.”
10 સિમોન પિતર પાસે એક તલવાર હતી. તેણે તલવાર ખેંચીને પ્રમુખ યાજકના સેવકને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. (સેવકનું નામ માલ્ખસ હતુ.)
11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાનમાં મૂક! મારે પીડાનો પ્યાલો પીવાનું સ્વીકારવું જોઈએ જે મને પિતાએ આપ્યો છે.”
12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો.
13 અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા. અન્નાસ કાયાફાનો સસરો હતો. તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો.
14 કાયાફા જે એક હતો જેણે યહૂદિઓને સલાહ આપી. જો કોઈ એક માણસ બધા લોકો માટે મૃત્યુ પામે તો તે વધારે સારું હશે.
15 સિમોન પિતર અને બીજો એક ઈસુનો શિષ્ય ઈસુને અનુસર્યા. આ શિષ્ય પ્રમુખ યાજકને જાણતો હતો. તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના મકાનના વરંડામાં ગયો.
16 પરંતુ પિતરે બહાર દરવાજાની બાજુમાં રાહ જોઈ. તે શિષ્યે જેણે જાણ્યું કે પ્રમુખ યાજક બહારની બાજુ પાછો આવ્યો. તેણે તે છોકરીને કહ્યું કે લોકો માટે દરવાજા ઉઘાડ. પછી તે પિતરને અંદર લાવ્યો.
17 દરવાજા પાસેની ચોકીદાર છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”પિતરે કહ્યું, “ના, હું નથી!”
18 તે સમયે ઠંડી હતી, તેથી તો સેવકો અને ચોકીદારોએ અગ્નિ સળગાવ્યો હતો. તેઓ તેની આજુબાજુ ઊભા હતા અને પોતાની જાતે તાપતા હતા. પિતર આ માણસોની સાથે ઊભો હતો.
19 પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા. તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા.
20 ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી.
21 તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. “મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”
22 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યાં ઊભેલા ચોકીદારોમાંના એકે તેને માર્યો. ચોકીદારે કહ્યું, “તારે પ્રમુખ યાજક સાથે આ રીતે વાત ના કરવી જોઈએ!”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું કંઈક ખોટું કહું તો, પછી અહીં દરેક જણને સાબિત કરાવો કે શું ખોટું હતું. પણ જો મેં કહેલી વાતો સાચી હોય તો પછી તું મને શા માટે મારે છે?”
24 તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો. હજુ ઈસુ બંધાએલો હતો.
25 સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”
26 પ્રમુખ યાજકના સેવકોમાંનો એક ત્યાં હતો. આ સેવક તે માણસનો સંબંધી હતો જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો. તે સેવકે કહ્યું કે, “મેં તને તેની (ઈસુ) સાથે બાગમાં જોયો નથી?”
27 પરંતુ ફરીથી પિતરે કહ્યું, “ના, હું તેની સાથે ન હતો!” અને તે જ સમયે મરઘો બોલ્યો.(માથ્થી
27 :1-2; માર્ક
15 :1-
20 ; લૂક
23 :1-
25 )
28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધબનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા.
29 તેથી પિલાત બહારની બાજુએ યહૂદિઓ તરફ ગયો. તેણે પૂછયું, “તું શું કહે છે, આ માણસે શું ખોટું કર્યુ છે?”
30 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તે ખરાબ માણસ છે. તેથી અમે તેને તારી પાસે લાવ્યા છીએ.”
31 પિલાતે યહૂદિઓને કહ્યું, “ઓ યહૂદિઓ, તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.”યહૂદિઓએ ઉત્તર આપ્યો, “પણ અમારું નિયમશાસ્ત્ર અમને કોઈ વ્યક્તિને તેને મૃત્યુદંડની શિક્ષા કરવાની પરવાનગી આપતું નથી.”
32 (આમ બન્યું તેથી પોતે કેવી રીતે મૃત્યુ પામવાનો હતો તે વિષે ઈસુએ કહેલા વચન સાચા ઠરે.)
33 પછી પિલાત પાછો મહેલની અંદરની બાજુએ ગયો. પિલાતે ઈસુને પોતાની પાસે બોલાવ્યો. તેણે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે?”
34 ઈસુએ કહ્યું, “શું તે તારો પોતાનો સવાલ છે, અથવા બીજા લોકોએ તને મારા વિષે કહ્યું છે?”
35 પિલાતે કહ્યું, “હું યહૂદિ નથી! તે તારા પોતાના લોકો અને મુખ્ય યાજકો તને લાવ્યા છે. તેં શું ખોટું કર્યુ છે?”
36 ઈસુએ કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે આ જગતનું હોત, તો પછી મારા સેવકો લડાઈ કરત તેથી મને યહૂદિઓને સોંપવામાં આવી શકાયો ના હોત. પણ મારું રાજ્ય બીજા કોઈ સ્થળનું છે.”
37 પિલાતે કહ્યું, “તેથી તું રાજા છે!”ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું તે સાચું છે. મારો જન્મ આ માટે હતો કે લોકોને સત્ય વિષે કહેવું. તેના કારણે હું જગતમાં આવ્યો છું. અને પ્રત્યેક વ્યક્તિ જે સત્યનો છે તે મને ધ્યાનથી સાંભળે છે.”
38 પિલાતે કહ્યું, “સત્ય શું છે?” જ્યારે પિલાતે આ કહ્યું, તે ફરીથી યહૂદિઓ સાથે બહાર ગયો. પિલાતે યહૂદિઓને કહ્યું, “આ માણસમાં તેની સામેનો કોઈ આક્ષેપ મૂકવા જેવું મને કંઈ લાગતું નથી.
39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?”‘
40 યહૂદિઓએ પાછળથી બૂમ પાડી, “ના, એને તો નહિ જ! બરબ્બાસને મુક્ત કરીને જવા દો?” (બરબ્બાસ એ તો લૂંટારો હતો.)
પ્રકરણ 19

