1 પિતરનો પત્ર

1 2 3 4 5


પ્રકરણ 1

1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે.
2 દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો. તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે.
4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે.
6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે.
7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે.વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે.
9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે.
11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો.
14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો.
15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે.
16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.”40
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો.
18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ.
19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે.
20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે.
21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો.
23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે.
24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે. અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે. ઘાસ સુકાઈ જાય છે. અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” યશાયા 40:6-8અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
પ્રકરણ 2

1 તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો.
2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.
3 પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
4 પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો.
5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.
6 પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16
7 તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર- તે એક એવો પથ્થર છે: “જેને સ્થપતિઓએ અવગણ્યો છે. તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” ગીતશાસ્ત્ર 118:22
8 અવિશ્વાસીઓ માટે, તે છે: “તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે, એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” યશાયા 8:14 લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા. પરંતુ હવે તમે દેવની પ્રજા છો. ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી. પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.41
11 પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે.
12 તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
13 આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો.
14 રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે.
15 તેથી જ્યારે તમે સારું કરો ત્યારે તમારા વિષે મૂર્ખાઇ ભરેલી વાતો કરતા મૂર્ખ લોકોના મુખ તમે બંધ કરી દો. દેવ જે ઈચ્છે તે આ છે.
16 સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો.
17 દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.
18 ચાકરો, તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો. અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો. તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ.
19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે.
20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે.
21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ, અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” યશાયા 53:9
23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે.
24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં.
25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
પ્રકરણ 3

1 તે જ રીતે પત્નીઓએ પતિઓની સત્તાને સ્વીકારવી જોઈએ. તેથી જો તમારામાંના કેટલાએક પતિઓ દેવની સુવાર્તાને અનુસરવા ના પાડે, તો તેઓને અનુસરવા સમજાવી શકાય. તમારે કંઈજ કહેવાની જરુંર નથી. તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી સમજી શકશે.
2 દેવ પ્રત્યેના સન્માન સાથે તમે જે જીવન જીવો છો તે તમારા પતિઓ જોશે.
3 તમારો બાહ્ય શણગાર કલાત્મક રીતે ગુંથેલા કેશ, સોનાના ઘરેણાંનો કે સુંદર વસ્ત્રોનો એવો ના હોય.
4 ના! તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે.
5 ઘણા વખત પહેલા દેવને અનુસરનારી પવિત્ર નારીઓ સાથે પણ આમ જ હતું. એજ રીતે તેમણે તેઓની જાતને સુંદર બનાવી હતી અને તેમના પતિઓની સત્તાને તેમણે સ્વીકારી હતી.
6 હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો.
7 તે જ રીતે તમારે પતિઓએ પણ તમારી પત્નીઓ સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ. તમારી પત્નીઓ પ્રત્યે તમારે માન દર્શાવવું જોઈએ. તેઓ તમારા કરતાં નબળું પાત્ર છે. પરંતુ જે દેવના આશીર્વાદ તમને લભ્ય છે તે તેઓને પણ લભ્ય છે, અને એ કરૂણા પણ જે તમને સાચું જીવન બક્ષે છે. આમ કરો કે જેથી તમારી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય.
8 તેથી તમારે બધાએ ઐક્ય ભાવથી રહેવું જોઈએ. અને એક બીજાને સમજવાનો અને ભાઈની જેમ અકબીજાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દયાળુ અને વિનમ્ર બનો.
9 એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો.
10 પવિત્રશાસ્ત્ર કહે છે કે; “જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ, અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
11 તે વ્યક્તિએ દુષ્ટ કાર્ય કરવાં ન જોઈએ અને સત્કર્મ કરવાં જોઈએ; તેણે શાંતિની શોધ કરવી જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
12 પ્રભુની નજર સારા લોકો પર હોય છે, અને દેવ તેઓની પ્રાથૅનાઓ સાંભળે છે; પરંતુ દેવ દુષ્ટતા કરનારની વિરૂદ્ધ છે.” ગીતશાસ્ત્ર 34:12-16
13 જો તમે હંમેશા સત્કર્મને સમર્પિત હો તો કોઇ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહિ.
14 પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ.
15 પરંતુ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા હ્રદયમાં પવિત્ર માનો. તમારી આશા માટે સંદેહ કરે તેને પ્રત્યુત્તર આપવા હંમેશા તૈયાર રહો.
16 પરંતુ તમારો પ્રત્યુત્તર વિનમ્ર અને માનસહિત હોવો જોઈએ. તમે હંમેશા સારું કરો છો તેવી લાગણી અનુભવવા માટે સાર્મથ્યવાન બનો. તમે જ્યારે આમ કરશો ત્યારે, તમારા માટે ખરાબ બોલનાર લોકો શરમાશે. ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની તેઓ નિંદા કરે છે અને તેથી તમારા વિષે ખરાબ માટે તેઓ શરમાશે.
17 ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.
18 ખ્રિસ્ત પોતે તમારા માટે મરણ પામ્યો. અને મરણ તે તમારા પાપની એક ચૂકવણી હતી. તે ગુનેગાર નહોતો. પણ ગુનેગાર લોકો માટે તે મરણ પામ્યો. તમને બધાને દેવની નજીક લાવવા તેણે આમ કર્યુ તેનું શરીર મરણ પામ્યું, પરંતુ આત્મા દ્ધારા તે સજીવન થયો.
19 તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો.
20 તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા. જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા. તેઓ આઠ જણ હતા. તે લોકો પાણીથી બચાવી લેવાયા.
21 એ દષ્ટાત પ્રમાણે તે પાણી બાપ્તિસ્મા સમાન છે જે તમને અત્યારે બચાવે છે. બાપ્તિસ્મા એ શરીરનો મેલ દૂર કરવાની પ્રક્રિયા નથી. બાપ્તિસ્મા તો ઈશ્વર પાસે શુદ્ધ હ્રદય માટેની એક યાચના છે. તે તમને બચાવે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મૂએલામાંથી પુનરૂત્થાન પામ્યો હતો.
22 હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.
પ્રકરણ 4

