પ્રેરિતોનાં ક્રત્યો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 1

1 વહાલા થિયોફિલ, મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે.
2 મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું.
3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું.
4 એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, ‘તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ.
5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’
6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7 ઈસુએ તેઓને કહ્યું, ‘ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ.
8 પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
9 પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ.
10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા.
11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, ‘ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.’
12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.)
13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.
14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.
15 થોડા દિવસ પછી વિશ્વાસીઓની એક સભા મળી. (ત્યાં તેમાનાં લગભગ 120 હાજર હતા.) પિતરે ઊભા થઈને કહ્યું,
16 ‘ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”
17
18 (યહૂદાને આ દુષ્ટ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. તેના પૈસા તેના માટે ખેતર ખરીદવામાં વપરાયા. પણ યહૂદા ઊંધે મસ્તકે પટકાયો, અને તેનું શરીર ફાટી ગયું. તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં.
19 યરૂશાલેમના બધા લોકોએ આ વિષે જાણ્યું. તેથી તેઓએ તે ખેતરનું નામ હકેલ્દમા રાખ્યું. તેઓની ભાષામાં હકેલ્દમાનો અર્થ, “લોહીનું ખેતર” થાય છે.)
20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે: ‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ; ત્યાં કોઇએ રહેવું નહિ!’ ગીતશાસ્ત્ર 69:25 અને એમ પણ લખેલું છે: ‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’ ગીતશાસ્ત્ર 109:8
21 ‘તેથી હવે બીજા કોઈ માણસે આપણી સાથે જોડાવું જોઈએ અને ઈસુના પુનરુંત્થાનના સાક્ષી થવું જોઈએ. આ માણસ પેલા માણસોમાંનો એક હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હતો ત્યારે બધા જ સમય દરમ્યાન આપણા સમૂહનો ભાગ હતો, જ્યારથી યોહાને લોકોને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યુ, ત્યારથી ઈસુને આપણી પાસેથી આકાશમાં લઈ જવાયો ત્યાં સુધી આ માણસ આપણી સાથે હોવો જોઈએ.”
22
23 પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ.
24 પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ. યહૂદા ભટકી જઈને જ્યાં જવાનો હતો ત્યાં ગયો. પ્રભુ, કયા માણસે પ્રેરિત તરીકે તેની જગ્યા લેવી જોઈએ તે બતાવ.”
25
26 પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.
પ્રકરણ 2

1 જ્યારે પચાસમાનો દિવસ આવ્યો ત્યારે, પ્રેરિતો બધા એક જગ્યાએ ભેગા થયા હતા.
2 અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. આ અવાજ સખત ફૂંકાતા પવનના જેવો હતો. તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર આ અવાજથી ગાજી ઊઠ્યું.
3 અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી.આ જીભો છૂટી પડીને પ્રત્યેક વ્યક્તિ પર ઊભી બેઠી.
4 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.
5 આ સમયે યરૂશાલેમમાં કેટલાક ધાર્મિક યહૂદિઓ રહેતા હતા. દુનિયાના દરેક દેશમાંના આ માણસો હતા.
6 આ માણસોનો મોટો સમૂહ ભેગો થયો હતો કારણ કે તેઓએ આ અવાજ સાંભળ્યો હતો. તેઓ નવાઇ પામ્યા હતા. કારણ કે પ્રેરિતો બોલતાં હતા. અને દરેક માણસે તેઓની પોતાની ભાષામાં તે સાંભળ્યું હતું.
7 બધા યહૂદિઓ આનાથી આશ્ચર્ય પામ્યા હતા. તેઓ સમજી શક્યા નહિ કે પ્રેરિતો આવું કેવી રીતે કરી શક્યા. તેઓએ કહ્યું,“જુઓ, આ બધા જ માણસો જેઓને આપણે બોલતાં સાંભળીએ છીએ તે બધા શું ગાલીલના નથી?
8 પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતાં સાંભળીએ છીએ. આ કેવી રીતે શક્ય છે? આપણે બધા જ જુદી જુદી જગ્યાઓના છીએ:
9 પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોતામિયાના, યહૂદિયાના, કપ્પદોકિયાના, પોન્તસના, આશિયાના,
10 ફુગિયાના, પમ્ફૂલિયાના, ઇજીપ્તના, લિબિયાના, કૂરેની ભાષા તથા રોમ વિસ્તારના પ્રવાસીઓ, યહૂદિ તથા બીન-યહૂદિઓમાંથી થએલા યહૂદિ,
11 આમ આપણે જુદા જુદા દેશોના છીએ. પણ આપણે આ માણસને આપણી પોતાની ભાષામાં સાંભળીએ છીએ! તેઓ દેવના જે કંઈ મોટાં કામો વિષે કહે છે તે આપણે બધા સમજી શકીએ છીએ.”
12 બધા લોકો આશ્ચર્યચકિત થયા. અને મૂંઝાયા. તેઓ એકબીજાને પૂછે છે, “આ શું થઈ રહ્યું છે?”
13 બીજા લોકો પ્રેરિતો તરફ ઠઠ્ઠા કરી રહ્યાં હતા. આ લોકોએ વિચાર્યુ કે પ્રેરિતોએ વધારે પડતો દ્ધાક્ષારસ પીધેલો છે.
14 પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો.
15 આ માણસો તમે ધારો છો એમ પીધેલા નથી; હજુ સવારના નવ વાગ્યા છે!
16 પણ યોએલ પ્રબોધકે જે બાબત માટે લખ્યું હતું તે આજે તમે અહીં થતું જુઓ છો. યોએલ પ્રબોધકે જે લખ્યું છે તે આ છે:
17 “દેવ કહે છે કે: છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે. તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.
18 તે સમયે, હું મારા સેવક-સેવિકાઓ પર મારો આત્મા રેડીશ અને તેઓ પ્રબોધ કરશે.
19 હું ઊચે આકાશમાં આશ્ચર્યજનક કામો બતાવીશ. હું નીચે પૃથ્વી પર તેના અદભૂત ચિહનો આપીશ. ત્યાં લોહી, અગ્નિ, અને ધુમાડાના ગોટેગોટા દેખાડીશ.
20 સૂર્યનું પરિવર્તન અંધકારમાં થશે, અને ચંદ્ર લાલ લોહી જેવો બનશે. પછી પ્રભુનો મહાન તથા પ્રસિધ્ધ દિવસ આવશે.
21 અને પ્રત્યેક માણસ જે પ્રભુમાં વિશ્વાસ કરશે ત તારણ પામશે.” યોએલ 2:
28 -
32
22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે.
23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી.
24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો.મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ.
25 દાઉદે ઈસુના સંદર્ભમાં આમ કહ્યું છે: ‘મેં પ્રભુને હંમેશા મારી સંન્મુખ જોયો; મને સલામત રાખવા માટે તે મારી જમણી બાજુએ છે.
26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે, અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે. હા, મારું શરીર પણ આશામાં રહેશે.
27 કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ. તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે. તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’ ગીતશાસ્ત્ર
16 :8-
11
29 “મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે.
30 દાઉદ એક પ્રબોધક હતો અને દેવે જે કહ્યું તે જાણતો હતો. દેવે દાઉદને વચન આપ્યું હતું કે તે દાઉદના પરિવારમાંથી કોઈ વ્યક્તિને દાઉદના જેવો રાજા બનાવશે.
31 દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું: ‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો. તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો.
32 તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે!
33 ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે.
34 જે એકને આકાશમાં લઈ જવામાં આવેલ છે તે દાઉદ ન હતો. જેને આકાશમાં લઈ જવામાં આવ્યો હતો તે તો ઈસુ હતો. દાઉદે પોતે જ કહ્યું છે:‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને કહ્યું:
35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’ ગીતશાસ્ત્ર
11 0:1
36 ‘તેથી બધા યહૂદિ લોકોએ આ સત્ય જાણવું જોઈએ, દેવે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યો છે. તે એ જ માણસ છે જેને તમે વધસ્તંભે ખીલા મારીને જડ્યો!”
37 જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, ‘ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
38 પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે.
39 આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”
40 પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!”
41 પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.
42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા.
43 પ્રેરિતો ઘણા અદભૂત કૃત્યો અને ચમત્કારો કરતા હતાં. પ્રત્યેક માણસના હ્રદયમાં દેવના માટે મહાન સન્માનની ભાવના જાગી.
44 બધા જ વિશ્વાસીઓ સાથે રહેતાં. તેઓ દરેક વસ્તુઓ વહેંચતા.
45 વિશ્વાસીઓએ તેઓની જમીનો તથા તેઓની માલિકીની વસ્તુઓ વેચી અને પછી તે પૈસા તેઓનામાં જ દરેકની જરૂરીયાત પ્રમાણે વહેંચી આપ્યા.
46 વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા.
47 વિશ્વાસીઓ દેવની સ્તુતિ કરતા અને બધા જ લોકોને તેઓ ગમતા. પ્રતિદિન વધારે ને વધારે માણસોનો ઉદ્ધાર થતો; પ્રભુ વિશ્વાસીઓના સમૂહમાં તે લોકોનો ઉમેરો કરતો હતો.
પ્રકરણ 3

1 એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો.
2 જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો.
3 તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.
4 પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!”
5 તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે.
6 પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”
7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું.
8 તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો.
9 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.
10
11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.
12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, ‘મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું?’
13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી.
14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું.
15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.
16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!
17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા.
18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું.
19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે.
20 પછી પ્રભુ તમને આત્મિક તાજગી માટે સમય આપશે. તે તમને ઈસુ આપશે, તે એક ખ્રિસ્ત તરીકે પસંદ થયેલ છે.
21 પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું.
22 મૂસાએ કહ્યું, “પ્રભુ તારો દેવ તને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. તે મારા જેવો હશે. તમને પ્રબોધક જે કહે તે સર્વનું પાલન કરવું જોઈએ.
23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.”
24 શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે.
25 “પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’
26 દેવે તેના ખાસ સેવકને મોકલ્યો છે. દેવે ઈસુને તમારી પાસે પ્રથમ મોકલ્યો છે. દેવે તમને આશીર્વાદ આપવા માટે ઈસુને મોકલ્યો છે. તમારામાંના દરેકને ખરાબ કાર્યો કરવામાંથી પાછા ફેરવીને તે આમ કરે છે.’
પ્રકરણ 4

1 જ્યારે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા.
2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે.
3 યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા.
4 પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.
5 બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા.
6 અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા.
7 તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”
8 પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો:
9 આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો?
10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.
11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો. પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’ ગીતશાસ્ત્ર 118:22
12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”
13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.
14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.
15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.
16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું?” યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.
17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”
18 પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી.
19 પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું?
20 અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”
21 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.
22
23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું.
24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.
25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:“શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે? શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!
26 પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે, અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.” ગીતશાસ્ત્ર 2:1-2
27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે.
28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું.
29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર.
30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”
31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.
32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા.
33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા.
34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં.
35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.
36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો.
37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.
પ્રકરણ 5

1 અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી.
2 પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.
3 પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો?
4 તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”
5 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.
6
7 ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી.
8 પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”
9 પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.”
10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી.
11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો.
13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા.
14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા.
15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે.તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે.
16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ.
18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા.
19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું,
20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.”
21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો. પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા.
22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી.
23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!”
24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”
26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો.
28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”
29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.
30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે.
31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે.
32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”
33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી.
34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું.
35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો.
36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે
40 0 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ.
37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા.
38 અને તેથી હવે, “હું તમને કહું છું, “આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે.
39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!” ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા.
40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા.
41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં.પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા.
42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.
પ્રકરણ 6

1 વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ આ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી.
2 તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો.પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે.
3 તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું.
4 પછી આપણે આપણો બધો સમય પ્રાર્થનામાં તથા વાતની (પ્રભુની) સેવા કરવામાં વાપરી શકીશું.”
5 સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ).
6 પછીથી તેઓએ આ માણસોને પ્રેરિતો સમક્ષ રજૂ કર્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓએ તેઓના હાથ તેઓના પર મૂક્યા.
7 દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.
8 સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું.
9 પરંતુ કેટલાક યહૂદિઓ આવ્યા અને સ્તેફનની સાથે દલીલો કરી. આ યહૂદિઓ સભામાંના હતા. તે સભા લિબર્તીની માટેની હતી. (આ સભા કુરેનીના યહૂદિઓ માટેની તથા આલેકસાંદ્રિયાના યહૂદિઓ માટેની હતી.) કિલીકિયા અને આસિયાના યહૂદિઓ તેઓની સાથે હતા. તેઓ બધાએ આવીને સ્તેફન સાથે દલીલો કરી.
10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.
11 તેથી યહૂદિઓએ કેટલાક માણસોને કહેવા માટે ઊભા કર્યા, “અમે સાંભળ્યું છે કે સ્તેફન, મૂસા અને દેવની વિરૂદ્ધ બોલ્યો.”
12 આમ કરીને આ યહૂદિઓએ લોકોને, વડીલો તથા શાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂંક્યા. તેઓ એટલા બધા ઉશ્કેરાયા કે તેઓએ આવીને સ્તેફનને પકડી લીધો. તેઓ તેને યહૂદિઓના બોધકોની સભામાં લઈ ગયા.
13 યહૂદિઓ સભામાં કેટલાક માણસોને લાવ્યા. તેઓએ આ માણસોને સ્તેફન વિષે જૂઠું બોલવાનું કહ્યું. તે માણસોએ કહ્યું, “આ માણસ (સ્તેફન) હંમેશા આ પવિત્ર જગ્યા માટે ખરાબ કહે છે અને હંમેશા તે મૂસાના નિયમશાસ્ત્ર વિરૂદ્ધ દુર્ભાષણ કરે છે.
14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.”
15 સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા. તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો.
પ્રકરણ 7

