ગલાતીઓને પત્ર

1 2 3 4 5 6


પ્રકરણ 1

1 પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો.
2 ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંનીમંડળીઓને કુશળતા પાઠવું છું.
3 હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે.
4 આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી.
5 તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.
6 થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો.
7 વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે૤ તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે૤
8 અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ!
9 મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.
10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.
11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ ર્સજીત નથી.
12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.
13 તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
14 મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો૤ બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.
15 પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો
16 કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી.
17 હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.
18 ત્રણ વરસ પછી હું યરૂશાલેમ ગયો; મારે પિતરને મળવું હતું. હું પિતર સાથે
15 દિવસ રહ્યો.
19 હું પ્રભુના ભાઈ યાકૂબ સિવાય, બીજા કોઈ પ્રેરિતોને મળ્યો નહિ.
20 દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી.
21 પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો.
22 યહૂદિયામાંની ખ્રિસ્તની મંડળીઓ પહેલા કદી મને મળી નહોતી.
23 તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.”
24 આ વિશ્વાસીઓએ મારા કારણે દેવની સ્તુતિ કરી.
પ્રકરણ 2

1 14 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો.
2 હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય.
3 તિતસ મારી સાથે હતો. તિતસ ગ્રીક છે. પરંતુ આ નેતાઓએ તિતસને પણ સુન્નત માટે દબાણ ન કર્યુ. અમારે આ સમસ્યાની ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે છુપી રીતે કેટલાએક જૂઠા ભાઈઓ અમારા સમૂહમાં ઘૂસી ગયા હતા. ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા.
4
5 પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા.
6 તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.)
7 પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું.
8 વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું,
9 યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.”
10 તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.
11 પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો.
12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ.
13 તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો.
14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”
15 આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા.
16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.
17 આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના!
18 પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે.
19 મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો.
20 જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો.
21 આ દેવની કૃપા છે, અને મારા માટે તે ઘણી મહત્વની છે. શા માટે? કારણ કે જો નિયમ આપણને દેવને પાત્ર બનાવી શકતો હોત, તો ખ્રિસ્તને મરવું ના પડત.
પ્રકરણ 3

1 તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા.
2 મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો.
3 તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે.
4 તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો!
5 દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
6 પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”
7 તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે.
8 પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”
9 ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.
10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”
11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.
12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”
13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”
14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.
15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી.
16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.)
17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો.430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
18 દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
19 તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થતરીકે ઉપયોગ કર્યો હતો.
20 પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
21 શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ.
22 પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
23 આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા.
24 તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા.
25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.
26 તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો. તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરિધાન કર્યા છે આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધાં દેવના બાળકો છો.
27
28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો.
29 તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.
પ્રકરણ 4