1 પછી પિલાતે આજ્ઞા કરી કે ઈસુને દૂર લઈ જઈને કોરડા ફટકારો.
2 સૈનિકોએ કેટલીક કાંટાળી ડાળીઓનો મુગટ બનાવવામાં ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુના માથે મૂક્યો. પછી તે સૈનિકોએ જાંબુડા રંગનો ઝભ્ભો ઈસુને પહેરાવ્યો.
3 સૈનિકો ઈસુ પાસે ઘણીવાર આવ્યા અને કહ્યું, “હે યહૂદિઓના રાજા, સલામ!” તેઓએ ઈસુને ચહેરા પર માર્યો.
4 ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.”
5 પછી ઈસુ બહાર આવ્યો. તેણે કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેર્યો હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “અહીં તે માણસ છે!”
6 જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”
7 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”
8 જ્યારે પિલાતે આ સાંભાળ્યું, તે વધારે ગભરાયો.
9 પિલાત દરબારની અંદરની બાજુએ પાછો ગયો. તેણે ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ ઉત્તર આપ્યો નહિ.
10 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”
12 આ પછી, પિલાતે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ યહૂદિઓએ બૂમો પાડી. “જે કોઈ વ્યક્તિ પોતે રાજા હોવાનો દાવો કરે છે તે કૈસરનો વિરોધી છે તેથી જો તું આ માણસને છોડી દેશે તો એનો અર્થ એ કે તું કૈસરનો મિત્ર નથી.”
13 યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો.
14 હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસહતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”
15 યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”
16 તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.સૈનિકોએ ઈસુને પકડયો.
17 ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.)
18 ગુલગુથામાં તેઓએ ઈસુને વધસ્તંભ પર જડ્યો. તેઓએ બીજા બે મૅંણસોને વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ઈસુને વચમાં રાખીને તેની આજુબાજુ બે માણસોને મૂક્યા.
19 પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.”
20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.
21 મુખ્ય યહૂદિ યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદિઓનો રાજા” એમ લખો નહિ પણ લખો, “આ માણસો કહ્યું, ‘હું યહૂદિઓનો રાજા છું.”‘
22 પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું છે તે હું બદલીશ નહિ.”
23 સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા. તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા. દરેક સૈનિકે એક ભાગ લીધો. તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો. તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો.
24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા. અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” ગીતશાસ્ત્ર
22 :
18 તેથી સૈનિકોએ આ કર્યુ.
25 ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી.
26 ઈસુએ તેની માને જોઈ તથા તે જેના પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પણ ત્યાં ઊભેલો જોયો. તેણે તેની માને કહ્યું, “વહાલી બાઈ, તારો દીકરો અહીં છે.”
27 પછી ઈસુએ શિષ્યને કહ્યું, “અહીં તારી મા છે.” તેથી આમ કહ્યાં પછી, આ શિષ્ય ઈસુની માને તેના ઘરે રહેવા લઈ ગયો.
28 પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”
29 ત્યાં સરકાથી ભરેલું વાસણ હતું તેથી સૈનિકોએ તેમાં વાદળી બોળી અને તેઓએ ઝૂફાના છોડની એક ડાળી પર વાદળી મૂકી. પછી તેઓએ તે ઈસુના મોંમાં મૂકી.
30 ઈસુએ તે સરકો ચાખ્યો. પછી તેણે કહ્યું, “સંપૂર્ણ થયું.” ઈસુએ તેનું માથું નમાવ્યું અને મૃત્યુ પામ્યો.
31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.
32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા.
33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.
34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા.
35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.)
36 આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.”
37 બીજા શાસ્ત્રવચનમાં કહ્યું છે, “જેને તેઓએ વીધ્યો તેને તેઓ જોશે.”
38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.
39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે
10 0 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું.
40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.)
41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી.
42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.
પ્રકરણ 20

1 અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો.
2 તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
3 તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું.
4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો.
5 તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.
6 પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા.
7 તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું.
8 પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો.
9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)
10 પછી શિષ્યો ઘેર પાછા ફર્યા.
11 પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી.
12 મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો.
13 દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?”મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
14 જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.
15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?”મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”
16 ઈસુએ તેને કહ્યું, “મરિયમ.”મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)
17 ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.”‘
18 મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું.
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”
20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું.
22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો.
23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો.
25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”
27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી.
31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
પ્રકરણ 21

1 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું.
2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા.
3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો.
5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો.
8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા.
9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી.
10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ.
12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો.
13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનોની સંભાળ રાખ.”
16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ.
18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.”
19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”)
21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.