1 પ્રમુખ યાજકે સ્તેફનને કહ્યું, “શું આ હકીકત સાચી છે?”
2 સ્તેફને જવાબ આપ્યો, “મારા ભાઈઓ અને યહૂદિ વડીલો મને ધ્યાનથી સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહિમને આપણા મહિમાવાન દેવના દર્શન થયા. ઈબ્રાહિમ મેસોપોટેમિયામાં રહેતો પછી તે હારાનમાં રહેવા ગયા હતો તે અગાઉ આ બન્યું હતું.
3 દેવે ઈબ્રાહિમને કહ્યું, “તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.”
4 “તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો.
5 પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)
6 “દેવે તેને જે કહ્યું તે આ છે: ‘તારા વંશજો બીજા દેશમાં રહેશે. તેઓ અજ્ઞાત હશે. ત્યાંના લોકો તેઓને 400 વરસ સુધી ગુલામીમાં રાખશે. તેઓને દુ:ખ આપશે.”
7 “જે રાષ્ટ્ર તેઓને ગુલામ બનાવશે તેને હું શિક્ષા કરીશ. અને દેવે એમ પણ કહ્યું, ‘આ હકીકતો બન્યા પછી તમારા લોકો તે દેશમાંથી બહાર આવશે. અને પછી આ સ્થળે તમારા લોકો અહી મારી સેવા કરશે.’
8 ‘દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.
9 “આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.
10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.
11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.
12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.)
13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું.
14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે)
15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા.
16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)
17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.)
18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો.
19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.
20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી.
21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો.
22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.
23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે.
24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો.
25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.
26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’
27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના!
28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?
29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.
30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું.
31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો.
32 પ્રભુએ કહ્યું, ‘હું તારા પૂર્વજોનો દેવ, એટલે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’મૂસા ભયથી ધ્રુંજી ઊઠ્યો. અગ્નિ સામે જોવાની તેની હિંમત ચાલી નહિ.
33 પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.
34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’
35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો.
36 તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને
40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.
37 “આ એ જ મૂસા હતો જેણે યહૂદિ લોકોને આ શબ્દો કહ્યા હતા. ‘દેવ તમને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. અને તે મારા જેવો જ થશે.’
38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.
39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ.
40 આપણા પૂર્વજોએ હારુંનને કહ્યું, ‘મૂસા અમને મિસર દેશમાંથી બહાર લાવ્યો છે પણ અમને ખબર નથી કે તેનું શું થયું છે તેથી કેટલાક દેવોને બનાવ જે અમારી આગળ જાય અને અમને દોરે.’
41 તેથી લોકોએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી હતા. પછી તેઓએ મૂર્તિને તેનું બલિદાન આપ્યું. લોકો ઘણા ખુશ હતા કારણ કે તેણે જે બનાવ્યું હતું તે પોતાના હાથે બનાવ્યું હતું!
42 પણ દેવ તેઓનાથી વિમુખ થયો અને તેઓને આકાશમાંના જૂઠાં દેવોના સૈન્યની પૂજા કરતા અટકાવ્યા. દેવ કહે છે: પ્રબોધકોના જે લખાણ છે તે આ છે. દેવ કહે છે,‘ઓ યહૂદિ લોકો! તમે રણપ્રદેશમાં
40 વરસ સુધી મને લોહીના બલિદાનો ચઢાવ્યા નહોતા.
43 તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો. આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે. તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ.’ આમોસ 5:
25 -
27
44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો.
45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા.
46 દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી.
47 પરંતુ સુલેમાન એક વ્યક્તિ હતો જેણે મંદિર બાધ્યું.
48 “પરંતુ પરાત્પર દેવ માણસોએ તેઓના હાથે બાંધેલા રહેઠાણોમાં રહેતો નથી. પ્રબોધકો જે લખે છે તેમ: ‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજ્યાસન છે.
49 પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે. તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!
50 સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!”‘ યશાયા 66:1-2
51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો.
52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો.
53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”
54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા.
55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો.
56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા.
58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા.
59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!”
60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.
પ્રકરણ 8

1 શાઉલ સંમત હતો કે સ્તેફનની હત્યા કરવી એ સારી બાબત હતી.વિશ્વાસીઓ માટે સંકટોકેટલાક ધાર્મિક માણસોએ સ્તેફનને દફનાવ્યો. તેઓએ તેના માટે ઘણું રૂદન કર્યુ. તે જ દિવસે યરૂશાલેમમાં યહૂદિઓએ વિશ્વાસીઓના સમૂહની સતાવણી શરૂ કરી. યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો. બધાજ વિશ્વાસીઓએ યરૂશાલેમ છોડ્યું. માત્ર પ્રેરિતો જ રહ્યા. વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનમાં જુદા જુદા સ્થળોએ ગયા.
2
3
4 વિશ્વાસીઓ સર્વત્ર વિખરાઈ ગયા. જે જે જગ્યાએ વિશ્વાસીઓ ગયા ત્યાં તેઓએ લોકોને સુવાર્તા પ્રગટ કરી.
5 ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો.
6 ત્યાંના લોકોએ ફિલિપને સાંભળ્યો અને તેઓ બધાએ ફિલિપે જે કંઈ કહ્યું તે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળ્યું.
7 આ લોકોમાંના ઘણાંને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા. પણ ફિલિપે અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર કાઢ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓએ ઘણો મોટો અવાજ કર્યો. ત્યાં ઘણા લકવાગ્રસ્ત અને અપંગ માણસો પણ હતા. ફિલિપે આ લોકોને પણ સાજા કર્યા.
8 તે શહેરના લોકો આના કારણે ઘણા આનંદ વિભોર થયા.
9 પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો.
10 બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!”
11 સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો.
12 પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું.
13 સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.
14 પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા.
15 જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી.
16 આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી.
17 તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.
18 સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી.
19 સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
20 પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે.
21 તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી.
22 તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે.
23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
24 સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”
25 પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો.
28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.”
30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું.
32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો. તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ. તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા. પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો; તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” યશાયા 53:7-8
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?”
35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.”
37 ફિલિપે જવાબ આપ્યો, “જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.”
38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો.
40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
પ્રકરણ 9

1 યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો.
2 શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.
3 તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો.તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો.
4 શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”
5 શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું.
6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”
7 શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ.
8 શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા.
9 ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.
10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”
11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે.
12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”
13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું.
14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”
15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ.
16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”
17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.”
18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો.
19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો.
20 તેથી જલદીથી તેણે સભાસ્થાનોમાં ઈસુ વિષે બોધ આપવાની શરુંઆત કરી. તેણે લોકોને કહ્યું, “ઈસુ એ દેવનો દીકરો છે!”
21 જે બધા લોકોએ શાઉલને સાંભળ્યો તે નવાઈ પામ્યા હતા. તેઓએ કહ્યું, “આ એ જ માણસ છે જે યરૂશાલેમમાં હતો. તે ઈસુ નામમાં વિશ્વાસ રાખનારા લોકોને મારી નાખવા પ્રયત્ન કરતો હતો! તે (શાઉલ) અહી એ જ વસ્તુ કરવા આવ્યો છે. તે ઈસુના શિષ્યોને પકડવા માટે અહીં જ આવ્યો છે. અને તેઓને યરૂશાલેમમાં મુખ્ય યાજકો પાસે લઈ જશે.”
22 પણ શાઉલ વધારે ને વધારે બળવાન થયો. તેણે સાબિત કર્યુ કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. તેની સાબિતીઓ એટલી મજબૂત હતી કે દમસ્કમાં રહેતા યહૂદિઓ તેની સામે દલીલો કરી શક્યા નહિ.
23 ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી.
24 યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું.
25 એક રાત્રે શાઉલે જે કેટલાક શિષ્યોને શીખવ્યું હતું તેઓએ તેને શહેર છોડવા માટે મદદ કરી. શિષ્યોએ શાઉલને ટોપલામાં મૂક્યો. તેઓએ શહેરની દીવાલના બાકોરામાંથી ટોપલાને ઉપરથી નીચે ઉતાર્યો.
26 પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા.
27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, Ї’શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો.
28 અને તેથી શાઉલ શિષ્યોની સાથે રહ્યો, તેણે સમગ્ર યરૂશાલેમમાં મુસાફરી કરી અને જરા પણ ભય વિના પ્રભુ વિષે બોધ આપ્યો.
29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા.
30 જ્યારે વિશ્વાસીઓએ આ સંદર્ભમાં સાંભળ્યું, તેઓ શાઉલને કૈસરિયાના શહેરમાં લઈ ગયા. કૈસરિયાથી તેઓએ શાઉલને તાર્સસના શહેરમાં મોકલ્યો.
31 ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
32 પિતરે યરૂશાલેમની આજુબાજુના બધા ગામોમાં યાત્રા કરી. તેણે વિશ્વાસીઓની મુલાકાત લીધી. જે લોદમાં રહેતા હતા.
33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો.
34 પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો.
35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.
36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી.
37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી.
38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.
39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા.
40 પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ.
41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!
42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.
43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.
પ્રકરણ 10

1 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.
2 કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો.
3 એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
4 કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?” તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.
5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે.
6 સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.”
7 જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો.
8 કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
9 બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો.
10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું.
11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું.
12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં.
13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!”
16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું.
17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં.
18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”
19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે.
20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.”
21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”
22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”
23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.
24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.
25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા.
26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.”
27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.
28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.
29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, “મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”
30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો.
31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.
32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’
33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.’
34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે.
35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.
36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!
37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ.
38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.
39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો.
40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા.
41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.
42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે.
43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”
44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો.
45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે.
46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું,
47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!”
48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.
પ્રકરણ 11

1 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે.
2 પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી.
3 તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”
4 પિતરે તેઓને આખી વાત સમજાવી.
5 પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ.
6 મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા.
7 મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, “ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!”
8 “પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’
9 ‘પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’
10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી.
11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા.
12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા.
13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, “સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ.
14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.
15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો.
16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’
17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”
18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”અંત્યોખમાં સુવાર્તા
19 સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી.
20 આ વિશ્વાસીઓમાંના કેટલાક સૈપ્રસ અને કુરેનીના માણસો હતા. જ્યારે આ માણસો અંત્યોખમાં આવ્યા. તેઓએ આ ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી.
21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.
22 યરૂશાલેમમાં મંડળીએ આ નવા વિશ્વાસીઓ વિષે સાંભળ્યું. તેથી યરૂશાલેમના વિશ્વાસીઓએ બાર્નાબાસને અંત્યોખમાં મોકલ્યો.
23 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.
24
25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો.
26 જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.
27 લગભગ તે સમય દરમ્યાન કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ ગયા.
28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.)
29 વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી.
30 તેઓએ પૈસા ભેગા કર્યા અને તે બાર્નાબાસને અને શાઉલને આપ્યા. પછી બાર્નાબાસ અને શાઉલે તે (નાણાં) યહૂદિયાના વડીલો પર મોકલ્યા.
પ્રકરણ 12

1 એ સમય દરમ્યાન રાજા હેરોદેમંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી.
2 હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો.
3 હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.)
4 હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો.
16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી.
5 તેથી પિતરને જેલમાં રાખવામાં આવ્યો. પરંતુ મંડળીમાં પિતર માટે આગ્રહથી દેવની પ્રાર્થના થતી હતી.
6 પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.
7 એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી.
8 તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”
9 તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે.
10 પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.
11 પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”
12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા.
13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી.
14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!”
15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!”
15 પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”
16 પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું, તેઓએ પિતરને જોયો. તેઓ નવાઇ પામ્યા.
17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.
18 બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું.
19 હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો.
20 હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.
21 હેરોદે તેઓની સાથે મળવા માટે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે હેરોદ સુંદર રાજપોશાક પહેરીને તે તેની રાજગાદી પર બેઠો અને લોકો સમક્ષ ભાષણ કર્યુ.
22 લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!”
23 હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.
24 દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો.
25 યરૂશાલેમમાં બાર્નાબાસ અને શાઉલે તેઓનું કામ પૂર્ણ કર્યુ. તેઓ અંત્યોખ પાછા ફર્યા. યોહાન માર્ક તેઓની સાથે હતો.
પ્રકરણ 13