1 મારે તમને આ કહેવું છે: જ્યાં સુધી વારસદાર બાળક છે, ત્યાં સુધી તેનામાં અને ગુલામમાં કોઈ ફેર નથી. એનો કશો જ અર્થ નથી કે વારસદાર બધી જ વસ્તુનો માલિક છે. શા માટે!
2 કારણ કે જ્યાં સુધી તે બાળક છે, તેણે જે લોકોને તેની સંભાળ રાખવા પસંદ કર્યા છે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડે છે. પરંતુ બાળક જ્યારે તેના પિતાએ નક્કી કરેલી ઉમરનો થાય છે ત્યારે તે મુક્ત બને છે.
3 આપણે માટે પણ આવું જ છે. આપણે એક સમયે બાળકો જેવા હતા૤ આપણે આ દુનિયાના બિનઉપયોગી કાયદાઓના ગુલામ હતા.
4 પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો.
5 દેવે આમ કર્યુ કે જેથી જે લોકો નિયમને આધિન હતા તેમની સ્વતંત્રતા ખરીદી શકે. દેવનો હેતુ આપણને તેના સંતાન બનાવવાનો હતો.
6 તમે દેવના સંતાન છો. તેથી દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, બાપ” એમ કહીને હાક મારે છે.
7 તેથી તમે હવે પહેલાની જેમ ગુલામ નથી. તમે દેવનું બાળક છો તેથી તેણે જે વચન આપ્યું છે તે તમને આપશે.
8 ભૂતકાળમાં તમે દેવને જાણતા ન હતા. તમે જે સાચા દેવો નથી તેના ગુલામ હતા.
9 પરંતુ હવે તમે સાચા દેવને જાણો છો. ખરેખર, તે એ દેવ જે તમને જાણે છે. તો તમે શા માટે તે નિર્બળ અને બિનઉપયોગી ઉપદેશના નિયમો કે જેનું તમે ભૂતકાળમાં પાલન કરતાં હતા તેના તરફ ફરીથી ઇચ્છા રાખીને તેઓની ભણી બીજી વાર શા માટે ફરો છો? તમે ફરીથી શું તે વસ્તુના ગુલામ થવા ઈચ્છો છો?
10 હજુ પણ તમે વિશિષ્ટ દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વરસો વિષેના નિયમના શિક્ષણને અનુસરો છો.
11 મને તમારા માટે ભય લાગે છે. મને ભય લાગે છે કે તમારા માટે મેં કરેલું કાર્ય નિરર્થક ગર્યુ છે.
12 ભાઈઓ અને બહેનો, હું તમારા જેવો જ હતો; તેથી તમે મારા જેવા મહેરબાની કરીને બનો. પહેલા તમે મારી સાથે ઘણા સારા હતા.
13 તમે યાદ કરો સો પ્રથમ હું તમારી પાસે કેમ આવ્યો હતો. કારણ કે હું માંદો હતો. તે સમયે મેં તમને સુવાર્તા પ્રગટ કરી.
14 મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો!
15 તે સમયે તમે પણા આનંદીત હતા. હવે તે ઉલ્લાસ ક્યાં ગયો? મને યાદ છે કે તમે મારી મદદ માટે શક્ય કંઈ પણ કરવા ઈચ્છતા હતા. જો તે શક્ય હોત તો તમે તમારા ચક્ષુઓ ખેંચી કાઢીને મને આપી દીધા હોત.
16 હવે જ્યારે હું તમને સત્ય કહું છું ત્યારે શું હું તમારો દુશ્મન છું?
17 તમને સમજાવવા તે લોકો ઘણો પરિશ્રમ કરે છે. પણ એ તમારા પોતાના ભલા માટે નથી. અમારી વિરુંદ્ધ જવા તે લોકો તમને સમજાવે છે. તેઓ માત્ર તેમને જ અને બીજા કોઈને નહિ અનુસરો તેવું ઈચ્છે છે.
18 લોકો તમારામાં રસ દાખવે તે સારું છે, જો તેમનો હેતુ શુદ્ધ હોય તો. આ હમેશા સાચું છે. આ હું તમારી સાથ હોઉં કે તમારાથી દૂર હોઉં, સાચું છે.
19 મારા નાનાં બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવાં નહિ બનો.
20 મારી ઈચ્છા છે કે અત્યારે હું તમારી સાથે હોઉં તે યોગ્ય છે. તો કદાચ હું તમારી સાથે હોઉ, અને મારી બોલવાની ઢબ બદલી શકું. અત્યારે મને ખબર નથી મારે તમારું શું કરવું.
21 તમારામાંના ઘણા હજુ પણ મૂસાના નિયમ નીચે રહેવા માંગે છે. મને કહો, તમને ખબર છે કે નિયમ શું કહે છે?
22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી.
23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો.
24 આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વતપર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે.
25 તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે.
26 પરંતુ સ્વર્ગીય યરૂશાલેમ જે ઉપર છે તે મુક્ત સ્ત્રી જેવું છે. આ આપણી માતા છે.
27 પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે:“સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર. તેં કદી જન્મ આપ્યો નથી. આનંદથી પોકાર અને હર્ષનાદ કર! પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી. સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.” યશાયા 54:1
28 ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો. જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે.
29
30 પરતું પવિત્રશાસ્ત્ર શું કહે છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક! મુક્ત સ્ત્રીનો પુત્ર તેના પિતા પાસે છે તે બધું જ મેળવશે. પરંતુ ગુલામ સ્ત્રીના પુત્રને કશું જ મળશે નહિ.
31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ.
પ્રકરણ 5