1 જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે.
2 તમારી જાતને સુદ્દઢ બનાવો કે જેથી આ પૃથ્વી પર દેવ જેવું ઈચ્છે છે તેવું બાકીનું જીવન તમે જીવો અને નહિ કે લોકો ઈચ્છે છે તેવાં દુષ્ટ કાર્યો કરો.
3 ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.
4 તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે.
5 પરંતુ તે લોકોએ જે કર્યું છે તેનુ તેઓને સ્પષ્ટીકરણ કરવું પડશે. તેઓએ આ સ્પષ્ટીકરણ તે એક જીવતાંઓનો તથા મૂએલાઓનો ન્યાય કરવાને તૈયાર છે તેની આગળ કરવું પડશે.
6 જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે.
7 એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે.
8 વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે.
9 કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો.
10 તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો.
11 જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.
12 મારા મિત્રો, જે વેદનાઓ અત્યારે તમે સહી રહ્યા છો તેનાથી આશ્વર્ય ન પામશો. તે તો તમારા વિશ્વાસની કસોટી છે. એવું ના વિચારશો કે તમારા પ્રત્યે કશુંક નવું થઈ રહ્યું છે.
13 પરંતુ તમે ખ્રિસ્તની યાતનાના સહભાગી છો તે માટે તમારે આનંદ અનુભવવો જોઈએ. જ્યારે ખ્રિસ્ત તેનો મહિમા પ્રગટ કરશે ત્યારે તમે બહુ ઉલ્લાસથી ખૂબજ આનંદિત બનશો.
14 જ્યારે ખ્રિસ્તને અનુસરવાને કારણે લોકો તમારા વિષે ખરાબ બોલે છે, તો તમને ધન્ય છે, કારણ કે મહિમાનો આત્મા તમારી સાથે છે. તે આત્મા દેવનો છે.
15 ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા લોકોના કામમાં દખલ કરનારના જેવા ન થશો, આમ કરનાર વ્યક્તિ દુ:ખી થશે પરંતુ તમારામાંથી કોઇ દુ:ખી નહિ થાય.
16 પરંતુ ખ્રિસ્તી હોવાને લીધે તમે જો સહન કરો, તો તેનાથી શરમાશો નહિ. પરંતુ તે નામ (ખ્રિસ્તી) માટે તમારે દેવની સ્તુતિ કરવી જોઈએ.
17 કેમ કે ન્યાય માટેનો સમય આવી ગયો છે. તે ન્યાયની શરુંઆત દેવના કુટુંબ (મંડળી) થી થશે. ન્યાયની શરૂઆત આપણાથી થાય તો જેઓ દેવની સુવાર્તાના આજ્ઞાંકિત નથી તેઓનુ શું થશે?
18 “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી જે માણસ દેવની વિરૂદ્ધ છે અને જે પાપી છે તેનું શું થશે?” નીતિવચનો 11:31
19 માટે જે લોકો દેવની ઈચ્છા પ્રમાણે દુ:ખો સહન કરે છે તેઓ સાંરું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સુપ્રત કરે. દેવ એક છે જેણે તેઓને ઉત્પન્ન કર્યા છે, અને તેઓ તેનામાં વિશ્વાસ કરી શકે છે. તેથી તેઓએ સારા કામો કરવાનું ચાલું રાખવું જોઈએ.
પ્રકરણ 5

1 હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
2 દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા.
3 જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ.
4 પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
5 જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ. “દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે. પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” નીતિવચનો 3:34
6 તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે.
7 તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
8 તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે.
9 શેતાનનો વિરોધ કરો. અને તમારા વિશ્વાસમાં સુદઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઇઓ અને બહેનો ભોગવી રહ્યા છે.
10 હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે.
11 તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
12 સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા આ લખ્યું છે. મારે તમને કહેવું હતું કે આ તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.
13 બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે.
14 જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.