1 અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા.
2 આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”
3 તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.
4 પવિત્ર આત્મા દ્ધારા બાર્નાબાસ અને શાઉલને બહાર મોકલવામાં આવ્યા. તેઓ સલૂકિયાના શહેરમાં ગયા. ત્યાંથી પછી સલૂકિયાથી સૈપ્રસ ટાપુ તરફ વહાણ હંકારી ગયા.
5 જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)
6 તેઓ આખો ટાપુ ઓળંગીને પાફસના શહેરમાં ગયા. ત્યાં તેઓ એક યહૂદિ માણસને મળ્યા જે જાદુના ખેલ કરતો હતો. તેનું નામ બર્યેશું હતું. તે એક જૂઠો પ્રબોધક હતો.
7 બર્યેશુ હંમેશા સર્ગિયુસ પાઉલની નજીક રહેતો, સર્ગિયુસ પાઉલ એક હાકેમ હતો. અને તે ખૂબ જ શાણો માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને તેની પાસે આવવા કહ્યું. દેવનો સંદેશ સાંભળવાની તેની ઈચ્છા હતી.
8 પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો.
9 પણ શાઉલ તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. પાઉલે (શાઉલનું બીજું નામ) અલિમાસ (બર્યેશુ) તરફ જોયું.
10 અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે.
11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે.
12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
13 પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો.
14 તેઓએ પર્ગેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પિસીદિયાના નજીકના શહેર અંત્યોખમાં આવ્યા. અંત્યોખમાં તેઓ વિશ્રામવારે યહૂદિઓના સભાસ્થાનમાં જઈને બેઠા.
15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”
16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો!
17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો.
18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું.
19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો.
20 આ બધું લગભગ 450વર્ષમાં બન્યું.“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા.
21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો.
22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું.
24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું.
25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’
26 “મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો, ધ્યાનથી સાંભળો!આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે.
27 યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી. પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં. પણ તેઓ સમજતા નહોતા. યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો, આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા!
28 ઈસુના મૃત્યુદંડ માટે તેઓને કોઇ ચોક્કસ કારણ જડ્યું નહિ પરંતુ તેઓએ પિલાતને તેને મારી નાખવા કહ્યું.
29 “ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો.
30 પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો!
31 આ પછી ઘણા દિવસો માટે જે લોકો ગાલીલથી યરૂશાલેમ ઈસુ સાથે ગયા હતા, તેઓએ ઈસુને જોયો. તેઓ હમણાં લોકોની આગળ તેના સાક્ષી છે.
32 “અમે દેવે અમારા પૂર્વજોને આપેલાં વચન વિષેની વધામણી કહીએ છીએ.
33 અમે તેનાં બાળકો છીએ. અને દેવે આ વચન અમારા માટે પરિપૂર્ણ કર્યુ છે. દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડીને આ કર્યુ છે. આપણે આ વિષે ગીતશાસ્ત્રમાં પણ વાંચીએ છીએ.‘તુ મારો દીકરો છે, આજે હું તારો પિતા થયો છું.’ ગીતશાસ્ત્ર: 2:7
34 દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો છે. ઈસુ ફરીથી કબરમાં કદાપિ જશે નહિ અને ધૂળમાં ફેરવાશે નહિ. તેથી દેવે કહ્યું:‘હું તને સાચા અને પવિત્ર વચનો (આશીર્વાદો) આપીશ જે મેં દાઉદને આપ્યાં હતા.’ યશાયા 55:3
35 પણ બીજી એક જગ્યાએ દેવ કહે છે:‘તું તારા પવિત્રનાં શરીરને કબરમાં સડવા દઇશ નહિ.’ ગીતશાસ્ત્ર 16:10
36 દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો.
37 પણ એક જેને દેવે મૃત્યુમાંથી ઉઠાડ્યો તેનું કબરમાં કોહવાણ થયું નહિ.
38 ભાઈઓ, અમે તમારી આગળ જે પ્રગટ કરીએ છીએ, તે તમારે સમજવું જોઈએ કે તેના દ્ધારા પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેના (ઈસુ) મારફત પ્રત્યેક વ્યક્તિ જે વિશ્વાસીઓ છે તેને બધામાંથી મુક્તિ મળશે. જેમાં મૂસાનો નિયમ પણ તમને મુક્ત કરી શકે તેમ નથી. પ્રત્યેક વિશ્વાસ કરનાર ઈસુ દ્ધારા ન્યાયી ઠરે છે.
39
40 ધ્યાનથી સાંભળો! રખેને પ્રબોધકોના લેખમાંનુ આ વચન તમારા પર આવી પડે કે:
41 “ઓ તિરસ્કાર કરનારાઓ! સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો; કારણ કે તમારા સમય દરમ્યાન હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ. કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!”‘ હબાકકુક 1:5
42 જ્યારે પાઉલ અને બાર્નાબાસ સભાસ્થાન છોડતા હતા, લોકોએ પાઉલ અને બાર્નાબાસને આ પછીના બીજા વિશ્રામવારે આ વિષે વધારે કહેવા માટે ફરીથી આવવા કહ્યું.
43 સભા વિસર્જન થયા પછી, યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા. પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા.
44 બીજા વિશ્રામવારે, લગભગ શહેરના બધા જ લોકો પ્રભુનો બોધ સાંભળવા ભેગા મળ્યા.
45 યહૂદિઓએ આ બધા લોકોને ત્યાં જોયા. તેથી યહૂદિઓને વધારે ઈર્ષા થઈ. તેઓએ થોડાક અપશબ્દો કહ્યા. અને પાઉલે જે કહ્યું હતું તેના વિરોધમાં દલીલો કરી.
46 પણ પાઉલ તથા બાર્નાબાસે ઘણી હિંમત રાખીને કહ્યું, તેઓએ કહ્યું, “અમારે પ્રથમ તમને યહૂદિઓને દેવના વચનો કહેવા જોઈએ. પણ તમે ધ્યાનથી સાંભળવાની ના પાડી. તમે તમારી જાતે ખોવાઇ જાઓ છો, અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો! તેથી અમે હવે બીજા રાષ્ટ્રોના લોકો પાસે જઈશું.
47 પ્રભુ એ આપણને જે કરવાનું કહ્યું છે તે આ છે. પ્રભુએ કહ્યું છે: ‘મેં તમને બીજા રાષ્ટ્રો માટેનો પ્રકાશ થવા બનાવ્યા છે, જેથી કરીને તમે આખા વિશ્વમાં લોકોને તારણનો માર્ગ બતાવી શકશો.”‘ યશાયા 49:6
48 જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો. તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી.
49 અને તેથી આખા દેશમાં પ્રભુનો સંદેશ કહેવામાં આવ્યો હતો.
50 પરંતુ યહૂદિઓએ ધાર્મિક તથા કુલીન સ્ત્રીઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરણી કરીને પાઉલ અને બાર્નાબાસની સતાવણી કરાવી. પરિણામે આ લોકોએ પાઉલ અને બાર્નાબાસને શહેરની બહાર હાંકી કાઢ્યા.
51 તેથી પાઉલ અને બાર્નાબાસે તેમનાં પગોની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓ ઈકોનિયા શહેરમાં ગયા.
52 પરંતુ અંત્યોખમાં ઈસુના શિષ્યો ખુશ હતા અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.
પ્રકરણ 14

1 ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો.
2 પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
3 તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા.
4 પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
5 કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી.
6 જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા.
7 તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
8 લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો.
9 આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે.
10 તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
11 પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!”
12 લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ”કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ”કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો.
13 ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
14 પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:
15 “સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
16 “ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું.
17 પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
18 “પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
19 પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે.
20 ઈસુના શિષ્યો પાઉલની આજુબાજુ ભેગા થયા અને તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજે દિવસે, તે અને બાર્નાબાસ આ શહેર છોડીને દર્બેના શહેરમાં ગયા.
21 પાઉલ અને બાર્નાબાસે દર્બેના શહેરમાં પણ સુવાર્તા પ્રગટ કરી. ઘણા લોકો ઈસુના શિષ્યો બન્યા. પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઈકોનિયા અને અંત્યોખ શહેરોમાં પાછા પર્યા.
22 તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”
23 પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.
24 પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને આવ્યા. પછી તેઓ પમ્ફુલિયા દેશમાં આવ્યા.
25 તેઓએ પર્ગે શહેરમાં દેવની વાતનો બોધ આપ્યો, અને પછી તેઓ અત્તાલિયા શહેરમાં આવ્યા,
26 અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.
27 જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!”
28 પાઉલ અને બાર્નાબાસ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે લાંબો સમય ત્યાં રહ્યા.
પ્રકરણ 15

1 પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.”
2 પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.
3 તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા.
4 પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું,
5 યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”
6 પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા.
7 ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે.
8 દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી.
9 દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં.
10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા!
11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”
12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું,
13 પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો.
14 સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા.
15 પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:
16 ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ. હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ. તે નીચે પડી ગયેલું છે. હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ. જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે. બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે. પ્રભુએ આ કહ્યુ છે. અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે. આમોસ 9:
11 -
12
18 ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’
19 “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ.
20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. (આનાથી ખોરાક અશુદ્ધ બને છે.) કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.
21 તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”
22 પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું.
23 તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:વહાલા ભાઈઓ,
24 અમે સાંભળ્યું છે કે અમારા સમૂહમાંથી કેટલાક માણસો તમારી પાસે આવ્યા છે. તેઓએ જે વાતો કહી તેનાથી તમે હેરાન થયા છો અને વ્યગ્ર થયા છો. પણ અમે તેઓને આમ કહેવાનું કહ્યું નથી!
25 અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે.
26 પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે.
27 તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે. તેઓ તમને એ જ વાતો મૌખિક રીતે રહેશે.
28 પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:
29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. (આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.) લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
30 તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો.
31 જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો.
32 યહૂદા અને સિલાસ પણ પ્રબોધકો હતા. તેઓએ ભાઈઓને મદદ કરવા ઘણી વાતો કહી અને તેઓને વધારે મજબૂત બનાવ્યા.
33 થોડો સમય ત્યાં યહૂદા અને સિલાસ રહ્યા અને પછી તેઓ છોડીને ગયા. તેઓએ ભાઈઓ પાસેથી શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યહૂદા અને સિલાસ યરૂશાલેમમાં જેઓએ તેમને મોકલ્યા હતા તે ભાઈઓ પાસે પાછા ગયા.
34
35 પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.
36 થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”
37 યોહાન (માર્ક)ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી.
38 પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી.
39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.
40 પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો.
41 પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.
પ્રકરણ 16

1 પાઉલ દર્બે અને લુસ્ત્રાના શહેરોમાં ગયો તિમોથી નામનો એક ઈસુનો શિષ્ય ત્યાં હતો. તિમોથીની માતા એક યહૂદિ વિશ્વાસી હતી. તેના પિતા એક ગ્રીક હતા.
2 લુસ્ત્રા અને ઈકોનિયામાંના વિશ્વાસીઓ તિમોથીને માન આપતા. તેઓ તેના વિષે સારી વાતો કહેતા.
3 પાઉલની ઈચ્છા હતી કે તિમોથી તેની સાથે મુસાફરી કરે. પરંતુ તે પ્રદેશમાં રહેતા તમામ યહૂદિઓ જાણતા હતા કે તિમોથીના પિતા ગ્રીક હતા. તેથી યહૂદિઓ ખાતર પાઉલે તિમોથીની સુન્નત કરાવી.
4 પછી પાઉલ અને તેની સાથેના માણસોએ એક ગામથી બીજે ગામ મુસાફરી કરી. તેઓએ વિશ્વાસીઓને પ્રેરિતો અને વડીલો તરફથી યરૂશાલેમમાં નિયમો અને નિર્ણયો આપ્યા. તેઓએ વિશ્વાસીઓને આ નિયમોનું પાલન કરવા કહ્યું.
5 તેથી મંડળીઓ વિશ્વાસમાં વધારે મજબૂત થતી હતી અને પ્રતિદિન વધારે મોટી થતી જતી હતી.
6 પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી.
7 પાઉલ અને તિમોથી મૂસિયાની નજીકના પ્રદેશમાં ગયા. તેઓ બિથૂનિયાના પ્રદેશમાં જવા ઈચ્છતા હતા. પરંતુ ઈસુનો આત્મા તેઓને અંદર જવા દેતો ન હતો.
8 તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.
9 તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!”
10 પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.
11 અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ.
12 પછી અમે ફિલિપ્પી ગયા. ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે. તે રોમનો માટેનું શહેર છે. અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા.
13 વિશ્રામવારના દિવસે શહેરના દરવાજા બહાર નદીએ ગયા. અમે વિચાર્યુ કે અમને પ્રાર્થના માટે નદી કિનારે જગ્યા મળશે. કેટલીક સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી. તેથી અમે ત્યાં બેઠા અને તેઓની સાથે વાતો કરી.
14 ત્યાં થુવાતિરા શહેરની એક લૂદિયા નામની સ્ત્રી હતી. તેનું કામ જાંબુડિયાં વેચવાનું હતું. તે સાચા દેવની ભક્તિ કરતી હતી, લૂદિયાએ પાઉલને ધ્યાનથી સાંભળ્યો. પ્રભુએ તનું હ્રદય ઉઘાડ્યું. તેણે પાઉલે જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો.
15 તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.
16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્માહતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા.
17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?”
18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.
19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા.
20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,
21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”
22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી.
23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.”
24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.
25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં.
26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા.
27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો.
28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”
29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો.
30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.”
32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું.
33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું.
34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.
35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”
36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”
37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!
38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા.
39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું.
40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.
પ્રકરણ 17

