1 થેસ્સલોનિકીઓને

1 2 3 4 5


પ્રકરણ 1

1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામા રહેતી મંડળી, તે મડંળી જોગ, દેવ બાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને કૃપા અને શાંતિ થાઓ.
2 જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ.
3 જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.
4 ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે.
5 અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા.
6 અને તમે અમારા જેવા અને પ્રભુ જેવા બન્યા. તમે ઘણું સહન કર્યુ, પરંતુ તમે આનંદપૂર્વક પ્રભુની વાત સ્વીકારી. પવિત્ર આત્માએ તમને તે આનંદ આપ્યો.
7 તમે મકદોનિયા અને અખાયામાં તમામ વિશ્વાસીઓ માટે નમૂનારૂપ બન્યા.
8 તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં પ્રભુની વાત ફેલાઈ અને દેવ પ્રતિ તમારો વિશ્વાસ સર્વત્ર પ્રગટ થયો છે. તેથી તમારા વિશ્વાસ વિષે અમારે કાંઈ કહેવાની જરુંર નથી.
9 અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે.
10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.
પ્રકરણ 2

1 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી.
2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો.
3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી.
4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે.
6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો.
8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા.
9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે.
11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું.
12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે.
14 ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો.
15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે.
16 હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.
17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા.
18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા.
19 તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે.
20 ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.
પ્રકરણ 3

1 અમે તમારા સુધી આવી શક્યા નહિ, પરંતુ થોડી વધારે પ્રતીક્ષા કરવી અમારાં માટે ખૂબ કઠિન હતું. તેથી અમે તિમોથીને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને અમે આથે સમાં એકલા રહેવાનું નક્કી કર્યુ, તિમોથી આપણો ભાઈ છે. તે દેવ સાથે ખ્રિસ્ત વિષેની સુવાર્તા લોકોને કહેવાનું કાર્ય કરે છે. અમે તિમોથીને તમારી પાસે તમારા વિશ્વાસમાં તમને દૃઢ કરવાને અને તમને ઉત્તેજન આપવાને મોકલ્યો.
2
3 અમે તિમોથીને મોકલ્યો જેથી તમારામાંનો કોઈ અત્યારે જે આપત્તિઓ છે, તેનાથી વિચલિત ન થાય. તમે પોતે પણ જાણો જ છો કે આપણા પર તો આવી મુશ્કેલીઓ આવશે જ.
4 જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને જણાવ્યું હતું કે, આપણે સહન કરવાનું થશે. અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું.
5 તેથી જ તિમોથીને મેં તમારી પાસે મોકલ્યો, જેથી કરીને તમારા વિશ્વાસ વિષે હું જાણી શકું. હું વધારે પ્રતીક્ષા કરી શકું તેમ ન હતો તેથી મેં તેને મોકલ્યો. મને ભય હતો કે તે એક (શેતાન) કે જે લોકોનું પરીક્ષણ કરે છે તેણે તમારું પણ પરીક્ષણ કર્યુ હોય, અને તમારો પરાજય કર્યો હોય. તેથી અમારો કઠોર પરિશ્રમ વેડફાઈ ગયો હતો.
6 પરંતુ તિમોથી તમારી પાસેથી અમારી પાસે પાછો આવ્યો. તેણે તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને જ્ણાવ્યા. તિમોથીએ અમને જ્ણાવ્યું કે તમે હમેશા સારી ભાવનાથી અમારું સ્મરણ કરો છો. તેણે અમને જ્ણાવ્યું કે તમે અમને મળવા અત્યંત આતુર છો. અને અમારી સાથે પણ તેમ જ છે, અમે પણ તમને મળવા અત્યંત ઈચ્છીએ છીએ.
7 તેથી ભાઈઓ અને બહેનો, તમારા વિષે જાણીને તમારા વિશ્વાસને કારણે અમને પ્રોત્સાહન મળ્યું છે. અમારે ઘણી મુશ્કેલીઓ અને પીડાઓ છે, છતાં પણ અમને સાંત્વન છે.
8 જો તમે પ્રભુમાં દ્રઢ છો તો આપણું જીવન ખરેખર ભરપૂર છે.
9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી.
10 દિવસ અને રાત્રે તમારા માટે અતિશય પ્રાર્થના કરી રહ્યાં છીએ. અમે પ્રાર્થી રહ્યાં છીએ કે તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરવા અમે ત્યાં આવી શકીએ, તમને પુનઃમળી શકીએ અને તમને આવશ્યક બધી જ વસ્તુઓ તમને પૂરી પાડી શકીએ.
11 અમે પ્રાર્થીએ છીએ કે દેવ આપણા બાપ અને આપણા પ્રભુ ઈસુ તમારા સુધી પહોંચવા માટેનો અમારો માર્ગ સરળ બનાવે.
12 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ તમારામાં પ્રેમને વિકસિત કરે. અમે પ્રાર્થીએ છીએ કે તે તમારામાં એકબીજા અને અન્ય લોકો માટે ઉત્તરોત્તર પ્રેમ વધારે. અમે પ્રાર્થીએ કે જેમ અમે તમને પ્રેમ કરીએ છીએ તેમ તમે બધા જ લોકોને પ્રેમ કરો.
13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો.
પ્રકરણ 4