1 સ્વતંત્રતામાં જીવવા ખ્રિસ્તે આપણને મુક્ત બનાવ્યા. તેથી દઢ રહો, બદલાશો નહિ અને નિયમની ગુલામી તરફ પાછા ન વળશો.
2 સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી.
3 ફરીથી હું દરેક માણસને ચેતવું છું: જો તમે સુન્નતને આવકારી, તો તમારે બધા જ નિયમો અનુસરવા જોઈએ.
4 નિયમશાસ્ત્ર થકી જો તમે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરશો, તો ખ્રિસ્ત સાથેના તમારા જીવનનો અંત આવશે તમે દેવની કૃપાથી વિમુખ થયા છો.
5 પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે.
6 જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.
7 તમે સારી રીતે દોડી રહ્યા હતા. તમે સત્યથી આજ્ઞાંકિત હતા. તમને કોણે હવે વધુ લાંબા સમય માટે સત્યનો માર્ગ નહિ અનુસરવા સમજાવ્યા?
8 એ એક (દેવ) જેણે તમને પસંદ કર્યા છે તેના તરફથી તો તે સમજાવટ નથી જ આવી.
9 સાવધ રહેજો! “માત્ર થોડું ખમીર આખા લોદાને ફુલાવે છે.”
10 મને પ્રભુમાં વિશ્વાસ છે કે તમે તે જુદા વિચારોમાં માનશો નહિ. તે વિચારોથી કેટલાક લોકો તમને મુંઝવણમાં મૂકે છે. તે વ્યક્તિ જે કોઈ હશે તેને શિક્ષા થશે.
11 મારા ભાઈઓ અને બહેનો, લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ તેવો ઉપદેશ હું આપતો નથી. જો હું સુન્નતનો ઉપદેશ આપતો હોઉં તો મને શા માટે સતાવાય છે? જો હજુ પણ હું એવો ઉપદેશ આપતો હોઉં કે લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ, તો વધસ્તંભ માટેના મારા ઉપદેશ માટે કોઈ સમસ્યા નથી.
12 હું ઈચ્છું છું કે જે લોકો તમારી કનડગત કરે છે તેઓ સુન્નતની સાથે ખમીરનો પણ સમાવેશ કરશે.
13 મારા ભાઈઓ અને બહેનો, દેવ તમને મુક્ત થવા બોલાવે છે. પરંતુ તમારી સ્વતંત્રતાના બહાના હેઠળ એવી વસ્તુ ના કરશો જે તમારા પાપી સ્વભાવને પ્રફૂલ્લિત કરે. પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14 સમગ્ર નિયમ આ એક જ આજ્ઞામાં સમાવેશ થયો છે: “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.”
15 તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.
16 તો હું તમને કહું છું: આત્માને અનુસરીને જીવો. તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો.
17 આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો, તે વસ્તુ તમે કરતા નથી૤
18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.
19 આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત,
20 જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી,
21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી.
22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે.
24 જે લોકો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાં બધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે.
25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ.
26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ
પ્રકરણ 6

1 ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો.
2 તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.
3 જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે.
4 કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે.
5 દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.
6 જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.
7 ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.
8 જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે.
9 સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.
11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો.
12 કેટલાએક લોકો તમને સુન્નત માટે દબાણ કરે છે. તેઓ આમ કરે છે કે જેથી અન્ય લોકો તેઓને અપનાવે તે માણસોને ભય છે કે જો તેઓ માત્ર ખ્રિસ્તના વધસ્તંભને જ અનુસરશે તો તેઓ ઉપર જૂલમ ગુજારવામાં આવશે.
13 પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.
14 હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું.
15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે.
16 જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.
17 તેથી હવે વધુ તસ્દી ન પહોંચાડશો. મારા શરીર ઉપર ઘણા ઘાનાં ચિહનો છે. અને આ ધાના ચિહનો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું.
18 મારા ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.