1 પાઉલ અને સિલાસે અમ્ફિપુલિસ અને અપલોનિયાના શહેરોમાં થઈને મુસાફરી કરી. તેઓ થેસ્સલોનિકા શહેરમાં આવ્યા. ત્યાં તે શહેરમાં યહૂદિઓનું સભાસ્થાન હતું.
2 પાઉલ આ સભાસ્થાનમાં યહૂદિઓને મળવા માટે ગયો. આ તેનો હંમેશનો રિવાજ હતો. પ્રત્યેક વિશ્રામવારે ત્રણ અઠવાડિયા સુધી પાઉલ યહૂદિઓ સાથે ધર્મશાસ્ત્રો વિષે વાતો કરતો.
3 પાઉલ યહૂદિઓને આ ધર્મશાસ્ત્રો સમજાવતો. તેણે બતાવ્યું કે ખ્રિસ્તે મૃત્યુ પામવું અને પછી મૃત્યુમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. પાઉલે કહ્યું, “આ માણસ ઈસુ કે જેના વિષે હું તમને કહું છું તે ખ્રિસ્ત છે.”
4 કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.
5 પણ યહૂદિઓ જેઓ માનતા ન હતા તેઓ ઈર્ષ્યાળુ બન્યા. તેઓએ શહેરમાંથી કેટલાએક ખરાબ ભાડૂતી માણસો રાખ્યા. આ ખરાબ માણસોએ ઘણા લોકોને ભેગા કર્યા અને શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરી. તે લોકો પાઉલ અને સિલાસની શોધમાં યાસોનના ઘરમાં ગયા. તે માણસો પાઉલ અને સિલાસને લોકોની આગળ બહાર કાઢવા ઇચ્છતા હતા.
6 પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ. તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા. તે બધા લોકોએ બૂમો પાડી. “આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે. અને તેઓ હવે અહીં આવ્યા છે.
7 યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”
8 શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી. તેઓ ઘણા બેચેન બન્યા.
9 તેઓએ યાસોનને તથા બીજા વિશ્વાસીઓને દંડ કર્યો. પછી તેઓએ વિશ્વાસીઓને છોડી દીધા.
10 તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા.
11 આ યહૂદિઓ થેસ્સલોનિકાના યહૂદિઓ કરતાં વધારે સારા લોકો હતા. આ યહૂદિઓ પાઉલ અને સિલાસે જે વાતો કહી તે ધ્યાનથી સાંભળીને ઘણા ખુશ થયા હતા. બરૈયાના આ યહૂદિઓ પ્રતિદિન ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેઓ જો આ વસ્તુઓ સાચી હોય તો જાણવા ઈચ્છતા હતા.
12 આ યહૂદિઓમાંના ઘણા માનતા. ઘણા મહત્વના ગ્રીક માણસો અને ગ્રીક સ્ત્રીઓએ પણ વિશ્વાસ કર્યો.
13 પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા.
14 તેથી વિશ્વાસીઓએ પાઉલને ઝડપથી સમુદ્ર કિનારે મોકલી દીધો. પરંતુ સિલાસ અને તિમોથી બરૈયામાં રહ્યા.
15 વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”
16 પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે.
17 પાઉલે સભાસ્થાનમાં જેઓ સાચા દેવની ભક્તિ કરે છે તેવા યહૂદિઓ અને ગ્રીકો સાથે વાતો કરી. પાઉલે શહેરના વેપારી વિસ્તારમાંથી પસાર થતા લોકો સાથે વાતો કરી. પાઉલે આમ રોજ કર્યુ.
18 કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી.તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”
19 તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા. તેઓએ કહ્યું, “કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ.
20 તું જે વાતો કહે છે તે અમારે માટે નવી છે. આ વાતો અમે પહેલા કદાપિ સાંભળી નથી. અમે જાણવા ઇચ્છીએ છીએ કે આ શિક્ષણનો અર્થ શો છે?”
21 (આથેન્સના બધા લોકો અને બીજા પ્રદેશોના લોકો જેઓ ત્યાં રહેતા, તેઓ તેમનો સમય બીજા કશામાં નહિ પરંતુ કંઈક નવું સાંભળવામાં અને કહેવામાં વિતાવતા.)
22 પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, Ї’આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો.ІІ
23 હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. Їએ દેવને જે અજ્ઞાત છે.ІІ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!
24 “તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.
25 આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે.
26 દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.
27 “દેવ ઈચ્છે છે કે લોકો તેને શોધે, તેઓ તેને માટે ચારે બાજુ અંધારામાં ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઇથી વેગળો નથી:
28 “આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ.’ તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’
29 “આપણે દેવના બાળકો છીએ. તેથી તમારે એમ વિચારવું ના જોઈએ કે દેવ માણસોની કારીગરી કે કાલ્પનિક કોઇક વસ્તુ જેવા છે. તે કાંઈ સુવર્ણ, ચાંદી કે પથ્થર જેવો નથી.
30 ભૂતકાળમાં લોકો દેવને સમજતા નહોતા. પણ દેવે આ બાબતમાં અજ્ઞાનતા બતાવી હતી પણ હવે, દેવ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને તેનું હ્રદય અને જીવન બદલવાનું (પસ્તાવો) કહે છે.
31 દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!ІІ
32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, ‘અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.І
33 પછી પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો.
34 પરંતુ કેટલાક લોકોએ પાઉલમાં વિશ્વાસ મૂક્યો અને તેની સાથે જોડાયો. તે લોકોમાંનો એક વિશ્વાસી દિયોનુસ્થસ હતો. તે અરિયોપગસી કારોબારીનો સભ્ય હતો. બીજી વ્યક્તિ દામરિસ નામની સ્ત્રી વિશ્વાસ કરવા લાગી. બીજા કેટલાક લોકો પણ હતા જે વિશ્વાસ કરવા લાગ્યા.
પ્રકરણ 18

1 પાછળથી પાઉલે આથેન્સ છોડયું અને કરિંથના શહેરમાં ગયો.
2 ત્યાં કરિંથમાં પાઉલ અકુલાસ નામના યહૂદિને મળ્યો. અકુલાસ પોન્તસ દેશમાં જનમ્યો હતો. પરંતુ અકુલાસ અને તેની પત્ની પ્રિસ્કિલા તાજેતરમાં ઈટાલીથી કરિંથમાં આવ્યા હતા. તેઓએ ઇટાલી છોડયું કારણ કે કલોદિયસેફરમાન કાઢ્યું હતું કે બધા યહૂદિઓએ રોમ છોડવું. પાઉલ અકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાતે ગયો.
3 પાઉલની જેમ તેઓ તંબૂ બનાવવાનું કામ કરતા હતા. પાઉલ તેઓની સાથે રહ્યો અને તેઓની સાથે કામ કર્યુ.
4 પ્રત્યેક વિશ્રામવારે પાઉલ યહૂદિઓ અને ગ્રીકો સાથે સભાસ્થાનમાં ચર્ચા કરતો હતો. પાઉલ આ લોકોને ઈસુમાં વિશ્વાસ રાખવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતો હતો.
5 સિલાસ અને તિમોથી મકદોનિયાથી કરિંથમાં પાઉલ પાસે આવ્યા. આ પછી પાઉલે તેનો બોધો સમય લોકોને સુવાર્તા કહેવામાં અર્પણ કર્યો. તેણે યહૂદિઓને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.
6 પરંતુ યહૂદિઓએ પાઉલનો બોધ સ્વીકાર્યો નહિ. યહૂદિઓએ કેટલીક ઘણી ખરાબ વસ્તુઓ કહી. તેથી પાઉલે તેના વસ્ત્રો પરની ધૂળ ખંખેરી નાખી. તેણે યહૂદિઓને કહ્યું, ‘જો તમારું તારણ ન થાય તો તે તમારો પોતાનો દોષ હશે. મારાથી થાય તેટલું બધું મેં કર્યુ છે. આ પછી, હું ફક્ત બિનયહૂદિ લોકો પાસે જઈશ!ІІ
7 પાઉલે સભાસ્થાન છોડયું અને તિતસ યુસ્તસના ઘરે ગયો. આ માણસ સાચા દેવનું ભજન કરતો. તેનું ઘર સભાસ્થાનની બાજુમાં જ હતું.
8 ક્રિસ્પુસ તે સભાસ્થાનનો આગેવાન હતો. ક્રિસ્પુસ અને તેના ઘરમાં રહેતા બધા જ લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. બીજા ઘણા લોકોએ કરિંથમાં પાઉલનો સંદેશ સાંભળ્યો. તેઓએ પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.
9 રાત્રિ દરમ્યાન પાઉલે દર્શન જોયું. પ્રભુએ તેને કહ્યું, ‘ગભરાઈશ નહિ! લોકો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ, અને બંધ કરીશ નહિ!
10 હું તારી સાથે છું. તને ઇજા કરવા કોઇ શક્તિમાન થશે નહિ. મારા લોકોમાંના ઘણા આ શહેરમાં છે.ІІ
11 પાઉલ ત્યાં લોકોને દેવનાં વચનોનો બોધ કરવા માટે દોઢ વરસ સુધી રહ્યો.
12 ગાલિયો અખાયા દેશનો અધિકારી બન્યો. તે સમયે, યહૂદિઓ પાઉલની વિરૂદ્ધમાં ભેગા થઈને આવ્યા. તેઓ પાઉલને ન્યાયાસન આગળ લઈ ગયા.
13 યહૂદિઓએ ગાલિયોને કહ્યુ, Їયહૂદિઓના આપણા નિયમશાસ્ત્રની તદ્દન વિરૂદ્ધ લોકોને દેવની ભક્તિ કરવાનું શીખવે છે!”
14 પાઉલ કંઈક કહેવા તૈયાર હતો, પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું. ગાલિયોએ કહ્યું, ‘જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ.
15 પણ તમે યહૂદિઓ જે વાતો કહો છો. તેમાં શબ્દો, નામો, તમારા પોતાના યહૂદિના નિયમશાસ્ત્ર વિષેની દલીલો માટેના ફક્ત પ્રશ્રો હોય છે. તેથી તમારે તમારી જાતે આવી બાબતોમાં નિકાલ કરવો જોઈએ. હું આ બાબતોમાં ન્યાયાધીશ થવા ઈચ્છતો નથી.”
16 ગાલિયોએ તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
17 પછી તેઓએ બધાએ (સભાસ્થાનના આગેવાન) સોસ્થનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની આગળ સોસ્થનેસને માર્યો. પરંતુ ગાલીયોએ આની કોઇ પરવા કરી નહિ.
18 પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે.
19 પછી તેઓ એફેસસ શહેરમાં ગયા. જ્યાં પાઉલે પ્રિસ્કિલા અને અકુલાસને છોડ્યા હતા તે આ સ્થળ છે. જ્યારે પાઉલ એફેસસમાં હતો; તે સભાસ્થાનમાં ગયો અને યહૂદિઓ સાથે વાતો કરી.
20 યહૂદિઓએ પાઉલને વધારે લાંબો સમય રહેવા માટે કહ્યું, પણ તેણે અસ્વીકાર કર્યો.
21 પાઉલે તેઓની વિદાય લીધી અને કહ્યું, “જો દેવની ઈચ્છા મને મોકલવાની હશે તો હું તમારી પાસે ફરીથી પાછો આવીશ.” અને તેથી પાઉલે એફેસસથી દૂર વહાણ હંકાર્યુ.
22 પાઉલ કૈસરિયાના શહેરમાં ગયો. પછી તે યરૂશાલેમમાં મંડળીને અભિનંદન આપવા ગયો. તે પછી પાઉલ અંત્યોખ શહેરમાં ગયો.
23 પાઉલ અંત્યોખમાં થોડો સમય રહ્યો. પછી તેણે અંત્યોખ છોડ્યું અને ગલાતિયા તથા ફુગિયાના દેશોમાં થઈને ગયો. આ દેશોમાં પાઉલે ગામડે ગામડે મુસાફરી કરી. તેણે ઈસુના બધા શિષ્યોને વધારે મજબૂત બનાવ્યા.
24 એક અપોલોસ નામનો યહૂદિ એફેસસમાં આવ્યો. અપોલોસ આલેકસાંદ્રિયા શહેરમાં જનમ્યો હતો. તે એક શિક્ષિત માણસ હતો. તે ધર્મલેખો ઘણી સારી રીતે જાણતો.
25 અપોલોસને પ્રભુ વિષે શીખવવામાં આવ્યું હતું. અપોલોસ જ્યારે લોકોને પ્રભુ વિષે કહેતો ત્યારે તે હંમેશા ઉત્સાહી હતો. અપોલોસને પ્રભુ વિષે જે શીખવવામાં આવ્યું હતું તે સાચું હતું પરંતુ ફક્ત બાપ્તિસ્મા જે અપોલોસ જાણતો તે યોહાને શીખવેલું બાપ્તિસ્મા હતું.
26 અપોલોસે સભાસ્થાનમાં બહુ બહાદુરીપૂર્વક બોલવાનું શરું કર્યુ. પ્રિસ્કિલાએ તથા અકુલાસે તેનો બોધ સાંભળ્યો. તેઓ તેને તેઓના ઘેર લઈ ગયા અને દેવનો માર્ગ વધારે સારી રીતે તેમને સમજવામાં મદદ કરી.
27 અપોલોસ અખાયાના પ્રદેશમાં જવા ઈચ્છતો હતો. તેથી એફેસસના ભાઈઓએ તેમને મદદ કરી. તેઓએ અખાયામાં ઈસુના શિષ્યોને પત્ર લખ્યો. તેઓએ પત્રમાં આ શિષ્યોને અપોલોસને સ્વીકારવા કહ્યું. અખાયાના આ શિષ્યો દેવની કૃપાથી ઈસુમાં વિશ્વાસ કરતા હતા. જ્યારે અપોલોસ ત્યાં ગયો, તેણે તેઓને ઘણી મદદ કરી.
28 તેણે બધા લોકોની આગળ યહૂદિઓની વિરૂદ્ધ ખૂબ મજબૂત દલીલો કરી. અપોલોસ સ્પષ્ટ રીતે સાબિત કર્યુ કે યહૂદિઓ ખોટા હતા. તેણે ધર્મશાસ્ત્રોનો ઉપયોગ કર્યો અને બતાવ્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.
પ્રકરણ 19