1 ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ.
2 તમારે શું કરવું તે બાબતો જે અમે તમને કહેલી તે તમે જાણો છો, અમે તમને તે બાબતો પ્રભુ ઈસુના અધિકાર વડે જ્ણાવેલી છે.
3 દેવ ઈચ્છે છે કે, તમે પવિત્ર થાઓ. તમે વ્યભિચારથી દૂર રહો તમે તે ઈચ્છે છે.
4 તમારામાંની દરેક વ્યક્તિ શરીર પર નિયંત્રણ રાખવાનું શીખે તેમ દેવ ઈચ્છે છે. તમારા શરીરનો પવિત્રતામાં ઉપયોગ કરો કે જે દેવને સમ્માનિત કરે છે.
5 તમારા શરીરનો ભોગ વિલાસ માટે ઉપયોગ ન કરો. જે લોકો દેવને જાણતા નથી તે તેમના શરીરનો તેવો ઉપયોગ કરે છે.
6 તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે.
7 દેવે આપણને પવિત્ર થવા તેડયા છે. તે આપણે અશુદ્ધ જીવન જીવીએ તેમ ઈચ્છતો નથી.
8 એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.
9 ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો માટે પરસ્પર પ્રેમ રાખવા અંગે તમને કઈ લખવાની અમારે જરુંર નથી. દેવે તમને એકબીજાને પ્રેમ કરવા માટે બોધ આપ્યો જ છે.
10 સાચી રીતે સમગ્ર મકદોનિયાના બધા જ ભાઈઓ અને બહેનોને તમે પ્રેમ કરો છો. ભાઈઓ અને બહેનો, હવે તેઓને તમે વધુ પ્રેમ કરો માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.
11 શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો. તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો. તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે.
12 જો તમે આ બાબતો કરશો, તો જે લોકો વિશ્વાસીઓ નથી તે તમારી જીવનપદ્ધતિને માનની દષ્ટિથી જોશે. અને તમારે તમારી આવશ્યકતાઓ માટે બીજા પર આધારિત નહિ બનવું પડે.
13 ભાઈઓ અને બહેનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ વિષે તમે જાણો તેમ અમે ઈચ્છીએ છીએ. જેથી બીજા માણસો જેઓને આશા નથી અને ખેદ કરે છે તેમ તમે તેઓની જેમ ખેદ કરો એવું અમે ઈચ્છતા નથી.
14 અમે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યો. પરંતુ અમે એમ પણ વિશ્વાસ કરીએ છીએ કે તે પાછો ઊઠયો. જેઓ ઈસુમાં મરણ પામ્યા છે તેઓને દેવ ફરી ઈસુ સાથે લાવશે.
15 અત્યારે અમે જે તમને જણાવી રહ્યાં છીએ તે પ્રભુનો પોતાનો જ સંદેશ છે. અમે કે જે અત્યારે જીવિત છીએ તે પ્રભુનું પુનરાગમન થાય ત્યારે પણ જીવિત હોઈએ. અમે કે જે ત્યારે જીવિત હોઈશું તે પ્રભુની સાથે હોઈશું. પરંતુ જે લોકો ક્યારનાય મરણ પામ્યા છે તેઓના કરતા પહેલાં નહિ હોઈએ.
16 પ્રભુ પોતે ગર્જનાસહિત આકાશમાંથી ઉતરશે. પ્રમુખ દૂતનીવાણી અને દેવના રણશિંગડાના અવાજ સાથે આદેશ આપવામાં આવશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે.
17 ત્યાર પછી, આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ જેઓ મરણ પામ્યા હતા તેઓની સાથે ગગનમાં પ્રભુને મળવા સારું આપણને ગગનમાં ઊંછએ ઊઠાવાશે. અને આપણે હમેશ માટે પ્રભુની સાથે રહીશું.
18 તેથી આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.
પ્રકરણ 5

1 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી.
2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.
3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ.
5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી.
6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ.
7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે.
8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે.
10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી.
11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ.
13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો.
14 ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો.
15 એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.
16 સદા આનંદ કરો.
17 પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ.
18 દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે.
19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ.
20 પ્રબોધને કદાપિ બિનમહત્વપૂર્ણ ન ગણશો.
21 પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો.
22 અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 અમે પ્રાર્થીએ છીએ કે દેવ પોતે જ, શાંતિદાતા તમને પૂરા પવિત્ર કરો; અને તેને જ પૂર્ણ આધિન બનાવે. અમે પ્રાર્થીએ છીએ કે તમારી સંપૂર્ણ જાત-આત્મા, પ્રાણ અને શરીર-સુરક્ષિત અને નિર્દોષ બની રહે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય.
24 તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.
25 ભાઈઓ અને બહેનો, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો.
26 જ્યારે તમે મળો ત્યારે સર્વ ભાઈઓ અને બહેનોને પવિત્ર ચુંબન કરજો.
27 પ્રભુના અધિકાર વડે હું તમને કહું છુ કે આ પત્ર દરેક ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો.
28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.