1 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા.
2 પાઉલે તેઓને પૂછયું, ‘જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”
4 પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”
5 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા.
6 પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા.
7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.
8 પાઉલ સભાસ્થાનમાં ગયો અને ઘણી હિંમતથી બોલ્યો. પાઉલે આ કામ ત્રણ માસ સુધી ચાલુ રાખ્યું. તેણે યહૂદિઓ સાથે વાતો કરી અને દેવના રાજ્ય વિષે તેણે કહેલી વાતો સ્વીકારવા સમજાવ્યા.
9 પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો.
10 પાઉલે આ કામ બે વર્ષ માટે કર્યુ. આ કામને કારણે પ્રત્યેક યહૂદિ અને ગ્રીક જે આસિયાના દેશોમાં રહેતા હતા તેઓએ પ્રભુની વાતો સાંભળી.સ્કેવાના પુત્રો
11 દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા.
12 કેટલાએક લોકો પાઉલે વાપરેલા હાથરૂમાલો તથા લૂગડા લઈ જતા. લોકો માંદા લોકો પર આ વસ્તુઓ મૂકતા. જ્યારે તેઓએ આ કર્યું, ત્યારે માંદા લોકો સાજા થઈ ગયા અને શેતાનનો અશુદ્ધ આત્મા તેઓને છોડી દેતો.
13 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”
14
15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”
16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.
17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું.
18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી.
19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી.
20 આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.
21 આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.”
22 તિમોથી અને એરાસ્તસ પાઉલના મદદગારોમાંના બે હતા. પાઉલે તેઓને મકદોનિયાના પ્રદેશોમાં સીધા મોકલ્યા. પાઉલ એશિયામાં થોડો સમય રહ્યો.
23 તે સમય દરમ્યાન એફેસસમાં કેટલીક ખરાબ મુશ્કેલીઓ ઊભી થઈ. આ મુશ્કેલી દેવના માર્ગ વિષે હતી. આ બધું તે રીતે બન્યું.
24 ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો. તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો. તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા. ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા.
25 દેમેત્રિયસે કારીગરોની સાથે જેઓ આના સંબંધમાં બીજા વ્યવસાયમાં સંકળાયેલા હતા. તેમને બોલાવ્યા અને કહ્યું, “તમે જાણો છો કે આપણે આપણા ધંધામાંથી ઘણા પૈસા બનાવીએ છીએ.
26 પરંતુ આ માણસ પાઉલ શું કરે છે તે જુઓ! તે શું કહે છે તે સાંભળો. પાઉલે ઘણા લોકોને પ્રભાવિત કરીને તેઓનું પરિવર્તન કરાવ્યું છે. તેણે એફેસસમાં અને આખા એશિયામા આ કર્યુ છે. પાઉલ કહે છે માણસોએ બનાવેલા દેવો ખરા નથી.
27 આ વસ્તુઓ જે પાઉલ કહે છે તે આપણા કામની વિરૂદ્ધમાં લોકોને ઉશ્કેરીને બદલશે. પણ ત્યાં પણ બીજી એક સમસ્યા છે. લોકો વિચારવાનું શરૂ કરશે કે મહાન દેવી આર્તિમિસનું મંદિર મહત્વનું નથી! તેની મહાનતાનો નાશ થશે. આર્તિમિસ એક દેવી છે જેને આશિયામાં (એશિયા) પ્રત્યેક જણ તથા આખી દુનિયા તેની પૂજા કરે છે.”
28 જ્યારે આ માણસોએ આ બાબતો સાંભળી. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પોકાર કર્યો. “આર્તિમિસ, એફેસીઓની દેવી, મહાન છે!”
29 શહેરના બધા લોકો બેચેન બન્યા, લોકોએ ગાયસ તથા અરિસ્તાર્ખસને જકડી લીધા. (તે બે માણસો મકદોનિયાના હતા અને પાઉલની સાથે મુસાફરી કરતા હતા) પછી બધાજ લોકો અખાડામાં દોડી ગયા.
30 પાઉલની ઈચ્છા અંદર જઈને લોકોની સાથે વાતો કરવાની હતી. પરંતુ ઈસુના શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 દેશના કેટલાક મુખ્ય આગેવાનો પણ પાઉલના મિત્રો હતા. આ આગેવાનોએ તેને એક સંદેશો મોકલ્યો. તેઓએ પાઉલને અખાડામાં ન જવા માટે વિનંતી કરી.
32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે.
33 તે યહૂદિઓએ આલેકસાંદર નામના માણસને લોકો સમક્ષ ઊભો કર્યો. લોકોએ તેને શું કરવું તે કહ્યું. આલેકસાંદરે હાથ હલાવ્યો. કારણ કે તે લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો.
34 પરંતુ જ્યારે લોકોએ જોયું કે આલેકસાંદર એક યહૂદિ હતો. તેઓ બધાએ બે કલાક સુધી આ જ બૂમો પાડવાનું ચાલું રાખ્યું. તે લોકોએ કહ્યું, “એફેસીઓના આર્તિમિસની જે! એફેસીઓના આર્તિમિસની જે! આર્તિમિસની જે...!”
35 પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, ‘એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ.
36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.
37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી.
38 આપણી પાસે ન્યાયના ન્યાયાલયો છે અને ત્યાં ન્યાયાધીશો હોય છે. માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના હસ્તકલાના કારીગરોને કોઇને ઉપર કંઈ ફરીયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે. તે એ છે જ્યાં તેઓ એકબીજા સામે આક્ષેપો મૂકી શકે છે.
39 “શું એવું બીજું કશું છે જેના વિષે તારી વાત કરવાની ઈચ્છા હોય? તો પછી લોકોની નિયમિત ભરાતી શહેરની સભામાં આવો. ત્યાં તેનો નિર્ણય થશે.
40 હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.”
41 શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.
પ્રકરણ 20

1 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો.
2 મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
3 ત્યાં તે ત્રણ માસ રહ્યો.તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો.
4 કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા.
5 પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.
6 બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.
7 સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી.
8 અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા.
9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.”
11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી.
12 લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.
13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી.પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો.
14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા.
15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા.
16 પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.
17 પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.
18 જ્યારે વડીલો આવ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું, “આશિયામાં હું આવ્યો તેના પ્રથમ દિવસથી તમે મારા જીવન વિષે જાણો છો. હું તમારી સાથે હતો ત્યારે આટલો બધો સમય તમારી સાથે કેવી રીતે રહ્યો હતો તે તમે જાણો છો.
19 યહૂદિઓ મારી વિરૂદ્ધ કાવતરું ધડી રહ્યા હતા. તેથી મને બહુ મુશ્કેલી પડી અને તેથી હું ઘણી વાર રડ્યો. પણ તમે જાણો છો કે મેં હંમેશા પ્રભુની સેવા કરી છે. મેં કદી મારા વિષે પહેલા વિચાર્યુ નથી.
20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.
21 મેં બધા લોકોને કહ્યું, યહૂદિ લોકો અને ગ્રીક લોકો તેઓ પસ્તાવો કરે અને દેવ પાસે આવે. મેં તેઓ બધાને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવા કહ્યું.
22 “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી.
23 હું ફક્ત એટલું જાણું છું કે પવિત્ર આત્મા મને કહે છે કે પ્રત્યેક શહેરમાં મારે માટે મુશ્કેલીઓ અને યરૂશાલેમમાં બંદીખાનાં રાહ જોઈ રહ્યા છે.
24 હું મારા પોતાના જીવનની જરા પણ ચિંતા કરતો નથી. પણ ખૂબ મહત્વની વસ્તુ એ છે કે હું મારું કામ પૂર્ણ કરું. પ્રભુ ઈસુએ મને દેવની કૃપાની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય સોંપ્યુ છે તે પણ મારે પૂર્ણ કરવું છે.
25 “અને હવે મને ધ્યાનથી સાંભળો. હું જાણું છે કે તમારામાંનું કોઈ પણ મને ફરીથી જોઈ શકશે નહિ. હું બધો જ સમય તમારી સાથે હતો. મેં તમને દેવના રાજ્ય વિષેની સુવાર્તા કહી છે.
26 તેથી આજે હું તમને એક વાત કહીશ કે મને ખાતરી છે કે જો તમારામાંના કેટલાકનો બચાવ ન થાય તો દેવ મને દોષ દેશે નહિ!
27 હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે.
28 તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.
29 હું જાણું છું કે મારા વિદાય થયા પછી કેટલાક માણસો તમારા સમૂહમાં આવશે. તેઓ જંગલી વરુંઓ જેવા હશે. તેઓ ઘેટાં જેવા ટોળાનો વિનાશ કરવા પ્રયત્ન કરશે.
30 અને તમારા સમૂહના માણસો પણ ખરાબ આગેવાનો બનશે. તેઓ જે ખોટી વાતો છે તે શીખવવાની શરુંઆત કરશે. તેઓ ઈસુના કેટલાક શિષ્યોને સત્યથી દૂર દોરી જશે.
31 તેથી સાવધાન રહો! હંમેશા આ યાદ રાખો. હું તમારી સાથે ત્રણ વર્ષ માટે હતો. આ સમય દરમ્યાન મેં તમને કદાપિ ચેતવણી આપવાનું બંધ કર્યુ નથી. મેં તમને રાત અને દિવસ શીખવ્યું છે. મેં વારંવાર તમારા માટે આંસુઓ પાડ્યા છે.
32 “હવે હું તમને દેવને સોપું છું. હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું. તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે.
33 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે મેં કદાપિ કોઇના પૈસા કે સુંદર વસ્ત્રોની ઈચ્છા કરી નથી.
34 તમે જાણો છો કે મેં તારી તથા મારી સાથે જે લોકો, તેમની જરૂરિયાત પૂરી પાડવા માટે મારી જાતે જે મહેનત કરી છે.
35 મેં હંમેશા તમને બતાવ્યું છે કે મેં જે કર્યુ તેવું કામ તમારે કરવું જોઈએ. અને જે લોકો નબળા છે તેમને મદદ કરવી જોઈએ. મેં તમને પ્રભુ ઈસુનું વચન યાદ રાખવા શીખવ્યું છે. ઈસુએ કહ્યું છે, ‘જ્યારે તમે પ્રાપ્ત કરો છો તેના કરતાં તમે આપો છો ત્યારે વધારે સુખી થશો.”‘
36 જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી.
37 તેઓ બધા બહુ રડવા લાગ્યા. તે માણસો ઘણા દુ:ખી હતા, કારણ કે પાઉલે કહ્યું હતું કે તેઓ કદાપિ ફરી તેને જોઈ શકશે નહિ. તેઓ પાઉલની કોટે વળગ્યા અને તેને ચુંબન કર્યુ. પછી તેઓ તેની સાથે વહાણ સુધી વિદાય આપવા ગયા.
38
પ્રકરણ 21

1 અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા.
2 પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું. અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા.
3 અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું.
4 અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું.
5 પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો.ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.
6 પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા.
7 અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા.
8 બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.
9 તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.
10 અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
11 તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરબંધ ઉછીનો લીધો. પછી આગાબાસે તેના પોતાના હાથ અને પગ બાંધવા માટે તે કમરબંધનો ઉપયોગ કર્યો. આગાબાસે કહ્યું, “પવિત્ર આત્મા મને કહે છે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાં યહૂદિઓ આવી રીતે બાંધીને બિનયહૂદિઓના હાથમાં સોંપશે.”‘
12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી.
13 પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”
14 અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”
15 આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા.
16 કૈસરિયાથી કેટલાએક ઈસુના શિષ્યો અમારી સાથે આવ્યા. આ શિષ્યો અમને મનાસોન જે જૂનો શિષ્યો સૈપ્રસનો હતો, તેને ઘરે લઈ ગયા. મનાસોન એ ઈસુના શિષ્યોમાં પ્રથમ શિષ્ય હતો. તેઓ અમને તેને ઘેર લઈ ગયો તેથી અમે તેની સાથે રહી શક્યા.
17 યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા.
18 બીજે દિવસે, પાઉલ અમારી સાથે યાકૂબની મુલાકાતે આવ્યો. બધાજ વડીલો પણ ત્યાં હતા.
19 પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.
20 જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે.
21 આ યહૂદિઓએ તારા બોધ વિષે સાંભળ્યું છે. યહૂદિઓ જે બિનયહૂદિઓના દેશમાં રહે છે તેમને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે. તેઓએ સાંભળ્યું છે કે તું તે યહૂદિઓને તેમનાં બાળકોને સુન્નત નહિ કરાવવા અને યહૂદિઓના રિવાજોનું પાલન ન કરવા કહે છે.
22 “અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે.
23 તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે.
24 આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે.
25 “અમે બિનયહૂદિ વિશ્વાસીઓને પત્ર મોકલી દીધેલ છે. પત્રમાં કહ્યું છે:‘મૂર્તિઓને અર્પણ કરેલ ભોજન ખાવું નહિ. લોહીને ચાખવું નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાવા નહિ. વ્યભિચારનું પાપ કરો નહિ.’
26 પછી પાઉલે તે ચાર માણસોને સાથે લીધા. બીજે દિવસે પાઉલે શુદ્ધિકરણ સમારંભના દિવસો ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત કરી. છેલ્લે દિવસે તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે.
27 લગભગ તે સાત દિવસ પૂરા થયા. પણ કેટલાક આસિયાના યહૂદિઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ બધા લોકોને ઉશ્કેર્યા અને તેઓએ પાઉલને હાથ નાખીને પકડી લીધો.
28 તેઓએ બૂમો પાડી, ‘અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.”
29 (યહૂદિઓએ આમ કહ્યું, કારણ કે તેઓએ યરૂશાલેમમાં ત્રોફિમસને પાઉલ સાથે જોયો. ત્રોફિમસ એફેસસનો ગ્રીક માણસ હતો. યહૂદિઓએ વિચાર્યુ કે પાઉલે તેને મંદિરના પવિત્ર ભાગમાં લાવ્યો છે.)
30 યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા.
31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે.
32 તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
33 સૂબેદારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી. સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું. પછી સૂબેદારે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શું ખરાબ કર્યુ છે?”
34 કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું.
35 બધા જ લોકો તેઓને અનુસરતા હતા. જ્યારે સૈનિકો પગથિયાં પાસે આવ્યા, તેઓ પાઉલને રક્ષણ આપવા લઈ જવાના હતા. તેઓને પાઉલનું રક્ષણ કરવા માટે કહ્યું કારણ કે લોકો તેને ઇજા પહોંચાડવાની તૈયારીમાં હતા. લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો!”
36
37 સૈનિકો પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવાની તૈયારીમાં હતા. પરંતુ પાઉલે સૂબેદારને પૂછયું, “તમને કંઈ કહેવાનો મને અધિકાર છે?”સૂબેદારે કહ્યું, “ઓહ! તું ગ્રીક બોલે છે?”
38 તો પછી હું તને જે માણસ ધારતો હતો તે તું નથી. હું વિચારતો હતો કે તું મિસરનો માણસ છે જેણે ઘણા સમય પહેલા નહિ, હમણાં જ સરકારની વિરૂદ્ધમાં કેટલીક મુશ્કેલીઓ શરું કરી હતી. તે મિસરી માણસે 4,000 ખૂનીઓને દોરીને બહાર અરણ્યમાં લઈ ગયો.”
39 પાઉલે કહ્યું, “ના, હું તાસર્સનો એક યહૂદિ માણસ છું.તાર્સસ કિલીકિયાના પ્રદેશમાં છે. હું તે અગત્યના શહેરનો નાગરિક છું. મહેરબાની કરીને મને લોકોને કહેવા દો.”
40 સૂબેદારે પાઉલને લોકો સમક્ષ બોલવાની રજા આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો. તેણે તેના હાથો વડે નિશાની કરી. તેથી લોકો શાંત થઈ જાય. લોકો શાંત થઈ ગયા એટલે પાઉલે તેઓને ઉદ્દબોધન કર્યુ. તેણે હિબ્રું ભાષાનો ઉપયોગ કર્યો.
પ્રકરણ 22

1 પાઉલે કહ્યું, “મારા ભાઈઓ અને મારા પિતાઓ, મને ધ્યાનથી સાંભળો! હું તમારી આગળ મારો બચાવ કરું છું.”
2 યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે, તેથી તેઓ વધારે શાંત થયા. પાઉલે કહ્યું,
3 “હું એક યહૂદિ છું. મારો જન્મ કિલીકિયા પ્રદેશના તાર્સસમાં થયો હતો. હું આ શહેરમાં ઊછરેલો. હું ગમાલ્યેલનાશિષ્ય હતો. તેણે કાળજીપૂર્વક મને આપણા પૂર્વજોના નિયમો વિષે બધું જ શીખવ્યું. તમે બધા અહીં આજે જે કરો છો તેમ હું દેવની સેવા કરવા વિષે ઘણો ગંભીર હતો.
4 જે લોકો ઈસુના માર્ગને અનુસરતા હતા. તેઓને મેં સતાવ્યા હતા. મારા કારણે તેઓમાંના કેટલાકની હત્યા પણ થઈ હતી. મેં પુરુંષો અને સ્ત્રીઓને પકડ્યા અને મેં તેઓને કારાવાસમાં નાખ્યા હતા.
5 “પ્રમુખ યાજક વડીલ યહૂદિ આગેવાનોની આખી સમિતિ તમને કહી શકશે કે આ સાચું છે! એક વખતે આ આગેવાનોએ મને કેટલાક પત્રો આપ્યા. આ પત્રો દમસ્ક શહેરના યહૂદિ ભાઈઓ માટે હતા. હું ત્યાં ઈસુના શિષ્યોને પકડવા અને તેમને શિક્ષા કરવા માટે યરૂશાલેમમાં પાછા લાવવા જતો હતો.
6 “પરંતુ દમસ્કના મારા માર્ગમાં મારી સાથે કંઈક બન્યું. તે લગભગ બપોર હતી જ્યારે હું દમસ્કની નજીક આવી પહોંચ્યો. અચાનક એક તેજસ્વી પ્રકાશ આકાશમાંથી મારી આજુબાજુ પ્રકાશ્યો.
7 હું જમીન પર પડ્યો. મને કંઈક કહેતી વાણી મેં સાંભળી. ‘શાઉલ, શાઉલ તું શા માટે મારી સતાવણી કરે છે?’
8 “મેં પૂછયું, “પ્રભુ! તું કોણ છે!” તે વૅંણીએ કહ્યું, ‘હું નાઝરેથનો ઈસુ છું. તું જેને સતાવે છે તે હું એક છું.’
9 મારી સાથે જે માણસો હતા તેઓ મારી સાથે જેણે વાત કરી છે તેની વાણી સમજી શક્યા ન હતા. પરંતુ માણસોએ પ્રકાશ જોયો.
10 “મેં કહ્યું, ‘પ્રભુ, મારે શું કરવું જોઈએ?’ પ્રભુએ જવાબ આપ્યો, ‘ઊભો થા અને દમસ્કમાં જા અને મેં તારે કરવાના કામની યોજના કરી છે તે વિષે તને ત્યાં કહેવામાં આવશે.’
11 હું જોઈ શક્યો નહિ કારણ કે તેજસ્વી પ્રકાશે મને આંધળો બનાવ્યો હતો. તેથી જે માણસો મારી સાથે હતા. તેઓ મને દમસ્કમાં દોરી ગયા.
12 “દમસ્કમાં અનાન્યાનામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા જ યહૂદિઓ તેને માન આપતા.
13 અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો.
14 ‘અનાન્યાએ મને કહ્યું, ‘અમારા પૂર્વજોના દેવે ઘણા વખત પહેલા તને પસંદ કર્યો છે. દેવે તેની યોજના જાણવા માટે તને પસંદ કર્યો છે. તેણે તને એક ન્યાયી જોવા તથા તેની પાસેથી બોધ સાંભળવા પસંદ કર્યો છે.
15 બધા લોકો સમક્ષ તું તેનો સાક્ષી થશે. તેં જોયેલી અને સાંભળેલી વાતો વિષે લોકોને કહે.
16 હવે વધારે સમય રાહ જોઈશ નહિ. ઊભો થા, અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લઈને તારા પાપ ધોઇ નાખ.’
17 “પછી, હું યરૂશાલેમ પાછો ફર્યો. હું મંદિરની પરસાળમાં પ્રાર્થના કરતો હતો. અને મેં એક દશ્ય જોયું.
18 મેં ઈસુને જોયો અને ઈસુએ મને કહ્યું, ‘ઉતાવળ કર, યરૂશાલેમ હમણા જ છોડી જા. અહીમના લોકો મારા વિશેનું સત્ય સ્વીકારશે નહિ.’
19 “મેં કહ્યું, ‘પણ પ્રભુ લોકો જાણે છે કે હું તે હતો જેણે વિશ્વાસીઓને કારાવાસમાં નાખીને તેઓને માર્યા હતા. હું દરેક સભાસ્થાનમાં તારા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને શોધવા અને તે લોકોને પકડવા ગયો છું.
20 લોકો એ પણ જાણે છે કે જ્યારે તારા સાક્ષી સ્તેફનને મારી નાખ્યો હતો ત્યારે હું ત્યાં હતો. હું ત્યાં ઊભો રહીને સંમત થયો હતો કે તેઓએ સ્તેફનને મારી નાખવો જોઈએ. જે લોકો તેને મારી નાખતા હતા તેમનાં વસ્ત્રો પણ હું સાચવતો હતો.’
21 “પણ ઈસુએ મને કહ્યું, ‘હવે ચાલ્યો જા. હું તને ઘણે દૂર બિનયહૂદિ લોકો પાસે મોકલીશ.”‘
22 જ્યારે પાઉલે બિનયહૂદિ લોકો પાસે જવાની છેલ્લી વાત કરી ત્યારે લોકોએ ધ્યાનથી સાંભળવાનું બંધ કર્યુ. તેઓ બધાએ બૂમો પાડી, “તેને મારી નાખો! તેને પૃથ્વી પરથી દૂર કરો! આવા માણસને જીવતો રહેવા દેવો ના જોઈએ!”
23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી.
24 પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા.
25 તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”
26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!”
27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?”પાઉલે જવાબ આપ્યો, “હા.”
28 સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.”પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”
29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો.
30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.
પ્રકરણ 23

1 પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.”
2 અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું.
3 પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”
4 પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”
5 પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’“
6 સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!”જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.
7 (સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ. સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.)
8
9 આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”
10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.
11 બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”
12 બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.
13 ત્યાં લગભગ 40 ઉપરાંત યહૂદિઓ હતા જેઓએ આ કાવતરું કર્યું હતું.
14 આ યહૂદિઓ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોની પાસે ગયા અને વાત કરી. યહૂદિઓએ કહ્યું, “અમે અમારી જાતે ગંભીર પ્રતિજ્ઞા કરી છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે ખાશું કે પીશું નહિ!
15 તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. “તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”
16 પણ પાઉલના ભાણિયાએ આ યોજના વિષે સાંભળ્યું. તે લશ્કરના બંગલામાં ગયો અને પાઉલને તે યોજના વિષે કહ્યું.
17 પછી પાઉલે એક લશ્કરના અમલદારને બોલાવ્યો અને તેને કહ્યું, “આ યુવાન માણસને સરદારની પાસે લઈ જા. તેની પાસે તેને માટે સંદેશો છે.”
18 તેથી તે લશ્કરનો અમલદાર પાઉલના ભાણિયાને સરદાર પાસે લાવ્યો. તે અમલદારે કહ્યું, “તે કેદી પાઉલે આ યુવાન માણસને તારી પાસે લાવવા માટે મને કહ્યું. તેની ઈચ્છા તને કંઈક કહેવાની છે.”
19 તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, ‘તું મને શું કહેવા ઇચ્છે છે?’
20 તે યુવાન માણસે કહ્યું, ‘યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે.
21 પરંતુ તેઓનામાં વિશ્વાસ કરવો નહિ! ત્યાં લગભગ 40 યહૂદિઓ જે છુપાયેલા છે અને પાઉલને મારી નાખવાની રાહ જોઈ રહ્ય છે. તેઓ બધાએ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી ખાવું કે પીવું નહિ! હવે તેઓ તું હા કહે તેની જ રાહ જુએ છે’
22 તે સરદારે તે યુવાન માણસને દૂર મોકલ્યો. તે સરદારે તેવે કહ્યું, “કોઈને કહીશ નહિ કે તેં મને તેઓની યોજના વિષે કહ્યું છે.”
23 પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 20 0સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો.
24 પાઉલની સવારી માટે કેટલાએક ઘોડા તૈયાર રાખો. હાકેમ ફેલિકસ પાસે તેને સહીસલામત લઈ જવામાં આવે.”
25 સરદારે એક પત્ર લખ્યો. પત્રમાં આ મુજબ લખાણ છે.
26 નેકનામદાર ફેલિકસ હાકેમને કલોદિયસ લુસિયાની સલામ.
27 તે યહૂદિઓએ આ માણસને (પાઉલ) પકડ્યો હતો અને તેઓએ તેને મારી નાખવાની યોજના કરી હતી. પરંતુ મેં સાંભળ્યું છે કે તે એક રોમન નાગરિક છે, તેથી હું મારા સૈનિકો સાથે ગયો અને તેને છોડાવ્યો.
28 હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો.
29 મેં જે જાણયું તે આ છે; યહૂદિઓએ કહ્યું, પાઉલે એવું કંઈક કર્યુ છે જે ખોટું હતું. પણ આ આક્ષેપો તેના પોતાના યહૂદિ નિયમો વિષે છે. તેમાનો એક પણ લાયક નથી. અને આ વસ્તુઓમાંની કેટલીક તો જેલ અને મૃત્યુદંડને યોગ્ય છે.
30 મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કેટલાએક યહૂદિઓએ પાઉલને મારી નાખવાની યોજના ઘડી રહ્યા હતા. તેથી હું તેને તમારી પાસે મોકલું છું. મેં તે ફરિયાદીઓને પણ તેમને તેની સામે જે વિરોધ હોય તે કહેવા કહ્યું છે.
31 તે સૈનિકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું. તે સૈનિકો પાઉલને લઈ ગયા અને તે જ રાત્રે અંતિપાત્રિસના શહેરમાં તેઓ તેને લઈ ગયા.
32 બીજે દિવસે ઘોડેસવારો પાઉલ સાથે કૈસરિયા પહોંચ્યા. પણ બીજા સૈનિકો અને બરછીવાળા માણસો યરૂશાલેમમાં લશ્કરના મકાનની પાછળ પાછા ગયા.
33 ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.
34 તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, ‘તું કયા દેશનો છે?’ હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો.
35 ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરા હેઠળ રાજમહેલમાં રાખવાનો હુકમ કર્યો.”
પ્રકરણ 24

1 પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા.
2 પાઉલને સભામાં લઈ જવામાં આવ્યો. તેર્તુલુસે તેના પર તહોમત મૂકવાનું શરૂ કર્યુ.તેર્તુલસે કહ્યું, “નેકનામદાર ફેલિક્સ! અમારા લોકો તારા કારણે સુખશાંતિ ભોગવે છે. તારી દીર્ધદષ્ટિથી આપણા દેશની ઘણી ખોટી વસ્તુઓને સાચી બનાવાઇ હતી.
3 તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞાથી સ્વીકારીએ છીએ.
4 પણ હું તારો વધારે સમય લેવા ઇચ્છતો નથી. તેથી હું ફક્ત થોડા શબ્દો જ કહીશ. કૃપા કરીને ધીરજ રાખ અને અમને સાંભળવા પૂરતી કૃપા કર.
5 આ માણસ (પાઉલ) પીડાકારક છે. તે દુનિયામાં દરેક જગ્યાએ યહૂદિઓમાં મતભેદ ફેલાવે છે. તે નાઝરેથના સમૂહનો આગેવાન છે.
6 તેણે મંદિરને અશુદ્ધ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પણ અમે તેને રોક્યો છે. (અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા.
7 પણ લુસિયાસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી ગયો,
8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી)જો તેની સામેના આ બધા જ આક્ષેપો સાચા હોય તો, તું નિર્ણય કરી શકે છે. તારી જાતે તેને કેટલાક પ્રશ્રો પૂછ.”
9 બીજા યહૂદિઓ સંમત થવા. તેઓએ કહ્યું, “આ વસ્તુઓ ખરેખર સાચી છે!”
10 હાકેમે પાઉલને બોલવા માટે ઇશારો કર્યો. તેથી પાઉલે જવાબ આપ્યો. “નામદાર હાકેમ ફેલિકસ, હું જાણું છું કે આ દેશનો તું લાંબા સમય સુધી ન્યાયાધીશ રહ્યો છે. તેથી હું ખુશીથી મારો બચાવ મારી જાતે તારી સમક્ષ રજૂ કરું છું.
11 હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે.
12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી.
13 આ યહૂદિઓ મારી સામે કોઇ આક્ષેપો સાબિત કરી શકે તેમ નથી. તેઓ હવે મારી વિરૂદ્ધ બોલે છે.
14 “પણ હું તને આ કહીશ. હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ, ઈસુના માર્ગના શિષ્યો તરીકે કરું છું. યહૂદિઓ કહે છે કે ઈસુનો સાચો માર્ગ નથી. પણ મને મૂસાના નિયમશાસ્ત્રમાં શીખવેલ પ્રત્યેક વાતોમાં વિશ્વાસ છે. અને પ્રબોધકોનાં પુસ્તકોમાં જે લખાણ છે તે બધી વસ્તુઓમાં પણ મને વિશ્વાસ છે.
15 યહૂદિઓને દેવમાં આશા છે તે જ આશા મને છે. અને યહૂદિઓમાં અહી બધાજ ન્યાયી, અન્યાયી પુનરુંત્થાન પામશે.
16 તેથી હું હંમેશા મને જેમાં વિશ્વાસ છે તે કરવા પ્રયત્ન કરું છું. તે દેવ અને માણસો સમક્ષ સાચું છે એમ માનીને તેમ કરવા પ્રયત્ન કરું છું.
17 “હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું.
18 જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી.
19 પણ આસિયાના કેટલાએક યહૂદિઓ ત્યાં હતા. તેઓએ અહીં તારી સમક્ષ ઊભા રહેવું જોઈએ. જો મેં ખરેખર કોઇ ખોટું કર્યુ હોય તો આસિયાના પેલા યહૂદિઓ જે છે તેણે મારા પર તહોમત મૂકવું જોઈએ. તેઓ ત્યાં હતા!
20 જ્યારે હું યરૂશાલેમમાં યહૂદિઓની ન્યાયસભામાં ઊભો હતો ત્યારે તેઓએ મારામાં કશું ખોટું જોયું હોય તો આ યહૂદિઓને અહીં પૂછો.
21 જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી. મેં કહ્યું, “તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે!”‘
22 ફેલિકસ ઈસુના માર્ગ વિષે લગભગ ઘણું બધું સમજ્યો. તેણે ન્યાયનું કામ બંધ રખાવી અને કહ્યું, “જ્યારે સરદાર લુસિયાસ અહીં આવશે ત્યારે હું આ બાબતનો નિર્ણય કરીશ.”
23 ફેલિકસે લશ્કરના અમલદારને પાઉલને રક્ષણમાં રાખવા કહ્યું. પણ તેણે અમલદારને થોડીક સ્વતંત્રતા આપવા કહ્યું. અને પાઉલના મિત્રોને પાઉલની જરુંરિયાતની વસ્તુઓ લાવી આપવાની છૂટ આપવા કહ્યું.
24 થોડાક દિવસો પછી ફેલિકસ તેની પત્ની દ્રુંસિલા સાથે આવ્યો. તેણી એક યહૂદિ હતી. ફેલિકસે પાઉલને તેની પાસે લાવવા માટે કહ્યું. ફેલિકસે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ વિષેની પાઉલની વાતો ધ્યાનથી સાંભળી.
25 જ્યારે પાઉલ ન્યાયી જીવન, સંયમ, અને ભવિષ્યમાં જે ન્યાય થશે જેવી વસ્તુઓ વિષે બોલ્યો, ત્યારે ફેલિકસને ડર લાગ્યો. ફેલિક્સે કહ્યું, “હવે તું જા, જ્યારે મારી પાસે વધારે સમય હશે ત્યારે હું તને બોલાવીશ.”
26 પણ ફેલિકસ પાસે પાઉલની સાથે વાત કરવા બીજું એક કારણ હતું. ફેલિકસે આશા રાખી કે પાઉલ તેને લાંચ (પૈસા) આપશે. તેથી ફેલિક્સે પાઉલને વારંવાર બોલાવ્યો અને તેની સાથે વાત કરી.
27 પણ બે વરસ પછી પોર્કિયુસ ફેસ્તુસ હાકેમ બન્યો. તેથી ફેલિકસ લાંબો સમય હાકેમ ન રહ્યો. પરંતુ ફેલિક્સે પાઉલને બંદીખાનામાં નાખ્યો કારણ કે ફેલિકસ યહૂદિઓને ખુશ કરવા કંઈક કરવા ઇચ્છતો હતો.
પ્રકરણ 25

1 ફેસ્તુસ હાકેમ બન્યો, અને ત્રણ દિવસ પછી તે કૈસરિયાથી યરૂશાલેમ ગયો.
2 મુખ્ય યાજક અને મહત્વના યહૂદિ આગેવાનોએ ફેસ્તુસની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂક્યા.
3 તેઓએ ફેસ્તુસને તેઓના માટે કંઈક કરવા કહ્યું. તે યહૂદિઓ ઇચ્છતા હતા કે ફેસ્તુસ પાઉલને પાછો યરૂશાલેમ મોકલે. તેઓ પાસે પાઉલને રસ્તામાં જ મારી નાખવાની યોજના હતી.
4 પરંતુ ફેસ્તુસે જવાબ આપ્યો, “ના! પાઉલને કૈસરિયામાં રાખવામાં આવશે. હું જલદીથી મારી જાતે કૈસરિયા જઈશ.
5 તમારા કેટલાએક આગેવાનોએ મારી સાથે જવું જોઈએ. જો તેણે ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો તેઓ ત્યાં કૈસરિયામાં તે માણસ વિરૂદ્ધ તહોમત મૂકી શકે છે.’
6 ફેસ્તુસ યરૂશાલેમમાં આઠ કે દસ દિવસો રહ્યો. પછી તે કૈસરિયા પાછો ગયો. બીજે દિવસે ફેસ્તુસે સૈનિકોને તેની આગળ પાઉલને લાવવા માટે કહ્યું. ફેસ્તુસ ન્યાયાસન પર બેઠો હતો.
7 પાઉલ ઓરડામાં આવ્યો હતો. જે યહૂદિઓ યરૂશાલેમથી આવ્યાં હતા તેઓ તેની આજુબાજુ ઊભા, ઘણા ગંભીર આક્ષેપો તેની વિરૂદ્ધ મૂક્યા. પણ તેઓ આમાંનું કશું પણ સાબિત કરી શક્યા નહિ.
8 પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે. “મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ, મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી.”
9 પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”
10 પાઉલે કહ્યું, “હમણાં હું કૈસરના ન્યાયાસન આગળ ઊભો છું. જ્યાં મારો ન્યાય થવો જોઈએ તે જ જગ્યા આ છે. મેં યહૂદિઓનું કશું ખોટું કર્યુ નથી. તમે જાણો છો આ સાચું છે.
11 જો કાયદો કહેતો હોય કે મારે મરી જવું જોઈએ, તો હું મરવા માટે સંમત છું. હું મૃત્યુમાંથી બચવા માટે કહેતો નથી. પણ જો આ તહોમતો સાચા ના હોય તો પછી મને કોઈ વ્યક્તિ આ યહૂદિઓને હવાલે કરી શકે નહિ, ના! હું મારો કેસ કૈસર સાંભળે એમ ઈચ્છું છું!”
12 ફેસ્તુસે આ બાબત વિષે તેના સલાહકારો સાથે વાત કરી. પછી તેણે કહ્યું, “તેથી તુ કૈસર પાસે જા અને તેને મળ!”
13 થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા.
14 તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યા. ફેસ્તુસે રાજાને પાઉલ સંબંધી કહ્યું, “ત્યાં એક માણસ છે જેને ફેલિકસે કારાવાસમાં પૂર્યો છે.
15 જ્યારે હું યરૂશાલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદિઓના વડીલોએ ત્યાં તેની વિરૂદ્ધ તહોમતો મૂક્યા. આ યહૂદિઓ મને તેના મૃત્યુનો હૂકમ કરવા ઇચ્છતા હતા.
16 પરંતુ મેં જવાબ આપ્યો. “જ્યારે કોઈ માણસ પર કંઈક ખોટું કરવાના તહોમતો મૂકવામાં આવે તો રોમનો બીજા લોકોને તે માણસનો ન્યાય કરવા માટે આપતા ન હતા. પ્રથમ તે માણસને જે માણસોએ તેની સામે ફરિયાદ કરી હોય તેનો સામનો કરવાની તક આપવી જોઈએ. અને તેને તેઓએ તેની વિરૂદ્ધ કરેલી ફરિયાદોનો બચાવ તેની જાતે કરવાની પરવાનગી પણ આપવી જોઈએ.
17 “તેથી આ યહૂદિઓ અહીં કૈસરિયા ન્યાય માટે આવ્યા. અને મેં સમય ગુમાવ્યો નહિ. બીજે દિવસે હું ન્યાયાસનની બેઠક પર બેઠો અને હુકમ કર્યો કે તે માણસને અંદર લાવવામાં આવે .
18 યહૂદિઓ ઊભા થયા અને તેની સામે તહોમત મૂક્યું. પણ યહૂદિઓએ કોઇ ખરાબ ગુનાઓ વિષે ફરિયાદ કરી નહિ. હું ધારતો હતો કે તેઓ કરશે.
19 તેઓએ જે વાતો કહી, તે તેઓના પોતાના ધર્મ અને ઈસુ નામના માણસ વિષે હતી. ઈસુ મૃત્યુ પામ્યો છે છતાં પાઉલે દાવો કર્યો કે તે હજુય જીવે છે.
20 હું આ બાબત વિષે વધું જાણતો ન હતો. તેથી મેં પ્રશ્રો પૂછયા નહિ. પણ મેં પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમમાં જઈને આ બાબતમાં ન્યાય કરવાની છે?’
21 પણ પાઉલે કૈસરિયામાં જ રાખવા માટે કહ્યું. તે પાદશાહ પાસેથી નિર્ણય ઇચ્છે છે. તેથી મેં હુકમ કર્યો કે જ્યાં સુધી હું તેને રોમમાં કૈસર પાસે ન મોકલી શકું ત્યાં સુધી તેને કેદમાં રાખવો.”
22 અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “આ માણસને સાંભળવો મને પણ ગમશે.”ફેસ્તુસે કહ્યું, “આવતીકાલે તું એને સાંભળી શકીશ!”
23 બીજે દિવસે અગ્રીપા અને બરનિકા દેખાયા. તેઓ ઘણા મહત્વના લોકો હોય તે રીતે વસ્ત્રો પરિધાન કરીને દબદબાથી ર્વત્યા. અગ્રીપા અને બરનિકા લશ્કરના અધિકારીઓ અને કૈસરિયાના મહત્વના લોકો ન્યાયાલય ખંડમાં ગયા. ફેસ્તુસે પાઉલને અંદર લાવવા સૈનિકોને હુકમ કર્યો.
24 ફેસ્તુસે કહ્યું, “રાજા અગ્રીપા અને તમે બધા લોકો અહી અમારી સાથે ભેગા થયા છો, તમે આ માણસને જુઓ છો. યરૂશાલેમના તથા અહીંના આ બધા યહૂદિ લોકોએ મને તેના વિષે ફરિયાદ કરી છે. જ્યારે તેઓએ તેના વિષે ફરિયાદ કરી ત્યારે તેઓએ પોકાર કર્યો કે, તેને મારી નાખવો જોઈએ.
25 મેં જ્યારે તેનો ન્યાય કર્યો. મને કંઈ ખોટું જણાયું નહી, મને તેને મોતનો હુકમ કરવા કોઈ કારણ જણાયું નહિ. પણ તેણે તેની જાણ તેની જાતે કરવા કહ્યું કે તેનો ન્યાય કૈસર વડે થવો જોઈએ. તેથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કર્યો.
26 પણ મારી પાસે તેની વિરૂદ્ધ કૈસરને લખવા માટે કોઇ ચોક્કસ બાબત ન હતી તેથી હું તમારા બધાની આગળ ખાસ કરીને રાજા અગ્રીપા પાસે લાવ્યો છું. કારણ કે તેણે કંઈ ખોટું કર્યુ નથી. હું આશા રાખું છું કે તું તેને પ્રશ્ર કર અને મને કૈસરને કંઈક લખવા દે.
27 હું વિચારું છું કે બંદીવાનને કૈસર પાસે તેની વિરૂદ્ધ કોઇ જાતના આરોપો દર્શાવ્યા વિના મોકલવો તે મૂર્ખતા છે. મને એ અયોગ્ય લાગે છે.”
પ્રકરણ 26

1 અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું હવે તારા બચાવમાં કહી શકે છે.” પછી પાઉલે તેનો હાથ ઊચો કર્યો અને બોલવાનું શરું કર્યુ.
2 તેણે કહ્યું, “હે રાજા અગ્રીપા, મારા વિરૂદ્ધ યહૂદિઓએ જે બધા આરોપો મૂક્યા છે તે બધાનો હું જવાબ આપીશ. હું માનું છું કે હું ભાગ્યશાળી છું કે આજે હું તમારી સમક્ષ અહી ઊભો રહીને આ કરીશ.
3 મને તારી સાથે વાત કરવાનો ઘણો આનંદ છે કારણ કે તમે બધા યહૂદિઓના રિવાજો તથા બાબતો જેના વિષે યહૂદિઓ દલીલો કરે છે તે વિષે તમે માહિતગાર છો. કૃપા કરીને ધીરજપૂર્વક મને ધ્યાનથી સાંભળો.
4 “બધાજ યહૂદિઓ મારા આખા જીવન વિષે જાણે છે. શરુંઆતથી મારા પોતાના દેશમાં અને પાછળથી યરૂશાલેમમાં હું જે રીતે જીવતો હતો તે તેઓ જાણે છે.
5 આ યહૂદિઓ મને લાંબા સમયથી જાણે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમને કહી શકશે કે, હું એક સારો ફરોશી હતો. અને ફરોશીઓ અમારા ધર્મના નિયમોનું પાલન, યહૂદિ લોકોના બીજા સમૂહો કરતાં વધારે કાળજીપૂર્વક કરે છે.
6 હમણાં હું ન્યાય માટે ઊભો છું. કારણ કે દેવે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તેમા મને આશા છે.
7 આ તે વચન છે કે આપણા લોકોની બાર જાતિઓ તે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આ આશૅંથી યહૂદિઓ રાત દિવસ દેવની સેવા કરે છે. મારા રાજા, યહૂદિઓએ મારા ઉપર તહોમત મૂક્યાં છે કારણ કે હું પણ એ જ વચનની આશા રાખું છું.
8 શા માટે તમે લોકો વિચારો છો કે મૃત્યુ પામેલા લોકોને દેવ ઉઠાડે છે તે અસંભવિત છે?
9 “જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
10 અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી.
11 પ્રત્યેક સભાસ્થાનમાં મેં તેઓને શિક્ષા કરી. મેં તેઓની પાસે ઈસુની વિરૂદ્ધમાં ખરાબ કહેવડાવવા પ્રયત્ન કર્યો. હું આ લોકોની વિરૂદ્ધ એટલો બધો ગુસ્સે થયો હતો કે મેં બીજા શહેરોમાં જઈને તેઓને શોધીને તેઓને ઇજા પહોંચાડી.
12 “એક વખતે મુખ્ય યાજકોએ મને દમસ્ક જવા માટેની સત્તા અને પરવાનગી આપી.
13 હું દમસ્કના માર્ગ પર હતો.હે રાજા! બપોરનો સમય હતો. મેં આકાશમાંથી પ્રકાશ જોયો. તે પ્રકાશ સૂર્યથી પણ વધારે તેજસ્વી હતો. તે તેજ મારી ચારે બાજુ અને જે માણસો મારી સાથે મુસાફરી કરતાં હતા તેઓના પર પ્રકાશ્યું.
14 અમે બધા જમીન પર પડી ગયા. પછી મેં એક વાણી યહૂદિ ભાષામાં સાંભળી. તે વાણીએ કહ્યું, ‘શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? મારી સાથે લડવામાં તું તારી જાતને જ નુકસાન કરી રહ્યો છે.’
15 “મેં કહ્યું, ‘પ્રભુ! તું કોણ છે?’“પ્રભુએ કહ્યું, ‘હું ઈસુ છું. તું જેને સતાવે છે તે હું છું.
16 ઊભો થા! મારો સેવક થવા માટે મેં તને પસંદ કર્યો છે. તું મારો સાક્ષી થશે-તેં આજે મારા વિષે જોયું છે. અને પછી હું તને જે બતાવીશ તે તું લોકોને કહીશ. તેના કારણે હું આજે તારી પાસે આવ્યો છું.
17 હું તારા પોતાના લોકોથી તને ઇજા થવા દઇશ નહિ. અને હું તારું બિનયહૂદિઓથી પણ રક્ષણ કરીશ. હું આ લોકો પાસે તને મોકલું છું.
18 તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.”‘
19 પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું: “રાજા અગ્રીપા, જ્યારે મેં આ આકાશી દર્શન જોયું, પછી મેં તેની આજ્ઞા માની.
20 મેં લોકોને કહેવાનું શરું કર્યુ. “તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને દેવ પાસે પાછા ફરવું જોઈએ. મેં તે લોકોને કહ્યું કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો છે તે દર્શાવવા તેવાં કામો કરવાં જોઈએ. મેં સર્વ પ્રથમ આ વસ્તુઓ દમસ્કના લોકોને કહી. પછી હું યરૂશાલેમના તથા યહૂદિઓના દરેક ભાગમાં ગયો અને આ વાતો ત્યાં લોકોને કહી અને બિનયહૂદિ લોકો પાસે પણ હું ગયો.
21 “આ કારણથી જ યહૂદિઓએ મને પકડીને અને મંદિરમાં મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
22 પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું.
23 તેઓએ કહ્યું છે કે ખ્રિસ્ત મૃત્યુ પામશે અને તે પ્રથમ જ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે ખ્રિસ્ત યહૂદિ લોકો અને બિનયહૂદિ લોકો માટે પ્રકાશ લાવશે.”
24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”
25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું.
26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે.
27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”
28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”
29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”
30 રાજા અગ્રીપા, હાકેમ ફેસ્તુસ, બરનિકા, અને તેઓની સાથે બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા.
31 અને ખંડ છોડી ગયા. તેઓ એક બીજા સાથે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ માણસને દેહાંતદંડ કે કારાવાસમાં નાખવો જોઈએ નહિ, ખરેખર તેણે કંઈ ખોટું કર્યું નથી!”
32 અને અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “જો તેણે કૈસર પાસે દાદ માંગી ના હોત તો આપણે આ માણસને જવા માટે મુક્ત કરી શક્યા હોત.”
પ્રકરણ 27

1 તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો.
2 અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.
3 બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા.
4 અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો.
5 અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા.
6 મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.
7 અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા.
8 અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે.
9 પણ અમે ઘણો સમય બગાડ્યો છે. હવે હંકારવું એ ઘણું ભયાનક હતું, કારણ કે યહૂદિઓના ઉપવાસનો દિવસ પછી લગભગ તેમ થયું હતું. તેથી પાઉલે તેમને ચેતવણી આપી.
10 “ભાઈઓ, હું જોઈ શકું છું કે આ સફરમાં ઘણી આફતો આવશે. વહાણ અને વહાણની અંદરની વસ્તુઓનો વિનાશ થશે. આપણા જીવો પણ જોખમમાં હશે!”
11 પરંતુ કપ્તાન અને વહાણના માલિકે પાઉલે જે કંઈ કહ્યું તે માન્યું નહિ અને લશ્કરના સૂબેદારે જે કપ્તાને અને વહાણના માલિકે કહ્યું તે માન્યું.
12 અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)
13 પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા.
14 પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય (નોર્થ ઈસ્ટ-યુરાકુલોન) નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો.
15 વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.
16 અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું.
17 માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું.
18 બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી.
19 એક દિવસ પછી તેઓએ વહાણનાં સાધનો પોતાના હાથે જ બહાર ફેંકી દીધા.
20 ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ. તોફાન ઘણું ખરાબ હતું. અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી. અમે વિચાર્યુ અમે મરી જઈશું.
21 તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ.
22 પણ હવે હું તમને ખુશી થવા કહું છું. તમારામાંનો કોઈ મૃત્યુ પામશે નહિ. પણ વહાણનો નાશ થશે.
23 ગઇ રાત્રે દેવ તરફથી એક દેવદૂત મારી પાસે આવ્યો. હું જેની ભક્તિ કરું છું તે દેવ આ છે. હું તેનો છું.
24 દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’
25 તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે.
26 પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”
27 ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ.
28 તેઓએ દોરડાને છેડે વજન લટકાવીને પાણીની અંદર ફેંક્યા. તેઓએ જોયું દરિયાની ઊડાઈ 120 ફૂટ હતી. તેઓ થોડા આગળ ગયા અને ફરીથી દોરડા નાખ્યા તો ત્યાં 90 ફૂટ ઊડાઈ હતી.
29 ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.
30 કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા.
31 પણ પાઉલે લશ્કરના સૂબેદાર અને બીજા સૈનિકોને કહ્યું, “જો આ લોકો વહાણમાં નહિ રહે તો પછી તેઓને બચાવાશે નહિ!”
32 તેથી સૈનિકોએ દોરડાં કાપી નાખ્યા અને જીવનરક્ષા મછવાને પાણીમાં છોડી દીધું.
33 જ્યારે અમે દિવસ ઉગવાની રાહ જોતા હતા ત્યારે પાઉલે બધા લોકોને કંઈક ખાવા માટે સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું, “ગયા બે અઠવાડિયાથી તમે ભૂખ્યા રહીને રાહ જોઈ છે. તમે14 દિવસ સુધી ખાધું નથી.
34 હું તમને હવે વિનંતી કરું છું કે, તમે કંઈક ખાઓ.” ‘પછી તેણે આ કહ્યું. ‘તમારે જીવતા રહેવા માટે આ તમારા માટે જરુંરી છે. તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી,”
35 પાઉલે કેટલીક રોટલી લીધી તેઓના બધાની સમક્ષ દેવની સ્તુતિ કરી. તેણે એક ટુકડો તોડ્યો અને ખાવાની શરૂઆત કરી.
36 બધા લોકોને વધારે સારું લાગ્યું. તેઓ બધાએ પણ ખાવાનું શરૂ કર્યુ.
37 (ત્યાં વહાણમાં 276 લોકો હતા.)
38 અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.
39 જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી.
40 તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ.
41 પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.
42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ.
43 પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું.
44 બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.
પ્રકરણ 28

1 જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો.
2 તે વખતે વરસાદ વરસતો હતો અને ખૂબ ઠંડી હતી. પણ જે લોકો ત્યાં રહેતા હતા તે અમારા પ્રત્યે ઘણા સારા હતા. તેઓએ અમારા માટે અગ્નિ સળગાવ્યો અને અમારા બધાનું સ્વાગત કર્યુ.
3 પાઉલે આગ માટે થોડીક સૂકી લાકડીઓ ભેગી કરી. પાઉલ તે અગ્નિમાં લાકડા નાખતો હતો ત્યારે ગરમીને કારણે એક ઝેરી સાપ બહાર આવ્યો અને પાઉલના હાથે કરડ્યો.
4 ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”
5 પણ પાઉલે તે સાપને અજ્ઞિમાં ઝટકી નાખ્યો. પાઉલને કોઇ ઇજા થઈ નહિં.
6 લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!”
7 ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા.
8 પબ્લિયુસનો પિતા ઘણો બિમાર હતા. તે તાવને લીધે પથારીવશ હતો. તેને મરડો થયો હતો. પરંતુ પાઉલ તેની પાસે ગયો અને તેના માટે પ્રાર્થના કરી. પાઉલે તેના હાથો તે માણસના માથા પર મૂક્યા અને તેને સાજો કર્યો.
9 આ બનાવ પછી ટાપુ પરના લોકો જેઓ બિમાર હતા તેઓ પાઉલ પાસે આવ્યા. પાઉલે તેઓને પણ સાજા કર્યા.
10 ટાપુ ઉપરના લોકોએ અમને ઘણા માન સાથે ઘણી ભેટો આપી. ત્યાં અમે ત્રણ માસ રહ્યા. જ્યારે અમે વિદાય થવા તૈયાર થયા, લોકોએ અમને અમારી જરુંરી વસ્તુઓ આપી.અમે આલેકસાંદ્રિયા શહેરમાંથી એક વહાણમાં બેઠા. તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી.
11
12 અમે સુરાકુસમાં આવ્યા ત્યાં સુરાકુસમાં ત્રણ દિવસ રહ્યા અને પછી વિદાય થયા.
13 અમે રેગિયુમ શહેરમાં આવી પહોંચ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફૂંકાવાની શરુંઆત થઈ. તેથી અમે વિદાય થવા સાર્મથ્યવાન થયા. એક દિવસ પછી અમે પુત્યોલી શહેરમાં આવ્યા.
14 અમને ત્યાં કેટલાએક વિશ્વાસીઓ મળ્યા. તેઓએ પોતાની સાથે એક અઠવાડિયું રહેવા માટે કહ્યું. આખરે અમે રોમ આવ્યા.
15 રોમના વિશ્વાસીઓએ જાણ્યું કે અમે અહી હતા. તેઓ અમને આપિયસના બજારમાં અને ત્રણ ધર્મશાળાઓમાં મળવા માટે સામા આવ્યા. જ્યારે પાઉલે આ વિશ્વાસીઓને જોયા, તેને વધારે સારું લાગ્યું. પાઉલે દેવનો આભાર માન્યો.
16 પછી અમે રોમ ગયા. રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી. પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો.
17 ત્રણ દિવસ પછી પાઉલને કેટલાએક મહત્વના યહૂદિઓના મુખ્ય માણસોને ભેગા બોલાવ્યા.. જ્યારે તેઓ ભેગા થયા. પાઉલે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, મેં આપણા લોકોની વિરૂદ્ધ કશું જ કર્યુ નથી. મેં આપણા પૂર્વજોના રિવાજો વિરૂદ્ધ પણ કંઈ કર્યુ નથી. પરંતુ મને યરૂશાલેમમાં પકડીને રોમનોને હવાલે કરવામાં આવ્યો છે.
18 તે રોમનોએ મને ઘણા પ્રશ્રો પૂછયા. પરંતુ તેઓએ કયા કારણે મને મરણદંડ માટે યોગ્ય ગણવા તે માટે તેઓ કોઇ કારણ શોધી શક્યા નથી. તેથી તેઓ મને મુક્ત કરી દેવા ઇચ્છતા હતા.
19 પણ ત્યાંના યહૂદિઓને તે જોઈતું ન હતું. તેથી મેં મારા ન્યાય માટે વાંધો ઊઠાવ્યો અને કૈસર આગળ રોમમાં આવવા માટે કહેવું પડ્યું. પરંતુ હું એમ કહેતો નથી કે મારા લોકોએ કાંઇક ખોટું કર્યુ છે.
20 તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો. હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે.”
21 યહૂદિઓએ જવાબ આપ્યો, “અમને યહૂદિઓમાંથી તારા વિષે કોઇ પત્ર મળ્યો નથી. જે યહૂદિ ભાઈઓ ત્યાંથી મુસાફરી કરીને આવ્યા છે તેમાંના કોઇ તારા વિષેના સમાચાર લાવ્યા નથી કે અમને તારા વિષે કંઈ ખરાબ કહ્યું નથી.
22 અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે. અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે.”
23 પાઉલે અને યહૂદિઓએ સભા માટે એક દિવસ પસંદ કર્યો. તે દિવસે એ યહૂદિઓના ઘણા લોકો પાઉલની પાસે તેના ઉતારામાં આવ્યા. પાઉલ આખો દિવસ તેમની સમક્ષ બોલ્યો. પાઉલે તેમને દેવના રાજ્યની સમજણ આપી. પાઉલે ઈસુ વિષેની વાતોમાં વિશ્વાસ કરવા તેઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના ધર્મશાસ્ત્રનો ઉપયોગ આ કરવા માટે કર્યો.
24 કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો.
25 તેઓ દલીલ કરતા હતા. યહૂદિઓ જવા તૈયાર હતા, પણ પાઉલે તેમને એક વધારાની બાબત કહીં, “પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક દ્ધારા તમારા પૂર્વજોને સત્ય કહ્યું છે. તેણે કહ્યું,
26 ‘આ લોકો પાસે જાઓ અને તેઓને કહો: તમે ધ્યાનથી સાંભળશો, પણ તમે સમજી શકશો નહિ! તમે જોશો અને તમે જોયા કરશો, પણ તમે જે જુઓ છો તે સમજી શકશો નહિ!
27 હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે. આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે. આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે પણ જોઈ શક્તા નથી, તેઓના કાનોથી સાંભળે છે, અને તેઓના મનથી સમજે છે. આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.” યશાયા 6:9-
10
28 “હે યહૂદિઓ, હું તમને જણાવવા ઈચ્છું છું કે દેવે બિનયહૂદિ લોકો માટે તેનું તારણ મોકલ્યું છે. તેઓ ધ્યાનથી સાંભળશે!”
29 “પાઉલે આ વાતો કહી ત્યાર પછી, યહૂદિઓ ચાલ્યા ગયા. તેઓ માંહોમાંહે ઘણો વાદવિવાદ કરતા હતા.”
30 પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો. જેઓ તેને મળવા ત્યાં આવતા હતા. તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો.
31 પાઉલે દેવના રાજ્ય વિષેનો બોધ આપ્યો. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શીખવ્યું. તે ઘણો બહાદૂર હતો, અને કોઇએ તેને બોલતાં અટકાવવા પ્રયત્ન કર્યો નહિ.